Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ વડીલો ડગ્યા છે, પણ ડર્યા નથી

આ વડીલો ડગ્યા છે, પણ ડર્યા નથી

01 April, 2020 06:14 PM IST | Mumbai
Bhakti D Desai

આ વડીલો ડગ્યા છે, પણ ડર્યા નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાછલી વયે જ્યારે શરીર સાથ ન આપતું હોય અને દુનિયા આખી લૉકડાઉન થઈ જાય ત્યારે વરિષ્ઠ નાગરિકોને રોજિંદી ચીજો માટે પણ ઘણી હાલાકી ભોગવવી પડે છે. એમાંય જ્યારે મોટી વયના લોકોને આ ચેપ લાગે તો એ જોખમી હોવાની સંભાવના જાણ્યા પછી વિશેષ જાગૃત રહેવું જરૂરી છે ત્યારે અમે સાઠ વર્ષથી મોટા એકલા રહેતા વડીલોની હિંમત કેવી છે એ જાણવાની કોશિશ કરી છે

૨૧ દિવસનું લૉકડાઉન જાહેર થતાં ક્યારેય ન થોભનાર મુંબઈ શહેરની સતત ભીડભાડવાળી ગલીઓમાં સોપો પડી ગયો છે. આવી પરિસ્થિતિની ક્યારેય કલ્પના પણ ન કરી હોવાથી એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો થોડા ચિંતામાં પડી જાય એ સ્વાભાવિક છે. ડૉક્ટર્સ તેમ જ અત્યાર સુધીનાં સંશોધનો અનુસાર આ ચેપ ૬૫ વર્ષથી મોટી વયના લોકોને તેમ જ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ જેવી અન્ય બીમારીઓ ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી બીમારીઓ હોવા છતાં જ્યેષ્ઠ નાગરિકોએ લૉકડાઉનને આપેલો સહકાર અને સ્વીકાર કાબિલે તારીફ છે. વડીલોની જિંદગીમાં કોરોના વાઇરસને લઈને કેવોક ભય છે? તેમની પ્રતિક્રિયાઓ શું છે? આવા કપરા સમયમાં તેઓ કઈ રીતે રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળે છે? અને ખાસ તો ઘરની બહાર ન નીકળવાનું હોઈ પોતાના સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખે છે એ જાણવાની અમે કોશિશ કરી.



આ બધા વરિષ્ઠ નાગરિકો સાથે વાત કરીને મનોવૈજ્ઞાનિકોનું એક માનવું સાચું સાબિત થયું હોય એમ લાગે છે કે કોઈ પણ રોગ શરીરમાં પ્રવેશતાં પહેલાં એના ડરના સ્વરૂપમાં મન પર હાવી થાય છે. જો વ્યક્તિ મનથી નબળી પડી જાય તો બીમારી શરીરને સરળતાથી પોતાને શરણે લઈ શકે છે, પણ ગમે તેવી મોટી અને ચેપી બીમારીનો સામનો જો પ્રબળ માનસિક શક્તિ સાથે કરવામાં આવે તો કોરોના વાઇરસ જેવા અનેક વિષાણુ ટૂંક સમયમાં જ ભારતમાંથી જ નહીં, પણ વિશ્વમાંથી નૌ દો ગ્યારહ થઈ જશે એ ચોક્કસ છે.


અગાઉથી લૉકડાઉનનું અનુમાન

ચીરા બજારમાં ૭૪ વર્ષના પ્રવીણ મદલાણી અને ૬૩ વર્ષનાં તેમનાં પત્ની શીતલબહેન એકલાં જ રહે છે. પ્રવીણભાઈ કહે છે, ‘મેં જ્યારે પ્રથમ વાર કોરોના વાઇરસ વિષે સાંભળ્યું હતું ત્યારે મને કોઈ ખાસ ડર લાગ્યો નહોતો. આખા વિશ્વમાં અને ભારતમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એને જોઈને અમને લાગ્યું હતું કે આવનારા દિવસોમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે અને પછી લૉકડાઉન જાહેર થયું.  મેં માર્ચની ૧૬થી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું અને હું માનું છું કે સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે એને અનુસરી સ્વચ્છતા અને ચોકસાઈ જો રાખવામાં આવે તો કોરોના વાઇરસ આપણા સુધી પહોંચી ન શકે. અમે જમવાનું ઘરે જ બનાવીએ છીએ. હું વધારે સંભાળ રાખું છું, કારણ કે હું બ્લડ-પ્રેશરનો દરદી છું. અમારે ત્યાં ઘણા યુવાન નાગરિકો સ્વચ્છતા માટે ખૂબ જાગૃત થઈ ગયા છે અને અમારા જેવા વડીલોને મદદ પણ કરે છે. ઉંમરવાળા નાગરિકોએ ઘરની બહાર ન જવું જોઈએ અને આ સમયને ઘરમાં જ ખુશીથી પસાર કરવો જોઈએ.’


જે સૌનું થશે એ અમારું થશે

મુંબઈની જેએસએસ સ્ટ્રીટમાં ૬૦ વર્ષનાં રચના પાંધી તેમના ૬૫ વર્ષના પતિ બંકિમ સાથે રહે છે. રચનાબહેન અહીં કહે છે, ‘અમને બે દીકરીઓ છે અને બન્ને સાસરે છે. અમે પહેલેથી નિયમિત જીવનશૈલીનાં આગ્રહી છીએ, કારણ કે અમારી તબિયતની કાળજી અમે રાખીએ તો અમારી દીકરીઓ પણ શાંતિથી રહી શકે. કોરોના વાઇરસના આ કટોકટીના સમયમાં પણ અમે ખૂબ જ ધીરજથી કામ લઈ રહ્યાં છીએ. ડરીને અથવા ચિંતા કરીને કોઈને લાભ થવાનો નથી. મારું માનવું છે કે જે બધાનું થશે એ અમારું થશે.’

રચનાબહેનના પતિ દવા બજારમાં કામ કરે છે તેથી તેમણે સવારે જવું પડે છે અને જરૂરિયાતનો સામાન તેમને મળી રહે છે. રચનાબહેન સોશ્યલ મીડિયા પર પણ સમય વિતાવે છે અને બાકીનો સમય ઘરના કામમાં, પૂજામાં અને ટીવી જોવામાં વિતાવે છે.

અમે જરૂરી તમામ સાવચેતી રાખીએ છીએ

બોરીવલીમાં રહેતા રમણ બદિયાણી ૭૦ વર્ષના છે અને તેમનાં પત્ની ઇન્દુ ૬૪ વર્ષનાં છે. રમણભાઈ હાલમાં ચાલી રહેલા રોગના વાવર વિષે કહે છે, ‘કોરોના વાઇરસનું સાંભળીને અમને થોડો ડર લાગે છે. મારી પત્ની અને હું એકલાં રહી છીએ અને આમ પણ અમે બે મહિનાનો સામાન સાથે ભરી રાખીએ છીએ. અમારી પાસે જરૂરિયાતની દવાઓ પણ સ્ટૉકમાં હોય છે. અમારે લૉકડાઉનમાં ખાસ નીચે ઊતરવાની જરૂર નથી પડતી. હું એક વાતથી અવગત છું કે  હાલમાં અમારે બન્નેએ વધારે સંભાળવાની જરૂર છે, કારણ કે મારી પાંચ વાર ઍન્જિયોગ્રાફી થઈ છે અને મારાં પત્ની કિડનીનાં દરદી છે.’

રમણભાઈને વાંચનનો શોખ હોવાથી આ સમયમાં તેમને વાંચવા માટે પૂરતો સમય મળી રહે છે અને ઇન્દુબહેનનો સમય પૂજાપાઠ, રસોઈ અને ઘરનાં કામમાં પસાર થઈ જાય છે.

રાબેતા મુજબ ચાલે છે દૈનિક જીવન

કિરીટ શાહ ૭૫ વર્ષના છે અને તેમનાં પત્ની જયશ્રીબહેન ૭૨ વર્ષનાં. તેઓ મુંબઈની ગઝ્દર સ્ટ્રીટમાં રહે છે. તેમની બે દીકરીઓ સાસરે હોવાથી બન્ને એકલાં જ રહે છે. કિરીટભાઈ પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘મને એવું લાગે છે કે જો આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો કોરોના વાઇરસથી ડરવાની જરૂર રહેતી નથી. હું શૅરબજારનું કામ કરું છું અને આજ સુધી મારે કામથી બહાર જવું પડતું હતું. આવતાં-જતાં જરૂરી સામાન હું લઈને આવું છું. હવે આજથી આવનારા છ દિવસ માટે હું બહાર નહીં જાઉં એવું મેં નક્કી કર્યું છે. મને ડાયાબિટીઝ છે તેથી હું બહાર નીકળું તો પણ ખૂબ સાવચેતી રાખું છું.’

તેમનો સમય કેવી રીતે પસાર થાય છે એ માટે જયશ્રીબહેન કહે છે, ‘આમ જોવા જઈએ તો ઘરનું કામ કરીએ ત્યાં બપોર પડી જાય અને થોડી વાર આરામ કરી ચાર વાગ્યે અમે સમાચાર અને સિરિયલ જોઈએ ત્યાં ફરી રસોડામાં કામ કરવાનો સમય થઈ જાય છે. કોરોનાથી અમારા દૈનિક જીવનમાં કોઈ વિશેષ ફરક પડ્યો નથી, માત્ર ધ્યાન ખૂબ રાખવું પડે છે.’

ઉંમરને અવગણીને આ બહેન હજી બીજાને મદદ કરે છે

શંકર બારી, મુંબઈનાં નિવાસી જયા દત્તાણીની ઉંમર ૭૩ વર્ષની છે તથા તેઓ આ સમયમાં એકલાં જ રહે છે. તેમની દીકરી સાસરે છે. જયાબહેન કહે છે, ‘જ્યારે લૉકડાઉન જાહેર થયું ત્યારે મારાં દીકરી-જમાઈ બોરીવલીથી અહીં મને લેવા આવી ગયાં, પણ મેં ના પાડી. મને કોરોના વાઇરસને લઈને થોડો ડર જરૂર લાગે છે તેથી હું બહાર નીકળતી જ નથી. ઈશ્વરની કૃપાથી મારા પાડોશીઓ ખૂબ સારા છે અને દવા, જરૂરિયાતનો સામાન, શાકભાજી, ફળ આ બધું તેઓ લાવી આપે છે અને સફાઈમાં પણ બાજુમાં રહેતા યોગેશભાઈ અને અન્ય લોકો ખૂબ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા છે.’

તેમની દિનચર્યા જણાવતાં તેઓ આગળ કહે છે, ‘આમ તો સવારથી સેવા-પૂજા, રસોઈ અને બીજા કામમાં એક વાગી જાય છે. સાંજે થોડો સમય હું સત્સંગમાં વિતાવું છું. હું રોટલી, થેપલાં અને ચેવડાનો ઑર્ડર લઉં છું. આજે જ મને ગરીબોને ખવડાવવા માટે રોટલીનો ઑર્ડર હતો.  ગરીબો માટે હું ઓછા ભાવે રોટલી આપું છું. આ પણ એક સેવા જ છે અને આ સમયમાં એ કરવાનો મને આનંદ આવે છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 06:14 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK