બિહાર ચૂંટણીજંગ : દરભંગા રૅલીમાં વડા પ્રધાનના વિપક્ષ પર ચાબખા

Published: 29th October, 2020 12:57 IST | Agencies | Mumbai

જંગલરાજના યુવરાજ પાસેથી તમે શું અપેક્ષા રાખશો? : મોદી, ભૂતકાળની સરકારનો મંત્ર હતો પૈસા હજમ, પરિયોજના ખતમ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના ગઈ કાલના મતદાનમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા લાઇનમાં ઊભેલા પટનાના લોકો. તસવીર : પી.ટી.આઇ.
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના ગઈ કાલના મતદાનમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા લાઇનમાં ઊભેલા પટનાના લોકો. તસવીર : પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના દરભંગામાં ચૂંટણી-રૅલી યોજી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જે લોકો પહેલાં એની તારીખ પૂછતા હતા હવે તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. પહેલાંની સરકારોનો મંત્ર હતો ‘પૈસા હજમ, પરિયોજના ખતમ’. બિહારમાં જંગલરાજ લાવીને લૂંટનારાઓને હરાવીશું. તેમણે આરજેડીના તેજસ્વી યાદવની ટીકા કરતાં કહ્યું કે તમે કલ્પના કરો કે એક તરફ રોગચાળો અને સાથે જ જંગલરાજ ચલાવવાવાળા આવી ગયા તો બિહારના લોકો બેવડો માર કેવી રીતે સહન કરી શકશે. જંગલરાજના યુવરાજ પાસે બિહારની જનતા જૂના ટ્રૅક રેકૉર્ડના આધારે શું અપેક્ષા રાખશે. પહેલાંની સરકારોનો મંત્ર હતો - રૂપિયા હજમ, પરિયોજના ખતમ. તેમને
કમિશન શબ્દથી એટલો પ્રેમ હતો કે તેમણે કનેક્ટિવિટી તરફ ક્યારેય ધ્યાન આપ્યું નહીં.
જે લોકોએ બિહારને કુશાસન આપ્યું, તે લોકો ફરીથી તક શોધી રહ્યા છે, જે લોકોએ બિહારના લોકોને પલાયન આપ્યું તેઓ ફરી તકને શોધી રહ્યા છે. સરકારી નોકરી તો છોડો, આ લોકોનો અર્થ છે કે નોકરી પૂરી પાડતી ખાનગી કંપનીઓ પણ રફુચક્કર થઈ જશે. જો ખંડણી આપશો તો બચશો, નહીં તો અપહરણ ઉદ્યોગનો કૉપીરાઇટ તો તે લોકોની પાસે હશે. માટે આ લોકોથી સાવધાન રહેવું. તેમનું રાજકારણ ખોટું, કપટ અને ભ્રમ પર આધારિત છે.

પહેલા તબક્કામાં ૫૩.૫૪ ટકા મતદાન

ગઈ કાલે બિહાર વિધાનસભાની ૭૧ બેઠકોની ચૂંટણી માટે પહેલા તબક્કામાં કુલ ૫૩.૫૪ ટકા મતદાન થયું હતું. કોરોનાના ચેપી રોગના પડછાયામાં પહેલી વખત દેશમાં કોઈ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ભીડ ન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૫ ને બદલે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. બીજા તબક્કાનું મતદાન ત્રીજી નવેમ્બરે યોજાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK