પ્રિય પપ્પા

Published: Jun 21, 2020, 21:19 IST | Hiten Aanandpara | Mumbai

માતા વિશે સર્વત્ર વિશેષ લખાયું છે. પિતા વિશે પ્રમાણમાં ઓછું સાહિત્ય પ્રાપ્ત છે

નાની મોટી સહુની ઇચ્છા પૂરી કરવા

ખુદની ખિસ્સાખર્ચી કરતા સરભર પપ્પા

મારા ચહેરામાં ચહેરો પોતાનો જોવા

છાનામાના નીરખી રહેતા પળભર પપ્પા

કિશોર બારોટના આ શેર સાથે ફાધર્સ ડે નિમિત્તે સ્મરણોની કુંજગલીમાં પ્રવેશીએ. માતા વિશે સર્વત્ર વિશેષ લખાયું છે. પિતા વિશે પ્રમાણમાં ઓછું સાહિત્ય પ્રાપ્ત છે. બન્નેની સરખામણી કરવાનો આશય પણ નથી અને અર્થ પણ નથી, કારણ કે બન્નેની ફરજો એકમેકને પૂરક થવા સર્જાયેલી છે. આજે વિવિધ વ્યક્તિઓએ પોતાના પિતા વિશે લખેલી સંવેદનાનો અભિષેક કરીએ. મકરંદ દવેના પિતા સ્વામીનારાયણના ભક્ત. તેમણે પોતાના અવસાન સમયે મકરંદ દવેને કહ્યું, હું અકિંચન બ્રાહ્મણ છું. મારી પાસે કશું નથી. હું તને ત્રણ વસ્તુ આપું છું: જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. જીવની જેમ સાચવજે. ગુમાવીશ નહીં. તેમના છેલ્લા શબ્દો હતાઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ! મકરંદ દવેના શેરમાં એક ચિરંજીવ છબી ઊભરે છે...  

મારા જીવનની વાત કરું બે જ બોલમાં

હું જીવતો રહ્યો છું, જગતમાં નથી રહ્યો

પિતાની તસવીર દીવાલ પરની ફ્રેમમાં તો જડાય છે, પણ હૃદયમાં એવી ઊંડી જડાય કે મૂળસોતી મમતા પાથરતી રહે. પિતાની પુણ્યતિથિએ આપણી આંખમાં ઊભરાઈ આવતાં આંસુ ગંગાજળ જેટલાં પવિત્ર બની જાય. શબાના આઝમી પિતા કૈફી આઝમી વિશે લખે છેઃ દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમની કથની અને કરણીમાં અંતર નથી હોતું. અબ્બા એક એવા ઇન્સાન હતા. આપણે ઉંમરમાં ગમે એટલા મોટા થઈએ છતાં પ્રશાંત સોમાણી કહે છે એવી ખેવના અકબંધ રહેવાની...

હજુય એવો પ્રસંગ એકાદ ઝંખું છું

મુખે દે કોળિયો એ હાથ ઝંખું છું

ઉદાસીમાં મને દેખી પૂછે પપ્પા

થયું શું બોલ? એ સંવાદ ઝંખું છું

પિતાની આબાદ છબિ ઝીલતાં વીનેશ અંતાણી લખે છેઃ કોઈ પણ વ્યક્તિની વય જેવડી તેમની વય. બાળકો સાથે હોય ત્યારે બાળક લાગે, યુવાનો સાથે હોય ત્યારે યુવાનની જેમ વર્તે અને વયસ્કોની વચ્ચે વયસ્ક દેખાય. હંમેશાં ઊજળાં સફેદ કપડાં પહેરે, ધોતિયું; ઝભ્ભો અને સફેદ ટોપી. પગમાં કાળી પૉલિશથી ચમકતાં જોડાં. ઊંચાઈ પ્રમાણમાં ઓછી પણ ટટ્ટાર ચાલે. દરેક પગલામાં સ્વસ્થતા. દરેક વળાંક વખતે પાર કરી ચૂકેલા રસ્તાની સભાનતા અને બાકી રહેલા માર્ગ વિશેની સમજ. જિતેન્દ્ર પ્રજાપતિના શેરમાં વણાયેલા ભાવ શાતા અને પીડા બન્નેનો અનુભવ કરાવશે...

અડીખમ થઈને જીવન જીવતા જોયા પિતા

પરિસ્થિતિ કને ક્યારેય ના રોયા પિતા

સહી દુઃખની પળોને કાયમી હસતા મુખે

કરુણતા છે, ખુશી આવી અને ખોયા પિતા

આમ તો બધાએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું જ હોય છે. છતાં જનારની એક છાપ તેના સંતાનમાં વર્તાતી રહે. લાભશંકર ઠાકર પોતાના પિતાના અવાજને આવરતાં લખે છેઃ આકાશવાણી પર પહેલી વાર મેં કાવ્યપઠન કરેલું. અગાઉથી રેકૉર્ડિંગ થયેલું. મારા જ અવાજનું, બંધ અધરોષ્ઠ સાથે મેં શ્રવણ કર્યું. રેડિયોમાંથી મારો જ અવાજ આવે છે? કે...કે બાપાનો અવાજ છે? મારા અવાજમાં મેં ઘણી વાર બાપાનો અવાજ સાંભળ્યો છે. અરે ક્યારેક રિક્ષામાં પાછળ બેસું છું. રિક્ષા ચાલે છે. રિક્ષાવાળાની પાસે રિક્ષામાં નાનું દર્પણ સ્થિર ગોઠવાયેલું છે. પાછળ બેઠો-બેઠો ક્યારેક દર્પણમાં જોઉં છું. એ દર્પણમાં સૂજેલાં પોપચાંવાળી આંખો દેખાય છે, ગાલ દેખાય છે. કોની આંખો છે? કોના ગાલ છે? બાપાના?

મોભ ઉપર છો દેશી નળિયાં

મોટાં રાખ્યાં ઘરનાં ફળિયાં

અમને પગભર કરવા માટે

બાપુ ઘસતાં પગનાં તળિયાં

રાજેશ હિંગુની આ પંક્તિઓમાં મધ્યમવર્ગનો અનુભવ સમાયેલો છે. કેટલી વીસે સો થાય એની ખબર નહોતી પડતી એ ઉંમરમાં પપ્પાએ કેવી રીતે સાચવ્યા હતા એને યાદ કરીએ તો ઝળઝળિયાંનું પૂર આવે. કરડાકીભર્યા ચહેરાની પાછળનો પ્રેમ એ સમયે આપણને દેખાતો નહોતો. દેખાતો થયો પછી સમજાતો નહોતો. સમજાતો થયો ત્યારે પપ્પા આપણી વચ્ચે નહોતા. જગદીશ જોષીની ખિન્ન કરે એવી પંક્તિ છેઃ મારામાં પોતે જીવંત રહેવાની ઇચ્છા રાખનારા મારા પિતાને કેમ કહી શકું કે હું તો તેમનામાં જ મૃત્યુ પામ્યો છું. ગની દહીંવાલાનું નિરીક્ષણ અલૌકિક લાગે છે...

ગની મોટા થવાનો મોહ છોડો

પિતા સહુ, કોકની ઓલાદમાં છે

સંતાનના ઘડતરમાં માતાનો અને વિકાસમાં પિતાનો ફાળો મહત્ત્વનો હોય છે. મુકેશ અંબાણી અમેરિકાથી ભણીને પાછા ભારત આવ્યા ત્યારે ધંધામાં પલોટતી વખતે ધીરુભાઈ અંબાણીએ તેમને સલાહ આપી હતીઃ એક વાર કર્તવ્યકર્મ નક્કી થયું પછી એ ગમે એટલું અઘરું કે અશક્ય લાગતું હોય તોપણ એમાંથી પીછેહઠ કરવી નહીં, એને વળગી જ રહેવું. પછી જોજો, તમારા હાથે અશક્ય પણ શક્ય બની જશે.

ક્યા બાત હૈ!

પપ્પાનું ગીત

પપ્પાની આંખોમાં નર્યો અજવાસ

મમ્મીએ આપ્યા છે શ્વાસ,

તો પપ્પા એ આપી છે ‘હાશ’!

 

મમ્મી જો ઊંચકે છે ગોદમાં

તો પપ્પા દઈ આંગળી ચલાવે

મમ્મી ઝુલાવે ઝૂલે પણ

પપ્પા તો સાઇકલ લઈ આવે!

મમ્મી પહેરાવે જો પાંખ

તો પપ્પા જઈ ખોલે આકાશ

 

મમ્મી ગણાવે દાખલાઓ મૅથ્સના

ને પપ્પા ગણિત જિંદગીનું

મમ્મી લંચબૉક્સમાં લાગણીઓ ઠાલવે

તો પપ્પા રાખે છે ધ્યાન ફીનું!

મમ્મીના ખોળામાં છલકે છે પ્રેમ

તો પપ્પાના ખભ્ભે મોકળાશ!

 

કાળજાના કટકાને કઠણ થઈ

શીખવાડે દુનિયાની રીત

અંદરથી પોચી ને બહારથી કડક

એવી શ્રીફળ શી પપ્પાની પ્રીત

પોતે બળીને ચૂપચાપ રોજ

આપે છે ઘરને પ્રકાશ!

- ડૉ. મનોજ જોશી ‘મન’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK