Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે તમને મોબાઇલ વિના ચાલશે?

આજે તમને મોબાઇલ વિના ચાલશે?

02 February, 2020 02:15 PM IST | Mumbai
Dr Dinkar Joshi

આજે તમને મોબાઇલ વિના ચાલશે?

આજે તમને મોબાઇલ વિના ચાલશે?


વીસમી સદીના પૂર્વાર્ધમાં કોઈએ ગાંધીજીને પૂછેલું કે સાંપ્રત કાળમાં સૌથી ગંભીર માનવીય કટોકટી તમને કઈ લાગે છે? ગાંધીજીએ તરત જ જવાબ વાળ્યો હતો કે માણસની સંવેદનશીલતા દિવસે-દિવસે ઘટતી જાય છે એ વર્તમાનકાળની સૌથી વધુ ચિંતાજનક માનવીય કટોકટી છે. આ વાત લગભગ સો વરસ પહેલાં થયેલી છે. આજે જો ગાંધીજી હયાત હોય અને જો કોઈ પ્રશ્નકર્તા આનો આ જ પ્રશ્ન ગાંધીજીને પૂછે તો ગાંધીજી કદાચ આવો જવાબ આપત – ‘માણસ-માણસ વચ્ચે અવિશ્વાસની ખાઈ દિવસે-દિવસે વધતી જાય છે અને વિશ્વાસ નષ્ટ થતો જાય છે એ સૌથી મોટી કટોકટી છે.’ 

આ વાત જરા સમજવા જેવી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં સંવેદનશીલતા ઘટતી જતી હતી. આજે આ સંવેદનશીલતા લગભગ અલોપ થઈ ગઈ છે. મહાનગરોમાં રેલવે પ્લૅટફૉર્મ પર અકસ્માતને કારણે લોહીલુહાણ પડેલા માણસને સહાયભૂત થવાને બદલે ડબલ ફાસ્ટ ગાડી પકડવા માટે દોટ મૂકતા પ્રવાસીઓનું દૃશ્ય આપણા માટે નવું નથી. એ જ રીતે કોઈ ધોરીમાર્ગ પર મોટર અકસ્માત થાય કે પછી કોઈક બળુકો માણસ કોઈક સ્ત્રી પર જાહેર માર્ગ ઉપર જોરજુલમ કરતો હોય ત્યારે તેની સહાયે દોડવાને બદલે મોબાઇલ હાથમાં પકડી એ ફોટો લેવામાં વ્યસ્ત થતા આજના જુવાનને આપણે સૌએ જોયો છે. આવા ફોટો તેને મન વધુ ફૅન્ટૅસ્ટિક છે. સંવેદનશીલતાની સમગ્ર સમજ આજે બદલાઈ ગઈ છે.



સંવેદનશીલતા અને વિશ્વાસ વચ્ચે સીધો વ્યવહારિક સંબંધ છે. કુરિયરવાળા તરીકે ઘરનો કૉલબેલ દબાવ્યા પછી દરવાજા પર ઊભેલી વૃદ્ધા પાસે તે પાણીના ગ્લાસની માગણી કરે ત્યારે પેલી વૃદ્ધા આ કુરિયરવાળાની તરસ તરફ સંવેદના દાખવીને પીઠ ફેરવે એટલે પેલો કુરિયરવાળો તેનું મોં દબાવે અને ગળામાં પહેરેલી ચેઇન ઝૂંટવીને જતો રહે. આ ઘટના બન્યા પછી આ મહિલા ક્યારેય કોઈનો વિશ્વાસ નહીં કરે. આ ઘટના વિશે જેમને જાણ થશે એવા પડોશીઓ કે અન્ય સંબંધીઓ પણ સંવેદનશીલ હોવા છતાં હવે પછી વ્યવહારમાં કોઈ અજાણ્યાનો વિશ્વાસ નહીં કરે. 


ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની વૈજ્ઞાનિક હરણફાળે પણ આપણા દૈનિક વ્યવહારમાંથી વિશ્વાસને ઝૂંટવી લીધો છે. આજે નવી પેઢી પોતાના વ્યક્તિત્વ વિશે એટલી બધી જાગરુક છે કે એને બીજા કોઈ પર વિશ્વાસ પેદા થતો નથી. પ્રત્યેક ડગલે એને પોતાના હુંનો વિકાસ જરૂરી લાગે છે. આ હુંને કારણે ક્યાંય પરસ્પર વિશ્વાસથી કામ કરવાને બદલે દરેક પગલું પોતાના વ્યક્તિત્વના વિકાસને અનુલક્ષીને જ ભરવામાં એ અગ્રેસર છે. ટેલિફોન પર થતી વાત ક્યારેય પુરાવા તરીકે રજૂ થઈ શકે એવી કલ્પના થોડા દસકાઓ પહેલાં નહોતી. આજે ટેલિફોન તો ઠીક પણ અંગત વાતચીત સુધ્ધાં ક્યારે રેકૉર્ડ થઈ જશે એ કોઈ જાણતું નથી. આને કારણે અંગત વાતચીતમાં પણ વિશ્વાસને બદલે સાવધાની દાખલ થઈ ગઈ છે.

આર્થિક વ્યવહારોની સુગમતા ખાતર ઘરમાં જેટલા પરિવારજનો હોય એ સૌના બૅન્ક ખાતાંઓ અલગ-અલગ હોય એમાં કંઈ ખોટું નથી, પણ આ ખાતાંઓ જ આ પરિવારની દરેક વ્યક્તિને પરસ્પર અવિશ્વાસુ બનાવે એવું બને છે. એક છાપરા નીચે વસવાથી પરિવાર બનતો નથી. આવો વસવાટ કરનારા સૌકોઈ વચ્ચે કેવો અને કેટલો વિશ્વાસ છે એના માપથી પરિવાર બને છે. આ બૅન્ક ખાતાંઓ જો વ્યવહારિક સુગમતાને બદલે ખાતાંધારકો વચ્ચે વ્યક્તિત્વની સ્પર્ધા બની જાય અને સંબંધના આ ખાતામાં ઉધારીને બૅન્ક ખાતાંમાં જમા કરવામાં આવે તો એનાથી બૅન્ક ખાતાં કદાચ તગડાં થતાં હોય, પણ સંબંધનાં ખાતાંમાં તો ઓવરડ્રાફ્ટ જ રહે. 


સંવેદના શબ્દને સીધી રીતે પરાઈ લાગણી સાથે સંબંધ છે. પ્રત્યેક લાગણી સુખ અને દુઃખ આ બે અનુભૂતિઓ સાથે સંકળાયેલી હોય છે. આ સુખ અને દુઃખ કોઈ ચોક્કસ પદાર્થો નથી. એકની એક વાત જે સ્થળ-કાળના સંદર્ભમાં સુખ હોય છે એ અન્યથા દુઃખ બની જાય છે. ઉપનગરની લોકલ ગાડીના ડબ્બામાં ભીડના સમયે બારી પાસે જગ્યા મળી જાય એ તાત્પૂરતું સુખ છે, પણ ગાડી ચાલતી થાય પછી ઉપર છાપરા પાસે એકઠું થયેલું પાણી નીચે બેઠક પાસે આવે ત્યારે પેલું સુખ તાત્પૂરતું દુઃખ બની જાય છે. જેને બારી પાસે જગ્યા મળી નહોતી તેને એ વખતે દુઃખ લાગ્યું હતું, પણ બારી પાસે બેઠેલાને પલળતો જોઈને હવે તેને પોતે તેના કરતાં સુખી છે એવું લાગવા માંડે છે.

સુખ અને દુઃખની આ સંવેદનાને આ રીતે સમજીએ. બીજાનું સુખ જોઈને પોતે દુઃખમાં હોય તો પણ આ સુખ વિશે સુખી થાય એ પહેલો પ્રકાર છે. બીજા પ્રકારના માણસો બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે. આવું સુખ પોતાને મળ્યું નથી એવી લાગણી સાથે આ દુઃખ સંકળાયેલું છે. બીજાના દુઃખે પોતે પણ દુઃખની લાગણી અનુભવે એ ત્રીજો પ્રકાર છે અને બીજાના દુઃખે સુખની લાગણી અનુભવનારો એક ખાસ પ્રકારનો વર્ગ પણ છે. માણસની સંવેદના આ ચાર પ્રકાર વચ્ચે વહેંચાયેલી છે. આ ચાર પ્રકારો વચ્ચે વહેંચાયા પછી માણસ જે અનુભવો મેળવે છે એ અનુભવોના આધારે તેનામાં વિશ્વાસનો ભાવ વધતો કે ઓછો થાય છે.

બીજાના સુખે જેઓ પોતે પણ સુખની અનુભૂતિ કરે છે તથા બીજાના દુઃખે પણ જેઓ દુઃખની અનુભૂતિ કરે છે તેઓ સામાન્યતઃ વિશ્વાસના ભાવ વચ્ચેથી પસાર થાય એવો સંભવ વિશેષ છે. બીજા છેડે જેઓ બીજાના સુખે દુઃખી થાય છે અને જેઓ બીજાના દુઃખે સુખી થાય છે તેઓ પણ એનાથી વિપરીત લાગણીનો અનુભવ કરે છે. આના પરિણામે આ પ્રકારના લોકો વિશ્વાસ કેળવી શકતા નથી.

આજે સરેરાશ માણસનું જીવન અત્યંત તેજ ગતિએ પસાર થઈ રહ્યું છે. કૉર્પોરેટ સેક્ટરના સીઈઓથી માંડીને એક છૂટક કામ કરનારા કામવાળા સુધી સૌકોઈને એવું લાગે છે કે તેની પાસે સમયનો અભાવ છે. દિવસ ૨૪ કલાકનો જ હોય છે અને આ ૨૪ કલાકમાં દરેક માણસે એના અગ્રતાક્રમ પ્રમાણે કામો આટોપવાનાં હોય છે. સ્કૂલનો એક વિદ્યાર્થી ટીવી જોતો હોય છે ત્યારે ઝપાટાભેર પડદા પરની ચૅનલો બદલે છે. પડદા પર આવતી બીજી કોઈ પણ ચૅનલ પોતે જુએ છે એ ચૅનલ કરતાં વધુ સારો કાર્યક્રમ આપતી હશે તો પોતે એને ગુમાવશે એવા એક માનસિક ભય સાથે તે ઝપાટાભેર ચૅનલો બદલતો હોય છે. આ તેજ ગતિને કારણે દરેક માણસ એક પ્રકારની ભયની લાગણી પણ અનુભવે છે. કશુંક જતું રહેશે, પોતે કશુંક ગુમાવી બેસશે અને જે ગુમાવશે એના કારણે તે સ્પર્ધાત્મક જગતમાં પાછળ રહી જશે એવી માનસિકતા તેના પર અસવાર થઈ ગઈ હોય છે.

વ્યવહારિક જગતમાં પરસ્પર વિશ્વાસનો અભાવ વર્તાય છે એના પાયાના કારણમાં કદાચ આ જીવનની તેજ ગતિ જ છે. આપણને બધું જ તેજ, તેજ અને તેજ જ જોઈએ છે. મોબાઇલ અને કમ્પ્યુટરે આપણા સામાન્ય જીવનના તમામ વ્યવહારોને અત્યંત તેજ કરી મૂક્યા છે. હાથમાંથી મોબાઇલને એક દિવસ માટે દૂર કરવાની વાત હવે કોઈ પણ માણસ સ્વીકારશે નહીં. એક કે બે ટંકનું ભોજન જતું કરવાની તેની તૈયારી હોય છે, પણ હાથમાંથી મોબાઇલ મૂકવાની વાત તે મુદ્દલ સ્વીકારશે નહીં. સામાન્ય વ્યવહારમાં વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે આપણે આપણા જીવનની તેજ ગતિને થોડીક ઘટાડવાનું વિચારવું પડશે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2020 02:15 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK