કમસે કમ લકઝરી કૉન્ડોમ હમણાં મોંઘાં નહીં થાય

Published: 13th November, 2014 03:27 IST

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટને કહ્યું કે આ પ્રોડક્ટને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડરમાંથી દૂર કરીશું તો ઉત્પાદકો સસ્તાં કૉન્ડોમનો દાટ વાળી દેશે
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટને ગઈ કાલે જણાવ્યું હતું કે લકઝરી કૉન્ડોમને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડરમાંથી દૂર કરવામાં આવશે તો એના ઉત્પાદકો એમનાં મોંઘાં ઉત્પાદનોથી માર્કેટને છલકાવી દેશે અને સસ્તાં કૉન્ટ્રાસેપ્ટિવને દુર્લભ બનાવી દેશે.

ઍડિશનલ સૉલિસિટર જનરલ સંજય જૈને ચીફ જસ્ટિસ જી. રોહિણી અને ન્યાયમૂર્તિ રાજીવ સહાય સમક્ષ આ રજૂઆત કરતાં એમ પણ જણાવ્યું હતું કે મોંઘા ભાવનાં કૉન્ડોમને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડરમાંથી બાકાત રાખવામાં આવશે તો લકઝરી કૉન્ડોમના ઉત્પાદકો એમની ઓછી કિંમતની પ્રોડક્ટ્સની બજારમાં અછત સર્જશે અથવા તો ગ્રાહકોને ભરોસો ન બેસે એવી રીતે એનું પૅકેજિંગ કરશે.

અદાલતે આ દલીલના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર કંપનીઓ પર હાલની સસ્તી પ્રોડક્ટ્સ ચાલુ રાખવાની શરત લાદી શકે છે.

કૉન્ડોમને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર હેઠળ આવરી લેવાના સરકારના ફેંસલાને રેકિટ બેન્કીઝર અને જે. કે. અન્સેલ નામની ફાર્મા કંપનીઓએ પડકાર્યો હતો. આ કંપનીઓની અરજીની સુનાવણી દરમ્યાન સરકારે ઉપરોક્ત રજૂઆત કરી હતી.

આ અગાઉની સુનાવણી વખતે અદાલતે એવો સવાલ કર્યો હતો કે ગ્રાહકો પ્રીમિયમ કે લક્ઝરી મેલ કૉન્ટ્રાસેપ્ટિવ માટે વધારે પૈસા ચૂકવવા તૈયાર હોય તો સરકારને શું વાંધો છે? સરકારે અગાઉ એવું જણાવ્યું હતું કે કૉન્ડોમનો સમાવેશ હાલ એસેન્શિયલ મેડિસિન્સના નૅશનલ લિસ્ટમાં કરવામાં આવ્યો છે. ભાવને સંબંધ છે ત્યાં સુધી એમાં લક્ઝરી કે ઑર્ડિનરી એવા ભેદ પાડી શકાય નહીં.

સામેની બાજુએ ફાર્મા કંપનીઓએ એવી દલીલ કરી હતી કે એમની પ્રોડક્ટ્સ સાધન છે અને મેડિસિન નથી. એથી કૉન્ડોમ્સને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડરમાં સમાવી શકાય નહીં અને એના ભાવ પર મર્યાદા પણ લાદી શકાય નહીં.

ફાર્મા કંપનીઓએ એવો દાવો કર્યો હતો કે અમારી લક્ઝરી પ્રોડક્ટ્સ તો મોજ કરવા માટે છે. ભાવબાંધણું યુટિલિટી કૉન્ડોમ્સને જ લાગુ પડે છે કે પછી પ્લેઝર કૉન્ડોમ માટે અલગ ભાવમર્યાદા નક્કી કરવામાં આવી છે એ પણ સરકારે જણાવવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK