ડિજિટલી ક્લીન ઇન્ડિયા : બસ, કમેન્ટ કરવાનું બંધ કરી દો

Published: Nov 24, 2019, 17:25 IST | bhavya gandhi | Mumbai Desk

આરંભ હૈ પ્રચંડ: નકારાત્મકતા ફેલાવતા ફેક ન્યુઝની સાથોસાથ ટ્રોલિંગ પણ વધી રહ્યું છે એવા સમયે માત્ર એક જ કામ કરવાનું છે, તમારો મત મહત્ત્વનો છે એવું માનવાનું બંધ કરીને કમેન્ટ કરવાનું બંધ કરી દો

‘આજે ફિલ્મ જોવા જવું છે?’

‘ના યાર, બહાર નથી જવું, પણ ફિલ્મ જોવાનું મન તો છે...’
‘તો એમાં શું થઈ ગયું, રાતે ઘરે મૂવી જોઈએ, નેટફ્લિક્સ પર.’
‘વાહ, ઠીક છે. ડિનર પતાવીને હું આવું છું ઘરે.’
‘ડિનર ઘરે કરી લેજેને.’
‘અરે યાર, મોડું થઈ ગયું છે. મમ્મીએ નહીં બનાવ્યું હોય.’
‘તો શું છે, સ્વિગી કરી દઈશું... ને યાદ રાખજે કે હોટેલમાં
જવા કરતાં સ્વિગી કે ઝોમૅટો કરવાનું જ રાખવાનું. એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળે.’
આ વાત છે બે દિવસ પહેલાંની. હું મારા એક ફ્રેન્ડને રિક્વેસ્ટ કરતો હતો કે આપણે બન્ને સાથે ક્યાંક જઈએ, માત્ર ફરવા માટે. ફ્રેન્ડ્સની ભાષામાં કહું તો બસ, માત્ર રખડવા માટે મેં તેને ડિનરનું અને મૂવીનું કારણ આપ્યું પણ તેની વાતમાં, બધી દલીલોમાં ઑનલાઇન ટૉપિક આવી જ જતો હતો. એક જ આર્ગ્યુમેન્ટ, બહાર જવાની જરૂર જ નથી. બધું ઑનલાઇન છે જ તો પછી બહાર શું કામ જવાનું?
બધામાં ઑનલાઇન. ફૂડ ઑનલાઇન, એન્ટરટેઇનમેન્ટ ઑનલાઇન, મૂવી ઑનલાઇન, શૉપિંગ ઑનલાઇન અને ફ્રેન્ડ્સ પણ ઑનલાઇન. હા, હવે તો રિલેશનશિપ પણ ઑનલાઇન થઈ ગઈ છે. અઢળક ઑનલાઇન ઑપ્શન બધા પાસે છે. શૉપિંગ માટે અનેક વેબસાઇટ્સ અને શૉપિંગ ઍપ્સ છે. ફૂડ માટે પણ અનેક ઑપ્શન્સ છે અને જો હોમ-ફૂડ જોઈતું હોય તો એ પણ ઑપ્શન મળે છે. મૂવી કે એન્ટરટેઇનમેન્ટ માટે પણ મોબાઇલ અને ટીવી મલ્ટિપ્લેક્સથી ચડિયાતા પુરવાર થાય એટલા ઑપ્શન્સ છે હવે અને ફ્રેન્ડ્સ માટે પણ ઑનલાઇન ઑપ્શન્સ છે. ફ્રેન્ડ્સ ન હોય તો શોધી આપવાનું કામ પણ એ કરે છે અને હોય તો એને જોડી આપવાનું કામ પણ એ કરે છે. ફ્રેન્ડશિપથી આગળના રિલેશનશિપ માટે પણ ઑનલાઇન બધું અવેલેબલ છે. બોલો, હવે બીજું શું જોઈએ તમને આનાથી વધારે, છે કોઈ બીજી ચિંતા?
ના રે, જોઈએ તો બીજી કોઈ ચિંતા રહેતી જ નથી. રહેશે તો માત્ર એક જ ચિંતા. બધું ઑનલાઇન હશે, બધું સહેલાઈથી મળી જતું હશે, પણ એ સહેલાઈથી મળી જતી બધી વાતોને, બધા આનંદને અને એ હૅપિનેસને માણવાવાળું બાજુમાં કોઈ નહીં હોય. એને માટે પણ તમારે વર્ચ્યુઅલ સાથી જ શોધવાનો રહેશે અને એ વર્ચ્યુઅલ સાથી થકી જ આનંદ મેળવવાનો રહેશે.
અત્યારે આપણે ત્યાં એક અભિયાન ચાલે છે. ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન. આ અભિયાન અંતર્ગત કેટલું કહેવામાં આવે છે કે કચરો બહાર નહીં ફેંકો, સ્વચ્છતા આ રીતે રાખો. ચાલો બધા દેશને સ્વચ્છ બનાવીએ. જો ઘરમાં ગંદકી નહીં તો દેશ શું કામ ગંદકીવાળો? આ અભિયાનને કારણે જાગૃતિ આવી છે. આપણે માનતા થયા અને મહેનત કરતા પણ થયા કે આપણી આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખીએ અને ગંદકી ન કરીએ. શક્ય હોય એટલી સ્વચ્છતા રાખીએ જેથી દેશનું નામ રોશન થાય. દેશનું નામ રોશન કરવાની આ જે વાત છે એવી જ એક બીજી વાતનું આપણે ધ્યાન રાખવું પડે એવું મને લાગે છે. સ્વચ્છ ભારત આપણું સપનું છે તો આપણે બધા સ્વચ્છ જીવનને શું કામ આપણું ધ્યેય ન બનાવી શકીએ? જો આજે નહીં જાગીએ તો એ દિવસ દૂર નથી કે આપણે ડિજિટલ ગંદકી વચ્ચે સડતા હોઈશું અને આપણે એની સફાઈ માટે અભિયાન ચલાવવું પડશે.
તમે જુઓ તો ખરા કે કેટલું કન્ટેન્ટ તમારી આજુબાજુમાં છે. આ કન્ટેન્ટમાં વિડિયો છે, મ્યુઝિક છે, ફોટો છે, ચૅટબૉક્સ છે. ટાઇમપાસ ઍપ્લિકેશન્સ છે અને સોશ્યલ મીડિયા સાઇટ્સ કે એની ઍપ્લિકેશન પણ છે અને એ ઍપ્લિકેશન સાથે આવે છે ફેક ન્યુઝ અને ટ્રોલિંગનો મારો. જો આજે નહીં જાગીએ તો એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે આપણે આ ઑનલાઇન કન્ટેન્ટને પણ ક્લીન કરવું પડશે અને એ દિવસ હવે બહુ દૂર નથી. અત્યારે જ જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે આપણે ફેક ન્યુઝની બાબતમાં જાગ્રત થઈએ અને આપણે બહુ ઝડપથી વાઇરલ થતા, નકારાત્મકતા ફેલાવતા સમાચારો કે ઘટનાઓને ફંગોળવાનું બંધ કરીએ. ક્યાં સુધી આપણે આ નેગેટિવિટી ફેલાવવાનું કામ કરતા રહીશું અને ક્યાં સુધી આપણે કોઈના મહેલને જોઈને ઝૂંપડાં બાળવાની પ્રક્રિયા કર્યા કરીશું. ટ્રોલિંગ હકીકતમાં એ જ તો છે. કોઈએ સ્ટેટમેન્ટ કર્યું, કંઈક પહેર્યું, ક્યાંક ગયું અને કોઈને મળ્યું અને જો બહુ મોટી વ્યક્તિ હોય તો કોઈને બગાસું આવે એની પણ ખબર રાખવાની. આવી વાતો કોઈ એકાદ લઈ આવે અને દુનિયાઆખી એની પાછળ પડી જાય, જાણે કોઈ કામધંધો જ નથી, જાણે જગતમાં બીજું કશું ઇમ્પોર્ટન્ટ જ નથી. આખી ટ્રોલ-ફોજ આવી જાય અને ટ્રોલ કરવા માંડે. ટ્રોલિંગ દરમ્યાન એટલી હદે નેગેટિવ કમેન્ટ્સ હોય કે ફન અને આનંદ ખાતર શરૂ કરવામાં આવેલી વાત જોજનો દૂર નીકળી જાય. એવું જ લાગે કે એ બધાને હવે બીજું કશું કામ જ નથી. આપણને થાય કે આપણે આ ડિજિટલ વર્લ્ડમાંથી બહાર નીકળી, એ બધાના હાથ પકડી તેમને કહીએ કે ચાલો, ભાઈઓ અને બહેનો, હવે તમે તમારા જીવનમાં પાછાં ફરો અને કરતાં હો તો કામ કરો અને ન કરતાં હો તો કામ શોધો.
ટ્રોલિંગ અને ફેક ન્યુઝનું ન્યુસન્સ બહુ મોટું થઈ ગયું છે. આ તકલીફનો જો અંત નહીં આવે તો ખરેખર આ ક્રિમિનલ ગુના સુધી આગળ વધી જાય એ સ્તરે પહોંચી ગયું છે. હું માનું છું કે ટ્રોલિંગને સાચે જ બૅન કરવાની જરૂર છે. એના થકી આવતી નેગેટિવિટી હદ વટાવી રહી છે. ટ્રોલિંગને સાદી ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે ટાંટિયાખેંચ, પણ આ ટાંટિયા ખેંચવાની માનસિકતામાં ક્યાંય કોઈ આગળ નથી વધતું અને એ પછી પણ બસ, નીચે ખેંચવાની વૃત્તિ જ ચાલ્યા કરે છે. ફેક ન્યુઝમાં કોઈ વાતની ખરાઈ નથી થતી અને સીધો મેસેજ મોકલી દેવામાં આવે છે. ફેક ન્યુઝમાં તમે ક્યારેય કોઈ સકારાત્મક ન્યુઝ નહીં જુઓ. એવું કરીને પણ જોઈ લેજો તમે. એ ન્યુઝ એટલા વાઇરલ નહીં થાય જેટલા નેગેટિવ ફેક ન્યુઝ વાઇરલ થતા હોય છે. જે રીતે ટ્રોલિંગ પર બૅન મૂકવાની જરૂર છે એ જ રીતે ફેક ન્યુઝને પણ અટકાવવાની જરૂર છે. અફકોર્સ, આ કાયદાકીય પણ ગુનો છે પણ એના મૂળ સુધી પહોંચવાનું કામ અઘરું છે અને એ અઘરું છે એના કરતાં એને માટેની ગંભીરતા ઓછી છે. હવેથી બીજું કશું ન કરીએ તો ઍટ લીસ્ટ એટલું કામ કરીએ કે ફેક લાગતા હોય એવા સમાચાર કોઈને મોકલવા નહીં અને કોઈને માટે ક્યાંય કોઈ બાબતમાં ટ્રોલિંગની માનસિકતા કેળવવી નહીં.
ટ્રોલિંગ શરૂ કેવી રીતે થાય છે એ જો તમે સમજી લેશો તો તમને પણ સમજાશે કે અહીં રજનું ગજ બનતું હોય છે. કોઈ એકે પોતાના મનની વાત કરી એટલે બીજો તેની વાત પર પોતાનો મત આપવા આવે. ભાગ્યે જ એવું બનતું હોય જેમાં મત આપનારો સકારાત્મક ભાવ સાથે આવ્યો હોય. એ તો બસ ટાંટિયા ખેંચવાના ભાવથી જ આવ્યો હોય. માન્યું કે કોઈ ખરેખર ખોટી કે ખરાબ વાત જ લખીને પોતાના મનનો ગંદવાડ આગળ ફેલાવી રહ્યો છે, પણ મારું કહેવું એ છે કે એમાં પણ કમેન્ટેબલ બનવું જરા પણ જરૂરી નથી. કમેન્ટ આપવાની માનસિકતા છોડી દો. કોઈને સજેશન આપવાની વૃત્તિ પણ ત્યજી દો. તમે એવી વ્યક્તિની વાત પર કમેન્ટ કરો છો જેને પાંચ-દસ કે પંદર હજાર કમેન્ટ આવે છે અને તે આ કમેન્ટ વાંચતો પણ નથી. ખોટી જગ્યાએ જઈને દેકારો શું કામ કરવો, ગેરવાજબી રીતે શું કામ તમારા મનની વાત કરવાની ખ્વાહિશ રાખવી. જો એક વખત કમેન્ટ આપવાની માનસિકતા છોડી દેશો, એક વખત તમારા સર્ટિફિકેટ આપવાની લાલચ રોકી દેશો તો આપોઆપ તમે એ બધી પ્રક્રિયામાંથી બહાર નીકળી જશો, જે ટ્રોલિંગ કહેવાય છે. ક્લીન ઇન્ડિયાની માનસિકતા કેળવી લીધી હોય તો હવે ડિજિટલી ક્લીન ઇન્ડિયાનો વિચાર પણ મનમાં કેળવવાનું શરૂ કરી દો. જેટલા ઝડપથી આ બાબતમાં ક્લીન થશો એટલી ઝડપથી તમે તમારા મનનો કચરો પણ બહાર ઠાલવવાનું છોડી દેશો અને એ ખૂબ જરૂરી છે, કારણ કે વૉમિટ ક્યારેય કોઈને પ્લેટમાં ધરવાની ન હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK