ભિવંડીમાં ગાડી સામસામે આવી જતાં પાછળ લેવાના વિવાદમાં ફાયરિંગ
પ્રતીકાત્મક તસવીર
થોડા વખત પહેલાં જ ભિવંડીમાં શિવસેનાના ગ્રામપંચાયતના ઉમેદવાર દીપક મ્હાત્રે અને તેમની પત્ની પર ફાયરિંગની ઘટના બની હતી. ગઈ કાલે ફરી એક વખત ભિવડીમાં ગોળીઓ ચાલી હતી. જોકે ગઈ કાલે સાંકડી ગલીમાં બે વાહનો સામસામે આવી જતાં કોણ ગાડી પાછળ લે એની તૂતૂ-મૈંમૈંનો વિવાદ વકરતાં એક ગ્રુપના યુવકે સામેવાળા પર ત્રણ ગોળી ફાયર કરી નાસી છૂટ્યો હતો.
ભિવંડીના પાયગાંવમાં ફોર્ટી પ્લસ એજ ગ્રુપની ક્રિકેટ મૅચનું આયોજન કરાયું હતું, પણ એ ગ્રાઉન્ડ સુધી પહોંચવાનો રસ્તો સાંકડો છે. ગઈ કાલે સાંજે પોણાછ વાગ્યે એ રસ્તા પર બે વાહનો સામસામે આવી ગયાં હતાં. બન્ને વાહનના લોકો સામેવાળાને તેની ગાડી પાછી લેવાનું કહી રહ્યા હતા. પહેલાં તેમની વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. એ વખતે ઉશ્કેરાયેલા એક ગ્રુપમાંના યૂવાને તેની પાસેની રિવૉલ્વર કાઢી સામેવાળા ગ્રુપના પ્રફુલ્લ તાંગડી પર ત્રણ ગોળીઓ ફાયર કરી દીધી હતી. પ્રફુલ્લને છાતીમાં, પેટમાં અને હાથમાં એમ ત્રણ ગોળી વાગી છે. તેને થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ગોળીબાર કરનાર યુવક અને તેના સાથીદારો ત્યાર બાદ ત્યાંથી નાસી ગયા હતા. ભિવંડી તાલુકા પોલીસ આ સંદર્ભે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની શોધ ચલાવી રહી હતી.