વાજપેયીજી નિમિત્ત બન્યા રાષ્ટ્રપતિ ભવનની મારી ત્રીજી મુલાકાતમાં

Published: Mar 20, 2019, 10:12 IST | પંકજ ઉધાસ

પદ્મશ્રી પછી સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિ ભવન પાછળ છૂટી ગયું હતું, પણ એ ભવન તરફ ત્રીજી વખત જવાનું બન્યું અટલ બિહારી વાજપેયીજીને કારણે

અવર્ણનીય ક્ષણ : મહાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીના હસ્તે પદ્મશ્રી સ્વીકાર્યો એ જીવનની સૌથી અવર્ણનીય ક્ષણની તસવીર.
અવર્ણનીય ક્ષણ : મહાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીના હસ્તે પદ્મશ્રી સ્વીકાર્યો એ જીવનની સૌથી અવર્ણનીય ક્ષણની તસવીર.

દિલ સે દિલ તક

પદ્મશ્રી ઍવોર્ડથી સન્માનિત થયા પછી સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિ ભવન મનમાંથી નીકળી ગયું હતું. અબ્દુલ કલામજીને મળ્યાનો આનંદ અદ્ભુત હતો અને એ અદ્ભુત આનંદ હું જિંદગીભર મારી સાથે રાખવા માગતો હતો. એપીજે અબ્દુલ કલામનું ૨૦૧૫માં અવસાન થયું અને એ પહેલાં તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને અંતે ભારતના સર્વોચ્ચ સન્માન એવા ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા. હું કહીશ કે ભારતરત્ન જેવું સર્વોચ્ચ સન્માન પણ કલામજીને મળ્યા પછી ધન્ય થઈ ગયું હશે. તેમના અવસાનના સમયે મારી આંખ સામે આખું એ ફંક્શન આવી ગયું હતું, જેમાં મને પદ્મશ્રી મળ્યો હતો.

એપીજી અબ્દુલ કલામ હસ્તી જ એ સ્તરના છે જેમને મળવાની તો દૂરની વાત રહી, પણ તેમને જોવાથી પણ તમારામાં પૉઝિટિવિટી આવી જાય. ૨૦૦૬માં મને પદ્મશ્રી મળ્યો અને એ પછી હું મારા જીવનમાં વ્યસ્ત થઈ ગયો. રોજબરોજની પ્રવૃત્તિ, મ્યુઝિક, ગઝલ, આલબમ અને કૉન્સર્ટ વચ્ચે હું કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મને અણસાર સુધ્ધાં નહોતો રહ્યો કે હું પદ્મશ્રી છું. મને એ સન્માન એ સમયે યાદ આવતું જ્યારે સ્ટેજ પર રજૂ થાય કે હવે આપની સામે રજૂ થાય છે પદ્મશ્રી પંકજ ઉધાસ. એ અનાઉન્સમેન્ટ આવે ત્યારે મને રિમાઇન્ડર મળે કે મને પદ્મશ્રી મળ્યો છે. ક્યારેક ઍરપોર્ટ પર અનાઉન્સમેન્ટ થાય ત્યારે રિમાઇન્ડર મળે, પણ બાકી મારા મનમાં પણ એ વાત રહેતી નહોતી. આવું થવું એ સારું છે કે નહીં એની તો મને ખબર નથી, પણ હા, મને એવું લાગે છે કે આવું જ હોવું જોઈએ. સન્માન કે પદ તમારા મનમાં ક્યારેય રહેવાં ન જોઈએ. એ એક પ્રસંગ છે, ઘટના છે. તમે જીવી લીધી અને હવે તમે આગળ નીકળી ગયા. માઈલસ્ટોનને પાર કરવાના હોય, એના પ્રેમમાં પડીને ત્યાં બેસી રહેવાનું ન હોય.

માઈલસ્ટોન પાસેથી પસાર થતી વખતે તમે લૅન્ડમાર્ક ઊભો કરો એ તમારી મહેનત છે, પણ તમે માઈલસ્ટોન કે પછી એ લૅન્ડમાર્ક પાસે અટકી જશો તો એનો કોઈ અર્થ સરવાનો નથી અને તમારો વિકાસ અટકી જશે. જો તમે ઇચ્છતા હો કે આગળ વધવું છે, ખૂબ સરસ કામ કરવું છે તો તમારે તમારા જ સન્માનને ભૂલીને આગળ વધવું જોઈએ.

૨૦૦૬ પછી, મેં કહ્યું એમ હું મારાં રૂટીન કામોમાં લાગી ગયો. મારું ભારતભ્રમણ બહુ અને વિદેશયાત્રાઓ પણ પુષ્કળ હોય છે. કૉન્સર્ટ, નવાં આલબમોની તૈયારી અને આ ટ્રાવેલિંગ. આ બધાં વચ્ચે સાચું કહું તો મને fવાસ લેવાનો સમય પણ નથી મળતો હોતો. હું એ બધામાં વ્યસ્ત થઈ ગયો અને મારી વ્યસ્તતા વચ્ચે હું નવું-નવું કામ કરતો ગયો. સમય પસાર થતો ગયો અને ધીમે-ધીમે વષોર્ પણ પસાર થતાં ગયાં. આ સમયગાળામાં મારી પ્રવૃત્તિ અકબંધ રીતે ચાલુ જ રહી. વચ્ચે-વચ્ચે સમાચાર પણ મળતાં રહ્યા કે પૂજ્ય અટલ બિહારી વાજપેયીની તબિયત બગડી રહી છે. ૨૦૧૭ની ૨૫મી ડિસેમ્બર એટલે કે વાજપેયીજીના જન્મદિવસે દિલ્હીના ખૂબ પ્રખ્યાત ફૉર્ટ ઑડિટોરિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાજપેયીજીનો જન્મદિવસ ઊજવવાનો હતો, પણ નાદુરસ્ત તબિયત વચ્ચે વાજપેયીજી પથારીવશ હતા અને તેઓ આવી શક્યા નહીં, પણ બીજેપી અને વાજપેયીજીના બહુ બધા ચાહકો એ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લગભગ અઢીથી ત્રણ હજાર લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો હતો. આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહજી એ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. કાર્યક્રમ પૂરો થયો ત્યારે ‘ભારતમાતા કી જય’ અને ‘વાજપેયીજી તુમ જુગજુગ જીયો’ના નારાઓ પણ લાગ્યા. બધા ખૂબ ખુશ હતા અને કોઈને એવો અણસાર સુધ્ધાં નહોતો કે એક વર્ષ પછી એટલે કે ૨૦૧૮માં વાજપેયીજીની હયાતી નહીં હોય.

કાર્યક્રમ પૂરો કરી, એ સમયે હાજર રહેલા સૌ કોઈ મહાનુભાવોને મળીને હું રવાના થઈ ગયો અને નવેસરથી મારાં કામોમાં લાગી ગયો. વાજપેયીજી ખૂબ સારા કવિ, વિદ્વાન. તેમની અનેક રચનાઓ મને આજે પણ કંઠસ્થ છે. વાજપેયીજી વડા પ્રધાન હતા ત્યારે મારી તેમની સાથે મુલાકાત થઈ હતી અને એ મુલાકાત દરમ્યાન તેમણે મને પોતાની બાજુમાં બેસાડીને ડિનર કરાવ્યું છે. અમારી પહેલી મુલાકાત અમદાવાદમાં થઈ હતી. જો હું ભૂલતો ન હોઉં તો એ ૧૯૯૫-૯૬નો સમય હતો અને ઇલેક્શનનું પ્રચારકાર્ય ચાલતું હતું. મને પાક્કું યાદ છે કે અમદાવાદમાં મારી કૉન્સર્ટ હતી અને ઇન્ટરવલ પછી મેં પહેલી રૉમાં વાજપેયીજીને બેઠેલા જોયા હતા. આમ તો ઑલરેડી કૉન્સર્ટ પૂરી થતી હતી ત્યારે મારું છેક ધ્યાન ગયું હતું અને એ પછી મને ખબર પડી હતી કે તે ઇન્ટવરલ પછી જ પ્રોગ્રામ માણવા આવ્યા હતા.

પ્રચાર પૂરો કર્યા પછી વાજપેયીજી હોટેલ પર પહોંચ્યા અને ત્યાં ન્યુઝપેપર જોતાં તેમને ખબર પડી કે મારો શો છે એટલે તેમણે ઍડમાં જે નંબર હતો એના પર ફોન કરીને ઑર્ગેનાઇઝરને વાત કરી. શો અડધો પૂરો થવા આવ્યો હતો એટલે ચાલુ શોએ જવા માટે ઑર્ગેનાઇઝરની પરમિશન લેવી જોઈએ એવું તેમને લાગતું હતું, પણ ઑર્ગેનાઇઝરે રાજી થઈને તેમને આમંત્રણ આપ્યું અને કહ્યું કે આપ આવો, અમને ખુશી થશે. એ સમયે પણ વાજપેયીજી ભાવિ વડા પ્રધાન ગણાતા હતા અને એ પછી પણ તેમણે જે સૌજન્ય દાખવ્યું એ ખરેખર ખૂબ માન ઉપજાવનારું હતું, પણ આપનું માન એ સમયે વધશે જે સમયે તમને ખબર પડશે કે શોના ઇન્ટરવલની પાંચ મિનિટ પહેલાં જ તે પહોંચી ગયા હતા છતાં પણ તે અંદર આવવાને બદલે બહાર ઊભા રહ્યા. તેમણે કહ્યું કે આ રીતે ચાલુ ગઝલે અંદર જઈને કોઈને ડિસ્ટર્બ ન કરવા જોઈએ. એવું કરવાથી માત્ર ઑડિયન્સ જ ડિસ્ટર્બ નથી થતું હોતું, પણ કળાકારો પણ એનાથી ડિસ્ટર્બ થાય અને સરવાળે બધાની મજા મરી જાય. વાજપેયીજીએ ઇન્ટરવલ પડે એની રાહ જોઈ અને એ પછી જ તેઓ અંદર આવ્યા.

૨૦૧૭ની ૨૫મી ડિસેમ્બરનો વાજપેયીજીનો જન્મદિવસ તેમની ગેરહાજરીમાં પૂરો કરીને હું તો એવી આશા સાથે નીકળી ગયો કે આવતાં વર્ષો ચોક્કસપણે વાજપેયીજીની હાજરીમાં કાર્યક્રમ કરીશું. આવી ધારણાનાં અનેક કારણો હતાં. જો તમને યાદ હોય તો વાજપેયીજી તેમના દેહાંતના છેલ્લાં ચારેક વર્ષમાં ત્રણેક વખત ઇમર્જન્સી સાથે હૉસ્પિટલાઇઝ્ડ થયા હતા અને પછી ઇમર્જન્સીને પાર કરીને તેઓ ક્ષેમકુશળ રીતે બહાર આવ્યા હતા. આ વખતે પણ બધા એવું જ ધારતા હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ એવું જ હતું કે વાજપેયીજીની તબિયત રિકવર થઈ જશે અને તે બધા વચ્ચે ફરીથી હરતા-ફરતા થશે, પણ કોઈએ એવી ધારણા નહોતી રાખી કે વાજપેયીજી આગલો જન્મદિવસ નહીં જુએ.

ઑગસ્ટમાં વાજપેયીજીનો દેહાંત થયો અને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. દેશ માટે એ રાષ્ટ્રીય શોક હતો. આપણે એક એવી વ્યક્તિ ગુમાવી જેમનું આપણી વચ્ચે હોવું એ ખરેખર ઉત્સવસમાન હતું. વાજપેયીજીના દેહાંતના સમાચાર મળ્યા પછી મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેમની સાથે જે કોઈ સમય ગાળવા મળ્યો હતો એ સમય મને યાદ આવી ગયો તો સાથોસાથ તેમને જે કોઈ રચનાઓ પસંદ હતી એ રચના પણ મને યાદ આવી ગઈ હતી.

આ પણ વાંચો : પંકજ કેશુભાઈ ઉધાસ, મ્યુઝિકના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન માટે

વાજપેયીજીની મનપસંદ હોય એવી એક રચના મને અત્યારે પણ યાદ આવે છે. ઝફર ગોરખપુરીની ‘ઇક્કિસવીં સદી’ નામની રચના મેં તેમની સામે ગાઈ ત્યારે તેમણે કહ્યું હતું, ‘પંકજજી, આજ મૈં તૃપ્ત હો ગયા.’

એ રચનાનું મુખડું હતું,

દુ:ખસુખ થા એક સબકા, અપના હો યા બૈગાના
એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK