Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું ખરેખર ઉંમરની સાથે પ્રેમ પણ વધે?

શું ખરેખર ઉંમરની સાથે પ્રેમ પણ વધે?

09 March, 2020 05:30 PM IST | Mumbai Desk
falguni jadiya bhatt

શું ખરેખર ઉંમરની સાથે પ્રેમ પણ વધે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આમ તો કોઈ બીજાની વાત છુપાઈ-છુપાઈને સાંભળવી અવગુણ કહેવાય, પરંતુ મનુષ્ય જેનું નામ, તેને બીજાની વાતોમાં સહજ જ વધારે રસ પડે છે. તાજેતરમાં મારી સાથે પણ આવું બન્યું. બે બહેનપણીઓ બેસીને પોતાની લવ લાઇફની વાતો કરી રહી હતી. જાત પર કાબૂ રાખવાના મારા બહુ પ્રયત્નો છતાં કાન અનાયાસે જ તેમની વાત સાંભળવા આતુર બની ધ્યાન ત્યાં ખેંચી જતા હતા. બેમાંની એક બોલી, મારો બૉયફ્રેન્ડ કાલે ચાર દિવસ માટે બહારગામ જઈ રહ્યો છે. તે જઈ રહ્યો છે તો મને એટલું સારું લાગી રહ્યું છે કે ન પૂછો વાત. મનમાં જાણે હાશકારાની લાગણી થઈ રહી છે. તેની આ વાત સાંભળી પહેલી ફ્રેન્ડ બોલી, તારો બૉયફ્રેન્ડ બહારગામ જઈ રહ્યો છે ને તને સારું લાગી રહ્યું છે? આવું કેમ? મોટા ભાગે લોકોને આનાથી ઊંધું થાય. આ વાતનો જવાબ આપતાં પેલી બોલી, ‘હવે શું કહું? અમે બન્ને એકબીજાને છેલ્લાં ૧૨ વર્ષોથી ઓળખીએ છીએ. એમાંથી ૯ વર્ષથી તો અમારો અફેર ચાલે છે. અરે, આવતા નવેમ્બરમાં તો લગ્ન થવાનાં છે. હવે એકબીજા સાથે રહી-રહીને ક્યારેક તો એવું લાગે કે ભૈ, થાકી ગયાં. થોડા દિવસ રેઢાં મૂકે તો સારું. મને તો એ જ સમજાતું નથી કે લોકો આખું જીવન એકબીજા સાથે કેવી રીતે કાઢી નાખતા હશે? રોજ સવાર પડે ને એનું એ જ મોઢું જોવાનું, એની એ જ વ્યક્તિ સાથે પનારો પાડવાનો. તેથી આ વખતે તો તે બહારગામ જઈ રહ્યો છે તો થોડો બ્રેક મળશે એવું લાગે છે. તેની આ વાત સાંભળી તેની બહેનપણી તો હસી પડી, પરંતુ મારું મન વિચારે ચડી ગયું.

આ આજકાલની જનરેશન પ્રેમને શું સમજે છે? તેઓ પોતાના હવાઈ કિલ્લામાં જ એટલી મશગૂલ છે કે તેમનાં સ્વપ્નોની દુનિયાથી બહાર આવવા જ માગતી નથી. તેમનાં ખ્વાબો એટલાં ઊંચાં છે અને જરૂરિયાતો એટલી ચોક્કસ છે કે તેમનું ચાલે તો તેઓ પોતાના માટે જ કસ્ટમાઇઝ્ડ લાઇફ-પાર્ટનર તૈયાર કરાવે. કદાચ તેમને ખબર નથી કે પ્રેમ તો દૂધ જેવો છે. જેમ દૂધને ગરમ કરવા મૂકો એટલે પહેલાં એમાં ઊભરો આવે છે, પરંતુ હજી વધુ ગરમ થવા દો તો એ ઊકળતું-ઊકળતું વધુ જાડું અને સ્વાદિષ્ટ બનતું જાય એવી જ રીતે પ્રેમના શરૂઆતી તબક્કામાં પણ આકર્ષણ અને ઉન્માદનો ઊભરો આવે, પરંતુ એક વાર એ ઊભરો શમી જાય પછી જ એમાં સમજદારી અને ઊંડાણનું તત્ત્વ ભળે છે અને એનો સાચો આસ્વાદ માણવા મળે છે.



બધા જ જાણે છે કે પ્રેમ દુનિયાની સૌથી સુંદરતમ લાગણી છે. કોઈના પ્રેમમાં પડતાં જ આપણી આખી દુનિયા બદલાઈ જાય. આપણું રોજિંદું જીવન પણ ચારે બાજુ રૂનાં પૂમડાં જેવાં વાદળો મૂક્યાં હોય એમ વધુ સુંવાળું લાગવા માંડે. વિચારોના તંરગો તો ઊડીને સાતમા આસમાને જ પહોંચી જાય. ચાલો તોય જાણે પગલાં જમીનથી બે વેંત ઉપર પડતાં હોય એવી લાગણી થયા વિના ન રહે, પરંતુ આ બધું લાંબો સમય ચાલે નહીં. જેવા બન્ને પક્ષ પોતાનું શ્રેષ્ઠતમ રજૂ કરવાનું બંધ કરી સામાન્ય માણસોની જેમ વર્તવાનું શરૂ કરી દે કે વાસ્તવિકતાનો સાપ ફેણ ધારીને જીભ લપકારવા માંડે. ધીરે-ધીરે એકબીજાની ખામીઓ દેખાવા માંડે. થોડો વધુ સમય પસાર થતાં એ ખામીઓ ખામીઓ નહીં પણ અવગુણ છે એનો ખ્યાલ આવવા માંડે. પછી એ અવગુણને સુધારવાની ઝુંબેશ શરૂ થાય, જેને પગલે સંબંધમાં સંઘર્ષ આવે અને ધીરે-ધીરે એ સંઘર્ષ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરવા માંડે. લગ્ન પહેલાંનાં હોય કે લગ્ન પછીનાં, મોટા ભાગનાં પ્રેમ પ્રકરણો અહીં આવીને પૂરાં થઈ જતાં હોય છે. અલબત્ત, જે સંબંધ આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પણ ટકી રહે છે એ જ ખરા અર્થમાં પ્રેમનો પદાર્થ પામે છે.


કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ આપણને સમજાય કે પ્રેમ એકબીજાનું અસ્તિત્વ એકમેકમાં ઓગાળી નાખવામાં નહીં, પરંતુ બન્ને જેવા છે તેવા જ તેમનો સ્વીકાર કરવામાં તથા એકબીજાની સાથે રહી એકબીજાના સહયોગમાં પોતાનો સ્વતંત્ર વિકાસ કરવામાં રહેલો છે. દુનિયાભરમાં થયેલાં સંશોધનો પણ કહે છે કે લગ્નજીવનની ખરી મજા એના શરૂઆતી તબક્કામાં કરતાં પણ મોટી ઉંમરે વધુ માણવા મળે છે, જ્યારે વચ્ચેનાં વર્ષો તો ઉતાર-ચઢાવનાં વર્ષો હોય છે જ્યારે પતિપત્ની પોતપોતાની કારકિર્દીમાં સંઘર્ષની સાથે એક બાજુ જ્યાં બાળકોને સારો ઉછેર આપવા મથી રહ્યાં હોય છે ત્યાં જ બીજી બાજુ ઘરડાં માબાપને સંભાળવાની જવાબદારી પણ નિભાવી રહ્યાં હોય છે. આ સાથે અન્ય આર્થિક અને સામાજિક જવાબદારીઓ તો ખરી જ. જેમ- જેમ આ ફરજોનું પ્રમાણ ઘટતું જાય છે તેમ-તેમ બન્નેને પોતાની જાત પર તથા એકમેક પર ફરી પાછું ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મળતો જાય છે, જેને પગલે જૂનો રોમૅન્સ ફરી પાછો તરોતાજા બની છલકાવા માંડે છે.

અલબત્ત, આ વખતે એમાં ઉંમરનો તકાજો તથા જીવનના અનુભવોનો રંગ ભળે છે. સંજોગો તથા જીવનભર સાચવેલા વિવિધ સંબંધોએ બન્નેમાં ધૈર્ય અને ઉદારતાના ગુણો વિકસાવ્યા હોય છે. વાલીઓ તરીકે પોતાનાં સંતાનો માટેના પ્રેમે તેમને પોતાની અંદર કોઈને લખલૂટ પ્રેમ કરવાની તાકાતથી પરિચિત કરાવ્યા હોય છે. ઉપરાંત સમયની સાથે ઊંડામાં ઊંડા ઘા પણ રુઝાઈ જતા હોય છે અને જીવન આગળ વધતું જ રહે છે એ સમજ પણ તેમનામાં વિકસી ચૂકી હોય છે.


અહીં વર્ષો પહેલાં મારાં એક ભાભીએ પોતાનો અંગત અનુભવ વર્ણવતાં જે કહ્યું હતું એ યાદ આવે છે. તેમનું કહેવું હતું કે હવે જ્યારે બન્ને દીકરાઓ કૉલેજનો અભ્યાસ પૂરો કરી વિદેશ જતા રહ્યા છે અને જવાબદારીઓનો ભાર હળવો થઈ ગયો છે ત્યારે હવે હું તેમના પ્રત્યે પહેલાં જેવું જ આકર્ષણ અનુભવી રહી છું. છેલ્લા કેટલાય મહિનાઓથી જોઉં છું કે તેમના આવવાનો સમય થાય એટલે મન તેમને જોવા વિહવળ થવા લાગે છે. રોજ શું ભોજન બનાવું તો તેમને ખાવાની મજા આવી જાય એના વિચાર આવ્યા કરે છે. રાત પડ્યે માત્ર તેમનો હાથ પકડીને સૂવામાં જ આખા દિવસનો થાક ઊતરી જાય છે. હવે અમારી વચ્ચે શબ્દોથી બહુ વાતચીત થતી નથી. માત્ર આંખો અને મૌનની ભાષાથી જ કામ પતી જાય છે. ખરું પૂછો તો સગાઈ પછી અને લગ્નના શરૂઆતના વર્ષોના આકર્ષણ કરતાં પણ મને અમારા પરિપક્વ પ્રેમના આ તબક્કામાં વધુ આનંદ અને સંતોષ મળી રહ્યા છે. હવે કોઈ દેખાડો નથી કરવાનો, કોઈ સાબિતીઓ નથી આપવાની, કંઈ પુરવાર કરીને નથી દેખાડવાનું. બસ, બન્ને વચ્ચે જે છે એ છે માત્ર નિતાંત પ્રેમ, સમજદારી અને એકમેક પ્રત્યેનો આદર.
વાસ્તવમાં વ્યક્તિને જેની શોધ હોય છે એ આવા જ પ્રેમની હોય છે, પરંતુ એ કંઈ રાતોરાત મળતો નથી. બહુ નસીબદાર હોય છે જેમને શરૂઆતમાં જ આવો સમજદાર સાથી મળી જાય છે. બાકી બીજા બધાએ પારાવાર પ્રેમ અને ધીરજપૂર્વક એકમેક સાથે ત્યાં સુધીની યાત્રા જ કરવી પડે છે. અને આ યાત્રાના માર્ગમાં પણ એકબીજાને નહીં, પરંતુ પોતાની જાતને કેળવવાની હોય છે; કારણ કે સારો અને સાચો જીવનસાથી મેળવવા માટે પહેલાં ખુદ સારા અને સાચા જીવનસાથી બનવું પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 05:30 PM IST | Mumbai Desk | falguni jadiya bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK