Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અપનાવો આ મહાનુભાવોને : ચાણક્ય અને બીરબલ પાસેથી જીવનની કઈ વાત શીખશો તમે?

અપનાવો આ મહાનુભાવોને : ચાણક્ય અને બીરબલ પાસેથી જીવનની કઈ વાત શીખશો તમે?

03 October, 2019 04:40 PM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

અપનાવો આ મહાનુભાવોને : ચાણક્ય અને બીરબલ પાસેથી જીવનની કઈ વાત શીખશો તમે?

ચાણક્ય

ચાણક્ય


સૌકોઈને ખબર છે કે અકબરને જ્યારે પણ મૂંઝવણ થતી ત્યારે તે બીરબલને યાદ કરતા. બીરબલ તેમની મૂંઝવણનો હાથવગો અને સચોટ ઇલાજ હતો. અકબર અને બીરબલની આ જોડીને સૌકોઈએ હંમેશાં યાદ રાખવી જોઈએ અને આ જોડીમાંથી એ સમજવાની કોશિશ કરવી જોઈએ કે તમારી આજુબાજુમાં કેવી વ્યક્તિઓ રહેવી જોઈએ. અકબરની નજીક બીરબલ હતો, એક એવો માણસ કે જેની પાસે તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ હતું તો તમામ પ્રકારની ચિંતાઓ માટે વાજબી જવાબ પણ રહેતો. નાસીપાસ થયેલા લોકો માટે બીરબલ જીવાદોરી બનીને રહેતો તો બાદશાહ અકબર જ્યારે પણ ખુશીના ઉન્માદમાં આવી જતા ત્યારે તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે પણ બીરબલ હાજર રહેતો. સુખમાં છકી ન જવું અને દુઃખમાં તૂટી ન જવું એ સમજાવનારું જો બાજુમાં કોઈ હોય તો જીવનના તમામ રંગો વચ્ચે પણ જિંદગી હસતી રહેતી હોય છે અને આંખ વાસ્તવિકતા પર, પગ જમીન પર ટકેલા રહે છે. આ કામમાં માહેર એવા બીરબલને જીવનમાં સ્થાન આપવાની ફરજ સૌકોઈની છે અને એ ફરજ નિભાવતી વખતે જો કોઈ વખત, અકસ્માતે કોઈ વખત બીરબલથી ભૂલ થઈ પણ જાય તો એ ભૂલને નજરઅંદાજ કરીને બીરબલનું સ્થાન જીવનમાં અકબંધ રાખવું જોઈએ.

ચાણક્ય પછીનું ઇતિહાસનું બીજું કોઈ એક પાત્ર મને ગમતું હોય તો એ આ બીરબલ છે અને એટલે જ બીરબલ વિશે વધુમાં વધુ વાંચવાની અને વાંચ્યા પછી ખણખોદ કરવાના પ્રયાસ કર્યા છે. આ પ્રયાસ પછી જ ખબર પડી છે કે બીરબલ મહત્વનો છે, બીરબલનું સ્થાન નહીં. જરાય જરૂરી નથી હોતું કે બીરબલ તમારો જુનિયર જ હોય કે પછી બીરબલ તમારી સાથે કામમાં જ જોડાયેલો હોય. બને કે બીરબલ તમારો મિત્ર હોય, બને કે બીરબલ તમારો કે પછી તમારી જીવનસાથી હોય, બની શકે કે બીરબલ તમારા પડોશીના રૂપમાં હોય અને એ પણ બની શકે કે બીરબલ તમારો સિક્યૉરિટી ગાર્ડ કે વૉચમૅન પણ હોય. બીરબલ હોય એટલું બસ છે. હાજર જવાબી, ઉત્તમ નિર્દેશક અને નિષ્ણાત માર્ગદર્શકની ભૂમિકા ઇતિહાસમાં બીરબલ સિવાય અન્ય કોઈએ ભજવી નથી. અકબર અને બીરબલને જો બાળવાર્તામાં સમાવી લેવામાં ન આવ્યા હોત અને અકબર-બીરબલને જો હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યા ન હોત તો કદાચ બન્યું હોત કે ચાણક્ય પછી બિરબલ સૌથી વિશેષ રીતે લોકો સુધી પહોંચ્યા હોત, કારણ કે ચાણક્ય રાજકીય ઉત્કૃષ્ટ હતા અને છે તો બીરબલ વ્યવહારું અને રોજિંદા જીવનની ફિલસૂફી સમજવામાં શ્રેષ્ઠ રહ્યા છે. ચાણક્યએ રાજકારણનું મૂલ્ય સમજાવ્યું છે તો બીરબલે જીવનની વિટંબણાઓને કેવી રીતે સરળ બનાવવી એના વિશે સમજાવ્યું છે.



ચાણક્ય અને બીરબલ બન્નેની આવશ્યકતા છે અને આ આવશ્યકતાને વિસરાવી શકાય એમ નથી. જો જીવનને સાચી દિશામાં રાખવું હોય તો ચાણક્યને અપનાવજો, જો જીવનને ડામાડોળ ન થવા દેવું હોય તો બીરબલને સ્વીકારજો અને જો જીવનને ઉત્કૃષ્ટ બનાવવું હોય તો ચાણક્ય અને બીરબલ બન્નેનો સહર્ષ સ્વીકાર કરજો.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 04:40 PM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK