Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે નાની-નાની વાતે ઇરિટેટ થઈ જાઓ છો?

શું તમે નાની-નાની વાતે ઇરિટેટ થઈ જાઓ છો?

25 November, 2019 01:12 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

શું તમે નાની-નાની વાતે ઇરિટેટ થઈ જાઓ છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના સમયમાં ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશન આપણા પછડાયા સમાન બની ગયા છે. કેમેય કરીને આપણો પીછો છોડતાં જ નથી. આવા વખતે દુનિયા આખીને પાઠ ભણાવી દેવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે, પરંતુ થોડું વિચારી જોઈએ તો સમજાય કે વાસ્તવમાં બદલાવાની જરૂર બીજા કોઈએ નહીં, આપણે પોતે છે

કેટલાક વાચકો બિચારા બહુ જ ભોળા હોય છે. પોતાને ગમતા લેખકોને ભગવાનની જેમ પૂજતા હોય છે. તેમને મન અમારા જેવા લેખકો પાસે તેમના બધા જ સવાલોના જવાબો હોય છે એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક તેમને એવું પણ લાગતું હોય છે કે અમને તો જાણે ક્યારેય ગુસ્સો આવતો જ નહીં હોય, અમને તો ક્યારેય ફ્રસ્ટ્રેશન કે ઇરિટેશન થતું જ નહીં હોય; પરંતુ સાચું કહું? અમને પણ ગુસ્સો આવે છે તથા ફ્રસ્ટ્રેશન તથા ઇરિટેશન જેવી લાગણીઓ પણ થાય જ છે. મારી જ વાત કરું તો સવારે વહેલા ઊઠવાનું આવે તો મને બહુ જ ઇરિટેશન થાય. મને સવારે વહેલા ઊઠવાનું કહેવાનો અર્થ મારી દુખતી નસ પર આંગળી મૂકવાનું નહીં, પરંતુ મુક્કો મારવા સમાન બાબત છે. એવી જ રીતે તમે મને પચાસ રોટલી બનાવવા કહો તો મારાથી થઈ જાય, પરંતુ પાંચ રોટલીનો લોટ બાંધવાનું કહો તો પણ મને બહુ જ ઇરિટેશન થાય. એવું જ કંઈક વાસણોનું છે. તમે મને રસોડાનું આખું પ્લૅટફૉર્મ ભરાઈ જાય એટલાં વાસણો ધોવા આપો તો હું હસતાં-હસતાં ધોઈ કાઢું, પરંતુ ધોયેલાં વાસણો ચડાવવાનું કહો તો મને ખૂબ ઇરિટેશન થાય. હવે તમને થશે કે આ તે કંઈ ઇરિટેટ થવા જેવી બાબતો છે, પરંતુ ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશનનું આવું જ છે. આપણે મન જે અકળાવનારી બાબતો છે એ જ બીજાને મન સાવ ક્ષુલ્લક પણ હોઈ શકે છે. બલકે કેટલીક વાર આપણે મન જે આનંદ અને મજાનો વિષય હોય છે એ જ કોઈ બીજાના ઇરિટેશનનું કારણ પણ હોઈ શકે છે. દા.ત. રસ્તામાં પેલી ફટફટ અવાજ કરતી બુલેટ બાઇક દોડાવનારાઓ માટે એનો અવાજ આનંદનો વિષય છે, પરંતુ તેમની આસપાસમાંથી અનેકો માટે એ ઇરિટેશનનું કારણ હોય છે. એવી જ રીતે બપોરના સમયે રજાના દિવસોમાં બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતાં બાળકો જ્યારે ‘બૉલ બૉલ...’ કરીને બૂમો પાડે છે ત્યારે તેમને મન એ આનંદનો વિષય હોય છે, પરંતુ એ જ સવારની ભાગદોડ પછી બપોરે થોડા સમય માટે આડા પડેલાઓ માટે અકળામણનું કારણ હોય છે. 



બલકે જે બાબતો આપણને સૌથી વધારે ઇરિટેટ કરે છે એ તો એટલી નાની હોય છે કે વાસ્તવમાં તો આપણે એ બધાથી ઇરિટેટ થવું જ ન જોઈએ. દા.ત. આપણે લિફ્ટ ખોલવા માટે બટન દબાવવાના જ હોઈએ અને ત્યારે જ ઉપર જતી રહેતી લિફ્ટ, બપોરના સમયે આડા પડ્યા હોઈએ ત્યારે નીચેથી પસાર થતા શાકવાળાની બૂમ, સાંજના સમયે બાજુના પબ્લિક પાર્કમાં રમતાં બાળકોની તીણી ચિચિયારીઓનો અવાજ, હવાને કારણે ફરફરતા કાગળોનો અવાજ, બાથરૂમમાં ટપકતા પાણીનો અવાજ...


આ સિવાય પણ આપણા રોજબરોજના જીવનમાં આપણને અકળાવી મૂકે, ફ્રસ્ટ્રેટ કરી મૂકે, ઇરિટેટ કરી મૂકે એવાં અઢળક કારણો તો હોય જ છે. દા.ત. સવારે કામ પર જતી વખતે આપણા નિયત સ્થાને આવવાની ના પાડી દેતો રિક્ષાવાળો, મુંબઈ જેવા શહેરનો ટ્રાફિક, એ ટ્રાફિક દરમિયાન ઉનાળાના દિવસોમાં રડાવી દેતી ગરમી અને ચોમાસાના દિવસોમાં પલાળી દેતો વરસાદ, મોડી આવતી કામવાળી, સાસુમાની કચકચ, નણંદબાની ટકટક...

ઓહોહો... વિચાર કરવા બેસીએ તો તો આ લિસ્ટ ક્યારેય પૂરું જ ન થાય. ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ કરવા માટે આપણી પાસે કેટલાં બધાં કારણો છે અને આ જ બધાં કારણોસર આપણી આસપાસ સતત ઇરિટેટેડ અને ફ્રસ્ટ્રેટેડ રહેતા માણસોની સંખ્યા પણ કેટલી વધારે છે. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન તો હવે જાણે આપણા કાયમી મિત્રો બની ગયા છે. જરાક કંઈક થાય અને આપણે તરત ઇરિટેટ થઈ જઈએ, જરાક કંઈક થાય અને આપણે તરત ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. બલકે આપણે ઇરિટેટ હોઈએ ત્યારે જ ઉત્સાહ અને ઝિંદાદીલીથી ભરપૂર કોઈ વ્યક્તિ આપણી આસપાસ આવી જાય તો તેમની પાસેથી પ્રેરણા લેવાને સ્થાને તેમની હાજરી પણ આપણને અકળાવી મૂકે છે.


ટૂંકમાં હવેનો યુગ ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનનો યુગ છે, જેને પગલે પહેલાંના સમયમાં લોકોએ ક્યારેય સાંભળ્યા પણ નહોતા એવા ઍન્ગ્ઝાયટી, ઇન્સૉમ્નિયા, રેસ્ટલેસનેસ, ડિપ્રેશન જેવા શબ્દો પણ હવે ન ફક્ત આપણી ડિક્શનરીમાં પણ આપણા જીવનરસમાં ઝેરની જેમ ભળી ગયા છે જે આપણને ઉદાસ, હતાશ અને નિરુત્સાહી બનાવી રહ્યા છે. દિવસમાં આપણને શાંતિથી ઝંપવા નથી દેતા અને રાતના શાંતિથી સૂવા નથી દેતા.

પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે આવું કરીને આપણે ખરેખર તો આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. જે બધાથી આપણને અકળામણ થઈ રહી છે એ બધા તો પોતાની મસ્તીમાં જીવી  રહ્યા છે, એક આપણે જ આપણું સુખ-ચેન ગુમાવી ધૂંઆપૂંઆ થઈને ફરી રહ્યા છીએ. આવા વખતે આખી દુનિયાને પાઠ ભણાવી દેવાની, કોઈ જાદુઈ છડી લઈ આખી દુનિયાને બદલી નાખવાની ઇચ્છા થઈ આવે એ સ્વાભાવિક છે; પરંતુ હકીકતમાં દુનિયાને બદલવી શક્ય નથી. તો પછી આપણી જાતને જ બદલી નાખવી બહેતર નથી? કોઈ બીજાની શું હેસિયત કે આપણું ફોકસ, આપણું કૉન્સન્ટ્રેશન તોડી જાય? આપણે જ આપણી મસ્તીમાં એવા મસ્ત ન રહીએ કે બહારના આવા કોઈ પરિબળ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચી જ ન શકે?

અમારા જેવા લેખકોને સૌથી વધારે અકળામણ ત્યારે થાય જ્યારે લખવા માટે કોઈ સારો વિષય ન મળે, વિષય મળે તો સારા શબ્દો ન મળે અને સારા શબ્દો મળે તો પૂરતું એકાંત અને સમય ન મળે. મારી સાથે આવું થાય ત્યારે મને ગુજરાતી ભાષાના અત્યંત લોકપ્રિય લેખક સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી અચૂક યાદ આવે. બક્ષીસાહેબનું એવું હતું કે લખવાની વાત આવે ત્યારે તેઓ કોઈ દુકાનના ગલ્લા પર પણ બેસીને હાથમાં જે આવે, જેવી આવે એવી પેન પકડીને લખી શકતા. તેમના આવા જડબેસલાક ફોકસ માટે મને બક્ષીસાહેબની જેટલી ઈર્ષ્યા થાય છે એટલું જ તેમના માટે માન પણ છે.

આ પણ વાંચો : બસ, બહુ થયું, મારે જરા બ્રેક જોઈએ છે

આવું કૉન્સન્ટ્રેશન ત્યારે જ આવે જ્યારે આપણો જીવન ઉત્સાહ એની ચરમસીમા પર હોય અને અંદરખાને આપણે દુનિયા સાથે નહીં બલકે પોતાની જાત સાથે સમાધાન કરી લીધું હોય, કારણ કે વાસ્તવમાં જે દ્વંદ્વ છે એ આપણી અંદર છે, જે કજિયો અને કંકાસ છે એ આપણી અંદર છે, ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશન આપણી અંદર છે. તેથી જેના પર જીત મેળવવાની છે એ તો પોતાની જાત પર મેળવવાની છે અને એમ કરવાનો સૌથી સરળ રસ્તો જીવન પ્રત્યે થોડા હળવા થઈ જઈ આપણને અકળાવનારાં તત્ત્વોને હસી કાઢી પોતાના કામમાં રમમાણ રહેવામાં જ રહેલો છે. હું પ્રયત્ન કરી રહી છું, તમારે પણ ટ્રાય કરવી છે?

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 01:12 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK