એક જાહેરખબરે બદલી નાખ્યું એની સુગંધનો દરિયોનું ભવિષ્ય

Published: Dec 31, 2019, 14:30 IST | Sanjay Goradia | Mumbai

જે નાટક પચીસ શોમાં બંધ થવાનું હતું એ નાટકની પછી તો લૉટરી લાગી ગઈ, નાટક સુપરહિટ થઈ ગયું

હિમકવચ
હિમકવચ

નવા નાટક માટે હું પ્રદીપ રાણેને મળ્યો, પ્રદીપે મને એક વનલાઇન સંભળાવી અને મેં એના પરથી નાટક બનાવવાનું નક્કી કર્યું. એ પછી હું અને પ્રદીપ વાર્તા અને સ્ક્રીનપ્લે પર કામ કરતા ત્યારે સાથોસાથ કાસ્ટિંગની પણ ચર્ચા ચાલતી. મારી ઇચ્છા શફી ઈનામદાર અને ભક્તિ બર્વેને લઈને નાટક કરવાની હતી, પણ કોઈક કારણસર એ શક્ય બન્યું નહીં. મારું ધ્યાન અરવિંદ જોષી અને નીલિમા પર ગયું. તેમના તરફ ધ્યાન જવાનું કારણ એ કે તેમનું નાટક ‘એની સુગંધનો દરિયો’ જે જુએ એ બહુ વખાણે, પણ બૉક્સ-ઑફિસ પર ચાલતું નહીં. અમને થયું કે ‘એની સુગંધનો દરિયો’ નાટક કદાચ બંધ થઈ જશે તો આપણે તેમના જ મુખ્ય કલાકારો અરવિંદ જોષી અને નીલિમાને શું કામ ન લઈએ?

હું પ્રદીપ રાણે સાથે નીલિમા અને અરવિંદ જોષીને મળ્યો. અમે તેમને વાર્તા સંભળાવી, વાર્તા તેમને ખૂબ ગમી. નાટકના હીરોનો ડબલ રોલ હતો. એક માણસ છે જે પોતાની પત્ની સાથે શહેરમાં રહે છે, બીજો એક ભાઈ છે જે ગામડામાં રહે છે, સાવ એકલો છે, પરિવારમાં કોઈ નથી. તે ગામડામાં ખેતી કરે અને શાંતિથી રહે. સાવ છેલ્લે ખબર પડે છે કે શહેરી માણસ જ ગામડામાં રહેતો હોય છે. શહેરની ધાંધલધમાલથી ત્રાસીને ગામડે જઈ પોતાને રિજુનિવેટ કરીને, પોતાની જાતને નવપલ્લવિત કરીને પાછો શહેરમાં આવે. તેની એક ગર્લફ્રેન્ડ પણ છે અને તેની પત્નીને આ ગર્લફ્રેન્ડ વિશે કશી ખબર નથી. આ પ્રકારની વાર્તા હતી.

અરવિંદ જોષી અને નીલિમા બન્ને નાટક માટે તૈયાર થઈ ગયાં. અમારી સાથે બધી વાત થઈ ગઈ. બધાં કન્ફર્મેશન લેવાઈ ગયાના બીજા અઠવાડિયે રવિવારના દિવસે અરવિંદભાઈ પાસે ભાઈદાસની બપોરની ડેટ હતી અને તેજપાલ ઇવનિંગ ખાલી થવાની હતી. અરવિંદભાઈને ખબર પડી એટલે અરવિંદભાઈએ તેજપાલના ટ્રસ્ટી ભાઈશેઠને વાત કરી કે મને ડેટ આપો તો હું રવિવારે બે શો કરી શકું. વાચકમિત્રો, ખાસ યાદ રાખજો કે આ ૧૯૮પ-’૮૬નો જમાનો હતો, સોલ્ડઆઉટનો જમાનો નહીં. કમર્શિયલ નાટકો ટિકિટબારી પર ખૂબ ચાલે. રવિવારે ભાઈદાસની બપોર હોય તો એ કીમતી ગણાય અને તેજપાલ ઑડિટોરિયમમાં સાંજનો શો તો બેરર ચેક જ ગણાય. રવિવારે તેજપાલ ઇવનિંગ તમારી પાસે હોય એટલે તમારે અમુક પ્રૉફિટ ઘરે લઈ જ જવાનો, આ વણલખ્યો નિયમ હતો. અરવિંદભાઈની રિક્વેસ્ટ માનીને શેઠે તેમને તેજપાલની ઇવનિંગ આપી અને આમ અરવિંદભાઈ પાસે રવિવારે બે શો થઈ ગયા.

બપોરે સાડાત્રણ ભાઈદાસ અને સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ.

બપોરનો ભાઈદાસનો શો પૂરો કરીને સેટ ટ્રકમાં ભરાય, ઍક્ટરો ટૅક્સીમાં નીકળે અને બધા તેજપાલ ઑડિટોરિયમ પહોંચે, ફટાફટ સેટ લાગે અને નાટક શરૂ થાય. એ જમાનો જુદો હતો. ૮૦ના દસકાના મધ્ય ભાગમાં ટ્રાફિકની આટલી સમસ્યા નહોતી અને એમાં રવિવારે તો બિલકુલ નહીં. રવિવારે ભાઈદાસથી ટ્રક નીકળે તો પોણો કલાકમાં તેજપાલ પહોંચી જાય, એવો ખાલી રોડ હોય. આજે તો એવું વિચારી પણ નથી શકાતું. જો એક દિવસમાં સબર્બ અને ટાઉનમાં બે શો કરવા હોય તો તમારે બે સેટ બનાવવા પડે, ઍક્ટરોને ટ્રેનમાં મોકલવા પડે અને એવું કરો તો પણ માંડ-માંડ પહોંચી શકાય, પણ એ સમયની વાત જુદી હતી.

બે શો મળ્યા એટલે અરવિંદભાઈએ નક્કી કર્યું કે આ બે શો માટે પબ્લિસિટી પર પૂરતું ધ્યાન આપીને નાટકને ઊંચકવાનો પ્રયત્ન કરવો. પ્રચારક મનહર ગઢિયા એ વખતે અરવિંદભાઈ પાસે આઇડિયા લઈને આવ્યા અને કહ્યું કે આપણે ‘ચિત્રલેખા’માં ફુલ-પેજ ઍડ લઈએ અને એમાં નાટકનો રિવ્યુ છાપીએ. મિત્રો, અહીં બીજી એક વાત કહું. હું પોતે આ ‘ચિત્રલેખા’ ૧૯૬પથી વાંચતો આવ્યો છું. વાંચવાની બહુ મજા આવે. બહુ વંચાતું ‘ચિત્રલેખા’ ગુજરાતીઓના ઘરમાં આવે જ આવે. જે ‘ચિત્રલેખા’ ન મગાવે તે ગુજરાતી હોય નહીં એવી માન્યતા બંધાઈ ગઈ હતી. ‘ચિત્રલેખા’માં તમારા નાટક માટે એક લાઇન પણ લખાય તો એ બહુ મોટી વાત કહેવાતી, તમારું નાટક હાઉસફુલ થઈ જ જાય. એ સમયે ‘ચિત્રલેખા’ સેપિયા ટોનમાં છપાતું, ફોર કલર પ્રિન્ટિંગ હજી એટલું પૉપ્યુલર નહોતું થયું. આજે પણ ‘ચિત્રલેખા’ પૉપ્યુલર છે, પણ એન્ટરટેઇનમેન્ટ ચૅનલોએ હવે લોકોની વાંચવાની ભૂખ ભાંગી નાખી છે તો ન્યુઝ-ચૅનલોના ઢગલાએ મૅગેઝિનોનું મહત્ત્વ ઘટાડી દીધું છે, પણ એ સમયે ન્યુઝ-ચૅનલના નામે દૂરદર્શન એક જ હતી અને ‘ચિત્રલેખા’નો સુવર્ણકાળ ચાલતો હતો. મને યાદ છે કે સૌથી પહેલાં મેં ‘ચિત્રલેખા’માં ‘સવિતા દામોદર પરાંજપે’નો રિવ્યુ જોયો હતો. એ સમયે ફુલ-પેજનો ભાવ પણ બહુ વધારે હતો. અંદાજે ૭૦-૮૦ હજાર રૂપિયા હતા. મનહર ગઢિયાનું હજી મહિના પહેલાં જ અવસાન થયું છે એટલે આ બાબતની વધારે ચોક્કસ માહિતી હવે મળી નહીં શકે.

મનહરભાઈનો વિચાર હતો કે ‘ચિત્રલેખા’એ રિવ્યુ કર્યો હોય એ જ પ્રકારે આખો રિવ્યુ છપાય. આગળ જતાં ‘ચિત્રલેખા’ને સમજાઈ ગયું એટલે એમણે જાહેરખબરની નીચે ‘આ જાહેરખબર છે’ એવું લખવાનું શરૂ કર્યું, પણ એવી સ્પષ્ટતા નહોતી આવી ત્યાં સુધી તો વાચકોને એમ જ લાગતું કે આ બધું ‘ચિત્રલેખા’એ લખ્યું છે અને જો ‘ચિત્રલેખા’એ લખ્યું હોય તો આપણે નાટક જોવા જવું જ જોઈએ. મિત્રો, મનહર ગઢિયાએ આ આઇડિયા વાપરીને એક પેજનો રિવ્યુ છપાવ્યો અને જાદુ થયો.

રવિવારના તેજપાલ અને ભાઈદાસ એમ બન્ને શો હાઉસફુલ થઈ ગયા જે નાટક પચીસ શોમાં બંધ થવાનું હતું એ સુપરહિટ થઈ ગયું. ‘એની સુગંધનો દરિયો’ ખૂબ ચાલ્યું, ખૂબ શો કર્યા એણે અને એની સાથે મારું નાટક, જે બનવાનું હતું એનું બાળમરણ થઈ જાય એવા સંજોગ ઊભા થયા. અરવિંદભાઈએ મને ના નહોતી પાડી, પણ તેમણે મને કહ્યું હતું કે આ નાટક પૂરું થાય એટલે હું તારું નાટક કરીશ, પણ મિત્રો, એટલી રાહ જોઈ શકાય એમ નહોતી એટલે અમે બીજા કલાકારોની શોધખોળ શરૂ કરી.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા અઠવાડિયે દુબઈમાં ‘સુંદર બે બાયડીવાળો’ નાટકનો શો હતો. નક્કી કર્યું કે દુબઈથી તમારા માટે એકાદ ફૂડ-ટિપ્સ તો લઈ જ આવીશ. દુબઈમાં લેબનીઝ એટલે કે અરેબિક ફૂડ સારું મળતું હોય છે એટલે થયું કે લેબનીઝ આઇટમની કોઈ ફૂડ-ટિપ્સ લઈ આવવી પણ અમારાં પ્રમોટર વ્યાપ્તિબહેન અમારી આખી ટીમને એક રેસ્ટોરાંમાં જમવા લઈ ગયાં. એનું નામ અક્ષર રેસ્ટોરાં. આ અક્ષર રેસ્ટોરાં જે હતી એ આપણી ઇન્ડિયામાં જે થાલી રેસ્ટોરાં હોય છે એ મુજબની જ હતી. હું તો કહીશ કે આપણી થાલી રેસ્ટોરાં કરતાં પણ એ ચડિયાતી હતી. અક્ષરમાં થાળી તો તમને મળે જ, જેમાં ૯ વાટકી હોય, જેમાં જાતજાતની વાનગીઓ હોય, પણ આ થાળી આવે એ પહેલાં તમને સમોસાં, તિરંગી ઢોકળાં અને દહીં ચાટ આપે. એ તમે ખાઓ એટલે પછી તમારા માટે થાળી આવે. થાળી એટલે અદ્ભુત સાહેબ. ત્રણ જાતની મીઠાઈ. એક બંગાળી મીઠાઈ, ઍપલ હલવો અને છેલ્લે આઇસક્રીમ અને દરેક તારીખનું મેન્યૂ જુદું હોય. તમે પાંચમી તારીખે જમવા ગયા હો તો એ તારીખ મેન્યૂ પર લખેલી હોય. છઠ્ઠીએ જાઓ તો એના પર લખ્યું હોય અને સાતમીએ જાઓ તો પણ એ મેન્યૂ પર તારીખ લખી હોય અને દરેક તારીખે મેન્યૂ જુદું હોય. અમે જે દિવસે જમવા ગયા એની મેં તમને મીઠાઈઓ કહી. ફરસાણમાં આલુટિક્કી, ઢોકળાં અને ચાટ. પછી શાકમાં પનીર કોફ્તા, કોબી ટમેટાં, આલુ રસાવાળા અને કાબુલી ચણા. રોટલી, બાજરાના રોટલા અને પૂરણપોળી. આપણી ગુજરાતી દાળ, લીલા કાંદાની કઢી અને ગુજરાતી કઢી. રાઇસમાં પણ વરાઇટી; સ્ટીમ રાઇસ, વેજિટેબલ પુલાવ, મુંગદાલ ખીચડી. મિત્રો, મુંગદાલ ખીચડી તો તમે કલ્પના પણ ન કરી હોય એવી અદ્ભુત હતી. આ ઉપરાંત છાશ, સૅલડ, ચટણી, મરચાં, કાંદા, પાપડ એ બધું જુદું.
મિત્રો બહુ મજા આવી ગઈ જમવાની. વિદેશમાં દેશની યાદ આવી અને એ પણ એવી કે કહેવાનું મન થઈ આવે કે આવું સ્વાદિષ્ટ અને સરસ જમવાનું તો આપણે ત્યાં પણ નથી હોતું. દુબઈ જવાનું બને તો મારી તમને અંગત સલાહ છે કે દુબઈની આ અક્ષર રેસ્ટોરાંમાં જવાનું ચુકાય નહીં.

જોકસમ્રાટ

હું નાનો હતો ત્યારે ઘણી બહેનો મને જોઈને કહેતી કે કેટલો ડાહ્યો છે. આ સાંભળીને મારી મમ્મી તરત જ કહેતી કે ચાર દિવસ લઈ જાઓ એટલે ખબર પડે.

આજે મારી વાઇફની બહેનપણીઓ ઘરે આવી હતી. મને જોઈને કહે કે તારો વર કેટલો સારો છે...

પણ કાગડી મોઢામાંથી એમ ના બોલી કે ચાર દિવસ લઈ જાઓ ઘરે.

સાહેબ, છેલ્લે તો મા એ મા જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK