Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમયની વૅલ્યુ કરશો તો જ સમય તમારી વૅલ્યુ કરશે

સમયની વૅલ્યુ કરશો તો જ સમય તમારી વૅલ્યુ કરશે

01 February, 2020 01:44 PM IST | Mumbai
Sanjay Raval

સમયની વૅલ્યુ કરશો તો જ સમય તમારી વૅલ્યુ કરશે

સમયની વૅલ્યુ કરશો તો જ સમય તમારી વૅલ્યુ કરશે


સમયની કિંમત પર અગાઉ પણ આપણે વાત કરી છે અને દરેક વખતે આ વાતનો સૂર એ જ આવતો હોય છે કે આપણે સમયની કિંમત સમજી નથી શકતા અને જ્યારે એની કિંમત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આ જ વિષય પર વાત કરતાં પહેલાં આપણે એક નાનકડી સ્પષ્ટતા કરી લઈએ. વડીલોનું કામ એવું છે કે તે વારંવાર પોતાનાં બાળકોને એક ને એક વાત કર્યા કરે, ત્યાં સુધી કરે જ્યાં સુધી પેલા તેમની વાતનું પાલન કરતાં ન થાય. તેમને કંટાળો ન આવે. મારું પણ એવું છે. આપણે જ્યાં સુધી સમયનું મૂલ્ય નહીં સમજીએ ત્યાં સુધી એના પર આપણી વાતો થતી રહેશે અને જે સમયે તમને એનું મૂલ્ય સમજાશે એ સમયે આપણે સહજ રીતે બીજા વિષય પર વાત આરંભી દઈશું.

એક વાત યાદ રાખજો કે ઘડિયાળના કાંટા ૨૪ કલાક જ ફરે છે અને જગતમાં કોઈને પણ માટે એ ઊભા રહેતા નથી. તમારે માટે દિવસ ૨૫ કલાકનો નથી થવાનો અને બાજુવાળા માટે એ દિવસ ૨૩ કલાકનો નથી થવાનો. ઈશ્વરે બધા માટે દિવસ એક જ સરખો રાખ્યો છે, ૨૪ કલાકનો. આ ૨૪ કલાકનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં આવડી જવું એનો અર્થ એ કે સમયનું મૂલ્ય સમજાઈ જવું. સમયનો વેડફાટ ન કરવો કે પછી ક્યાં સમયનો વેડફાટ થઈ રહ્યો છે એ સમજી જવું એનો અર્થ સમયનું મૂલ્ય સમજાઈ જવું. આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં જે દાખલો આપવામાં આવ્યો છે એ બિલકુલ સાચો છે અને એ બધાં પાત્રોને તમે પણ ઓળખો છો.



અત્યારે દેશમાં ઍમેઝૉન અને વૉલમાર્ટ જેવી ઑનલાઇન શૉપિંગ કંપની સામે નાના વેપારીઓનું વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધનો મુદ્દો એ છે કે આ મોટા ખેલાડીઓને કારણે તેમની ઘરાકી ઓછી થઈ ગઈ છે અને વેપારને ફટકો પડ્યો છે. દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આવડા મોટા દેશમાં વિરોધ-પ્રદર્શન  ચાલુ થાય એટલે સરકારે પણ વિચારવું પડે અને સરકાર વિચારે અને કોઈ પગલાં લે તો એ પણ સ્વાભાવિક છે કે અબજોનું ટર્નઓવર કરતી કંપની પણ વિચાર કરે. ઍમેઝૉનના માલિક જેફ બેઝોસને આ વિરોધ-પ્રદર્શનની ખબર પડી એટલે તેમણે ત્વરિત રીતે, એક મિનિટનું પણ મોડું કર્યા વિના ભારતની મુલાકાત લેવાનું નક્કી કર્યું, એટલું જ નહીં, ભારતના પ્રવાસ દરમ્યાન ઇન્ડિયાના બિગ શૉટ્સ લેખાય એવા લોકો સાથેની મીટિંગનું પ્લાનિંગ કરવા માટે એક ટીમ પણ તૈયાર કરી લીધી. ત્રણ દિવસનું પ્લાનિંગ થયું અને મુંબઈ-દિલ્હીમાં બધાને ભેગા કરવાનો નિણર્ય લેવામાં આવ્યો. આપણી મૂળ વાત હવે અહીંથી શરૂ થાય છે.


જેફ બેઝોસ ઇન્ડિયા આવ્યા. ઇન્ડિયાના રંગે રંગાવું હોય એમ પતંગો ચગાવી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રાજઘાટ પર પણ ગયા. કુર્તો પણ પહેર્યો અને ભારતીય ભોજન પણ જમ્યા. એ પછી વાત આવી ભારતીય ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ સાથેની બેઠકની, જેમાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ હતી અને બીજી ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓ પણ હતા. આ મીટિંગમાં ભારતીય રત્નો પોતાના અનુભવ વર્ણવવાના હતા તો જેફ પોતે એ બધા સાથે વાર્તાલાપ કરવાના હતા.

જેફ સાથેની આ મીટિંગમાં ઇન્ફોસિસના માલિક નારાયણમૂર્તિ પણ હતા. તેમને ૨૦ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. કાર્યક્રમના નિર્ધારિત સમય મુજબ સૌકોઈની સ્પીચનો એક ફિક્સ સમય હતો. નારાયણમૂર્તિની સ્પીચનો સમય હતો ૧૧.૨પનો.


જેફનો આ કાર્યક્રમ નિયત સમય કરતાં પાછળ ચાલતો હતો. નારાયણમૂર્તિ સ્પીચ માટે આવ્યા ત્યાં સુધીમાં તો એ સમય ઑલમોસ્ટ એક કલાક પાછળ પહોંચી ગયો હતો અને એ એક કલાક મોડા ચાલતા કાર્યક્રમમાં નારાયણમૂર્તિની સ્પીચની ૧૫ મિનિટ વીતી ગઈ હતી. એક્ઝૅક્ટ ૧૧.૪૦ વાગ્યે નારાયણમૂર્તિ સ્ટેજ પર આવ્યા, તાળીઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને એ પછી નારાયણમૂર્તિએ માઇક હાથમાં લીધું. માઇક હાથમાં લઈને તેમણે સૌથી પહેલાં કહ્યું, ‘હું મારા સમયનો પૂરો ઉપયોગ કરવાનો હતો. મારે ૨૦ મિનિટ બોલવાનું હતું અને હું એની પૂરી તૈયારી કરીને આવ્યો હતો, પણ બધાને ખબર છે એમ, મારા સમયની ૧૫ મિનિટ મોડા ચાલતા કાર્યક્રમને કારણે ખર્ચાઈ ગઈ છે એટલે હવે હું પાંચ મિનિટ લઈશ અને મારું બોલવાનું પાંચ મિનિટમાં પૂરું કરીશ.’

નારાયણમૂર્તિએ કહ્યું કે મને સમયની કિંમતની ખબર છે અને મોડું થાય એ મને બિલકુલ પસંદ નથી. સમયની કિંમત બધાને હોવી જોઈએ. જેવી નારાયણમૂર્તિએ આ વાત કહી કે તરતર ત્યાં હાજર રહેલા સૌકોઈએ ખુશ થઈને કે પછી જુસ્સામાં આવીને એક મિનિટ સુધી તાળીઓ વગાડી. આ તાળીઓથી નારાયણમૂર્તિ વધારે ગુસ્સે થયા કે પછી શું થયું એની તો તેમને જ ખબર, પણ મૂર્તિજીએ એ પછી તેમની સ્પીચ ૪ મિનિટમાં પૂરી કરીને એ એક મિનિટનો હિસાબ પણ એમાં કરી લીધો.

આ છે સમયની વૅલ્યુ. નારાયણમૂર્તિની વાત બહુ સ્પષ્ટ હતી. તમે મને જે સમયે બોલાવો છો એ સમય હું તમને ફાળવું છું. હવે તમારી જવાબદારી છે કે મારા સમયનો સાચો ઉપયોગ થાય અને જો એ ન થવાનું હોય તો મને મારા સમયની કિંમતની ખબર છે એટલે મેં તમને જે સમય ફાળવેલો છે એનાથી વધારે સમય હું તમને નહીં આપી શકું.

આ જ વાત તમારે પણ સમજવાની છે. તમે તમારા સમયની કિંમત સમજો, જો નારાયણમૂર્તિ જેવા દિગ્ગજ દુનિયાભરમાં ખ્યાતનામ એવા જેફ બેઝોસને મળવા માટે પણ પોતાના સમયનું મૂલ્ય અકબંધ રાખતા હોય તો આપણે તો હજી ઘણું કરવાનું બાકી છે અને બાકી ન પણ હોય તોયે સમયનું મૂલ્ય અકબંધ રહેવું જોઈએ. જો જેફ બેઝોસ જેવા ઑન્ટ્રપ્રનર બનો તો પણ આ વાતને ધ્યાનમાં રાખવાની છે અને નારાયણમૂર્તિના સ્તર પર પહોંચો તો પણ આ વાત યાદ રાખવાની છે. નારાયણમૂર્તિ એ ફંક્શનમાં બરાબર શીખવી ગયા કે મને રાહ જોવાનું ગમતું નથી અને એનું કારણ એ જ છે કે હું કોઈને રાહ જોવડાવતો નથી. આપણે મોડું કરીને સામેવાળી વ્યક્તિના સમયની પરવા કરતા નથી. આપણે રાહ જોવડાવીએ છીએ, આપણો હક હોય એ રીતે પણ આપણને કોઈ રાહ જોવડાવે તો આપણને કીડી ચટકા ભરવા માંડે છે. રાહ જોવાની આવે એ આપણાથી સહન થતું નથી.

યાદ રાખજો કે સમય બધા પાસે એકસરખો છે, સમાન છે. ૨૪ કલાક અને આ ૨૪ કલાકમાં નક્કી કરેલલાં કામો તમારે કરવાનાં છે. તમે એક વખત તમારા પસાર થતા દિવસનું ટાઇમટેબલ બનાવજો અને એ જોજો તમે, તમને રીતસર સમજાશે કે તમે દિવસમાં કેટલો ફાજલ સમય પસાર કરો છો. તમને સમજાશે કે ઈશ્વર આપેલા સમયમાંથી કેટલા ટકા તમે એનો સદુપયોગ કરો છો અને કેટલા ટકા તમે એ સમયનો દુરુપયોગ કરો છો? મોટા ભાગના લોકો સમયનો દુરુપયોગ કરવાનું કામ કરે છે અને એ થઈ પણ જતો હોય છે. તમે ન ઇચ્છો તો પણ લોકો તમારા સમયનો દુરુપયોગ કરી જાય, પણ એવું ન થાય એને માટે ચીવટ તમારે રાખવાની છે. તમારા દિવસનું પ્રોપર પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ.

જો એ પ્લાનિંગ નહીં હોય તો એક જગ્યાએ થયેલું મોડું તમને આખા દિવસ દરમ્યાન નડશે. પાંચ મિનિટમાં શું ફરક પડે એવું માનનારા અને એવી દલીલ કરનારાઓ માટે જો કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે ઑપરેશન થિયેટર. આ એવી જગ્યા છે જ્યાં એક-એક સેકન્ડ જ નહીં, નૅનો સેકન્ડ પણ મહત્વની છે અને એનું પણ મૂલ્ય અમૂલ્ય છે.

જો એક ક્ષણ પણ આઘીપાછી થાય તો કોઈનો જીવ ચાલ્યો જાય. એવું ન થાય એ માટે પ્રત્યેક ક્ષણનો સાચો ઉપયોગ કરવાની આવડત ત્યાં કેળવવામાં આવે છે. આપણે પણ એ જ કરવાની જરૂર છે. જો એવું થઈ શક્યું કે એવું તમે અપનાવી શક્યા તો તમે તમારા સમયને સન્માનિત કરતા થઈ ગયા છો. એક વાત યાદ રાખજો કે સમયની વૅલ્યુ કરશો તો જ સમય તમારી ચોક્કસ વૅલ્યુ કરશે જ.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2020 01:44 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK