Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કિરીટ સોમૈયાને જિતેન્દ્ર આવ્હાડ મામલે પીડિતને મળવા જવા ન દીધા પોલીસે

કિરીટ સોમૈયાને જિતેન્દ્ર આવ્હાડ મામલે પીડિતને મળવા જવા ન દીધા પોલીસે

09 April, 2020 10:41 AM IST | Mumbai
Agencies

કિરીટ સોમૈયાને જિતેન્દ્ર આવ્હાડ મામલે પીડિતને મળવા જવા ન દીધા પોલીસે

કિરીટ સોમૈયા

કિરીટ સોમૈયા


રાજ્ય સરકારના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડનો મોર્ફ કરાયેલો નગ્ન ફોટો ટ્વીટ કરનાર યુવાનની આવ્હાડના સમર્થકોએ જિતેન્દ્ર આવ્હાડના બંગલા પર જ રવિવારે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ તે યુવાને પોલીસ ફરિયાદ કરતાં મામલો બિચક્યો હતો. તે યુવાનને મળવા જવા માગતા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાને ગઈ કાલે તેમની સોસાયટીના ગેટ પાસેથી જ મુલુંડ-ઈસ્ટની નવઘર પોલીસે તાબામાં લીધા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એ વખતે ટ્વીટ કરીને કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે પોલીસે તેની ધરપકડ કરી છે. હવે જિતેન્દ્ર આવ્હાડને ટ્વિટર પર ધમકી મળી છે અને એમાં કહેવાયું છે કે તારા દાભોળકર જેવા હાલ થશે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને પુણેના ડૉક્ટર નરેન્દ્ર દાભોળકરની હત્યા કરાઈ હતી.

બીજેપીએ કિરીટ સોમૈયાની ધરપકડની નિંદા કરી છે. બીજેપીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર પાસે દિલ્હીથી પરત આવેલા તબ્લિગીના લોકોની શોધ કરવાનો સમય નથી, પરંતુ બીજેપીના નેતા કિરીટ સોમૈયા જે સામાન્ય લોકોની મદદ કરવા માટે જાય તેને ધરપકડ કરવાનો સમય છે.’ 

આ સંબધે કિરીટ સોમૈયાના પુત્ર નિલ સોમૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘કોઈ સામાન્ય માણસ પર અન્યાય થયો હોય અને તેને મદદ કરવા જનારને પોલીસ અટકાવે એ કોઈ તાનાશાહીથી ઓછું ન કહેવાય. પોલીસ પણ આમાં એટલી જ જવાબદાર છે. પોલીસ પણ તે લોકોનો સાથ આપવા આવું પગલું ભરે છે.’



જ્યારે સામે પક્ષે જિતેન્દ્ર આવ્હાડે તેમના બંગલામાં આવી કોઈ ઘટના બની હોવાનો આક્ષેપ ફગાવી દીધો છે. તેમણે કહ્યું, ‘મારા બંગલામાં આ ઘટના બની નથી. મને આ ઘટના વિશે ખબર નથી. હું રાત્રે સૂઈ ગયો હતો. એ દિવસે હું આખો દિવસ મારા વિભાગમાં કામ કરતો હતો એથી હું ઘરે આવ્યો અને સૂઈ ગયો. હું માર મારનારાઓને સમર્થન આપીશ નહીં, પરંતુ જેવી મારા વિશેની પોસ્ટ કરી, કોણ આવી પોસ્ટ સહન કરી શકે? મારો આવો ફોટો લેવામાં આવ્યો. જો તેનો આવો ફોટો લેવામાં આવે અને તેના સંબંધીઓને મોકલવામાં આવે ત્યારે તે ચૂપ થઈ જશે? શું બીજેપીના નેતાઓના આવા ફોટો નાખવામાં આવે તો સહન કરશે? જિતેન્દ્ર આવ્હાડે તેને મળેલી ધમકીના સ્ક્રીન શૉટ લઈ એ ફરી સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા અને એ મુખ્ય પ્રધાનને પણ ટૅગ કર્યા હતા.


જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો અને પોલીસ-કર્મચારીઓ સામે ગુનો નોંધાયો

રાજ્યના વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ હાલની સરકરાના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડના કાર્યકરોએ ફેસબુક પર પોસ્ટ મૂકનાર ૪૦ વર્ષના અનંત કરમુસેને જિતેન્દ્રના બંગલા પર જ મારઝૂડ કરી હોવાનો બનાવ બનતાં જિતેન્દ્ર આવ્હાડના રાજીનામાની માગણી કરી છે. આ કેસમાં પીડિત અનંત કરમુસેને વર્તક નગરમાં પોલીસ ફરિયાદ કરતાં જિતેન્દ્ર આવ્હાડના કાર્યકરો અને પોલીસ-કર્મચારી સામે એફઆઇઆર નોંધ્યો છે જેમાં અપહરણ, મારઝૂડ અને ગુનાહિત ઇરાદે કાવતરું ઘડવાનો ગુનો નોંધાયો છે એમ થાણેના ડીસીપી અવિનાશ અંબુરેએ જણાવ્યું હતું. આ કેસમાં એક પોલીસ-કર્મચારી રવિવારે રાતે પીડિત અનંત કરમુસેના ઘરે ગયો હતો અને તેને કહ્યું હતું કે તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એથી અનંત કરમુસેન તેની સાથે ગયો હતો. તે પોલીસ-કર્મચારી તેમને પોલીસ સ્ટેશન ન લઈ જતાં જિતેન્દ્ર આવ્હાડના બંગલા પર લઈ ગયો હતો અને ત્યાં તેની ૧૦થી ૧૫ જણે મળીને મારઝૂડ કરી હતી. તેણે એમ પણ કહ્યું છે કે જિતેન્દ્ર આવ્હાડ પણ એ વખતે ત્યાં હાજર હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 10:41 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK