બોરીવલી (ઇસ્ટ)માં આવેલા કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશને બળાત્કારની પીડિતા સગીર યુવતીનો ગેરકાયદે ગર્ભપાત કરવા બદલ બોરીવલીની સ્ત્રીરોગ ચિકિત્સકની ધરપકડ કરી છે. પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર આ ઘટના વિશે પોલીસને જાણ કરવાને બદલે ડૉક્ટરે ટીનેજરની વિગતો ચકાસ્યા વિના જ ગર્ભપાતનું ઑપરેશન કર્યું હતું.
સ્ત્રીરોગ ચિકિત્સક સાયલી રાયબન કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની બાજુમાં આવેલા પારસ બિઝનેસ સેન્ટરમાં સંકલ્પ વુમન્સ હૉસ્પિટલ નામે તેનું ક્લિનિક ચલાવે છે. રાયબન ઉપરાંત પોલીસે પીડિત યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો એ ૪૧ વર્ષના નવીન દોશી તેમ જ ગર્ભપાતમાં મદદ કરનાર અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે.૧૬ વર્ષની સગીરાએ જાન્યુઆરીમાં વૉચમૅન દ્વારા લગ્નના ઓઠા હેઠળ વારંવાર બળાત્કાર કરાયાની તથા અન્ય એક વ્યક્તિએ હૉસ્પિટલમાં તેનો ગર્ભપાત કરવામાં મદદ કરી હોવાની પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. જોકે ગર્ભપાત પછી વૉચમૅન ફરી ગયો હતો.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ગર્ભવતી થતાં તેણે તેની મિત્ર સાથે મળીને સંકલ્પ હૉસ્પિટલમાં ગર્ભપાતનું ઑપરેશન કરાવ્યું હતું. આ સમયે તેણે પોતાની ઉંમર ૨૦ વર્ષ જણાવી હતી. તપાસકર્તા પોલીસ-અધિકારી શંકર સાળુંકેએ કહ્યું હતું કે ‘અમને ધ્યાનમાં આવ્યું હતું કે ડૉક્ટરે સગીરાના દસ્તાવેજો ચકાસ્યા નહોતા. ડૉક્ટર સાયલી રાયબન પર બેદરકારી અને ગેરકાદે ગર્ભપાતના આરોપ મૂકવામાં આવ્યા છે. નવીન દોશીને કોર્ટ સમક્ષ હાજર કરાતાં તેને પોલીસ-કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.