પંકજ કેશુભાઈ ઉધાસ, મ્યુઝિકના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન માટે

પંકજ ઉધાસ | Mar 13, 2019, 09:15 IST

જ્યારે આ અનાઉન્સમેન્ટ થઈ ત્યારે મારા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ હતી, એક આછોસરખો કરન્ટ પસાર થઈ ગયો અને હથેળીમાં પરસેવો બાઝી ગયો

પંકજ કેશુભાઈ ઉધાસ, મ્યુઝિકના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન માટે
અવર્ણનીય ક્ષણ : મહાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીના હસ્તે પદ્મશ્રી સ્વીકાર્યો એ જીવનની સૌથી અવર્ણનીય ક્ષણની તસવીર.

દિલ સે દિલ તક

પદ્મશ્રી એ કોઈ નાનો ખિતાબ નથી જ નથી. આ એક રાષ્ટ્રીય સન્માન છે અને આ રાષ્ટ્રીય સન્માન મેળવવું એ કોઈ એકાદ સિદ્ધિ નહીં, પણ સિદ્ધિઓનો એક મોટો જથ્થો હોય એ પછી જ શક્ય બને છે. ક્રિકેટની ભાષામાં કહું તો પદ્મશ્રી એ મૅન ઑફ ધ મૅચ નહીં, પણ મૅન ઑફ ધ સિરીઝ જેવું સન્માન છે અને આ સન્માન મેળવવાની ખ્વાહિશ સૌ કોઈના મનમાં હોય એ સ્વાભાવિક છે. પદ્મશ્રી અવૉર્ડની આગલી રાતે મને ઊંઘ નહોતી આવી. એ આખી રાત લગભગ જાગતો જ રહ્યો અને બીજા દિવસના અવૉર્ડ ફંક્શનની રાહ જોતો રહ્યો. જીવનની એ રાત સૌથી લાંબી રાત હતી એવું કહું તો ખોટું નથી.

ભારત સરકાર તરફથી મળતું આ એવું ઑનર છે જેને આપણે સિવિલિયન માટેની હાઇએસ્ટ રેન્જનું ચોથા નંબરનું ઑનર કહી શકીએ. પદ્મશ્રી પછી પદ્મભૂષણ આવે. બીજા નંબર પર પદ્મવિભૂષણ આવે અને આ બધાની ઉપર ભારતરત્ન આવે. પદ્મ સિરીઝિમાં ત્રણ ઑનર આવે અને એ ત્રણમાં આ ત્રીજા નંબરનું ઑનર ગણાય.

બીજા દિવસે સવારે અમે બધા તૈયાર થયા. સાડાપાંચ વાગ્યે અમને ગાડી લેવા આવવાની હતી. નિર્ધારિત સમયે ગાડી આવી ગઈ. હું, મારી વાઇફ ફરીદા અને રેવા એમાં ગોઠવાઈ ગયાં અને અમે બધાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં. રાષ્ટ્રપતિ ભવનની આ મારી આમ જોઈએ તો બીજી મુલાકાત હતી. આગલા દિવસે અમારે સૌએ રિહર્સલ માટે આવવાનું થયું હતું, જો એને ગણીએ તો આ મારી ત્રીજી મુલાકાત હતી. રાષ્ટ્રપતિ ભવનમાં નામ પ્રમાણે બધાનાં ટેબલ ગોઠવાયેલાં હતાં અને સીટો પણ ગોઠવાયેલી હતી. આ અવૉર્ડમાં હું અવૉર્ડ મેળવનારો એટલે કે રેસિપિયન્ટ ગણાઉં. અવૉર્ડ સમયે બધા રેસિપિયન્ટસને એકસાથે બેસાડવામાં આવે, જેના માટેનો હેતુ એ હોય કે રાષ્ટ્રપતિજીનો કોઈ જાતનો સમય બગડે નહીં અને આખો કાર્યક્રમ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરો પણ થઈ શકે. મારે પદ્મશ્રી અને અન્ય જે બે અવૉર્ડ મેં આગળ કહ્યા એ લોકોની સાથે બેસવાનું હતું. હું ગોઠવાઈ ગયો. અનેક લોકો પરિચિત હતા તો અનેક લોકોનાં મેં નામો સાંભળ્યાં હતાં, પણ તેમને મળવાનો મોકો નહોતો મળ્યો. હું તેમને પણ મળ્યો. આ જે મળવાનું હતું એ ગેટ-ટુગેધર ટાઇપનું નથી હોતું. આંખોથી હાય-હેલ્લો થઈ જતું હોય એવું હોય. આચારસંહિતા મુજબ અત્યંત ધીમા અવાજે વાતો થાય. એમ કહું તો પણ ચાલે કે વાતો ન થાય, માત્ર હોઠ ફફડે અને એમ છતાં પણ જેવી અનાઉન્સમેન્ટ થઈ કે બધાની એ હરકત પણ બંધ થઈ ગઈ અને બધા એકસાથે ઊભા થઈ ગયા.

અનાઉન્સમેન્ટ થઈ હતી કે રાષ્ટ્રપતિ પધારે છે.

દેશના મહામાનવ તરીકે જેમને હિન્દુસ્તાનનો ઇતિહાસ યાદ કરશે એ ભારતના મહાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવ્યા અને તેમણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. કલામજીના ચહેરા પર એકધારું સ્માઇલ હોય છે, જે મેં ટીવી પર અને તેમના ફોટોગ્રાફ્સમાં જોયું હતું. એ જ સ્માઇલ તેમના ચહેરા પર એ સમયે પણ સતત હતું. ક્યાંય કોઈ કૃત્રિમ કહેવાય એવી ઝલક નહીં. એકદમ દૈવી કહેવાય એવો એક ઓરા તેમના ચહેરા પર નીતરતો હતો. કલામજી એકદમ આદરણીય વ્યક્તિ છે. તેમને જોઈને તમને નિર્દોષ નાનું બાળક જ યાદ આવે. શરૂઆતની થોડી મિનિટો તો હું તેમને જોવામાં જ ઓતપ્રોત થઈ ગયો હતો, પણ પછી નામોની અનાઉન્સમેન્ટ શરૂ થઈ એટલે મેં એ નામો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

Shree Pankaj Udhas for his contribution for field of music and art

મારું નામ આ રીતે લેવામાં આવ્યું ત્યારે મારાં તો રૂંવાડાં ઊભાં થઈ ગયાં. અત્યારે આ વાત કહેતી વખતે પણ મને એ જ લાગણી જન્મી રહી છે જે એ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં જન્મી હતી. આખા શરીરમાં ઝણઝણાટી આવી ગઈ અને બન્ને હાથની હથેળીમાં પરસેવો બાઝી ગયો.

અનાઉન્સમેન્ટ પછી હું મારી જગ્યાએથી ઊભો થયો અને ચાલીને રાષ્ટ્રપતિજી પાસે ગયો. મેં એ દિવસે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. હું તેમની પાસે પહોંચ્યો એટલે તેમણે મારા હાથમાં મોટું સરસ સાઇટેશન એટલે કે અવૉર્ડનું સર્ટિફિકેટ આપ્યું અને પદ્મશ્રીનો મેડલ તેમણે મારી શેરવાની પર પહેરાવ્યો.

પદ્મશ્રી અને એ પણ અબ્દુલ કલામજીના હસ્તે. આ ખરા અર્થમાં ધન્ય ઘડી હતી. કહો કે જીવનમાં ક્યારેય બીજી વાર ન આવે એવી અમૂલ્ય ક્ષણ.

પ્રોટોકોલ મુજબ એ સમયે વધારે વાત કરવાનો કે તેમને પગે લાગવાનો સમય હતો જ નહીં, પણ એમ છતાં મેં તેમને ધીમા સ્વરે કહ્યું,

Sir, It’s great owner to receive owner from you. It’s wonderful moment for me

અબ્દુલ કલામજી ખૂબ જ હમ્બલ અને પોલાઇટ હતા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું,

Mister Udhas, you have made millions of people happy all over the world, not only in India. You deserve it the most.

કલામજીના મોઢે આ શબ્દો સાંભળીને હું ધન્ય થઈ ગયો. તેમને નમસ્તે કરીને હું પાછો મારી જગ્યાએ આવીને બેસી ગયો અને કાર્યક્રમ આગળ ચાલ્યો. આખું ફંક્શન પૂરું થયું. ફંક્શન દરમ્યાન જે કોઈ તેમની પાસેથી અવૉર્ડ લઈને પરત આવતા હતા એ બધાના ચહેરા પર એક વિશિષ્ટ પ્રકારની ધન્યતા હું જોતો હતો. હું કહીશ કે બહુ સારું હતું કે આગલા દિવસે કાર્યક્રમનું રિહર્સલ કરાવવામાં આવે છે, કારણ કે આ ફંક્શન એ પ્રકારનું છે કે જો એવી પાબંદીઓ મૂકવામાં ન આવે તો આ કાર્યક્રમ કલાકોના કલાકો ચાલ્યા કરે અને એમાં જ દિવસો નીકળી જાય. દરેકના ચહેરાની ધન્યતા જોતાં મને એવું લાગતું હતું કે બધાના મનમાં અહોભાવ જન્મી ચૂક્યો છે અને બધા એ અહોભાવને મહામુશ્કેલીએ દબાવી રહ્યા છે, સંતાડી રહ્યા છે.

આ પણ વાંચો : પદ્મશ્રી અવૉર્ડ સેરેમનીના આગલા દિવસે આખા કાર્યક્રમનું રિહર્સલ કરાય

ફંક્શન પૂરું થયા પછી એક ફોટો રાષ્ટ્રપતિજી સાથે અને એક ફોટોગ્રાફ એ સમયના પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ સાથે પડાવ્યો. મનમોહન સિંહને મળવાનું થયું. વિરોધ પક્ષના નેતા એવા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને મળવાનું થયું. સોનિયા ગાંધીજી પણ હતાં, તેમને મળવાનું પણ બન્યું. બધાની પાસેથી એક જ વાત સાંભળવા મળતી હતી કે પંકજ ઉધાસે ગઝલની દુનિયામાં ખૂબ પ્રદાન આપ્યું છે, જેને કારણે આ અવૉર્ડથી શરૂઆત થઈ છે, આગળ જતાં હજુ પણ તેમને ખૂબ બધા અવૉર્ડ મળતા રહે. માર્ચ મહિનાનો એ દિવસ પૂરો થવાનો શરૂ થયો અને ધીમે-ધીમે અંધારુ થવાનું શરૂ થયું. આ અંધારા સામે જાણે કે લડવાનું હોય એ રીતે રાષ્ટ્રપતિ ભવનની મોટી-મહાકાય લાઇટો શરૂ થઈ અને આખું રાષ્ટ્રપતિ ભવન ઝળહળી ઊઠ્યું. ફંક્શન પછીની બધી ફૉર્માલિટી અને ગેટ-ટુગેધર પૂરું કરીને અમે હોટેલ અશોક પર પાછા આવ્યા. અહીંયાં અમારા મિત્રોએ ડિનર સેલિબ્રેશનની વ્યવસ્થા કરી રાખી હતી. એ ડિનરની સાથે જ મારા જીવનની બીજી વખતની રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પણ પૂરી થઈ. આ બીજી વખતની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જેવા મહામાનવને મળવાનું થયું, તેમના હાથે અવૉર્ડ મળ્યો, તેમની સાથે ફોટો પડાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એ માટે હું ઈfવરનો આભાર માનું છું. હું કાયમ તેમનો આભાર રહીશ. (હવે વાત કરીશું, મારા જીવનની રાષ્ટ્રપતિ ભવનની ત્રીજી મુલાકાતની)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK