ડૉન દાઉદ ઇબ્રાહિમનાં નજીકનાં સગાંએ માગી એમએનએસની મદદ

Published: 17th October, 2011 21:03 IST

દાઉદ ઇબ્રાહિમના નજીકના સંબંધીને પોતાની અંગત અદાવતના ઉકેલ માટે દાઉદની મદદ પર ખાસ વિશ્વાસ નથી. તાજેતરમાં દાઉદના નજીકનાં રિલેટિવ ૮૦ વર્ષનાં મહિલા જૈતુન મોહમ્મદ પારકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રામ કદમને મળીને તેમને માનસિક રીતે હેરાન કરતા પાડોશના ઉત્તર ભારતીય યુવાનોની ફરિયાદ કરી હતી.

 

 

અકેલા

મુંબઈ, તા. ૧૭


હસીના પારકરની સાસુએ ઉત્તર ભારતીય પાડોશી સામે લોકલ વિધાનસભ્ય રામ કદમને ફરિયાદ કરી

મહારાષ્ટ્રની વિધાનસભામાં સમાજવાદી નેતા અબુ આસિમ આઝમીને તમાચો મારીને લાઇમલાઇટમાં આવી ગયેલા રામ કદમે આ પ્રકરણમાં કાયદાની હદમાં તેમનાથી જે થઈ શકે એમ હોય એ મદદ કરવાની ખાતરી આપી હતી.

જૈતુન દાઉદની બહેન હસીના પારકરના સાસુ છે અને તેમણે આરોપ મૂક્યો છે કે તેમણે આ વાતની ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરી હતી, પણ કોઈએ આ ફરિયાદ ગંભીરતાથી સાંભળી નહોતી. પોલીસના આ પ્રકારના બેજવાબદાર અભિગમથી કંટાળીને ઘાટકોપર (વેસ્ટ)માં પંખેશા બાબા દરગાહ પાસે આવેલી મારુ મિયાં ચાલમાં રહેતાં જૈતુને આખરે શુક્રવારે રામ કદમની મદદ માગી હતી. આ મદદ માગતી વખતે તેમણે હસીના પારકર સાથેના પોતાના સંબંધનો ઉલ્લેખ પણ કર્યો હતો. શુક્રવારે સવારે જૈતુન જ્યારે રામ કદમની ઑફિસમાં ગયાં ત્યારે તેમણે પોતાની ઓળખ હસીના પારકરની સાસુ તરીકે આપી હતી. એ સમયે તો રામ કદમ હાજર નહોતા પણ તેમના પર્સનલ અસિસ્ટન્ટ નીતિન માંડલિકે તેમની ફરિયાદ સાંભળી હતી. આ મુદ્દે વાત કરતાં જૈતુન કહે છે, ‘પારકરપરિવાર બહુ મોટો પરિવાર છે. મેં અમારી નજીકના એવા સ્થાનિક નેતાની મદદ લેવાનું પસંદ કર્યું છે અને મને ખાતરી છે કે હવે મારી ફરિયાદને સારી રીતે સાંભળવામાં આવશે.’

નીતિન માંડલિકે પણ સ્વીકાર્યું છે કે હસીનાનાં સાસુ હોવાનો દાવો કરતાં જૈતુને ફરિયાદ કરવા માટે અમારો સંપર્ક કર્યો હતો અને મેં આ ફરિયાદ સાહેબ સુધી પહોંચાડી દીધી છે. હસીના પારકર અને તેમના પતિ ઇબ્રાહિમ પારકરનો ફોટો દેખાડતાં જૈતુને કહ્યું હતું કે ‘હું હસીના પારકરની સાસુ છું, પણ મેં ક્યારેય તેમના નામનો દુરુપયોગ નથી કર્યો. મેં મને પરેશાન કરતા યુવાનો સામે પગલાં લેવા જણાવ્યું છે.’

જૈતુન પહેલાં શિવસેનાનાં પ્રખર સમર્થક હતાં ત્યારે તેમણે ઘરના દરવાજા પર બાળ ઠાકરેનો ફોટો લગાવ્યો હતો, પણ હવે તેઓ મહારાષ્ટ્ર નવનર્મિાણ સેનાનાં સમર્થક છે. આ મુદ્દે વાત કરતાં રામ કદમે જણાવ્યું હતું કે મારી ઑફિસ જરૂરિયાતવાળા લોકો માટે ચોવીસ કલાક ખુલ્લી છે અને હું કાયદાની મર્યાદામાં રહીને મારાથી બનતી તમામ મદદ કરીશ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK