Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા!

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા!

08 April, 2020 06:03 PM IST | Mumbai
Sejal Ponda

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા!

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


આપણે બધા જ ક્યારેક ને ક્યારેક ડર્યા છીએ. કોઈને ઊંચાઈનો ડર હોય, કોઈને બીમારીનો. તો કોઈને વ્યક્તિનો, ભૂત-પ્રેતનો, પાણીનો. આવા અનેક ડર સાથે મનુષ્ય જીવતો હોય છે. ડર એક હદ બાદ ફોબિયા બની જાય છે. આજકાલ દરેકના મનમાં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે. જરાક છીંક આવે, ખાંસી આવે, ગળામાં ખંજવાળ આવે તો ડર લાગે કે કોરોનાનાં લક્ષણ તો નહીં હોયને? કોરોના કાળ બની ઘણાને ભરખી રહ્યો છે. એવા સમયે એનો ડર પેસી જવો સ્વાભાવિક છે. પણ મૃત્યુ પહેલાં જ મૃત્યુનો ડર ગેરવાજબી છે.

કોઈ પણ બીમારી શરીરને જકડે એ પહેલાં મન-મગજને જકડી લે છે. બીમારી આવતાં પહેલાં આપણે એ બીમારીના વિચારો કરવા લાગીએ છીએ. શરદી થઈ, હવે નાક ગળશે તો? પછી તાવ આવશે તો? પછી ટેસ્ટિંગ માટે જવું પડશે તો? પછી રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તો? આવા અનેક વિચાર અત્યારે કૉમન બન્યા છે.



લોકો ઘરેબેઠાં પોતાની જાતને કામમાં એન્ગેજ રાખે, ફિલ્મો-નાટકો જુએ, પરિવાર સાથે સમય વિતાવે, સાફસફાઈ, રસોઈ બધું જ કરી લે ત્યાં સુધી તેનું મગજ એ કામમાં વ્યસ્ત રહે છે. સાથે-સાથે ન્યુઝના શબ્દો કાનમાં અથડાતા જ હોય છે. જેવા કામથી પરવારે કે બૅક ઑફ ધ માઇન્ડ ચાલતો કોરોનાનો વિચાર ફરી આવવા લાગે. કોરોનાના આંકડાઓ જેમ-જેમ વધી રહ્યા છે તેમ-તેમ મન વિચલિત થઈ રહ્યું છે.


ઘણાબધા લોકો સાથે ફોનમાં વાત કરતાં એક બાબત નોટિસ કરી કે... લોકો હસે છે, પોતાની જાતને ઘરમાં સુરક્ષિત રાખે છે એ છતાં બધાની અંદર એક ડર છે. પોતાની જિંદગીનો, પરિવારજનોની જિંદગીનો. જે સાવ પોચા હૃદયના છે તેમને ડિપ્રેશન આવી રહ્યું છે.

આ ડર માનસિક છે. આ સમય સંયમનો છે. જીવનનું અંતિમ સત્ય મૃત્યુ જ છે. આ વાત આપણે બધા જણીએ જ છીએ, પણ આ મહામારીના સમયે આપણે આ વાત આપણી જાતને ફરી યાદ અપાવવાની છે. મૃત્યુના ડરથી લોકો ધરમ-ધ્યાન તરફ વધુ વળ્યા છે. હોમહવન, પ્રાર્થનાઓ થઈ રહ્યાં છે. અને એ સારું જ કહેવાય. ધાર્મિક ચૅનલો, ધાર્મિક સિરિયલોના ટીઆરપીમાં અચાનકથી ધરખમ વધારો થઈ ગયો છે. ધાર્મિક લેખ, પુસ્તકો વંચાતાં થયાં છે. ધર્મ તરફ વળવું સારી બાબત છે, પણ મૃત્યુના ડરથી નહીં. આપણે કોઈ અમરપટો લઈને નથી આવ્યા. એકના એક દિવસે દરેકે આ પૃથ્વીની જગ્યા ખાલી તો કરવાની જ છે. અને જે ખાલી કરવાનું જ છે એ છૂટી જશે તો એવો ડર રાખવો જ શું કામ?


ડરની પાછળ જીવવાની જિજીવિષા હોય ત્યાં સુધી ઠીક છે, પણ મારું શું થશે એવો ડર આપણને રોજેરોજ મારે છે.

આપણે મનુષ્યના સંપર્કમાં એટલાબધા આવી ગયા હતા કે આપણો ઈશ્વર સાથેનો સંપર્ક નહીંવત થઈ ગયો હતો. આપણો ઘર-પરિવાર સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો હતો. આ મહામારીએ આપણને પરિવાર સાથે જીવતાં શીખવ્યું. ઓછામાં ઓછી જરૂરિયાતો હોય તો પણ જીવી શકાય એ બોધ આપ્યો. લોકોના દુઃખ તરફ દૃષ્ટિ કરતાં, એ દુઃખને સમજતા કર્યા. આ મહામારીએ પુરપાટ દોડતી આપણી જિંદગીને એક સ્થિરતા આપી. આ સ્થિરતામાં આપણે કુદરતને સમજતા થયા. મોટા ભાગના લોકો કબૂલ કરે છે કે અમે પંખીઓના અવાજ સારી રીતે સાંભળી શકીએ છીએ. ઊડાઊડ કરતાં પતંગિયાંઓ જોઈ શકીએ છીએ, કારણ કે વાહનોના અવાજ બંધ થઈ ગયા છે. પંખીઓ તો પહેલેથી જ હતાં, પણ આપણે ક્યારેય એ તરફ દૃષ્ટિ નહોતી કરી.

નવી દૃષ્ટિ મળી છે તો એના પર ડરનું આવરણ ન લાગે એનું ધ્યાન રાખીએ. આ ડરને કાઢવો કઈ રીતે? જેવો ડર લાગવા લાગે, ભયાનક વિચારો આવવા લાગે કે તરત એ વિચારને હસી કાઢો. ખરેખર શારીરિક તકલીફ થઈ રહી હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક જરૂર કરો જેથી શંકાનું સમાધાન થઈ જાય. જે વિચારો ડર ઉત્પન્ન કરે છે એને ફગાવી દો. એ માટે મગજને બીજા કામમાં એન્ગેજ કરો. કોઈની સાથે વાત કરી લો. જીવનનું અંતિમ સત્ય મૃત્યુ જ છે આ વાતનો સ્વીકાર કરો અને જે સમય મળ્યો છે એને ભરપૂર જીવવાનો પ્રયત્ન કરો. આજના દિવસે હું મારી જાતને અને મારા પરિવાર-મિત્રોને કેટલી ખુશી આપી શકું છું એ વિશે વિચારો. પૉઝિટિવ વિચાર કરો. યાદ રાખો તમારા વિચારોમાં, તમારા ઘરમાં જેટલી નેગેટિવિટી હશે એટલી તકલીફો ઊભી થશે. બીમારી પહેલાં એના ડરને હરાવવાનો છે આપણે. આ સમયમાં આપણે જ આપણા મનના ડૉક્ટર બનવાનું છે. સૃષ્ટિનો નિયમ છે કોઈ પણ સમય એકસરખો ક્યારેય રહેતો જ નથી. આ સમય પણ વીતી જવાનો જ છે. સંયમ, સાવધાની, જાગૃતતા પણ જરૂરી છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જવું હોય તો ડરને બાળી નાખવો પડે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 06:03 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK