Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પસ્ત હૌંસલેવાલે તેરા સાથ ક્યા દેંગે ઝિંદગી ઇધર આ જા, હમ તુઝે ગુઝારેંગે

પસ્ત હૌંસલેવાલે તેરા સાથ ક્યા દેંગે ઝિંદગી ઇધર આ જા, હમ તુઝે ગુઝારેંગે

05 February, 2020 03:58 PM IST | Mumbai
Pankaj Udhas

પસ્ત હૌંસલેવાલે તેરા સાથ ક્યા દેંગે ઝિંદગી ઇધર આ જા, હમ તુઝે ગુઝારેંગે

શબ્દોના શહેનશાહઃ ઝફર ગોરખપુરી પાસે શબ્દોનું વિશાળ અને અદ્ભુત કહેવાય એવું ભંડોળ હતું.

શબ્દોના શહેનશાહઃ ઝફર ગોરખપુરી પાસે શબ્દોનું વિશાળ અને અદ્ભુત કહેવાય એવું ભંડોળ હતું.


દુખસુખ થા એક સબકા,

અપના હો યા બેગાના



એક વો ભી થા ઝમાના,


એક યે ભી હૈ ઝમાના...

યસ, હવે વાત બની. હવે જે વાત થઈ રહી છે એ યુનિવર્સલ છે, સૌકોઈની છે. સુખ-દુઃખમાં સૌકોઈ સહભાગી હતા અને બધા સહમત પણ હતા. મેં ઝફરસાહેબને આ જ વાત કહી અને કહ્યું પણ ખરું કે આ આપણી દિશા છે.


ઝફરસાહેબે મને કહ્યું કે હજી ટાઇટલ પર વિચારવાનું છે, એ કામ કરું છું.

તેમની વાત સાંભળીને મેં તેમને કહ્યું કે હું મારા કામ પર લાગી જાઉં છું.

હા, મારી પાસે હવે મુખડું તૈયાર હતું એટલે હું કમ્પોઝ કરવાનું કામ કરી શકું એમ હતો. મેં મારું કામ શરૂ કર્યું અને ઝફરસાહેબ તેમની ચૅલેન્જ પર લાગ્યા. મેં મારું કામ શરૂ કર્યું અને ધીરે-ધીરે મહેનત કરવાનું શરૂ કર્યું. મુખડું તૈયાર હતું એટલે હવે કમ્પોઝિશન પર કામ કરવાનું સરળ હતું. બેચાર દિવસ લાગ્યા મુખડા પર કામ કરતાં અને પછી એક મુખડું તૈયાર થયું.

ઝફર ગોરખપુરીસાહેબ સાથે ફરી એક સીટિંગ થઈ. તેઓ ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે રાબેતા મુજબ જ તેમને માટે સિગારેટ આવી. તેમણે સિગારેટ સળગાવી. બેચાર કશ લીધા અને પછી તેમણે મને કહ્યું, ચાલો સંભળાવો.

મેં મુખડું સંભળાવ્યું, પહેલો બંધ સંભળાવ્યો. દાદાની જે વાત હતી એ વાત પણ તેમને સંભળાવી. એ પછી અબ્બાની વાત આવી. અબ્બાનો બંધ શરૂ થયો કે તરત જ કમ્પોઝિશન મેં ચેન્જ કર્યું. આ ચેન્જનું કારણ હતું. હવે સમય બદલાતો હતો, સમય સાથે બધું બદલાતું હતું તો પછી કમ્પોઝિશન પણ ચેન્જ થવું જોઈએ. કમ્પોઝ િશન બદલાયું એ સાંભળીને ઝફરસાહેબ ખૂબ ખુશ થયા.

ઝફરસાહેબે રફ સ્કેચ સાંભળીને મને કહ્યું કે કમ્પોઝિશન તો સરસ બન્યું છે. તમે આગળ વધો, પણ મેં તેમને રોક્યા અને કહ્યું કે હજી એક કામ બાકી છે.

‘દાદા હયાત થે જબ...’ ટાઇટલ મને જચતું નહોતું એટલે મેં મારા મનની વાત તેમને કહી દીધી અને એ પણ કહ્યું કે આપણે આ નઝ્‍મના ટાઇટલ માટે પહેલાં પણ વાત થઈ છે, તમે કંઈ એના વિશે વિચાર્યું.

ઝફરસાહેબે મને કહ્યું કે તમે એક કામ કરો. મેં આ નઝ્‍મ છે એ દિલથી લખી છે. મેં એ બધું મારી આંખે જોયું છે, તમે પણ આ બધું જોયું હશે. મેં આ બધું જીવ્યું છે, તમે પણ આ બધું જીવ્યા હશો. આ નઝ્‍મ લખવાનું કારણ એ છે કે આ સદીમાં આપણી શું હાલત છે, આપણા વડીલોની શું હાલત હતી, પિતાની શું હાલત હતી અને આપણે કેવા સયમમાંથી પસાર થયા છીએ એ બધું આમાં છે. હવે તમે જ વિચારો કે આપણે આનું ટાઇટલ શું આપવું જોઈએ.

વિચારવિમર્શ ચાલતા રહ્યા. તેમને કંઈ સૂઝે અને હું રિજેક્ટ કરું અને મને કંઈ સૂઝે એને તેઓ પસંદ ન કરે. વાતો ચાલતી રહી અને અચાનક જ તેમણે મને કહ્યું, ઇક્કીસવીં સદી. બસ, આ ટાઇટલ આપો. આ જ ટાઇટલ બેસ્ટ છે.

ઝફરસાહેબે કહ્યું, આજે આપણે આ સદીમાં છીએ અને પાછળ ફરીને જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણે શું મેળવ્યું, શું ગુમાવ્યું. શું થયું અને શું પાછળ રહી ગયું. બીજા શબ્દોમાં કહું તો વીસમી સદીની આખી બૅલૅન્સશીટ આંખ સામે આવી જાય છે અને આપણી સામે મૂંઝવણ ઊભી થાય છે કે આપણે જમા ખાતામાં છીએ કે ઉધારી આપણી વધી ગઈ છે, પ્લસમાં છીએ કે માઇનસમાં? બેસ્ટ છે ઇક્કીસવીં સદી ટાઇટલ.

આ સહમતી પછી પણ એક મૂંઝવણ મારા મનમાં હતી.

મેં ઝફરસાહેબને કહ્યું કે ઝફરસાહેબ બધી વાત બરાબર, પણ હજી નઝ્‍મમાં એક વાત ખૂટે છે. મને તેમણે પૂછ્યું કે શું?

મેં તેમને સમજાવ્યા કે આપણે વાત એકવીસમી સદીની કરીએ છીએ અને આપણી એ વાત દાદા અને પિતા સુધી આવીને અટકી જાય છે. ઇનકમ્પ્લીટ છે આપણી વાત. આ આખા સમયમાં દાદા અને પિતા પછી આપણી વાત આવવી જોઈએ, આજના સમયની વાત આવવી જોઈએ. હું ક્યાં છું, તમે આજે ક્યાં છો એ વાત તો નઝ્‍મમાં ક્યાંય છે જ નહીં.

‘ઝુર્રત હૈ ઉસકી?’

સહજ રીતે જ તેમણે મને સવાલ કર્યો હતો.

મેં તેમને કહ્યું કે હા, જરૂરી છે. જો આપણી વાત નહીં હોય તો કોઈને સમજાશે કેવી રીતે કે આપણને એ બન્ને સમય શું કામ સારા લાગતા હતા. અત્યારે આપણે વાત કરીએ છીએ એ બે જનરેશનની જ છે. એ વાત પૂરી કર્યા પછી જો આપણી વાત આવે તો જ વાત આખી ગળે ઊતરે. આપણી વાત અને એ પછી આપણે વાતનું સમાપન કરીએ.

તેમણે વિચારવાનો સમય માગ્યો અને અમે બીજી વાતોએ વળગ્યા. કમ્પોઝિશનની પણ વાતો થઈ અને એ પછી તેમની બીજી ગઝલો અને નઝ્‍મોની વાતો પણ થઈ. અમારી વાતોનો દોર એમ જ ચાલ્યો અને કલાક પછી તેઓ જવા માટે ઊભા થયા. મને હતું કે મારે તેમને યાદ અપાવવી પડશે કે ‘ઇક્કીસવીં સદી’માં તમારે ત્રીજો અંતરો લખવાનો છે, પણ હું કંઈ કહું એ પહેલાં જ તેમણે મને કહ્યું, કોશિશ કરું છું, જોઉં છું કાંઈ સારું લખાય છે કે નહીં.

મેં તમને અગાઉ કહ્યું કે અમારા સમયના કલાકારોનો આ સ્વભાવ હતો. ચૅલેન્જ આવે એટલે અમને મજા આવી જાય. ચૅલેન્જ હોવી જોઈએ જીવનમાં, જો ચૅલેન્જ હોય તો નવું કરવાની ક્ષમતા આવે. નઝ્‍મની વાત આવી ત્યારે મારે માટે ચૅલેન્જ હતી, કારણ કે ઝફરસાહેબની આ નઝ્‍મ આમ તો મુશાયરામાં રજૂ કરી શકાય એ પ્રકારની હતી, એને સંગીતબદ્ધ કેવી રીતે કરવી એ ચૅલેન્જ મારે માટે હતી, પણ સાચું કહું, એના શબ્દો એવા ધારદાર હતા કે મને થયું કે આ વાત મૅક્સિમમ લોકો સુધી, વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ.

ઝફરસાહેબ ગયા પછી હું પણ મારા બીજાં કામમાં લાગી ગયો. દિવસમાં એકાદ વખત તેઓ યાદ આવી જાય, પણ તેમને પૂછીને કે તેમની પાસે ઉઘરાણી કરીને મારે તેમને વધારે સ્ટ્રેસ આપવો નહોતો અને તેમનું વ્યક્ત િત્વ પણ એવું નહોતું કે તેમને સોંપેલા કામની યાદી આપવી પડે.

થોડા દિવસ વીત્યા અને એક સાંજે મને તેમનો ફોન આવ્યો.

ત્રીજો બંધ તૈયાર છે, મળીને સંભળાવું.

મળવાનો સમય નક્કી થયો અને હું એ સમયની રાહ જોવા માંડ્યો.

ઝફર ગોરખપુરી હવે જે લઈ આવશે એ અદ્ભુત હશે એની મને ખાતરી હતી. આ ખાતરી મેં તેમની પોએટ્રીમાં જોઈ હતી. શબ્દોનો વિશાળ ભંડાર તેમની પાસે હતો. તેમની એકેક રચના, એકેક નઝ્‍મ અને ગઝલ આપણા મોઢામાંથી ‘વાહ’ અને ‘આહ’ કઢાવી દે એવી હતી. હવે તેઓ જેકંઈ લઈ આવશે એ વાત અગાઉના બન્ને બંધ કરતાં ક્યાંય આગળની હશે એની મને ખાતરી હતી, મને ભરોસો હતો. શાયરીની રચનાથી તેઓ વાકેફ હતા અને એટલે જ મને આ વિશ્વાસ હતો. નવી ઊંચાઈઓ તેઓ કેવી મેળવતા એની વાતો આવતા મંગળવારે કરીશું, પણ ઝફર ગોરખપુરીસાહેબના શબ્દોની તાકાતનો અંદાજ તમે તેમના આ શેરમાંથી લઈ શકો છો.

તૂ કિ આજ કાતિલ હૈ,

ફિર ભી રાહત-એ-દિલ હૈ

ઝહર કી નદી હૈ તૂ,

ફિર ભી કીમતી હૈ તૂ

પસ્ત હૌંસલેવાલે તેરા સાથ ક્યા દેંગે

ઝિંદગી ઇધર આ જા, હમ તુઝે ગુઝારેંગે.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2020 03:58 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK