Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં નરેન્દ્ર , મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર

દેશમાં નરેન્દ્ર , મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર

29 October, 2014 03:37 AM IST |

દેશમાં નરેન્દ્ર , મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર

દેશમાં નરેન્દ્ર , મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર



devendra









મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવેલી BJPમાં ખેંચતાણનો અંત આવ્યો હતો અને મુખ્ય પ્રધાનની વરણી થઈ હતી. સોમવારે બે બેઠકો  બાદ મંગળવારે ગતિરોધ સમાપ્ત થતાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

છેલ્લા એક અઠવાડિયાથી પાર્ટીમાં ભારે ખેંચતાણ અને લૉબિંગ જોવા મળ્યું હતું. ફડણવીસ મુખ્ય પ્રધાનપદની રેસમાં આગળ હોવા છતાં જુદાં-જુદાં જૂથો તેમના નેતાઓને ટેકો આપી રહ્યાં હતાં. વિદર્ભમાંથી નીતિન ગડકરી, ઉત્તર મહારાષ્ટ્રમાંથી એકનાથ ખડસે, ભૂતપૂર્વ પક્ષપ્રમુખ સુધીર મુનગંટીવાર, પરળીનાં વિધાનસભ્ય પંકજા મુંડે અને અને બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડે પ્રતિસ્પર્ધકો હતા; પરંતુ પાર્ટીના ચીફ અમિત શાહે દરેક સાથે વાતચીત કરીને તેમને ફડણવીસની દાવેદારીને સમર્થન આપવા જણાવ્યું હતું. તાવડેને તો દિલ્હી બોલાવીને અમિત શાહે પોતે તેમને સમજાવ્યા હતા.

BJPમાં મુખ્ય પ્રધાનપદને મુદ્દે આંતરકલહ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી, ખાસ કરીને ત્યારે જ્યારે નીતિન ગડકરીએ નાગપુરમાં ૩૯ વિધાનસભ્યોના સમર્થનનું શક્તિપ્રદર્શન કર્યું હતું. આ વખતે કેન્દ્રીય નેતાઓએ હસ્તક્ષેપ કરીને ગડકરીને તાકીદ કરી હતી કે તેમની દિલ્હીમાં જરૂર છે અને ગડકરીના શક્તિપ્રદર્શન વિશે નારાજી વ્યક્ત કરી હતી.

એકનાથ ખડસેએ પોતાનો દાવો આગળ કરતાં ૩૦ વિધાનસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. ખડસેએ પોતાના દાવામાં રજૂઆત કરી હતી કે ઉત્તર મહારાષ્ટ્રમાંથી હજી કોઈ મુખ્ય પ્રધાન નથી બન્યું.

BJPના કેન્દ્રીય નેતૃત્વે બેઠક દરમ્યાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે કેટલાક વિકલ્પો વિચારી રાખ્યા હતા જેમાંનો એક વિકલ્પ મુખ્ય પ્રધાનનું નામ દિલ્હીથી જાહેર કરવાનો હતો, પરંતુ પક્ષના પ્રમુખ અમિત શાહ દરેક દાવેદાર સાથે ચર્ચા કરીને તેમને સમજાવવામાં સફળ નીવડ્યા હતા. આ કવાયત હેઠળ તાવડેને સોમવારે દિલ્હી બોલાવીને તેમને સ્પષ્ટપણે ફડણવીસને ટેકો આપવા જણાવવામાં આવ્યું હતું.

સોમવારે મોડી રાત્રે વરિષ્ઠ નેતાઓ રાજીવ પ્રતાપ રૂડી અને ઓ. પી. માથુરે રાજ્યના નેતાઓ સાથે મળીને અંતિમ વ્યૂહરચના કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા નહોતી મળી.

મંગળવારે બપોરે બીજી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પાર્ટીની કોર કમિટીએ બહુમતીથી ફડણવીસની દાવેદારીને ટેકો આપ્યો હતો. એ બેઠકમાં ખડસેને ફડણવીસનું નામ સૂચવવા સૂચના આપવામાં આવી હતી જ્યારે અન્ય દાવેદારો સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે, પંકજા મુંડેને એને અનુમોદન આપવા જણાવવામાં આવ્યું હતું.

 ખડસે આ નિર્ણયથી ચોક્કસ હતાશ જણાતા હતા. તેમને વિધાનભવનમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને રાવસાહેબ ડાંગે તથા અન્ય નેતાઓ સાથે લઈ આવ્યા હતા.

BJPના એક વરિષ્ઠ નેતાએ ખડસે વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ એકમાત્ર એવા નેતા છે કે જેમને ગળે વાત ઉતારવી પડી છે જ્યારે અન્ય દાવેદારોએ પાર્ટીની લાઇન સાથે સહમત થવામાં શાણપણ માન્યું છે. અગાઉ એવી વાત હતી કે વિધાનસભ્યો પોતે નેતા સિલેક્ટ નહીં કરે, એને બદલે એક લાઇનનો ઠરાવ પસાર કરીને નરન્દ્ર મોદી અને અમિત શાહને સત્તા આપશે, પણ એની સામે એવી દલીલ કરવામાં આવી હતી કે પાર્ટીના નેતૃત્વને મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ નક્કી કરવા ઠરાવ પસાર કરવાથી ખોટા સંકેતો જશે. વધુમાં ફડણવીસના નામને પાર્લમેન્ટરી બોર્ડની મંજૂરી મળી ચૂકી હતી.

દેવેન્દ્ર ફડણવીસની વરણીનો ઘટનાક્રમ

મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ મુંબઈના BJPના મુખ્યાલયે પહોંચ્યા બાદ BJPના તમામ વિધાનસભ્યોને વિધાનભવન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં  રાજનાથ સિંહ અને BJPના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા. અહીં એકનાથ ખડસેએ મુખ્ય પ્રધાનપદ માટે તેમના નામનો વિચાર ન કરાતાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો; પરંતુ પછી તેમણે ફડણવીસનું નામ સૂચવ્યું હતું જેને મુનગંટીવાર, વિનોદ તાવડે અને પંકજા મુંડેએ અનુમોદન આપ્યું હતું. ત્યાર બાદ તમામ ૧૨૨ વિધાનસભ્યોએ તેમનો હાથ ઊંચો કરીને વિધાનસભ્યોના નેતા તરીકે ફડણવીસના નામ પર મહોર મારી હતી. ત્યાર બાદ વિધાનભવનથી ફડણવીસ રાજભવન હંકારી ગયા હતા અને સરકાર રચવા તેમની પરવાનગીની માગણી કરી હતી. ફડણવીસ ૩૧ ઑક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ લેશે અને તેમની સાથે ૭થી ૯ અન્ય પ્રધાનો પણ શપથ લેશે. એવું જાણવા મળે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ મોટા ભાગનાં મંત્રાલયો ફડણવીસ પોતાની પાસે રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2014 03:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK