ઉત્તર ભારતમાં ઠંડીનો સપાટો એક જ દિવસમાં ૧૫નાં મોત

Published: 28th December, 2012 05:44 IST

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીએ કાલે વધુ ૧૫ લોકોનો ભોગ લીધો હતો. તમામ મોત ઉત્તર પ્રદેશમાં નોંધાયાં હતાં.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધી ઠંડીને કારણે થયેલા મોતની સંખ્યા વધીને ૩૬ થઈ છે. ઉત્તર પ્રદેશમાં કાલે આગ્રા ૨.૬ ડિગ્રી ટેમ્પરેચર સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું. અન્ય વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતાં નીચું હતું. રાજધાની દિલ્હીમાં કાલે લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ કાલે કૉલ્ડ વેવ યથાવત્ રહી હતી. રાજસ્થાનમા ચુરુમાં કાલે ૩.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી જ્યારે શ્રીગંગાનગર અને ચિત્તોડગઢમાં પણ અનુક્રમે ૫.૧ અને ૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબ અને હરિયાણામાં પણ કાતિલ ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું હતું. ધુમ્મસને કારણે ટ્રેનોની અવરજવરને અસર પહોંચી હતી. હરિયાણાના હિસારમાં કાલે ૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમૃતસરમાં ૬.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

અમેરિકામાં બરફના તોફાનને કારણે ૧૨નાં મોત : ૧૬૦૦ ફ્લાઇટ કૅન્સલ

મધ્ય અમેરિકામાં છેલ્લા બે દિવસથી ફૂંકાયેલા બરફના તોફાનનો મૃત્યુઆંક વધીને કાલે ૧૨ થયો હતો. મધ્ય અમેરિકાથી ઉત્તર-પૂર્વ અમેરિકાનાં રાજ્યોમાં તોફાનની અસર જોવા મળી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયાના સ્ટેટમાં કાલે તોફાનમાં ફસાઈ જતાં એક પુરુષ અને એક સ્ત્રીનું મોત થયું હતું, જ્યારે વર્જિનિયા સ્ટેટમાં પણ બે લોકોનાં મોત થયાં હતાં. જોરદાર હિમવર્ષા બાદ શરૂ થયેલા તોફાનને કારણે ૧૬૦૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી. ખાસ કરીને ક્રિસમસની રજાઓ દરમ્યાન વેકેશન માણવાનું પ્લાનિંગ કરી રહેલા લોકો નિરાશ થયા હતા. જોકે ન્યુ યૉર્ક, ફિલાડેલ્ફિયા અને બોસ્ટનમાં વિમાનોની અવરજવરને કોઈ અસર પહોંચી ન હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK