Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > World Thinking Day: મુંબઈકર, વિચાર કર

World Thinking Day: મુંબઈકર, વિચાર કર

22 February, 2020 01:37 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

World Thinking Day: મુંબઈકર, વિચાર કર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિચારથી વિશ્વ બને છે પણ અફસોસ, જે ઝડપથી આપણે જીવી રહ્યા છીએ એમાં વિચારવાનો તો સમય જ ક્યાં છે? એટલે જ કદાચ મોટા ભાગના લોકોનું વિશ્વ બીબાઢાળ બનતું જાય છે. વિચાર વિકાસ પણ આપે અને વિનાશ પણ. ‍સતત દોડ-દોડ કરતી દુનિયા વચ્ચે થોડોક પોરો ખાઈને બે-ચાર ઘડી સારા વિચારોની આપલે કરવા માટે સમય ફાળવનારા આપણા શહેરમાં કોઈ છે? જવાબ છે યસ, છે. વિચારવાનો ઠેકો માત્ર વિચારકોએ જ નથી લીધો, આપણી પણ કોઈક જવાબદારી છે. આજે ‘વર્લ્ડ થિન્કિંગ ડે’ નિમિત્તે વૈચારિક આપલેની દિશામાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા કેટલાક લોકો અને મુંબઈમાં ચાલતાં મીટ-અપ ગ્રુપ્સ વિશે જાણીએ

રુચિતા શાહ



દુનિયાભરની અન્ડર પ્રિવિલેજ્ડ યંગ ગર્લ્સના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહેલા એક સદી જૂના સોશ્યલ ઑર્ગેનાઇઝેશન ‘ગર્લ ગાઇડ્સ ઍન્ડ ગર્લ સ્કાઉટ્સ’ દ્વારા ૧૯૨૬થી વર્લ્ડ થિન્કિંગ ડેની ઉજવણી શરૂ થઈ છે. લગભગ ૧૫૦ દેશોની કુમારિકાઓના ભવિષ્ય માટે ફન્ડ ભેગું કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાઈચારા સાથે યંગ દીકરીઓને સ્પર્શતા પ્રશ્નો પર વિચારવા લોકોને સજ્જ કરવા માટે આ દિવસનું ગઠન થયું હતું. વિચાર થશે તો વાત આગળ વધશે એવું આ સંસ્થા માને છે. સત્ય વચન. વિચાર વિના વિસ્તાર નથી જ. આજે આ જે આખું વિશ્વ આપણે જોઈ રહ્યા છીએ એ વિચારનું પરિણામ નથી? તમારી આંખ સામે આવતી તમામ બાબતો, તમામે તમામ બાબતો માત્ર ને માત્ર વિચારબીજમાંથી અવતરી છે. મજાની વાત એ છે કે વિચાર એ સહજ પ્રક્રિયા છે અને છતાંય એની ખોટ વરતાઈ રહી છે. કાં તો માનવને વિચારવું જ નથી કાં તો નહીં વિચારવા જેવું વિચારીને ડિપ્રેશનને બોલાવવું છે. વર્લ્ડ થિન્કિંગ ડે નિમિત્તે અમે વિચાર્યું કે ખરેખર મુંબઈમાં એવું કોઈ છે જે વિચારોને પ્રાધાન્ય આપતું હોય અને સારા વિચારોને અને એ વિચારો દ્વારા સારી પ્રવૃત્તિને પ્રમોટ કરવા માટે પ્રયત્ન કરતું હોય. મુંબઈમાં સક્રિયપણે કામ કરી રહેલા અને સારા વિચારોને તથા આઇડિયાઝના આદાનપ્રદાનના આશયથી શરૂ થયેલાં કેટલાંક થિન્કિંગ ગ્રુપ્સ સાથે ચિટચૅટ કરીએ.


જીવનની પ્રૅક્ટિકલ ફિલોસૉફીના વિચારો શૅર કરે છે આ ગ્રુપના સદસ્યો

કોલાબા અને ખારમાં ‘ન્યુ એક્રોપોલિસ’ બૅનર હેઠળ ૧૫૦ સદસ્યો નિ‌યમિત એકબીજાને મળે છે અને વૈશ્વિક સ્તરે જુદી-જુદી ફિલોસૉફીમાંથી જીવનને ઉપયોગી એવી પ્રૅક્ટિકલ બાબતો કઈ એની તારવણી કરીને એની ચર્ચા કરે છે. ગ્રુપની સદસ્ય ત્રિશા સ્ક્રૂવાલા કહે છે, ‘મોટા ભાગે લોકો ફિલોસૉફીને ખૂબ જ બોરિંગ અને માત્ર પુસ્તકનો વિષય માને છે, પણ એવું નથી. દુનિયાના દરેક દેશની અને ધર્મોની ફિલોસૉફી જીવનમાં ઉતારીને જીવનને બહેતર તરીકે જીવી શકાય એવી પુષ્કળ વાતો કરવામાં આવી છે. જીવનને સારામાં સારી રીતે અને ઓછામાં ઓછી તકલીફ વચ્ચે કેમ જીવી શકાય એ અમારી ચર્ચાનો વિષય હોય છે. ફિલોસૉફી ભણેલા અને ફિલોસૉફીનો પ્રૅક્ટિકલ આસ્પેક્ટ સમજેલા લોકો ક્લાસ લે છે. મોટા ભાગે ક્લાસ મેમ્બર્સ માટે જ હોય છે, પણ મહિનામાં બેથી ત્રણ ઇવેન્ટ જાહેર જનતા માટે હોય છે. તમે તમારા જીવનને એક ડગલું ઉપર કેવી રીતે લઈ જઈ શકો એ અમારા સૌનું ધ્યેય હોય છે. બધા જ અલગ-અલગ ફીલ્ડમાં વર્કિંગ છે, પણ ફિલોસૉફી જેના રસનો વિષય હોય એ લોકો જોડાયા છે.’


આઇડિયાઝ અને અનુભવોનું શૅરિંગ કરે છે આ ગ્રુપ

અંધેરી, નવી મુંબઈ અને સાઉથ મુંબઈ એમ ત્રણ ઠેકાણે અઠ‌વાડિયામાં ત્રણ વાર આઇકન બિઝનેસ ફોરમ નામના ઑર્ગેનાઇઝેશન અંતર્ગત શરૂ થયેલી થિન્ક ટૅન્ક નામની શાખામાં સભ્યો એકબીજાને મળે છે. મુંબઈભરના તમામ લોકો ઇન્ટરનેટના માધ્યમે જોડાયા છે અને બિઝનેસ આઇડિયાઝ શૅર કરવાથી લઈને કરન્ટ અફેર્સમાં શું કરવા યોગ્ય છે, શું થઈ શકે છે એ વિશેના વિચારો શૅર કરે છે. ગ્રુપને શરૂ કરનારા તરુણ અગ્રવાલ કહે છે, ‘થોડાક સમય પહેલાં #MeToo મૂવમેન્ટ થઈ હતી એ વિષયને લઈને એક્સપર્ટને બોલાવીને અમે ચર્ચાસત્ર યોજ્યું હતું. ક્યારેક કોઈ નવી ટેક્નૉલૉજી આવે તો એને લઈને ચર્ચાવિચારણા થાય. સીસીડીના માલિકે આપઘાત કર્યો ત્યારે એ વિષયને લઈને બિઝનેસમાં આવતા પ્રૉબ્લેમ્સને કેવી રીતે ડીલ કરવા એના પર એક ચર્ચાસત્ર યોજ્યું હતું. દરેક વખતે કોઈ ને કોઈ વિચારને લઈને એમાં ગ્રુપના સોથી વધુ સભ્યો શું વિચારે છે એનું ડિસ્કશન થાય. ઘણા લોકોને ઘણી નવી બાબતો પણ આમાં જાણવા મળે છે. ગ્રુપના માધ્યમે એકબીજાને રૂબરૂ મળવાનું બને અને લાઇકમાઇન્ડેડ લોકો ભેગા થાય એને કારણે પણ વિઝન એન્લાર્જ થાય.’

યંગ ફ્રેન્ડ્સ મળે છે નિયમિત અને કરે છે નૉલેજ શૅરિંગ

કાંદિવલી (ઈસ્ટ)માં ગાર્ડનમાં પાંચથી સાત મિત્રોનું ગ્રુપ નિયમિત મળે છે. ગ્રુપના સદસ્ય કુણાલ દોશી કહે છે, ‘અમે બધા કપોળ કમ્યુનિટીના છીએ અને બાળપણના મિત્રો પણ છીએ. અઠવાડિયામાં એક વાર મળવાનું અને મળીને એ બધું જ શૅર કરવાનું જે કંઈક મીનિંગફુલ હોય. રિલેશનશિપથી લઈને પર્સનાલિટી અને બિઝનેસને લગતા વિષયો પર પણ અમે ચર્ચા કરીએ. ધારો કે કોઈને કોઈ પ્રૉબ્લેમ આવ્યો હોય તો એ શૅર કરે અને બીજા એને સૉલ્વ કઈ રીતે કરી શકાય એને લઈને પોતાના વિચારો શૅર કરે. થોડાક સમય પહેલાં અમે એક સાઇકોલૉજિકલ થિયરી ડિસ્કસ કરી હતી. અમારા પ્રયત્નો એ રહે છે કે અઠવાડિયામાં એ બે કલાકમાં એવી વાતો થાય જે અમને એનર્જીથી ભરી દે, અમારા ગોલ્સને પૂરા કરવા માટે અમને ફરીથી રીચાર્જ કરી દે.’

સ્થૂળથી સૂક્ષ્મ સુધી પહોંચવા માટે ચાલે છે આ વિચારયાત્રા

કાંદિવલીના અગ્રણી વિચારકોનું ગ્રુપ છેલ્લાં પાંચેક વર્ષથી મોટા ભાગે દર ઑલ્ટરનેટ રવિવારે મળે છે અને વિવિધ વિષયોના ઊંડાણ સુધી જવાનો પ્રયાસ કરે છે. આ ગ્રુપના સભ્ય મહેશ શાહ કહે છે, ‘એક વાર અમસ્તા જ અમે બધા મિત્રો બેઠા હતા ત્યારે નિયમિત મળવાનું કંઈ કરીએ એવું નક્કી કર્યું, પણ મળીને કરવાનું શું? ત્યારે થયું કે દરેક વખતે કરવું જરૂરી નથી પણ ઘણી વાર મળીને જાતને વધુ ઊંડાણ મળે અને વ્યક્તિત્વમાં કંઈક ઉમેરાય એવું પણ કંઈક થઈ શકે એ વિચારથી વિચારયાત્રાનો ઉદ્ભવ થયો. દર ઑલ્ટરનેટ રવિવારે લગભગ વીસથી પચીસ જણ ભેગા થઈએ અને પહેલેથી જ નક્કી થયેલા એકાદ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરીએ. જીવનને આગળ વધારે અને જીવનને વધુ મીનિંગફુલ રીતે જીવવામાં મદદ કરે એવા વિચારોનું આદાન-પ્રદાન આ વિચારયાત્રાનું મુખ્ય ધ્યેય છે. વ્યક્તિના અંતઃકરણને શુદ્ધ કરે અને સૂક્ષ્મતાથી પ્રત્યેક બાબતની આરપાર જવાના પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ. અમને દરેકને આમાં ખૂબ લાભ થયો છે.’

દર ઑલ્ટરનેટ રવિવારે કાંદિવલીમાં આ ગ્રુપ સવારે અગિયારથી બપોરે એક વાગ્યા સુધી મળે છે. અગ્રણી સાહિત્યકાર દિનકર જોશી, લેખક ‌જયેશ ચિ‌તલિયા, ભગવદ્ગીતાના ઊંડા જાણકાર અને ‌ચિંતક સુનીલ શાસ્ત્રી, માતૃભાષાના પ્રચારક કીર્તિ શાહ, સમાજના અગ્રણી વિનોદ શાહ, અમૃત બારોટ જેવા ઘણા વિચારવંત લોકો વિચારયાત્રામાં સામેલ થતા હોય છે.

હૅપિનેસ અને નૉલેજને વહેંચવાનું એક ધ્યેય છે આ ગ્રુપનું

આજથી પંદર વર્ષ પહેલાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હેમંત મહેતાએ જ્ઞાનપિપાસુ અને ‌વૈચારિક સમાનતાવાળાઓએ મળવું જોઈએ એવું લાગ્યું અને તેમણે શરૂ કર્યું હૅપિનેસ ફાઉન્ડેશન. સામાજિક સ્તરે વિવિધ ઍક્ટિવિટી કરતા આ ગ્રુપના ૧૫૫ સભ્યો દર બુધવારે મળે છે અને સારા વિચારોની, સારા આઇડિયાઝની અને વર્તમાનમાં ઘટતી ઘટનાઓમાં પોતાપોતાનાં મંતવ્યોની આપલે કરે છે. હેમંતભાઈ કહે છે, ‘નવા આઇડિયાઝ અને નવા કન્સેપ્ટ વિશે અમે ચર્ચાઓ કરીએ. છેલ્લી મીટિંગમાં અમે કોરોના વાઇરસ પર ડિસ્કશન કર્યું હતું. લોકો પોતપોતાના ફીલ્ડમાં નવું શું ચાલી રહ્યું છે એના વિશે વાતો કરે. કોઈને કોઈ સમસ્યા હોય તો એમાં શું કરી શકાય એની બનતી મદદ અને કાઉન્સેલિંગ પરસ્પર થાય. ધારો કે કોઈ ડૉક્ટર છે તો તેઓ કોઈ વિષય પર બોલે. કોઈ ઇન્શ્યૉરન્સ એજન્ટ છે તો એ નવી પૉલિસી શું છે એના પર ચર્ચા કરે.’

એક નાનકડો વિચાર વૉટ્સઍપ ગ્રુપના માધ્યમે કરાવી શકે છે આટલું સરસ કામ

અમદાવાદમાં રહેતા દિવ્યેશ પટેલને વાંચનનો ખૂબ શોખ. જોકે વ્યસ્તતાને કારણે પોતાને મનગમતું વાંચન કરવા માટે પૂરતો સમય મળતો નહોતો અને જે વાંચવાની ઇચ્છા હોય એ હંમેશાં રહી જાય. તેમને લાગ્યું કે જો મોબાઇલમાં જ એકસાથે આવું કંઈક વાંચવા મળે તો અનુકૂળતાએ શાંતિથી વાંચી શકાય. કંઈક મિસ થઈ જશે એની ‌ચિંતા નહીં અને સારું શું અને ખરાબ શું એની છાંટણીમાં બગડતો નાહકનો સમય પણ બચી જાય. એ માટે તેમણે સારું સાહિત્ય અને કરન્ટ ટૉપિકનું વાંચન પૂરું પાડતા હોય એવા કોઈ વૉટ્સઍપ ગ્રુપની શોધ કરી, પણ કંઈ મેળ પડ્યો નહીં એટલે તેમણે પોતે જ આવા એક ગ્રુપનું નિર્માણ થાય તો કેવું એ વિચારને અમલમાં મૂક્યો. આજે પરિસ્થિતિ એ છે કે વૉટ્સઍપ ગ્રુપના માધ્યમે લગભગ દસ હજારથી વધુ વાચકોને સારામાં સારી વાંચનસામગ્રી તેઓ અને તેમના આ યજ્ઞમાં જોડાયેલા વાંચનપ્રેમીઓના સહયોગથી પ્રાપ્ત થઈ રહી છે. દિવ્યેશભાઈ કહે છે, ‘અમે લિમિટેડ ૧૦ નામનું ગ્રુપ લગભગ અઢી વર્ષ પહેલાં શરૂ કર્યું ત્યારે નક્કી કરેલું કે ચીલાચાલુ, લીગથી હટીને એવી રોજની ૧૦ પોસ્ટ મૂકીએ કે જેમાં સાહિત્યના બધા જ પ્રકાર વણાઈ જાય. નૉવેલ, ટૂંકી વાર્તા, મહાનવલકથા, સિનેમા, રહસ્ય, સંગીત  ઉપરાંત ગીતા સંદેશનો ગળે ઊતરે એવા અનુવાદ-સંવાદ મૂકવા અને એ પણ ગુજરાતી ભાષામાં જ. ખૂબ જ કડક નિયમો રાખ્યા છે કે જેથી ચળાઈને આવતાં કથાનક મોબાઇલની સ્ક્રીન ઉપરથી સીધાં વાચકના મન સુધી-દિલ સુધી પહોંચે અને અમારા આ પ્રયત્નોને લોકોએ વાચક બનીને સ્વીકાર્યા છે. ૩૫થી વધુ સિદ્ધહસ્ત લેખકો પણ અમારી આ પ્રવૃત્તિ સાથે વાચક બનીને સંકળાયા છે. રોજના દસ સારામાં સારા લેખોનો રસથાળ વાંચન માટે પીરસાય છે. લોકોને એ ખૂબ પંસદ પણ પડી રહ્યું છે. મોટા ભાગે પ્રયાસ કરીએ છીએ કે સારામાં સારા અને લોકોએ અપ્રૂવ કરેલા લેખકોના લેખ પોસ્ટ થાય અને બધા જ પ્રકારના લેખોને સમાવાય એટલે દરેકેદરેકને પોતાના રસનું કંઈક તો ગ્રુપમાંથી મળી રહે અને તેઓ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ કંઈક તો માતૃભાષામાં સારું વાંચન કરી શકે.’

આ ગ્રુપની સફળતાનો આધાર છે એનું સ્વયંસંચાલિત મેકૅનિઝમ. શરૂઆતમાં એકાદ-બે ગ્રુપ હતાં ત્યાં સુધી ગ્રુપને ચલાવવાનો કન્ટ્રોલ ફક્ત ફાઉન્ડર જ સંભાળતા હતા પણ જ્યારે ૫૦થી વધુ ગ્રુપ દસ હજારથી વધુ વાચકો સુધી પહોંચ્યાં ત્યારે તેમની ટીમે સ્માર્ટ નિર્ણયો લીધા જે માસ્ટરસ્ટ્રોક સાબિત થયા. દિવ્યેશભાઈ કહે છે, ‘વિચાર ભલે મારો છે પણ એને આકાર આપવામાં ઘણાંબધાં ભાઈબહેનો પોતાનો સમય અને સહયોગ આપી રહ્યાં છે. અમે ૩૪થી વધુ ઍડ્મિન ઊભા કર્યા. અલબત્ત, તેમની ગુજરાતી સાહિત્ય પ્રત્યેની સમજ, સમય આપવાની તૈયારી, આધુનિક ડિજિટલ પ્લૅટફૉર્મ સાથેનું સંયોજન અને ખાસ કરીને સમયની નિયમિતતા વગેરેની ચકાસણી કરીને આ ઍડ્મિનની ટીમ ઊભી થઈ છે જે આજે પોતપોતાના શોખ અને કામની વહેંચણીને આધારે નક્કી કરેલા ગ્રુપમાં રોજ સવારે આઠ વાગ્યા પહેલાં પોસ્ટ મૂકી દેતા હોય છે. તેમ જ બીજી એક અગત્યની વાત જે અમે ફૉલો કરીએ છીએ એ એ કે અમે લેખકના બૌદ્ધિક વિચારોના તેમણે લીધેલા કૉપીરાઇટને ખૂબ જ સન્માન આપીએ છીએ એટલે કે અમારા ગ્રુપમાં મુકાતી દરેક પોસ્ટ માટે જે-તે લેખક અથવા તો તેમના અધિકા‌રી વારસદારો અથવા તો તેમનાં પ્રકાશનગૃહની મંજૂરી લેવામાં આવે છે.’

મજાની વાત એ છે કે ગ્રુપના બધા જ સભ્યો વર્ચ્યુઅલી એકબીજાને જાણે છે અને દુનિયાના જુદા-જુદા ખૂણામાં રહે છે, પણ સારા વિચારોના આદાનપ્રદાનના એક જ ધ્યેય સાથે જોડાયેલા છે. તમે પણ જો આ ગ્રુપના સભ્ય બનવા માગતા હો તો ૦૭૦૪૧૧૪૩૫૧૧ નંબર પર સંપર્ક કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 01:37 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK