અંધેરી-ઈસ્ટના સંભાજીનગરની સોસાયટીમાં ઊભરાય છે મળમૂત્ર

Published: 31st August, 2012 07:54 IST

છેલ્લા બે મહિનાથી ૧૦ સોસાયટીઓની લાઇન ચૉકઅપ : વિધાનસભ્ય ક્રિષ્ના હેગડે કે સુધરાઈના વૉર્ડ-ઑફિસરને કરેલી ફરિયાદો પર પણ કોઈ ઍકશન નહીં

sambhaji-nagarઅંધેરી-ઈસ્ટમાં કોલડોંગરી વિસ્તારના સહાર રોડ પાસે આવેલા સંભાજીનગરની ૧૦ સોસાયટીઓના રહેવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી સંડાસની લાઇન ચૉકઅપ થઈ જવાથી  સિદ્ધિવિનાયક સોસાયટીની ગટરમાં આ બધો મળ જમા થઈને ઓવરફ્લો થાય છે જેનાથી આ બિલ્ડિંગના જ પરિસરમાં ગંદું પાણી અને મળમૂત્ર ઓવરફ્લો થઈને બહાર આવી જાય છે. લગાતાર આવતી દુર્ગંધને લીધે રહેવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.

સિદ્ધિવિનાયક સોસાયટીમાં છેલ્લાં દસ વર્ષથી રહેતા ગોપાલ સોલંકીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં પહેલાં ચાલી હતી. દીવાન બિલ્ડરે ચાલી ખરીદીને બિલ્ડિંગ બનાવ્યાં છે, પણ એનું બાંધકામ એટલુંબધું નબળું અને અવ્યવસ્થિત છે કે અમે હવે પસ્તાઈ રહ્યા છીએ. એમ થાય છે કે ચાલીમાં રહેતા હતા ત્યારે કોઈ પ્રકારની તકલીફ નહોતી થતી, પણ બિલ્ડિંગો બનાવીને આપ્યાં છે એમાં તકલીફ જ તકલીફ ઊભી થઈ રહી છે. ૧૦ બિલ્ડિંગની સંડાસની લાઇન આ અમારા ૬ નંબરના બિલ્ડિંગની ગટરમાં જૉઇન્ટ કરી દીધી છે અને એ પાઇપ એટલી સાંકડી છે કે પાઇપ વારંવાર ચૉકઅપ થઈ જાય છે. અમે ઘણી વખત બિલ્ડરને ફરિયાદ કરી છે, પણ તે કહે છે કે આ કામ અમારું નથી; તમે બીએમસીમાં ફરિયાદ કરો. બીએમસીમાં લેટર લખ્યા તો એ લોકો કહે છે કે આ બિલ્ડરનું કામ છે. આ બધા પ્રૉબ્લેમને લીધે હજી સુધી અમે બિલ્ડર પાસેથી સોસાયટીના કાગળ લીધા નથી. એટલે ૧૦ વર્ષ થઈ ગયાં, પણ અમારી સોસાયટી હજી બની નથી. વિધાનસભ્ય ક્રિષ્ના હેગડે તથા વૉર્ડ-ઑફિસરને લેટર લખી ફરિયાદ કરી, પણ કોઈ પ્રકારની મદદ મળી નથી.’

એ જ બિલ્ડિંગમાં રહેતાં મનીષા કાઝારેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બાંધકામ એટલું નબળું છે કે જો ક્યારેક અમારા રોડ પરથી બુલડોઝર પસાર થાય તો બિલ્ડિંગ આખું હલવા લાગે છે. એમ થાય કે હમણાં આખું બિલ્ડિંગ પડી જશે. વારેઘડીએ સંડાસની લાઇન ચૉકઅપ થઈ જાય. વાસ આવે, ગંદવાડો થાય. ઘરની દીવાલોમાંથી પાણી તો ફુવારાની જેમ નીકળે છે. દર ૧૫ દિવસે ૨૦૦૦ રૂપિયાનો ખચોર્‍ આવી જાય છે. રિપેરિંગનો ખચોર્‍ આવે અને સાથે આવામાં રહીએ એટલે દવાદારૂનો ખચોર્‍ આવે છે. ફરિયાદ કરીને થાકી ગયા છીએ, પણ કોઈ જવાબ મળતો નથી.’

૬૫ વર્ષનાં લીલાવતી પરમારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે કંટાળી ગયા છીએ રોજની આ મગજમારીથી. વાસ આવવાને કારણે મેં છેલ્લા એક વર્ષથી મારા રસોડાની બારી ખોલી નથી. જમવાનું પણ ગળે ઊતરતું નથી. કોઈ જાતની હવાની અવરજવર માટે જગ્યા જ નથી. સંડાસમાંથી તો સાપ નીકળે છે એટલે મેં ત્યાં પથ્થર મૂકી દીધો છે. મારા ઘરમાં નાના છોકરાઓ છે. આટલા ગંદવાડાને લીધે મચ્છરો થાય છે. હમણાં મારા પૌત્રને મલેરિયા થયો હતો. તે હંમેશાં બીમાર જ રહેતો હોય છે.’

આ બાબત વિશે જાણકારી મેળવવા દીવાન બિલ્ડરના અભિજિત માંજલકર, જે ત્યાંનો કારભાર સંભાળે છે, તેમને પૂછ્યું તો તેમણે કોઈ પણ જાતની વાત કરવાની મિડ-ડે LOCALને ના પાડી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK