Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે તમારા વિચારો પ્રત્યે જાગૃત છો?

શું તમે તમારા વિચારો પ્રત્યે જાગૃત છો?

17 June, 2020 02:09 PM IST | Mumbai
Sejal Ponda

શું તમે તમારા વિચારો પ્રત્યે જાગૃત છો?

ઓવરથિન્કિંગ આપણી જાણ બહાર આપણને એવી ખીણમાં ધકેલતું જાય છે જેનો અંત કદાચ આત્મહત્યા તરફ લઈ જાય છે

ઓવરથિન્કિંગ આપણી જાણ બહાર આપણને એવી ખીણમાં ધકેલતું જાય છે જેનો અંત કદાચ આત્મહત્યા તરફ લઈ જાય છે


આઘાત પમાડે એવા સમાચાર એક પછી એક રોજ સાંભળવા મળે છે. સુશાંત સિંહની આત્મહત્યાએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. આ પહેલાં પણ ઘણી સેલિબ્રિટીએ નાની ઉંમરમાં આત્મહત્યાનું કાયર પગલું ભર્યું છે.
આપણને નાનપણથી હારને સ્વીકારવાનું શીખવવામાં નથી આવતું. આપણું લક્ષ્ય હંમેશાં જીતનું રહ્યું છે પછી એ સ્કૂલની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા. સંબંધોની હાર હોય કે કરીઅરની હાર, આપણે જીતને વધારે મહત્ત્વ આપીએ છીએ. હારનો ઢોલ આપણે ક્યારેય વગાડતા નથી. એને છુપાવીએ છીએ. આપણી ભીતર એને દબાવી રાખીએ છીએ. આપણી હારને ન તો આપણે સ્વીકારીએ છીએ ન તો આપણો પરિવાર કે સમાજ. એવા બહુ જ ઓછા પરિવાર હશે જે હારને બહુ જ હળવાશથી લઈ મૂવ ઑન થઈ શકે છે.
સંબંધોમાં છેતરામણી, હાર કે પછી એકલતા આપણને હચમચાવી નાખે છે. આપણે માનીએ છીએ કે કોઈ ખાસ વ્યક્તિ આપણા જીવનમાં હોય તો જ જીવન જીવવા જેવું બને. કોઈ પ્રેમ કરનારી વ્યક્તિ હોય તો જ ખુશીઓ મળે. આ આખી માન્યતા જ ખોટી છે. આપણી ખુશીનો આધાર બીજી વ્યક્તિ પર કઈ રીતે હોઈ શકે? જરા વિચાર કરો. જો આપણે બીજી વ્યક્તિની એન્ટ્રીથી આનંદ અનુભવતા હોઈએ અને તેના જતા રહેવાથી દુઃખ, એકલતા અનુભવતા હોઈએ તો વાંક આપણો જ છે. આપણે આપણી ખુશીઓને બીજાને હવાલે કરી નાખી છે. એક મોટું સત્ય એ છે કે જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી ન થાય તો પણ જીવન જીવી શકાય છે. અને એ પણ બહુ જ સુંદર રીતે. પણ આપણે આપણી ખુશીને વસ્તુ કે વ્યક્તિમાં બાંધી નાખી છે. આપણી પાસે શું છે એની ગણતરી કરવાનું આપણે ભૂલી ગયા છીએ. એકલતામાં સરી જનાર વ્યક્તિ એવું માનતી થાય છે કે તેનું બધું જ ખોવાઈ ગયું છે. ખતમ થઈ ગયું છે. તે સાવ હેલ્પલેસ બની ગયો છે. આવા ઘાતકી વિચારો આવે ત્યારે તરત નજીકના મિત્રો કે ઘરના લોકો સાથે તમારી મૂંઝવણ શૅર કરવી જોઈએ. આપણે આપણી જાતને સતત યાદ અપાવતા રહેવું જોઈએ કે આપણે લડવૈયા છીએ અને લડી લઈશું.
સંઘર્ષ, હાર, એકલતા, ડિપ્રેશન જીવનનો એક ભાગ છે. જ્યારે આપણે ડિપ્રેશનમાં હોઈએ ત્યારે એકલા બધું હૅન્ડલ નથી કરી શકતા એ પણ એક હકીકત છે. આવા સમયે આપણને આપણા નેગેટિવ વિચારોમાંથી પૉઝિટિવ વિચારો તરફ લઈ જઈ શકે એવા મિત્રો અને પરિવારજનો હોય જ છે. પરવડે તો કાઉન્સેલિંગ અને દવાઓનો સહારો પણ છે.
આપણી અંદર વિચારોનો જેટલો કચરો ભરશો એટલો એ જમા થતો જશે. વિચારોને, મનની ભાવનાઓને, અનુભવાતી એકલતાને નજીકના સંબંધીઓ, મિત્રો સાથે શૅર કરવામાં સંકોચ ન રાખવો જોઈએ. અને રડવામાં તો જરાય સંકોચ ન રખાય.
આપણા સૌથી મોટા દુશ્મન છે આપણા ખુદના, આપણને જ તોડનારા ઘાતકી વિચારો. ઓવરથિન્કિંગ આપણી જાણ બહાર આપણને એવી ખીણમાં ધકેલતું જાય છે જેનો અંત કદાચ આત્મહત્યા તરફ લઈ જાય છે. આપણને જો હારવાનો ડર લાગતો હોય તો આપણા જેવું મૂરખ કોઈ નથી. હાર, દુઃખ, સંઘર્ષ, તકલીફ, એકલતા આ શબ્દો માત્ર ડિક્શનરી પૂરતા નથી; પણ જીવનનો એક ભાગ છે. એક અવસ્થા છે. એક સમય છે જેને આપણે પસાર કરવાનો હોય છે. માણસ ચોવીસ કલાક આનંદમાં ન રહી શકે એ સમજાય પણ જીવનની ખૂટતી કડીને, અધૂરપને હાવી પણ ન થવા દેવાય.
જેમ પાણીની તરસ લાગે, ભૂખ લાગે એ જ રીતે ડિપ્રેશન પણ આવી શકે છે. ભીતરથી ભાવનાત્મક રીતે આપણે જ્યારે તૂટી જઈએ છીએ ત્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવી ફીલિંગ અનુભવાય. માનસિક સ્વાસ્થ્ય પર આપણે પૂરતું ધ્યાન નથી આપતા. અને આજના સમયમાં માનસિક રીતે આપણે સ્વસ્થ રહીએ એ સૌથી મોટી જરૂરિયાત બનતી જાય છે. માનસિક સ્વાસ્થ્યની સભાનતા આપણે દરેકે કેળવવી જ જોઈએ.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વિશે અનેક અટકળો ચાલી રહી છે. આ લેખ છપાશે ત્યાં સુધી કદાચ સાચું કારણ પણ જાણવા મળી જશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે શું આપણે એટલા નબળા છીએ કે આપણી હતાશા આપણને આત્મહત્યા કરવા પ્રેરી શકે? શું આપણે રોજેરાજ આપણને મળતી જિંદગી માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ? આપણને જે મળ્યું છે એ માટે ઈશ્વરને થૅન્ક યુ કહીએ છીએ? જો જવાબ ના હોય તો એનો અર્થ એ જ છે કે આપણી ઇચ્છાઓ, આપણાં સપનાં, આપણા સંબંધો આપણી પર હાવી થઈ ગયા છે. અને જીવનના કોઈ મુકામે જો એ આપણને નહીં મળે તો કદાચ આપણને જીવન જીવવા જેવું નહીં લાગે.
આત્મહત્યા એક બહુ જ ગંભીર પ્રશ્ન છે. દરેક હારને સ્વીકારી શકીએ એટલી જાતને મજબૂત બનાવવાની છે. આપણી એકલતાને પચાવી શકીએ એટલી શક્તિશાળી બનાવવાની છે. આપણે એ સમજવાનું છે કે જીવન સંપૂર્ણ નથી અને બની શકવાનું પણ નથી. બધું જ નહીં મળે આપણને. અધૂરપ સાથે જીવવું જ પડશે. નથી મળ્યું એનો સરવાળો ન કરાય.
આપણી આસપાસ હસતો-બોલતો માણસ પોતાની ભીતર કેટલી પીડા છુપાવીને ફરતો હશે એ આપણે જાણી શકતા નથી. એટલે જ આપણા નજીકના મિત્રો, પરિવારજનો સાથે સંપર્કમાં રહો. તેમની સમસ્યા જાણવાની કોશિશ કરો. તમે તેમની સાથે જ છો એવો અહેસાસ કરાવવો બહુ જ જરૂરી છે. બે-ચાર દિવસમાં આપણે બધું ભૂલી જઈશું. આત્મહત્યા કરનાર વ્યક્તિ છબીમાં જડાઈ જશે. આ જ સમય છે આપણા વિચારો વિશે સભાન રહેવાનો. જાતને એક વચન આપવાનું કે હું મારા માનસિક સ્વાસ્થ્યની પૂરતી કાળજી લઈશ.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 02:09 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK