સાચકલા પ્રેમ અને સમજદારીપૂર્વકના પરિપક્વ સંબંધની વીસરાતી વિરાસત!

Published: 16th February, 2021 11:31 IST | Social Science-Taru Kajaria | Mumbai

સામી વ્યક્તિ માટે કંઈક કરવામાં જે આનંદ આવે એ પોતાના માટે કંઈક કરવામાંથી મળે એવો જ હોય અથવા એકમેકની જરૂરિયાતો બોલ્યા વગર જ બન્ને સમજી જાય એવાં યુગલો શોધવા જઈએ તો કેટલાં મળે?

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સામી વ્યક્તિ માટે કંઈક કરવામાં જે આનંદ આવે એ પોતાના માટે કંઈક કરવામાંથી મળે એવો જ હોય અથવા એકમેકની જરૂરિયાતો બોલ્યા વગર જ બન્ને સમજી જાય એવાં યુગલો શોધવા જઈએ તો કેટલાં મળે? ચાલો, આજે તમારા પોતાના સંબંધમાં કે આસપાસનાં યુગલોમાં આવી ખાસિયતો શોધવાનો પ્રયત્ન કરી જોઈએ.

વૅલેન્ટાઇન્સ ડે બે દિવસ પહેલાં જ ગયો. પ્રેમના પરમ પર્વ સમાન આ દિવસે હું એવા પ્રેમને શોધવાનો પ્રયાસ કરી રહી હતી, એવી કોઈ જોડી કે કોઈ કપલ કે જેમને જોતાં જ આંખોમાં હર્ષનાં આંસુ ઊમટે, મનમાં ભાવના જાગે કે આમને નજર ન લાગે અને હોઠો પર ઉદ્ગાર આવી જાય કે ભગવાન! આ બેયનો પ્રેમ સદાય આવો જ બની રહે. પરિચિત વર્તુળમાં નજર ફેરવી તો માંડ આંગળીને વેઢે ગણી શકાય એટલાં કપલ્સ મળ્યાં. તમે પણ આ એક્સરસાઇઝ કરી જોજો. હું નથી માનતી કે તમારો અનુભવ મારાથી ખાસ જુદો હોય. અલબત્ત, હોય તો હું ખૂબ જ રાજી થઈશ એટલું ચોક્કસ.

તમને કદાચ સવાલ થાય કે આ કેવા પ્રેમની વાત હું કરી રહી છું જેમાં સામી વ્યક્તિ માટે કંઈક કરવામાં જે આનંદ આવે એ પોતાના માટે કંઈક કરવામાંથી મળે એવો જ હોય. જેમાં એકમેકની જરૂરિયાતો બોલ્યા વગર જ બન્ને સમજી જાય. એકની મર્યાદાથી બીજી વ્યક્તિ એટલી હદે પરિચિત હોય કે તે ક્યારેય બીજા કોઈની પણ સામે આવે એવી પરિસ્થિતિ ઊભી જ ન થવા દે. આવા દામ્પત્યમાં કે સાહચર્યમાં દરેકને પોતાની જ નહીં, એકબીજાની જિંદગીને બહેતર બનાવવામાં પણ એટલી જ ખુશી મળે. એકમેકના હિત અને સ્વમાનની રક્ષા કરવા માટે બીજાઓ સાથે પંગો પણ લઈ શકે. જિંદગીમાં પોતાને કંઈક સારું માણવાની તક મળે તો તેને સૌથી પહેલાં પોતાના સાથીની યાદ આવે અને તે મનોમન એ જ પ્રાર્થના કરતા હોય કે તેને પણ આવી તક મળે. ટૂંકમાં તે જાત કરતાં આગળ પોતાના સાથીને મૂકે. પણ...પણ... આજે આવી વાતો સાંભળવા, વાંચવા કે જોવામાં કોઈને પણ ઝાઝી દિલચશ્પી નથી. વૅલેન્ટાઇન્સ ડે પર સજીધજીને, ચહેરા પર બે ઘડી સ્માઇલનું મહોરું ચડાવીને, આંગળીઓથી હૃદયની આકૃતિ બનાવીને બેય જણ જાણે જન્માંતરના પ્રેમીઓ હોય એવો ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દે એટલે ‘પ્રેમી પંખીડાં’નું પ્રેમપ્રદર્શન પૂરું!

સદ્નસીબે હું એવાં અનેક કપલ્સના પરિચયમાં છું જેઓ આમાં અપવાદ છે. સર્જનાત્મક પતિની સર્જકતાને મહોરવા દેવાની તક આપતી પત્ની સામેથી ઘર ચલાવવાની જવાબદારી પોતાના શિરે લઈ લે છે અને પતિ-પત્ની એકમેકની જરૂરિયાતોને અનુરૂપ થઈને ગજબ પ્રેમભરી મસ્તીથી જીવે છે. એકમેકને સ્પેસ આપે છે અને એકમેક પર અડીખમ ભરોસો છે. કેટલાક યંગ મિત્રોએ પોતાની પત્નીની ભીતર રહેલી સર્જકતાને પારખીને પ્રોત્સાહિત કરીને તેમને પોતાની સહયાત્રી બનાવી છે તો તદ્દન જુદાં જ ક્ષેત્રમાં કામ કરતાં કેટલાંક પતિ-પત્નીઓ એકમેક સાથે પોતાના ક્ષેત્રની તમામ વાતો શૅર કરે છે અને માણે છે. કેટલાક તો વ્યવસાયને કારણે દિવસો અને મહિનાઓ સુધી દૂર રહેવા છતાં એકબીજાના ઉત્કર્ષમાં સતત સામેલ અને સક્રિય રહ્યાં છે. પોતાની વ્યક્તિ અથવા તો પોતે જેને સાચે જ ચાહે છે તેને માટે જાતને એક્સટેન્ડ કરવામાં તેમને પોતાનું એક્સપ્લૉઇટેશન થઈ રહ્યું છે એવું તેઓ નથી માનતા. તેમના વચ્ચેનો પ્રેમનો બૉન્ડ એટલો મજબૂત હોય કે એમાં ગેરસમજણ કે અવિશ્વાસને અવકાશ ન હોય અને કદાચ એવું થાય તો પણ એ ઝાઝું ટકે નહીં. તેમની જિંદગીમાં આવતા કપરામાં કપરા ઝંઝાવાતોને વિખેરાઈ જતાં અને સમસ્યાઓને સૂલઝી જતી જોઈ છે. ખરેખર સાચા પ્રેમ અને સમજદારીભર્યા પરિપક્વ સંબંધની તાકાત અનેરી છે.

આ લખું છું ત્યારે વરસો અગાઉ અમારે ત્યાં ઘરકામ કરતો એક યુવાન યાદ આવે છે. તેની પત્ની મકાનમાં બીજાં બેત્રણ ઘરે કામ કરતી હતી. ઘણી વાર બપોરે તે તેના પતિ સાથે અમારે ત્યાં આવતી. તે બન્ને સાથે મળીને કામ કરતાં હોય એ જોવા જેવું હતું. પર્ફેક્ટ સંવાદિતા અને સમજણથી ઝટપટ કામ આટોપી લે અને સતત વાત કરતાં હોય. એ ઓછાબોલો યુવાન પત્નીની હાજરીમાં જેવો ખીલતો અને ઊઘડતો એવો તે એકલો હોય ત્યારે ક્યારેય નહોતો દેખાતો. બન્ને જણ મહેનત-મજૂરી કરીને રાત્રે ઘરે જાય ત્યારે પણ હસતાં-વાતો કરતાં જાય. તેમને જોઈ મને નવાઈ લાગતી કે આમની પાસે કેટલી બધી વાતો છે શૅર કરવા માટે! આવું પ્રેમથી છલોછલ સાયુજ્ય નસીબદારોને મળે.

એ બન્નેને જોઈને ઘણી વાર મને મર્સિડીઝ કે આઉડી જેવી મોંઘીદાટ ગાડીમાં જોયેલાં અનેક કપલ્સ યાદ આવી જતાં. મોટા ભાગે બન્ને પોતપોતાના મોબાઇલમાં મોઢું ખોસીને બેઠાં હોય! ગાડીમાં શું, હવે તો ઘરોમાં અને ઈવન બેડરૂમમાં પણ એ જ દૃશ્ય જોવા મળે છે. ક્યારેક તો મને લાગે છે કે સમય કેટલો જલદી બદલાઈ ગયો છે! ટૂંક સમયમાં કદાચ હવે એકમેકના ઊંડા પ્રેમમાં અને એકમેક પર ઓળઘોળ એવાં પતિ-પત્નીની પેઢી જોવા જ નહીં મળે એવું તો નહીં બનેને!

આ બધા વિચારો મનમાં ઘુમરાતા હતા ત્યાં જ નવી શરૂ થયેલી સિરિયલ ‘વાગલે કી નઈ દુનિયા’ના એપિસોડ જોયા અને મનમાં લીલીછમ પ્રસન્નતા છવાઈ ગઈ. રાજેશ અને વંદનાના સુખી અને સ્નેહસભર દામ્પત્યજીવનમાં પેલી અલભ્ય જણસની કૅટેગરીનો પ્રેમ છલકતો દેખાય છે. જોકે વંદનાનું પતિ માટે ટિફિન બનાવવું કે પતિના મોઢે પોતાની રસોઈનાં વખાણ સાંભળીને થાક ઊતરી જવાની અનુભૂતિ કરવી કદાચ કહેવાતી નારીવાદી વિભાવનાને માફક ન આવે, પરંતુ સાચા પ્રેમમાં આપવાનું જ મન થાય. જે બાળકો પોતાનાં મમ્મી-પપ્પા વચ્ચે એવી એકસૂરતા કે એકરાગ જોતાં-જોતાં ઊછર્યાં છે તેઓ કદાચ એ પ્રેમનાં બીજ પોતાના જીવનમાં પણ વાવી શકે. બાકી વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે સોશ્યલ મીડિયા ગજવતી પેલી પેઢીનાં સંતાનો તો બિચારાં કદી એવા પ્રેમની કલ્પના પણ ક્યાંથી કરી શકે?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK