નિર્ભયાકેસમાં એક નવો વળાંક : આ ઘટનાની દરેક હરકત દેશની કાયદા-વ્યવસ્થા પર અટ્ટહાસ્ય કરે છે

Published: Jan 16, 2020, 16:09 IST | Manoj Joshi | Mumbai

નિર્ભયાકેસમાં વળાંક : આ ઘટનાની દરેક હરકત દેશની વ્યવસ્થા પર અટ્ટહાસ્ય કરે છે

નિર્ભયાકેસ
નિર્ભયાકેસ

હા, ખરેખર અને એના કારણ વિશે આપણે થોડા દિવસ પહેલાં જ ચર્ચા કરી હતી. નિર્ભયાકેસ એક એવી ઘટના હતી જેમાં બધું આંખ સામે ખુલ્લું હતું. બધેબધું અને પુરાવાઓ તથા સાક્ષીઓ સહિત સૌકોઈ વાત આંખ સામે સ્પષ્ટ હતી. આ કેસમાં તપાસને કોઈ ગતિ મળશે કે નહીં એ પ્રશ્ન અસ્થાને હતો. ઘટના સાથે જોડાયેલી પ્રત્યેક ક્ષણ દુખદ, પીડાદાયક અને આંખોમાં આંસુ લાવનારી તથા શરીરના એકેક રૂંવાડાંને ઊભું કરી દે એ પ્રકારની હતી. સાહેબ, આખો દેશ એક જ વાત કરતો હતો. આખો દેશ એક જ ન્યાય માગતો હતો. કહેતો હતો કે બધાને ફાંસી મળવી જોઈએ અને એ તાત્કાલિક મળવી જોઈએ. નવાઈ લાગે એવી વાત કહેવાય, પણ દેશઆખો આરોપીઓને ફાંસીના માંચડા તરફ ઢસડી રહ્યો હતો અને એની સામે દેશનું ન્યાયાલય દીવાલ બનીને ઊભું હતું. જે ફાંસીની જવાબદારી દેશના કાયદા મંત્રાલયની હતી, દેશના કાનૂનની હતી એ જ જવાબદારી જગતઆખું નિભાવવા માગતું હતું અને એ ફરજ નિભાવવા આ ડિપાર્ટમેન્ટ રાજી નહોતો. સામાન્ય સંજોગો કરતાં બિલકુલ વિપરીત અવસ્થા હતી આ. સામાન્ય અવસ્થા કરતાં બિલકુલ વિપરીત અને સાથોસાથ અચરજ આપનારી પણ ખરી.

આ એક એવી ઘડી હતી જે ઘડીએ દેશભરના નાગરિકોના આત્મવિશ્વાસને બળવત્તર બનાવવાનું કામ કરવાનું હતું. દેશભરના નાગરિકોની લાગણી જીતવાની જવાબદારી દેશના ન્યાયતંત્રના હાથમાં હતી અને એ પછી પણ આ કામને વર્ષો વીતી ગયાં. જે આરોપી ઘટના સમયે ૨૦ વર્ષનો હતો એ આરોપીએ પોતાનો ૨૭મો જન્મદિવસ જેલમાં ઊજવ્યો. જરા વિચાર તો કરો સાહેબ, શું માંડ્યું છે આ બધું? હત્યાને તમારો દેશ જઘન્ય અને અમાનવીય કૃત્ય ગણે છે અને બળાત્કાર જેવી ઘટનાને ‘રૅરેસ્ટ ઓફ ધ રેર’ ગુનો ગણવામાં આવે છે એ જ દેશમાં બળાત્કાર થાય છે, હત્યા થાય છે અને સમગ્ર ઘટના દરમ્યાન અતિશય વિકૃત કહેવાય એવી હરકતો પણ થાય છે. આજે હું એક વાત કબૂલ કરીશ. ઇન્ડિયાની બેસ્ટ કહેવાય એવી વેબ-સિરીઝમાં ટોચની ત્રણમાં આવે એવી વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ મેં જોઈ નથી. બહુ લોકોએ એ જોવા માટે કહ્યું, વેબ-સિરીઝનું લીડ કૅરૅક્ટર કરનારી શેફાલી શાહ પણ એક પાર્ટીમાં મળી ગઈ ત્યારે તેણે પણ પોતાની વેબ-સિરીઝ માટે પૂછ્યું અને એ પછી પણ મેં જવાબ ટાળી દીધો હતો.

જરા વિચાર કરો કે નિર્ભયા પર શું વીત્યું હશે એ સમયે જે સમયે આ ઘટના ઘટી હશે? ફાંસીની સજા જાહેર થઈ ગયા પછી ફરી એક વાર આરોપીના વકીલોએ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને એ પિટિશનમાં એ મતલબની વાત કરી છે જેને લીધે બાવીસમી જાન્યુઆરીની ફાંસી હજી પણ પાછળ જઈ શકે છે. તમે કસાબને ફાંસી દેતી વખતે જરા પણ વિચાર નથી કરતા, કારણ કે તેણે આતંક ફેલાવ્યો છે, પણ શું નિર્ભયાકેસના આરોપીઓએ આતંક નથી ફેલાવ્યો? શું ભારત માતાનાં કપડાં ફાડવાં એ મોટો ગુનો છે તો ભારત માતાની દીકરી સાથે આવી હરકત કરવી એ નાનો ગુનો ગણાય ખરો? જવાબ આપે દેશનું ન્યાયતંત્ર, જવાબ આપે આ પ્રકારની હરકત કરનારાઓની તરફેણમાં કોર્ટમાં જઈને ઊભા રહેનારા વકીલો. સાહેબ, નહીં કરો આવી હરકત, આ દેશની નારીના સ્વમાન અને સ્વાભિમાનની સાથોસાથ દેશની માની દીકરીનો પણ સવાલ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK