Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત: ખંભાતમાં બે દિવસના તોફાન બાદ અશાંતધારો લાગુ કરવામાં આવશે

ગુજરાત: ખંભાતમાં બે દિવસના તોફાન બાદ અશાંતધારો લાગુ કરવામાં આવશે

26 February, 2020 07:43 AM IST | Khambhat

ગુજરાત: ખંભાતમાં બે દિવસના તોફાન બાદ અશાંતધારો લાગુ કરવામાં આવશે

ખંભાતમાં હિંંસા

ખંભાતમાં હિંંસા


ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલાં તોફાનોના બે દિવસ બાદ અજંપાભરી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આનો સીધો મતલબ એ થયો કે ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. આરએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ૪૭ તોફાનીની ધરપકડ કરાઈ છે.

ખંભાતની અંદર વણસેલી પરિસ્થિતિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હોવાનું જણાવી પ્રદીપસિંહે ઉમેર્યું છે કે ખંભાત શહેર અને જિલ્લાની મોટા ભાગની પોલીસ એસસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે. રેન્જ આઇજી એ. કે. જાડેજા અને હંગામી એસપી દ્વારા શહેરમાં સતત પૅટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ ફુટ પૅટ્રોલિંગ કરી રહી છે. જોકે ખંભાતમાં ડેમોગ્રાફિક સ્થિતિ બદલાવાને કારણે અશાંતધારો લાગુ કરવાની ઘણા સમયથી માગણી હતી.



હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાંઓ એકત્ર થયાં હતાં અને હિન્દુ સમુદાયનાં વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા અને ત્યાર બાદ રૅલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રૅલીમાં જાડાયેલાં તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યાં હતાં અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેમ જ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. તેમ જ બાઇક અને સ્કૂટરોને આગ ચાંપી સળગાવી દીધાં હતાં. તેમ જ એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો અને કૅબિનોની તોડફોડ કરી માલસામાન સળગાવી દેવામાં આવ્યો હતો.

ખંભાતના અકબરપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કોમી દંગલ ફાટી નીકળ્યાં હતાં. રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમનાં ટોળાં સામસામે આવી ગયાં હતાં જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એસઓજીના હેડ કૉન્સ્ટેબલ નરસિંહભાઈ ઘાયલ થયા હતા તો ગૅસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.


કોમી રમખાણો બાદ ખંભાતમાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગઈ રાત્રિએથી જ બંધના એલાનના મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા, જેને કારણે સવારથી જ ટાવર ચોક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ રોડ પર ઊતરી ન્યાયની માગ કરી હતી.

ખંભાતમાં કોમી રમખાણના પગલે એસઆરપીની ૩ ટુકડી, આરએએફની ૧ ટીમ, ૩ ડીવાયએસપી, ૭ પીઆઇ સહિતનો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. ૧૧ પીએસઆઇ સહિત પોલીસ ટીમ દ્વારા સતત પૅટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.


આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ખંભાત ડીવાયએસપી મુનશીની બદલી

ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલાં તોફાનો બાદ આજે પણ અજંપાભરી શાંતિ રહી હતી. જોકે ખંભાત હિંસાને પગલે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ખંભાતનાં ડીવાયએસપી રીમા મુનશીની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે. બન્નેને નવી જવાબદારી માટે રાહ જોવા કહેવાયું છે.

મકરંદ ચૌહાણના સ્થાને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર અજિત રાજિયાણની આણંદ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમને હાલ કોઈ પોસ્ટની ફાળવણી કરાઈ નથી. એવી જ રીતે ખંભાતના ડીવાયએસપી કેડરનાં સબ ડિવિઝન પોલીસ-ઑફિસર રીમા મુનશીના સ્થાને અમદાવાદ એસીબીનાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ભારતી પંડ્યાને મૂકવામાં આવ્યાં છે. તેમ જ તેમને પણ હમણાં પૂરતી કોઈ જગ્યાની ફાળવણી કરાઈ નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 07:43 AM IST | Khambhat

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK