યક્ષપ્રશ્ન : સ્ત્રી જો પુરુષસમોવડી તો પુરુષ શું કામ સ્ત્રીસમોવડિયો નહીં?

Published: Oct 03, 2019, 15:37 IST | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા | મુંબઈ

ઘરના કામમાં મદદ કરાવવી એ આપણે ત્યાં પુરુષોને શરમજનક લાગે છે. મુંબઈ જેવા શહેરમાં પણ આજે આ જોવા મળે છે, હું માનું છું કે આની પાછળ જો કોઈ જવાબદાર હોય, જો કોઈનો વાંક હોય તો એ દીકરાની માનો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં હું એક કુકિંગ રિયલિટી શોમાં ગઈ હતી. એમાં મા-દીકરીને જોડીએ સાથે પર્ફોર્મ કરવાનું હતું. એ શોમાં મારી દીકરીએ રસોઈ કરી, જે બધાને બહુ ભાવી એટલે શો પૂરો થયા પછી બધાએ મારી દીકરીને કહ્યું, વાહ, તું તો હવે કમ્પ્લીટ વુમન થઈ ગઈ.

આ કૉમ્પ્લીમેન્ટ્સનું કારણ શું? એક જ કે હવે તેને બરાબર રસોઈ બનાવતાં આવડી ગઈ. એ સમયે અપાયેલાં કૉમ્પ્લીમેન્ટ્સ નૅચરલી મને ખુશ કરે, પણ એમ છતાં મારા મનમાં એકસાથે અનેક વિચારો આવી ગયા હતા, જે આજ સુધી મારા મનમાં અકબંધ રહ્યા છે. આપણે ત્યાં આ એક શિરસ્તો છે. કોઈ પણ છોકરીનાં લગ્ન થાય તો લોકો કહે હવે તું કમ્પ્લીટ થઈ ગઈ. એક સ્ત્રી મા બને ત્યારે કહે કે હવે તું કમ્પ્લીટ થઈ ગઈ. પર્ફેક્ટ રસોઈ બનાવે તો કહેવામાં આવે કે તું કમ્પ્લીટ થઈ ગઈ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે એક કમ્પ્લીટ નારીની વ્યાખ્યા આ જ છે? તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે પુરુષોને તો આવું નથી કહેવાતું. પુરુષો લગ્ન કરે ત્યારે કે પછી તે પિતા બન્યો ત્યારે કે પછી પહેલી કમાણી લઈને ઘરમાં આવ્યો હોય ત્યારે તો એવું કોઈએ કહ્યું નહીં કે હવે તું પૂર્ણ પુરુષ બની ગયો?

મહિલાઓનાં પોતાનાં ભણતર, અચીવમેન્ટ્સ કે પછી તેણે કરેલાં બીજાં કામની કોઈ કિંમત નહીં, તેનું પોતાનું અસ્તિત્વ નહીં? પપ્પાની દીકરી, પતિની પત્ની, દીકરીની મા, સાસુની વહુ બનો તો જ તે એક પૂર્ણ સ્ત્રી કહેવાય? તમે જુઓ તો ખરા કે આજે જો ઘરમાં કોઈ મલ્ટિટાસ્કર હોય તો એે માત્ર ને માત્ર મહિલા છે. તે પોતાના કુટુંબને સંભાળે છે, સાથોસાથ બહાર અને ઘરનાં કામ પણ કરે છે, ફૅમિલીના દરેક મેમ્બરની જરૂરિયાત અને તેમની પસંદ-નાપસંદનું ધ્યાન રાખે. મુંબઈ જેવા શહેરમાં રહેતી હોય તો પ્રયત્ન પણ કરે અને નાનું-મોટું કોઈ કામ પણ કરે. એક સ્ત્રીની પૂર્ણતાની આનાથી મોટી બીજી કઈ વ્યાખ્યા હોય. શું આટલું પૂરતું નથી?

જે મહિલા એક હોમમેકર હોય છે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હોય છે કે તારે (ઘરમાં) કામ શું હોય છે, તું તો આખો દિવસ ફ્રી જ હોય છે. આવું કહ્યા પછી ઘણી મહિલાઓએ તો સાંભળવું પણ પડે કે બહાર કેટલાં કામ હોય છે અને કેટલા લોકોને અમારે (એટલે કે પુરુષોએ) હૅન્ડલ કરવાના હોય છે. બહાર કામ કરતી ઘરની મહિલાસભ્યો હોય તો તેને વારંવાર કહેવામાં આવે કે બહાર કામ કરવાની જરૂર શું છે, તારા પૈસાથી ઘર થોડું ચાલે છે, અમારે પૈસાની જરૂર નથી અને એ સિવાયનું પણ અઢળક સંભળાવવામાં આવે છે.

મહિલાઓના મલ્ટિટાસ્કિંગ ક્વૉલિટીને એક વખત જોશો તો તમને પણ સમજાશે કે એની ક્વૉલિટી કયા સ્તરની હોય છે અને એમ છતાં તે ક્યારેય પોતાની એ ગુણવત્તાને દેખાડવાનું કામ નથી કરતી. તમે જ જુઓ, પતિ ટૂર પર જતો હશે તો વાઇફ તેની એકેક વસ્તુ યાદ રાખીને મૂકશે. એટલી ઝીણવટથી તે પોતાનું કામ કરશે કે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય. ધારો કે તેણે પોતાને બહાર જવાનું હોય તો તે પોતે નાનામાં નાની અને ઝીણવટભરી વાતોને ધ્યાનમાં રાખીને દૂધવાળાને ના પાડવાથી લઈને પેપરવાળાને પણ ના પાડવાનું અને સ્કૂલ-બસવાળાને પણ ના પાડવાનું કામ યાદ રાખીને કરી લેશે. ફ્રિજ બંધ કરવાનું પણ નહીં ભુલાય અને જો બાળક સાથે આવવાનું હોય તો તેને માટેની પણ નાનામાં નાની ચીજ-વસ્તુઓ તે લઈ લેશે. પુરુષોને આ વાત નાની લાગશે, કારણ કે તેને મન આ બધી વાતોની કોઈ કિંમત નથી, પણ હકીકત એ છે કે આ બધી નાની-નાની વાતોથી જ ઘર બનતું હોય છે, બાકી એ ઘર-મકાનથી વિશેષ કંઈ નથી હોતું. હું જ્યારે કોઈ પુરુષને ઘરનું નાનું-નાનું કામ કરતી જોઉં કે પછી પોતાની જમેલી પ્લેટ પણ જાતે ઉપાડતો જોઉં ત્યારે મને તેની વાઇફ માટે ખરેખર સુખદ લાગણી થાય.

હું માનું છું અને દૃઢપણે માનું છું કે પુરુષોને ઘરનાં બધાં કામ આવડવાં જ જોઈએ. હું તો કહીશ કે રસોઈ, ઍટ લીસ્ટ સાદી રસોઈ એટલે કે રોટલી-શાક કે ખીચડી જેવી નૉર્મલ અને ઇમર્જન્સીમાં કામચલાઉ કહેવાય એટલું બનાવતાં બધાને આવડવું જ જોઈએ. એમાં કોઈ મોટી વાત નથી અને એમાં કોઈ નાનપની વાત પણ નથી. પોતે ભૂખ્યા ન રહે કે પછી સાથે જોડાયેલી વ્યક્તિને સમયસર જમવાનું મળે એ માટે બેઝિક ખાવાનું બનાવતાં આવડતું હોય તો એ ગર્વ કરવા જેવી વાત છે. ઘણી વાર લોકો એવું સાંભળીને હસે કે આજે મને મારા હસબન્ડે ચા બનાવીને પીવડાવી. આનાથી ઊલટું પણ સાંભળીએ. આપણે એવું પણ સાંભળીએ કે મારા હસબન્ડને ચા બનાવતાં પણ નથી આવડતી.

આ બન્ને વાત શરમજનક છે. જો હસબન્ડ ચા બનાવીને પીવડાવે તો એ હાસ્યાસ્પદ ઘટના નથી અને જો હસબન્ડને ચા બનાવતાં ન આવડે એવું વાઇફે બોલવું પડે તો એ કોઈ ગર્વ લેવા જેવી વાત નથી જ નથી. એક મહિલા જો પુરુષસમોવડી બની શકે તો પછી એક પુરુષ શું કામ મહિલાસમોવડિયો ન બની શકે. એમાં નાનપ શાની હોવી જોઈએ? માત્ર થોડી મદદ અને દરેક કામમાં સાથ આપીને એક વખત કદમ મિલાવી જુઓ. સારું લાગશે, મજા આવશે અને સાચા અર્થમાં એકબીજાના સાથી હો એવી લાગણી થશે.

એક નવી વિચારધારા હવે સમાજમાં પ્રવર્તે છે ત્યારે આપણે સૌએ સમજવું જરૂરી છે કે હવે એકબીજાને સાથ આપીને, એકબીજા સાથે કદમ મિલાવીને ચાલવામાં સાર છે. પુરુષ કશું કરે નહીં એવી જે માનસિકતા છે એ માનસિકતા કાઢવી પડશે. હવે ફિલ્મો નથી જોવાતી, ફિલ્મોને બદલે વેબ-સ‌િરીઝ વધારે જોવાય છે. હવે કોઈ ટીવી જોવા રાજી નથી, ફિલ્મો પણ આઉટડેટેડ થઈ ગઈ છે અને આપણે વેબ-સ‌િરીઝ સ્વીકારી લીધી છે. એવા સમયે પણ આપણે સોસાયટીની આવશ્યકતા મુજબ ચેન્જ થવા રાજી નથી. જો તમે બદલાશો તો સોસાયટી બદલાશે. જો તમે નવું સ્વીકારશો તો એક દિવસ એવો આવશે કે સોસાયટીને, સમાજને એની આદત પડશે અને સમાજની માનસિકતા બદલાશે.

પુરુષ ઘરમાં કશું કરે નહીં એ જૂની માનસિકતા છે અને આ જૂની માનસિકતા બદલાય એની જવાબદારી મહિલાઓ પર વધારે છે. ક્યાંક ને ક્યાંક એની જ ભૂલ છે કે તેણે દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખ્યો અને એ જ ભેદ વચ્ચે તેણે એવા સંસ્કાર આપ્યા. હું એમ કહેવા નથી માગતી કે દીકરાને ખોટા સંસ્કાર આપવામાં આવે છે, પણ જો તમે એવું સમજ્યા હો કે દીકરાઓને તેની માએ ઓછા સંસ્કાર આપ્યા, ઘરનાં કામ ન શીખવીને તેની સાથે ખોટું કર્યું તો તમે સાચું સમજી રહ્યા છો.

આ પણ વાંચો : નવરાત્રિ અને નવદુર્ગા :નવરાત્રિએ એટલું નક્કી કરો કે દીકરીઓને દુખી નહીં કરીએ

આપણે આપણા દીકરાને પણ એ બધું જ શીખવવું જોઈએ જે દીકરીને શીખવીએ છીએ. સમાજ તો જ બદલાશે જો તમે તમારા દીકરાને એવી રીતે તૈયાર કરો જેથી તમારા ઘરમાં આવનારી વહુ પોતાની સાસુનો આભાર માને. જો એવું થશે તો આવનારી વહુને સાસુ પ્રત્યે માન પણ થશે અને એ પણ સાસુનું એટલું જ સન્માન કરશે જેટલું સન્માન તેનો દીકરો કરતો હશે કે પછી એ ઇચ્છતો હશે કે તેની વાઇફ તેનાથી વધારે માન આપે. હું જ્યારે પણ કોઈ ઘરમાં વાઇફને બેઠેલી અને તેના હસબન્ડને પાણી આપતી જોઉં છું ત્યારે મને નવો અને એક ઉત્કૃષ્ટ સમાજ નજરે પડે છે. આજે પણ એવાં કપલ મુંબઈમાં છે જ અને એ કપલનો હું જાહેરમાં આભાર માનવા પણ તૈયાર છું. સૅલ્યુટ છે એ કપલને, જે જેન્ડર મુજબ કામને જોતાં નથી. સૅલ્યુટ છે એ હસબન્ડને, જે સ્ત્રીસમોવડિયા બનીને વાઇફના પડખે ખભાથી ખભો મિલાવીને ઊભા રહે છે. સૅલ્યુટ છે એ હસબન્ડને, જેને આ પ્રકારનું સ્ત્રીસમોવડિયાપણું લાવવામાં શરમ નહીં, પણ ગર્વની લાગણી થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK