ખોવાયેલા શ્વાન માટે માગવામાં આવી હતી દોઢ લાખની ખંડણી

Published: 29th July, 2012 03:03 IST

પારેખપરિવારના સભ્ય જેવા રાજાનું અપહરણ કરવામાં આવ્યું હતું, પણ મિડ-ડેમાં આવેલા ન્યુઝ પછી ડરીને છોડી દીધો હોવાની શક્યતા

બોરીવલીમાંથી ખોવાઈ ગયેલો પાંચ વર્ષનો શ્વાન રાજા ‘મિડ-ડે’માં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ ગઈ કાલે સવારે નવ વાગ્યે બોરીવલીમાં ચંદાવરકર લેન પર આવેલા શૈલા પારેખના જૂના બિલ્ડિંગ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ઘરે આવ્યા બાદ શ્વાને તેની મમ્મી ૪૩ વર્ષનાં શૈલાબહેન અને તેની બહેન ૧૯ વર્ષની નેમી પારેખને ખૂબ માર્યું હતું અને તેને લેવા ન આવ્યાં એ બદલ તે ખૂબ નારાજ થયો હતો એમ શૈલાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું. પંદર મિનિટ બાદ શ્વાન માની ગયો હતો અને બાદમાં શૈલાબહેને રાજાને ગ્લાસ ભરીને દૂધ અને બિસ્કિટ ખવડાવ્યાં હતાં. ત્યાર બાદ ભોજનનો ત્યાગ કરનારાં શૈલાબહેન અને નેમીએ રાજાની સાથે જ ભોજન કર્યું હતું. ગુમ થયેલા રાજા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે રાજાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે તેમની પાસે દોઢ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જોકે પોલીસમાં લખાવવામાં આવેલી ફરિયાદમાં આવી કોઈ વાત નોંધવામાં નથી આવી.

શ્વાન રાજાને ભાઈ તરીકે માનતી નેમી પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં ચંદાવરકર લેન પર રહેતા મારા કૉલેજ-ફ્રેન્ડ નિખિલે ગઈ કાલે સવારે સાત વાગ્યે ‘મિડ-ડે’માં આવેલા શ્વાન ગુમ થયો હોવાના ન્યુઝ વાંચ્યા હતા. સવારે નવ વાગ્યે નિખિલ કૉલેજ માટે ઘરેથી નીકળ્યો એ વખતે તેણે તેના બિલ્ડિંગ પાસે રાજા જેવો જ શ્વાન જોયો હતો એથી તેણે તરત જ તેને પકડી રાખ્યો હતો અને મને ફોન કરીને શ્વાન વિશે માહિતી આપી હતી. રાજા મળી આવતાં જ હું ખુશ થઈ ગઈ હતી.’

શૈલાબહેને કહ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે મને એક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો અને શ્વાન રાજાને સહીસલામત પાછો આપવા માટે મારી પાસે દોઢ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. એ ïવખતે ખંડણી આપવાની મેં ના પાડી દીધી હતી. ગઈ કાલે સવારે ‘મિડ-ડે’માં આવેલા શ્વાન રાજાના ગુમ થવાના ન્યુઝ વાંચ્યા બાદ અપહરણકર્તા કદાચ ડરી ગયો હોય અને રાજાને મારા જૂના બિલ્ડિંગ પાસે છોડીને નાસી ગયો હોઈ શકે. રાજાને અપહરણ કરનારો કોઈક ગુજરાતી જ છે જેની તપાસ અમે કરીશું.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર આર. તારગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‘મિડ-ડે’માં આવેલા ન્યુઝને કારણે જ ગુમ થયેલો રાજા એના પરિવારને મળી શક્યો છે, પણ શૈલાબહેને દોઢ લાખ રૂપિયાની ખંડણી વિશે કોઈ જાણ પોલીસને નથી કરી. પોલીસ આ વિશે તપાસ કરશે.’

બહેનને ભાઈ મળી ગયો

શ્વાન રાજાની બહેન નેમીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‘મિડ-ડે’ને લીધે મારો ભાઈ મને મળી ગયો છે. રાજાને ફક્ત કાટૂર્નવાળી રાખડી જ ગમે છે એથી આ રક્ષાબંધને હું રાજાને કાટૂર્નવાળી રાખડી બાંધીશ. મારી છ કઝિન બહેનને એક પણ ભાઈ નથી. તેમને રાજાના ઘરે પાછા આવી જવાના ન્યુઝ મળતાં તેઓ પણ રક્ષાબંધને રાજાને રાખડી બાંધવા આવશે. મને જ નહીં, મારી બાકીની છ બહેનોને પણ તેમનો ભાઈ મળી ગયો છે.’

નજર ઉતારવા મંદિરમાં લઈ ગયા

ગઈ કાલે શૈલાબહેનને તેમનો પાંચ વર્ષનો પુત્ર શ્વાન રાજા મળી જતાં તેમણે એને સૌથી પહેલાં દૂધ અને બિસ્કિટ ખવડાવ્યાં હતાં અને માનેલી માનતા અનુસાર રાજાને સાંજે સાત વાગ્યે તેઓ ભાઈંદરમાં આવેલા એક મંદિરમાં લઈ ગયાં હતાં. મંદિરમાં તેમણે પૂજા કરાવીને રાજાની નજર ઉતારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK