હવેના કિડ્સ બનવા માગે છે કોડિંગ કિંગ્સ

Published: 4th December, 2020 13:36 IST | Varsha Chitalia | Mumbai

પેરન્ટ્સની સાઇકોલૉજીને સારી રીતે સમજી શકતાં કોચિંગ સેન્ટરોએ આ તકનો લાભ લઈ નાનાં બાળકોને કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગ શીખવવાની ઑફર કરી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમણના કારણે હાલમાં મોટા ભાગની સ્કૂલો બંધ છે. શરૂઆતમાં એમ લાગતું હતું કે મિની વેકશન જેવું છે અને પરિસ્થિતિ જલદી થાળે પડી જશે, પરંતુ મહામારીએ વિકરાળ રૂપ ધારણ કરતાં લાંબા સમય સુધી સ્કૂલ બંધ રાખવાની ફરજ પડી. આ દરમિયાન ઑનલાઇન સ્ટડી શરૂ થઈ જતાં સ્કૂલ ગોઇંગ કિડ્સ આખો દિવસ ઇન્ટરનેટ પર નિર્ભર રહેવા લાગ્યાં. પેરન્ટ્સની સાઇકોલૉજીને સારી રીતે સમજી શકતાં કોચિંગ સેન્ટરોએ આ તકનો લાભ લઈ નાનાં બાળકોને કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગ શીખવવાની ઑફર કરી. બે મહિનામાં બાળકોને પોતાની જાતે મોબાઇલ ઍપ્લિકેશન અને ગેમ્સ બનાવતા આવડી જશે એવો દાવો કરવામાં આવતાં ઘણા પેરન્ટ્સ હરખાઈ ગયા. નાની ઉંમરમાં મારું સંતાન કમ્પ્યુટરમાં જીનિયસ બની જશે એવી આશાએ તેમણે ક્લાસિસ જૉઇન પણ કરાવી દીધા. જોકે આઇટી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે આઠ-દસ વર્ષના બાળકને કોડિંગ શીખવાડવું શક્ય નથી. રેડીમેડ કોડ બ્લૉક્સમાં ફેરફાર કરી ગેમ્સ બનાવતાં શીખવાડી દેવાથી તમારું સંતાન પ્રોગ્રામર બની જશે એ ભ્રમમાં ન રહેતા. હવે પ્રશ્ન એ કે સૉફ્ટવેર એન્જિનિયરિંગના લેવલનો કોડિંગ કોર્સ નાનાં બાળકોને શીખવી શકાય? આ સંદર્ભે નિષ્ણાતો અને વાલીઓનું શું કહેવું છે એ જાણીએ

મહારથી નથી બન્યો પણ જ્ઞાનમાં વધારો થયો : કિરણ રાજાવાઢા, પેરન્ટ
લૉકડાઉનમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કોડિંગ અને પ્રોગ્રામિંગની જાહેરખબર બહુ આવતી હતી. આ કોર્સમાં એવું શું હશે એ જાણવાની ઉત્સુકતા હોવાથી ફોન કરી જોયો. કોર્સ વિશે જાણીને રસ પડ્યો એમ જણાવતાં આઠ વર્ષના ધ્યાનનાં મમ્મી કિરણ રાજાવાઢા કહે છે, ‘ધ્યાનને ડિજિટલ ગેમ્સ રમવામાં અને કાર્ટૂન જોવાની મજા પડતી હોવાથી અમને થયું કે કંઈક નવું શીખવા મળશે. આ ઉંમરમાં મોબાઇલ ઍપ્લિકેશન બનાવવી ઈઝી નથી કે કમ્પ્યુટર પ્રોગ્રામર નથી બની જવાનો એવી અન્ડરસ્ટૅન્ડિંગ હતી એટલે મસ્ત મજાની ગેમ બનાવીને દેખાડશે એવી અપેક્ષા રાખી જ નહોતી. ઘણા લોકોએ અમને ટોક્યા હતા કે કંઈ શીખવાડતા નથી, વેસ્ટ ઑફ મની છે. પેરન્ટ તરીકે મને એટલો જ વિચાર આવ્યો કે શીખેલું ક્યારેય નકામું જતું નથી. આગળ જઈને આ નૉલેજ ક્યાંક કામ લાગશે. અમે પણ અઠવાડિયે એક વાર એમ ૪૮ બૅચનો કોર્સ લીધો છે. શરૂઆતમાં ડર હતો કે કોર્સ જૉઇન કર્યા પછી ઑનલાઇન ગેમ્સ રમવાનો ક્રેઝ વધી જશે અને આખો દિવસ કમ્પ્યુટર ઑન કરીને બેસી જશે. જોકે એવું કંઈ થયું નહીં. ઇન ફૅક્ટ મારી ધારણા કરતાં જુદું જ રીઍક્શન જોવા મળ્યું. ગેમ્સ અને કાર્ટૂન ઇમૅજિનેશન વર્લ્ડ છે, એક પ્રોગ્રામ છે એવી સમજણ પડતાં ક્રેઝ ઓછો થયો. સંતાનના માઇન્ડમાં કોઈ વસ્તુને લઈને ક્લેરિટી આવે એ સૌથી મોટો બેનિફિટ છે. ક્લાસિસ જૉઇન કર્યા બાદ મોબાઇલ અને કમ્પ્યુટરનાં બધાં ફીચર્સ યુઝ કરતાં આવડી ગયાં છે એ જોતાં રૂપિયા વેડફાયા હોય એવું જરાય નથી લાગતું.’

સાંભળ્યું છે સિલેબસમાં આ વિષયો ઍડ થવાના છે: જિજ્ઞા વસાણી, પેરન્ટ
લૉકડાઉન દરમિયાન સ્કૂલના ગ્રૂપમાં કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગની ઍડ આવ્યા કરતી હતી. એકાદ વર્ષમાં નવમા-દસમા ધોરણના અભ્યાસક્રમમાં આ વિષયોનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા હોવાથી બધાનું કહેવું હતું કે કોર્સ બહુ કામનો છે. ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમમાં જવા માગતા સ્ટુડન્ટ માટે બેસ્ટ છે. મોટા થઈને સૉફ્ટવેર એન્જિનિયર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ૧૨ વર્ષના રોનિશના પેરન્ટ્સ જિજ્ઞા અને કિશન વસાણીએ આવી વાતો સાંભળ્યા પછી પૂછતાછ શરૂ કરી. અમારા કરતાં તો રોનિશને જ આમાં વધારે ખબર પડી એમ ઉત્સાહભેર જણાવતાં તેનાં મમ્મી જિજ્ઞા કહે છે, ‘આજના જમાનામાં પેરન્ટ્સ કરતાં સંતાનોનું ટેક્નૉલૉજીનું નૉલેજ વધુ સારું છે. કોર્સ વિશે રજેરજની માહિતી મેળવવા તેણે જાતે લૅપટૉપ પર ખણખોદ કરી હતી. જાવા, ગેમ્સ, ઍપ્લિકેશન, વેબસાઇટ બનાવવી આ બધું કોર્સમાં સામેલ હશે એવી જાણકારી રોનિશે જ અમને આપી. તેના પપ્પાએ પણ ક્રૉસ ચેક કરીને જોયું તો બિઝનેસ ઍપ્લિકેશન ડેવલપિંગ જેવા વિષયો કામના લાગ્યા. જોકે બે મહિનામાં કંઈ આવડી ન જાય. એબીસીડી શીખો પછી વાક્ય બનાવતાં આવડે એવી રીતે કોઈ પણ કોર્સમાં બેઝિક સમજાય પછી જ આગળ વધી શકો. ૧૦૦માંથી ૧ બાળક જીનિયસ હોય જે ઓછા સમયમાં ઍપ્લિકેશન બનાવી શકે. બાકીનાં બાળકોએ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે. રોનિશ હજી સાતમા ધોરણમાં છે. અત્યારે સ્કૂલો બંધ છે અને સમય મળી રહે છે તો શીખવાડી દઈએ જેથી આગળ જતાં અઘરું ન પડે. ટેક્નૉલૉજીનું નૉલેજ એની આગળની સ્ટડીમાં મહત્વનો રોલ ભજવી શકે છે એમ વિચારી ૧૪૨ બૅચનો લાંબો કોર્સ લીધો છે.’

તમારા સંતાનની સ્કિલને ઓળખવાનું આ પ્લૅટફૉર્મ છે : રેણુકા ગોંડલિયા, મોબાઇલ ઍપ ડેવલપર
આજના પેરન્ટ્સનો માઇન્ડ સેટ એવો છે કે મારા સંતાનને આખી દુનિયાનું નૉલેજ હોવું જોઈએ. પેરન્ટ્સ વચ્ચે કૉમ્પિટિશનનો જે માહોલ બન્યો છે એના કારણે સંતાનો પાસેથી તેમની અપેક્ષાઓ વધી છે. તેમને કહેવાનું કે વર્ષે બે લાખની ફીવાળી સ્કૂલમાં ભણવા મોકલો છો તો શું તમારું સંતાન ફર્સ્ટ આવી જાય છે? નહીંને! ક્લાસમાં ફર્સ્ટ તો એક જ સ્ટુડન્ટ આવવાનો છે, પરંતુ નૉલેજ બધાને મળવાનું છે. કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગ જેવા કોર્સ નૉલેજ મેળવવાનું પ્લૅટફૉર્મ છે. સક્સેસ સ્ટોરી ક્યાં ક્લિક થશે એ કહી ન શકાય, પરંતુ ટેક્નોસૅવી વર્લ્ડમાં ફ્યુચર ટૅલન્ટ શોધવા આવા કોર્સિસ જરૂરી છે એવો અભિપ્રાય આપતાં નીઓમોબાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઍન્ડ મોબાઇલ ઍપ્લિકેશન ડેવલપર રેણુકા ગોંડલિયા કહે છે, ‘સક્સેસની પરિભાષા બધાની જુદી હોય છે. આઠ વર્ષના બાળકને ગેમ્સ બનાવતાં આવડી જાય એવું શક્ય છે તો તેર વર્ષના બાળકના ટેક્નૉલૉજીના જ્ઞાનમાં વધારો થવાથી આગળ જઈને મિરૅકલ કરી શકે એવું બની શકે છે. આ પ્રકારના કોર્સ બાળકોની ક્રીએટિવિટીને એન્હાન્સ કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યા છે. પ્રોગ્રામને તેમની ઉંમર પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યા હોવાથી તેઓ સારી રીતે સમજી શકે છે. બધા એક્સપર્ટ ન થઈ જાય પણ ટીમ કો-ઑર્ડિનેશન, પ્રેઝન્ટેશન અને ક્વૉલિટી વર્ક કઈ રીતે થાય એ શીખવા મળે છે. પોતાના સંતાનની સ્કિલ, ટૅલન્ટ અને રસનાં ક્ષેત્રો કયાં છે એને ઓળખવા પેરન્ટ્સે આવા કોર્સ કરાવવા જોઈએ. સંતાનનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય, અઢળક આઇડિયાઝ હોય પણ એને વાપરવાનો રસ્તો જ ન હોય તો એ ટૅલન્ટ વેડફાઈ જાય. માર્કેટમાં આવતા ડિજિટલ કોર્સ તમારા સંતાનની ટૅલન્ટને દુનિયા સમક્ષ લાવવાનો રસ્તો કરી આપે છે તેથી જુદા-જુદા કોર્સ ટ્રાય કરવા જોઈએ.’

એક્સ્ટ્રા ટૅલન્ટ તરીકે ફ્યુચરમાં કામ લાગશે : ધર્મેશ ઠક્કર, પેરન્ટ
લૉકડાઉનમાં મારો દીકરો આખો દિવસ ગેમ્સ રમવામાં બિઝી રહેતો હતો. એની અંદર એટલો ખૂંપી જાય કે ખૂણેખૂણો ખબર હોય. આ એવું ઍડિક્શન છે જેને સમયસર છોડાવવું જરૂરી હતું. તેના ક્રીએટિવ માઇન્ડને એવી દિશામાં ડાયવર્ટ કરવું હતું જેમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને ફ્યુચરમાં કામ પણ લાગે. વાતની શરૂઆત કરતાં ૧૩ વર્ષના જતનના પપ્પા ધર્મેશ ઠક્કર કહે છે, ‘આ એજમાં બાળકો પાસે પોતાના ઇનોવેટિવ આઇડિયાઝ હોય છે. આ આઇડિયાઝને ઇમ્પ્લીમેન્ટ કરવા પ્લૅટફૉર્મ આપવાનું કામ પેરન્ટ્સે કરવાનું છે. હવે પછીનો જમાનો સંપૂર્ણપણે ટેક્નૉલૉજી આધારિત હશે. આ ફીલ્ડમાં સંતાનો જેટલું શીખશે ભવિષ્યમાં કામ લાગવાનું છે એમ વિચારી અમે કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગનો ૪૮ બૅચનો કોર્સ લીધો છે. પહેલાં કોર્સના મોટા ભાગનાં સેશન પૂરાં થઈ ગયાં છે. અત્યાર સુધીમાં જતન પાંચેક ગેમ્સ બનાવી ચૂક્યો છે. ગેમ રમવી અને બનાવવી બે જુદી વસ્તુ છે. તમે જ્યારે કંઈક નવું બનાવો છો ત્યારે મગજનો વિકાસ થાય છે. ભવિષ્યમાં કામ લાગે એવી જુદી-જુદી બિઝનેસ ઍપ્લિકેશન બનાવવા અમે તેને પ્રોત્સાહિત કરીએ છીએ. હા, દાવો કરવામાં આવ્યો છે એટલું સરળ નથી. એમ તો ટફ છે. બ્લૉક્સ ગોઠવીને પ્રોજેક્ટ બનાવતાં અડધો દિવસ નીકળી જતો હોય ત્યાં એક મહિનામાં ઍપ્લિકેશન નથી બનવાની. કોર્સ પૂરો થતાં સુધીમાં કદાચ પ્લે સ્ટોર પર પોતાની ઍપ્લિકેશન લૉન્ચ કરી શકે એટલું આવડી જશે. જોકે બીજો કોર્સ શરૂ કરતાં પહેલાં કદાચ બ્રેક લેવો પડશે, કારણ કે હવે સ્કૂલની સ્ટડી અને એક્ઝામ પર પણ ફોકસ કરવાનું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK