બે વર્ષથી નાસતો ફરતો ક્રિમિનલ મતદાન કરવા આવ્યો ને પકડાયો

Published: 17th October, 2014 05:50 IST

અનુભવી કૉન્સ્ટેબલની કામગીરીને બિરદાવવા કમિશનર રાકેશ મારિયા શિવાજીનગર પોલિંગ બૂથ પર દોડી ગયા


મતદાન તો કરવું જ જોઈએ એવી ચોતરફી અપીલોને માન આપીને બે વર્ષથી ભાગતો ફરતો ૪૦ વર્ષનો ક્રિમિનલ રફીક સલીમુદ્દીન શેખ પણ મતદાન કરવાની લાલચે આવ્યો અને પોલીસના હાથે પકડાયો હતો. ખંડણીથી લઈને અટેમ્પ્ટ ટુ મર્ડર સુધીના ૧૬ કેસ રફીક વિરુદ્ધ પોલીસના ચોપડે નોંધાયેલા છે અને બે વર્ષથી શિવાજીનગર પોલીસ તેને શોધી રહી હતી. બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મત આપવા માટે ગોવંડીમાં સંજયનગરની સુધરાઈની સ્કૂલમાં તે આવ્યો હતો, પરંતુ તેના બદ્નસીબે કૉન્સ્ટેબલ કમલેશ હાંડેની ત્યાં ડ્યુટી હતી.

અનુભવી કૉન્સ્ટેબલ કમલેશ હાંડેએ ટોળા વચ્ચે પણ રફીકને ઓળખી કાઢ્યો હતો અને હિંમતથી તેને પકડ્યો હતો. પોલીસ-કમિશનર રાકેશ મારિયાને આ વાતની જાણ થતાં તે પણ વ્યસ્તતા વચ્ચે ગોવંડી દોડી આવ્યા હતા અને કમલેશને શાબાશી સાથે ત્રણ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. કમલેશને બૂથની બહાર જોઈને તેની સાથે આંખ મળતાં જ રફીકે પોતાની બાઇક મારી મૂકી હતી, પરંતુ કમલેશે તેનો પીછો કર્યો હતો. થોડે જ દૂર બૅલૅન્સ ગુમાવતાં રફીક બાઇક પરથી પડી ગયો હતો અને પગમાં ઈજા સાથે સાંકડી ગલીમાં દોડીને ભાગી જવા લાગ્યો હતો, પરંતુ કમલેશે દોડીને તેને પકડી લીધો હતો. પોલીસે બાદમાં લૉક-અપમાંથી બહાર કાઢીને રફીકને ફરીથી બૂથ પર લાવીને મતદાન પણ કરવા દીધું હતું.

રફીક શેખ શિવાજીનગરમાં જાણીતું નામ છે કેમ કે તે વૉર્ડ-નંબર ૧૩૧ના સમાજવાદી પાર્ટીનાં નગરસેવિકા નૂરજહાં શેખનો હસબન્ડ છે અને આ વિસ્તારના હિસ્ટરીશીટર અતિક અહમદનો ભાઈ છે. કહેવા પૂરતું રફીક કેબલના વ્યવસાયમાં છે, પરંતુ તેનો મુખ્ય ધંધો ક્રાઇમ જ છે. રફીક જે કેસોમાં વૉન્ટેડ છે એમાં કરાયેલી આગોતરા જામીનની અરજીઓ સુપ્રીમ કોર્ટ પણ ફગાવી ચૂકી છે અને ૨૦૧૨થી તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK