Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રિય પપ્પા : પંકજ ઉધાસ

પ્રિય પપ્પા : પંકજ ઉધાસ

16 June, 2019 12:50 PM IST |

પ્રિય પપ્પા : પંકજ ઉધાસ

પંકજ ઉધાસ અને તેમના પપ્પા કેશુભાઈ.

પંકજ ઉધાસ અને તેમના પપ્પા કેશુભાઈ.


પ્રિય પપ્પા,

તમને ક્યારેય પત્ર લખવાનું આવશે એવું ધાર્યું નહોતું, પણ આજે એ કામ પણ થઈ રહ્યું છે. મારા માટે આ પત્રનું મહત્વ અનેકગણું વધારે છે, કારણ કે આ પત્રમાં મને તમારી કેટલીક એવી વાતો કહેવી છે જે મેં અગાઉ તમને ક્યારેય નથી કહી. કહોને, એ વાત કહેવાનું ક્યારેય બન્યું નહીં અને બન્યું તો એ સમયે કહેવાનું સૂઝ્યું નહીં.



તમારું સ્થાન મારા માટે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ રહ્યું. તમે મારા માટે પ્રેરણાદાયી તો રહ્યા જ, પણ સાથોસાથ તમે મારા માટે આદર્શદાયી પણ રહ્યા.


કેશુભાઈ ઉધાસનો નાનો દીકરો.

જ્યારે પણ કોઈ પણ સગાંઓના મોઢે મેં આ શબ્દો સાંભળ્યા છે ત્યારે ત્યારે મારી છાતી ગર્વથી ફુલાઈ છે. એ સમય તો સંઘર્ષનો સમય હતો. નામ શું કહેવાય અને એ કેવી રીતે મોટું થાય એની કોઈ સમજદારી પણ હતી નહીં અને એ પછી પણ બસ, એ શબ્દો સાંભળીને ખુશી થતી. એવી જ ખુશી જેટલી ખુશી આજે જ્યારે આ બધી વાતો લખું છું ત્યારે થઈ રહી છે. અમે ત્રણ ભાઈઓ, ત્રણમાંથી એકેય ભાઈને તમારો ક્યારેય ભાર લાગ્યો નથી. ભાર પણ નથી લાગ્યો અને ડર પણ નથી લાગ્યો. તમને નહીં ગમતું કરીશું તો તમે ગુસ્સે થશો એવી બીક તો નાનપણમાં જ તમે કાઢી નાખી હતી.


એ દિવસો યાદ કરું છું ત્યારે વિચાર આવે છે કે તમે જે રીતે અમને મોટા કર્યા અને અમારામાં સમજદારી આપવાનું કામ કર્યું એ કામ તો અમારા કોઈથી પણ થયું નહીં હોય. સારા અને ખરાબનો ભેદભાવ સમજાવવો, સાચું શું કહેવાય અને ખોટું કોને કહેવાય એ વાત પ્રેમથી સમજાવવી અને એ સમજાવ્યા પછી પણ અમારે જે દિશામાં આગળ વધવું હોય એની છૂટ આપવી. આ હિંમતનું કામ હતું, જે કોઈ પિતા કરી ન શકે. ખાસ કરીને એ સમયમાં જે સમયમાં સંતાનોની વાત પણ સાંભળવામાં નહોતી આવતી અને તેમના પર પોતાના વિચારોને મૂકી દેવામાં આવતા હતા. એવા સમયે પણ તમે અમને આઝાદી આપી, અમે જે કંઈ કરવા માગતા હતા એ કરવાની સ્વતંત્રતા આપી એના માટે અમે જિંદગીભરના તમારા ઋણી રહેવાના છીએ.

પંદરેક વર્ષની ઉંમર હતી ત્યારે અમે ભાઈઓ અલગ-અલગ રૂમમાં જઈને રિયાઝ કરતા. તમે એવું દેખાડતા કે તમને એ બધામાં કોઈ રસ નથી. તમે તમારું કામ કરતા રહેતા, પણ જેવા અમે અમારા રિયાઝમાં તલ્લીન થઈએ કે તમે ધીમા પગલે અમારા રૂમ પાસે આવતા અને ધીમેકથી, કાન માંડીને અમારો રિયાઝ સાંભળતા. પપ્પા, મેં અનેક વખત તમને એ રીતે રિયાઝ સાંભળતા જોયા હતા. એક વખત તો તમે ધીમેકથી મમ્મીને કહ્યું પણ હતું, ‘તું જોજે, પંકજ ત્રણેયમાં આગળ નીકળી જશે. એ દિલથી ગાય છે...’

એ સમયે હું જે રીતે દિલ લગાવીને ગાતો એ જ રીતે આજે હું દિલ લગાવીને આ વાત કહી રહ્યો છું. દિલથી જ કહું છું કે તમે અમને માત્ર આગળ વધીને તમારું નામ રોશન કરવાની જ આઝાદી નહીં, પણ તમારી સામે લોકો ખીજ સાથે જુએ એવાં તોફાનો કરવાની આઝાદી પણ આપી હતી.

તોફાન તમે નહીં કરો તો કોણ કરશે...

આવું કહીને તમે અમારાં તોફાનો પર હસી લેતા અને હસી લીધા પછી તમે ધીમેકથી કહી પણ દેતા કે, આજે કર્યું છે એટલે જવા દઉં છું, પણ બીજી વાર જવા નહીં દઉં.

બીજી વાર પણ અમે એ જ તોફાન કરતા અને તમે ભૂતકાળ ભૂલીને ફરીથી એવું જ કહેતા. આજે કર્યું છે એટલે જવા દઉં છું, બીજી વાર નહીં જવા દઉં. તમારામાં આ જે ધીરજ હતી એ અદ્ભુત હતી. તમારી ધીરજ જેવી ધીરજ કેળવવાની કોશિશ બહુ કરીએ છીએ, પણ એ પછી પણ અમે એ બાબતમાં તમારા સ્તર સુધી પહોંચી નથી શક્યા એ પણ હકીકત છે અને આ હકીકતના કારણે જ આજે અમને સમજાય છે કે અમે ગમે એટલા આગળ વધીએ, પણ રહીશું તો તમારાથી પાછળ જ.

આ પણ વાંચો : પ્રિય પપ્પા - સિદ્ધાર્થ રાંદેરિયા

પપ્પા, તમારી કોઈ આદત એવી નહોતી કે જે અમને ન ગમી હોય. તમારા સ્વભાવની ખાસિયત, તમારી જેમ જ ધીમું અને મીઠું બોલવાની કળા, આંખોમાં આંખો પરોવીને વાતને સમજાવવાની મહારત અને બધી વાતમાંથી, બધી ઘટનામાંથી હકારાત્મકતા શોધી લેવાની તમારી આવડત. આ બધું અમે મેળવવાની કોશિશ કરી છે. ક્યાંક અમે એ મેળવી પણ શક્યા છીએ, પણ તમારી એક આદત અમારામાં ન આવે એની કાળજી પણ રાખી છે. સ્મોકિંગ. એ સમયે પણ તમને કહેતાં અને આજે આ લેટરમાં પણ તમને કહેવાનું મન થાય છે કે તમારી એ એક આદત અમને જરાય નહોતી ગમતી. આ જ ખરાબ આદતે ૬૭ વર્ષની ઉંમરે તમને અમારી પાસેથી છીનવી લીધા. આ ઉંમર જવાની ઉંમર નહોતી. હજુ તો તમારે તમારા દીકરાની બીજી અનેક સિદ્ધિઓ જોવાની હતી, એ સિદ્ધિ માટે ખુશ થવાનું હતું, પણ એ ખુશી માણ્યા વિના જ તમે એક્ઝિટ લઈ લીધી. આ એક્ઝિટે અમને એકલા પાડવાનું કામ કર્યું. એકલા પડવું ક્યારેય ગમતું નહોતું, પણ એ પછી પણ તમે હિંમત આપીને અમને સંઘર્ષ કરવા માટે એકલા પાડતાં અને કહેતા પણ ખરા, જો આગળ વધવું હશે તો એકલા ચાલતાં શીખવું પડશે. શીખી લીધું છે એકલાં ચાલતાં અને એ શીખ્યા પછી ક્યાંય પાછા પણ નથી પડ્યા, પણ એમ છતાં પણ એક હકીકત એ પણ છે, આ રીતે એકલા ચાલવું ગમતું નથી. તમે સાથે હોત તો આજે તમારો હાથ પકડીને ચાલવાની મજા નિરાળી હોત.

તમને સતત યાદ કરતો અને તમારી સતત યાદ સાથે રહેતો પંકજ.

પપ્પા વિશે થોડું

જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસના પપ્પા કેશુભાઈ ઉધાસ રાજકોટ પાસે આવેલા જેતપુર નજીકના ચરખડી નામના ગામના વતની હતા. કેશુભાઈ ઉધાસને સંગીત સાથે સીધો કોઈ સંબંધ નહોતો, પણ તે સારા તાનસેન હતા અને તેમની પાસે સંગીતની સમજણ સારી હતી. માત્ર ૬૭ વર્ષની ઉંમરે તેમનો દેહાંત થયો.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 12:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK