અંદર સે કોઈ બાહર ના જા શકે

Published: Mar 22, 2020, 19:12 IST | Rashmin Shah | Mumbai Desk

લૉકડાઉનની આ સિચુએશનમાં સેલિબ્રિટીઝ પોતાના આ કોરોના-વેકેશનનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જાણવા જેવું છે

રજા મળે તો સામાન્ય રીતે ફરવા નીકળી જવાનું પસંદ કરતા સેલિબ્રિટીઝ આ વખતે અચાનક આવી ગયેલા કોરોના‍-વેકેશન દરમ્યાન ક્યાંય બહાર પણ નથી જઈ શકતા. લૉકડાઉનની આ સિચુએશનમાં સેલિબ્રિટીઝ પોતાના આ કોરોના-વેકેશનનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જાણવા જેવું છે

તનના જ નહીં, મનના વિષાણુઓનો પણ નાશ કરવાનો સમય
બહુ લાંબા સમયે આવું વેકેશન મળ્યું એ તો કહેવું જ પડે. સાત-આઠ મહિના પછી પહેલી વાર બે દિવસથી વધારે ઘરમાં રહેવાનો મોકો મળ્યો એ પણ એટલું જ સાચું છે. આ સમયગાળા દરમ્યાન બહુ કામ હતું, ભાગવાનું થયું, બહાર રહેવાનું થયું એટલે શરૂઆતમાં તો વેકેશનની વાત આવી તો જરા આનંદ થયો હતો, પણ એ આનંદ બેવડાયો ત્યારે જ્યારે સવારે જાગીને જોયું તો બન્ને દીકરા ધર્મ અને રુદ્ર પણ ઘરમાં હતા. થૅન્ક યુ કોરોના. આખો પરિવાર અત્યારે ઘરમાં છે. ટોટલ લૉકડાઉન એવી આ અવસ્થામાં આખું ઘર આ રીતે એક જ છત નીચે હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. બને તો કોઈનો પ્રસંગ કે પાર્ટી હોય અને બધા થોડી વાર પૂરતા સાથે રહીએ પણ અત્યારે, આજે જે પ્રકારનું વાતાવરણ છે એવું તો કદાચ વર્ષો પછી બન્યું છે. ધર્મ અને રુદ્ર નાના હતા ત્યારે વેકેશન પર જતા, પણ એ સમયે પણ ઘરમાં રહેવાનું બનતું નહીં. બને તો બહારથી કોઈ ને કોઈ મહેમાન આવ્યા કરે એટલે એ રીતે અવરજવર ચાલુ જ રહે, પણ આજે, અત્યારે જે વાતાવરણ ઊભું થયું છે એમાં એવું કશું છે જ નહીં. હું, વાઇફ ચારુ અને બન્ને દીકરા. બસ, આટલા જ લોકો. ઘરમાં મેઇડ, સર્વન્ટથી માંડીને મારા સ્ટાફ સુધ્ધાંને રજા આપી દીધી છે.
હું કહીશ કે આ જે વેકેશન છે એ બહુ જરૂરી હતું. તનમાં જગ્યા કરતા વિષાણુઓથી બચવા માટે આ વેકેશન આવ્યું છે, પણ આ વેકેશન મનમાં રહેલા વિષાણુઓને પણ દૂર કરવાની તક પૂરી પાડવાનું છે. હું અમદાવાદ હતો. મારી ફિલ્મનું શૂટ ચાલતું હતું. મુંબઈ લૉકડાઉન થયું એ પછી મુંબઈ આવ્યો. આમ હજી બે દિવસ થયા છે, પણ ખબર છે કે શૂટિંગ ૧૦ દિવસ હજી પણ ચાલુ નથી થવાનું એટલે બનશે એવું કે આ વેકેશન લાંબું જ ચાલશે. ઘણાને સ્ક્રિપ્ટ સંભળાવી છે, પણ હું ઘરે આવવાની ના જ પાડી દઉં છું. બહુ અગત્યનું હોય તો મેઇલ કરવાનું કહું. જો એ આવશે તો સ્ક્રિપ્ટ વાંચી લઈશ. બહુ પ્લાન બનાવ્યા છે આ દિવસોના. ‘સંપૂર્ણ સાવરકર’ વાંચવાની બહુ લાંબા સમયથી ઇચ્છા હતી પણ વાંચી નથી શકાઈ એટલે આ દિવસોમાં હું એ પૂરી કરીશ. મ્યુઝિક મારો ફેવરિટ સબ્જેક્ટ છે, પણ એના પર ધ્યાન નહોતું આપી શકાતું. શાસ્ત્રીય ગાયન ફાવે પણ ખરાં. આ રજામાં એના પર ફરી હાથ અજમાવવાનો છું. અત્યારે પણ હાર્મોનિયમ જ સાફ કરું છું. આખું ઘર સાથે બેસીને બ્રેકફાસ્ટ કરીએ છીએ, લંચ પણ સાથે લેવાનું અને ડિનર પણ સાથે કરવાનું.
પહેલાં ધર્મ અને રુદ્રની જરૂરિયાત મુજબ ફોન પર વાત થતી, પણ હવે તેમની સાથે બેસીને નિરાંતે કરીઅર-ઓરયેન્ટેડ ચર્ચા થાય છે, એમાં રસ્તો પણ નીકળે છે. નક્કી કર્યું છે કે જાતે રસોઈ પણ બનાવીશ અને ચારુ, ધર્મ અને રુદ્રને હું જમાડીશ.
અમે નક્કી કર્યું છે કે ટોટલ લૉકઆઉટ જ રહેવું. બહારથી કોઈને ઘરમાં આવવા દેવા નહીં. પહેલું લૉકઆઉટ સરકાર દ્વારા આવ્યું છે, તો આ બીજું લૉકઆઉટ અમે સ્વૈચ્છિક નક્કી કરેલું છે. અમને અમારા ચાર સાથે રહેવું છે. નિરાંતે બેસવું છે, વાતો કરવી છે, ફિલ્મો જોવી છે અને એ બધું સાથે કરવા માગીએ છીએ. આ જે પરિસ્થિતિ છે એ આફ્ટરઑલ આપણા જ લાભમાં છે. ઘરથી દૂર રહેવાની જે એક ખોટી આદત પડી ગઈ છે એ ખોટી આદત અત્યારના આ સમયથી દૂર થઈ શકે એમ છે. તકલીફ પડશે, હેરાનગતિ પણ લાગશે, પરંતુ એટલું યાદ રાખજો કે જે છે એ તમારા હિતમાં છે. આ વેકેશનનો બીજો કોઈ ઉપયોગ નથી કરવાનો. વાઇફને તમારાથી જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમ જાણવા માટે આ વેકેશન મળ્યું છે. બાળકોના મનમાં જે મૂંઝવણ છે, અવઢવ છે એ સમજવાનો આ સમય છે. સાથે મળીને નવેસરથી ૯૦ના દસકાને જોવાનો સમય છે. છો તમે પપ્પા પણ, આ સમય છે દાદા બનવાનો. હજી નસીબદાર છો તમે કે મોબાઇલ અને ટીવી ચાલુ છે, પણ જો હિંમત હોય તો એને પણ બંધ કરીને એક વાર રહી જુઓ પરિવાર સાથે. બહુ મજા આવશે. હું અત્યારે એ જ આનંદ લઉં છું અને આ વેકેશનને માણું છું.
- મનોજ જોષી (ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર)

રિલેશન્સમાં ટાઈમ ઈન્વેસ્ટ કરવાનો સમય છે આ
બે વર્ષ અગાઉ અમે દુબઈ ગયા હતા. આઠેક મહિના પહેલાં પણ મેં એક નાનકડું વેકેશન લીધું હતું એટલે એવું નથી કે હું વેકેશન લેતો નથી. સમય અને અનુકૂળતા મુજબ વર્ષમાં એકાદ વાર ફૅમિલી સાથે હું ટૂર કરતો જ હોઉં છું, પણ હા, આ વખતે વાત અલગ છે. સજાગતા સાથે ઘરમાં રહેવાનું છે, બહાર નીકળવાનું નથી અને ધારો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો તકેદારી રાખવાની છે કે આપણે ભૂલથી વાઇરસને ઇન્વાઇટ ન કરી બેસીએ. વાતને સમજવાની જરૂર છે કે આ વાઇરસને તમે બોલાવશો તો જ આવશે, પણ તમે એને ઇન્વાઇટ જ નહીં કરો તો આપણે એને બહુ જલદી હરાવી દઈશું. અત્યારની વાત કહું તો હું કે મારી ફૅમિલીમાંથી કોઈ બહાર નથી જતું. કાંઈ જોઈતું હોય તો ઑનલાઇન મગાવી લઈએ અને ઑનલાઇન મગાવેલી ચીજ પણ ચોક્કસ પ્રિકોશન્સ સાથે જ લઈએ. સરકાર દ્વારા આટલા મેસેજ આપે છે કે આ વાઇરસ ૧૨ કલાક સુધી જ ઍક્ટિવ રહેવાનો છે તો પછી શું કામ આપણે એને વધારે સમયની આવરદા આપવામાં નિમિત્ત બનવું.
ઘણાને એવું લાગે છે કે અત્યારે ઘરમાં પડ્યા રહીને સમયને કિલ કરવો પડે છે, પણ મારા કેસમાં એવું નથી. હું અત્યારે મારા ટાઇમને કિલ કરવાને બદલે ઇન્વેસ્ટ કરું છું. હું મારી જ જૂની સિરિયલના એપિસોડ્સ જોઉં છું, નેટફ્લિક્સ અને બીજા ડિજિટલ પ્લૅટફૉર્મ પર જે જોવાનું બાકી રહી ગયું છે એ પણ જોવાનું શરૂ કર્યું છે, તો કામને લીધે વાંચવાનું બાકી રહી ગયું છે એ બધું વાંચવાનું કામ પણ હું અત્યારે કરું છું. આપણે નાના હતા ત્યારે પેરન્ટ્સ શીખવતા કે સવારે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, સમયસર જમી લો અને રાતે સૂઈ જાઓ. આ બધી ઍક્ટિવિટી અત્યારના સમયે કરવાની તક મળી ગઈ છે. મારું અત્યારે પણ શેડ્યુલ આ જ પ્રકારનું છે. આ ઉપરાંત હું ઘરે મેડિટેશન કરું છું. મારો દીકરો રોહન મ્યુઝિક કમ્પોઝ કરે છે. અત્યારે તે પણ ઘરે હોય છે. આ ટાઇમમાં તે પોતાની ઍક્ટિવિટી કરે છે. અમને સાથે રહેવાનો ખૂબ સારો સમય મળ્યો છે એટલે હું એ રિલેશનમાં મારો ટાઇમ ઇન્વેસ્ટ કરું છું એવું કહું તો પણ ચાલે.
અત્યાર સુધી આપણે વેકેશન આપણી ઇચ્છાથી લેતા હતા, પણ આ વખતે પહેલી વાર કુદરતે આપણને વેકેશન આપ્યું છે. કુદરતના આ વેકેશનમાં સ્વાવલંબી બનવાનો, આત્મમંથન કરવાનો સમય મળી ગયો છે. આપણે આ સમયને વેડફવો ન જોઈએ. આગળ કહ્યું એમ, મળેલા આ સમયને કિલ કરવાને બદલે એને ઇન્વેસ્ટ કરવાની જરૂર છે અને નાહકના બહાર જઈને આ વાઇરસને ઇન્વાઇટ કરવાની જરૂર નથી. બને કે તમારી ઇમ્યુનિટી સારી હોય અને તમને વાઇરસ કંઈ ન કરે, પણ તમારા ફૅમિલી-મેમ્બરને શું કામ જોખમમાં મૂકવાના?
- ટીકુ તલસાણિયા (ઍક્ટર)

નવા કમ્પોઝિશન તૈયાર કરવાનો સમય
૧૯૯પ પછી પહેલી વાર આવું વેકેશન મળશે. કહો કે મારી સ્કૂલ પછીનું આ પહેલું વેકેશન છે, જેમાં રજા પડે અને કોઈ પણ જાતના કામ વગર ઘરે માત્ર ફૅમિલી સાથે રહેવા મળે. મારી પોતાની વાત કરું તો મારા આ વેકેશનનો આરંભ આજે સવારથી થયો છે, કારણ કે ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોરોના અવેરનેસ કૅમ્પેન માટે અમારે ટીવી-ઍડ બનાવવાની હતી એટલે ઓછામાં ઓછા સ્ટાફ સાથે એ શૂટ કરવામાં અને એ પછીની પ્રોસેસમાં હું લાગેલો હતો. ગઈ કાલે રાતે એ પૂરી થઈ અને હવે હું ફ્રી થયો છું.
ઇનરિયલ મેં ક્યારેય વેકેશન લીધું નથી. મૅરેજ પછી હનીમૂન પર પણ હું ગયો નહોતો. ફેરા ફરીને આવ્યા પછી ત્રીજા જ દિવસે હું કામે લાગી ગયો હતો. એ દિવસ અને આજનો દિવસ, મેં ક્યારેય કોઈ વેકેશન લીધું નથી. વેકેશનમાં મળતું એ જ વેકેશન મેં મારી લાઇફમાં માણ્યું છે. હવે પહેલી ‍વાર હું વેકેશન માણીશ. મારી ફૅમિલી છે, મારી બા છે અને સૌથી મજાની વાત કહું તો મારી બહેન પણ સાસરેથી આવી ગઈ છે અને એ પણ હવે ઘરે છે. હા, મારી દીકરી દિયા અહીં નથી. તે ઑસ્ટ્રેલિયા છે અને તેની મને ખાસ ચિંતા છે. ઑસ્ટ્રેલિયા એક વીકથી લૉકડાઉન છે.
અત્યારે આખા ગુજરાતમાં લૉકડાઉન જેવી અવસ્થા છે. કમ્પલ્સરી હોય તો જ લોકો બહાર નીકળે છે. છે, અમુક મિત્રો એવા જે ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે પણ બહાર ફરે છે, પણ એ ખોટી વાત છે. એવું કરવું ન જોઈએ. આ સમય એવો છે કે કારણ વિના કે કામ વગર બહાર આવવું નહીં. અમુક લોકો આવા સમયે સ્પા અને સૅલોંમાં અપૉઇન્ટમેન્ટ લઈને પહોંચી જાય છે. આ સમય જાતને સાચવવાનો છે એ વાત સાચી, પણ એનો મતલબ એ નથી કે તમે એવી જગ્યાએ જાઓ જે જગ્યાએ કોરોના તમને ભેટમાં મળી જાય.
આજથી મારી રજા શરૂ થયા પછી મારો પ્રોગ્રામ હવે ઘરે રહેવાનો છે. જે વેબ-સિરીઝ જોવાની બાકી છે, જે ફિલ્મો જોવાની રહી ગઈ છે એ બધી હું જોવાનો છું. ઘરે રિયાઝ કરીશ અને નવાં કમ્પોઝિશન પણ ડેવલપ કરવાનાં છે. નાનો હતો ત્યારે હું સોસાયટીની માસીઓ અને કાકીઓ સાથે મળીને વેફર પાડતો, કતરી બનાવતો. સોસાયટીમાં પણ હેલ્પ કરતો અને મમ્મીને પણ હેલ્પ કરતો. મેં ગઈ કાલે જ ફોન કરીને ઘરે કહી દીધું હતું કે બટાટા લઈ લેજો. આ વર્ષે હું બધા માટે બટાટાની વેફર અને કતરી બનાવીશ એટલે એ પ્રોગ્રામ પણ નક્કી છે. વાંચવાનું ઘણું ભેગું થયું છે તો એ પણ વાંચવાનું છે. એક ખાસ વાત કે આ દિવસોમાં હું કોઈને ઘરે બોલાવવાનો નથી અને કોઈના ઘરે જવાનો પણ નથી. આ સમય બિલકુલ ફૅમિલી-ટાઇમ ગણાશે.
- અરવિંદ વેગડા (ગુજરાતી પૉપસ્ટાર)

રિયાઝ વેકેશન છે આ...
મેં મારી જાતને સેલ્ફ કોરિયેન્ટેડ કરી દીધી છે. હું અત્યારે મારાં પપ્પા-મમ્મી સિવાય બીજા કોઈને મળતી નથી. આ મેં સેફ્ટી ખાતર કર્યું છે. હું નથી ઇચ્છતી કે કોઈને કારણે મને કે પછી મારા કારણે બીજા કોઈને ડૅમેજ થાય. મને લાગે છે કે આ વેકેશન બહુ લાંબા સમય અમને બધાને મળ્યું છે. મારા પપ્પાની ફૅક્ટરી ગઈ કાલથી બંધ કરવામાં આવી. ૧૦ દિવસ સુધી હવે ફૅક્ટરી નથી એટલે હવે અમે બધાં સાથે રહીશું. સાથે રહેવાનો આવો સમય જો પહેલાં અમને મળ્યો હોત તો ચોક્કસ અમે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોત, પણ આ વખતે એવું નથી કરવાનાં. અમે ઘરમાં જ રહેવાનાં છીએ અને સાથે રહેવાની મજા માણીશું. હું નાની હતી ત્યારથી જ મારા પ્રોગ્રામ અને કૉન્સર્ટ શરૂ થઈ ગયાં હતાં, જેને લીધે અમે ત્રણ જણ સાથે રહી શક્યાં હોય એવું ઓછું બનતું, પણ હવે પછીના ૧૦ દિવસ અમે સાથે છીએ એનો મેં મારી રીતે પ્રોગ્રામ બનાવ્યો છે.
મારી ઇચ્છા છે કે મને જેકાંઈ બનાવતાં આવડે છે એ ફૂડ હું મારી જાતે બનાવીશ. મહારાજને રજા આપી દીધી છે એટલે અત્યારે કુકિંગ જાતે કરવાનું છે અને એ હું કરીશ. આ ઉપરાંત હું રિયાઝમાં પણ પુષ્કળ સમય આપીશ. સિંગરનો રિયાઝ ચાલુ જ હોય, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે જેટલો વધારે રિયાઝ કરો એટલો વધારે સારો તમારો સૂર ખીલે. દરરોજ થતો હોય એ રિયાઝ ડેઇલી પ્રોસેસનો હોય, પણ આ પ્રકારના વેકેશનમાં તમે નવું કંઈ શીખી શકો. શીખવવા માટે બીજું કોઈ આવવાનું તો છે નહીં એટલે મારી ઇચ્છા છે કે હું મારી જાતે જ શીખીશ, જેની મેં બહુ લાંબા સમયથી તૈયારી કરી રાખી હતી. કુકિંગ અને સિન્ગિંગ સિવાયનો આ સમય હું મારે માટે ખર્ચવાની છું. તમે કહો કે સેલ્ફ એનરિચ થવાની આ પ્રોસેસ હશે. હું ઇચ્છું છું કે તમારે પણ આ કરવું જોઈએ. કોઈ સાથે વાત કર્યા વિના, કોઈ પ્રકારનાં ગૅજેટ્સ સાથે જોડાયેલા રહ્યા વિના માત્ર તમે અને તમારા વિચારો કે પછી તમારી થોટ પ્રોસેસ જ હોય એવું કરવાની મારી ઇચ્છા છે.
આવતા ૧૦ દિવસ હું ક્યાંય જવાની નથી અને જો જરૂર લાગશે તો હું આ વેકેશન જાતે જ લંબાવી દઈશ. મારા ખાસ કોઈ પ્રોગ્રામ કૅન્સલ નથી થયા, પણ હા, બે ફંક્શનની મેં ના પાડી દીધી અને ત્રણ ફંક્શન ગોઠવાય એવા ચાન્સિસ હતા તો એ હવે નહીં ગોઠવાય એ પણ નક્કી છે. એક સૉન્ગનું શૂટ હતું એ પોસ્ટપોન થઈ ગયું છે અને એક રેકૉર્ડિંગ પણ કૅન્સલ કર્યું છે. હું તમને પણ એક ઍડ્વાઇસ આપીશ કે તમારા કામને લીધે બીજાએ હેરાન થવું પડે એવું ન કરતા. જાતને સાચવવી જરૂરી છે. પહેલો દિવસ ઘરમાં પસાર કર્યો ત્યારે બહુ ખરાબ લાગ્યું, પણ હવે મજા આવે છે. મારા જ ઘરનાં ફૂલોને હું ઓળખવાનું ભૂલી ગઈ હતી, હવે એની સાથે ફરી મારી દોસ્તી થવા માંડી છે.
- ઐશ્વર્યા મઝમુદાર (સિંગર)

જાતને મળવાનો સમય...
હું અત્યારે ઇન્ડિયા નથી. દુબઈ છું અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે એ જોતાં મેં હમણાં ટ્રાવેલ કરવાનું ટાળી દીધું છે, પણ મારે કહેવું છે કે ફક્ત ઇન્ડિયામાં જ આ વેકેશન નથી. વર્લ્ડની અનેક કન્ટ્રીમાં અત્યારે આવું જ વાતાવરણ છે. આ વેકેશન જાતને મળવાનો સમય આપનારું છે. આનો ઉપયોગ ક્રીએટિવલી થવો જોઈએ એવું મને લાગે છે અને ધારો કે એ ન કરી શકો તો આ જે સમય મળ્યો છે એમાં તમે તમને ખુશ રાખો, તમને મજા આવે એવું કરો. તમને જે ગમતું હોય, જે તમારું ફેવરિટ કામ હોય એ કરો, પણ ઘરમાં રહીને. હું દુબઈમાં છું અને અત્યારે હું પણ અહીં એ જ કરું છું. આ જ તમારે પણ કરવાનું છે, ઘરમાં, તમારી ફૅમિલી સાથે.
- સોનુ નિગમ (સિંગર)

સતત ભાગતાં રહેવું એ જીવન નથી
આ ફૅમિલી-ટાઇમ છે અને ફૅમિલી-ટાઇમને હું હંમેશાં મહત્ત્વ આપું છું. મારા હસબન્ડ અરુણ રંજનકર ડિરેક્ટર છે. બન્નેના શેડ્યુલ સાવ અલગ હોય, પણ એમ છતાં અમે કમ્યુનિકેશનમાં સહેજ પણ પાછા ન પડીએ એનું ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ આ જે સમય છે એ સમયમાં અમને બન્નેને ફ્યુચરનું પ્લાનિંગ કરવાનો પણ આઇડિયા મળે છે. અત્યારે મારા પપ્પા દિનકર સૌકર આવ્યા છે. તેઓ કૅનેડા મારા ભાઈ સાથે રહે છે. ફૉરેનમાં તેઓ ખૂબ ફર્યા છે. પૂજા માટે ગયા છે તો સાથોસાથ એ પ્રખર પંડિત પણ છે એટલે તેમની પાસે બેસીને બધું જાણવાનો લહાવો પણ મળે છે. મારે મન આ બધી વાતો ઘેરબેઠાં ફૉરેન ફર્યા જેવી છે. અત્યારે મને ચિંતા અથર્વની થાય છે. એ વેનકુવરમાં છે, ત્યાં પણ અત્યારે લૉકડાઉન છે, પણ અથર્વ મેડિકલ સ્ટુડન્ટ છે એટલે મને તેના સ્વાસ્થ્યની વધારે ચિંતા રહેતી નથી. અથર્વની સાથે દિવસમાં એક વાર હું અચૂક વાત કરી લઉં છું. ફૉરેનમાં જેકોઈનાં સંતાનો ભણે છે એ બધાને મારે એક નાનકડી સલાહ આપવી છે કે બધા પોતપોતાની રીતે ફોન કરે એના કરતાં દિવસમાં એક વાર સાથે મળીને ફોન કરો, એનાથી તમારા સંતાનને પણ રાહત રહેશે અને તમને બધાને પણ સાથે વાત કર્યાનો આનંદ આવશે. પહેલાં મને વિચાર આવ્યો હતો કે અથર્વને બોલાવી લઈએ, પણ પછી ખબર પડી કે એ આવશે તો તેને પણ ૧૪ દિવસના આઇશોલેશનમાં લેવામાં આવશે એટલે બોલાવવાનું અવૉઇડ કર્યું છે.
ઘરનાં બધાં કામ હવે હું જ કરું છું. સાફસફાઈ માટે બાઈ આવતી તેને પણ રજા આપી દીધી છે. અત્યારે અરુણ પણ મને રસોઈ બનાવવામાં હેલ્પ કરે છે. ફિઝિકલ ફિટ રહેવા અને મેન્ટલ પરફેક્ટ રહેવા માટે મેડિટેશન કરીએ છીએ, જેનો અમારો ટાઇમ પણ ફિક્સ છે. અમે ટાઇમ ફિક્સ રાખ્યો છે. બધા એ જ એક ટાઇમે સાથે મળીને મેડિટેશન કરીએ અને જરૂર લાગે તો બધા વિડિયો-કૉલથી પણ જોડાયેલા રહીએ. વિશ્વના સુખી સ્વાસ્થ્ય માટે અમે આ આખી એક ચેઇન બનાવી છે.
મારે એક વાત ખાસ કહેવી છે. પૅનિક નહીં થાઓ. જો સૅનિટાઇઝર ખતમ થઈ ગયું હોય તો ઘસીને હાથ ધોઈ લો તો પણ ચાલશે. લીંબુ પણ હાથ પર નિચોવીને ઘસીને હાથ સાફ કરી લેશો તો ચાલશે. હળદર અને બ્લૅક પેપરના પાઉડરથી પણ હાથ ઘસીને ધોઈ શકાય છે. આપણું આયુર્વેદ સક્ષમ છે અને ઘરમાં જ બધી રેમિડી આપણી પાસે પડી છે તો ગભરાવાની જરૂર નથી. કુદરતની બ્રેક એક સંદેશો આપવા માગે છે.
સતત ભાગતા રહેવું એ જ જીવન નથી. તમારે તમારે માટે પણ જીવવાનું છે અને તમારે તમારી સાથે જોડાયેલા સૌકોઈ માટે પણ જીવવાનું છે. અમે પણ આ જ વાતને મનમાં રાખી છે અને આખી ઘટનાને એ જ રીતે જોઈ છે.
- અંબિકા રંજનકર (ઍક્ટ્રેસ)

સંતાનો સાથે ખૂબબધી વાતો કરવાનો સમય છે આ...
વેકેશન તો ઘણાં માણ્યાં છે, પણ આવું તો ભાગ્યે જ થાય. ઘણી વાર શૂટિંગ ન કરવાનું હોય એવું બન્યું છે, પણ આજના જેવી ઘરમાં જ પુરાઈ રહેવું પડે એવી સ્થિતિ કદી નથી જોઈ. આ ફેઝને પણ કુદરતનું જ કહેણ સમજીને સ્વીકારી લેવો એમાં જ શાણપણ છે. કામમાં બહુ વ્યસ્ત હતા ત્યારે ફરિયાદ રહેતી કે જાત માટે સમય જ નથી મળતો, ઘણુંબધું વાંચવું છે અને ઘણુંબધું જોવું છે પણ નવરાશ મળે તોને? પણ અત્યારે એ સમય અનાયાસ અને અનપ્લાન્ડ મળી ગયો છે. મેં તો એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. છેલ્લા એક વીકમાં મેં ૮થી ૧૦ ફિલ્મો જોઈ નાખી. ખાસ તો જૂના જમાનાની ફિલ્મો. મેં ‘ગાઇડ’ જોઈ, રાજ કપૂર અને ગોલ્ડીસાહબની ફિલ્મો ઉપરાછાપરી જોઈ નાખી. મારે વેબ-સિરીઝ જોવાનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે. મને નથી લાગતું કે બહુ ટૂંકા ગાળામાં હું એમાંથી નવરો પડું.
મને આ વેકેશનમાં બીજી એક સૌથી વધુ મજા આવી હોય તો એ ફૅમિલીટાઇમ ગાળવાની. મારો દીકરો ૨૩ વર્ષનો અને દીકરી ૨૦ વર્ષની છે. દીકરી સિનેમૅટોગ્રાફીનું ભણી રહી છે અને દીકરો પણ આ જ ક્ષેત્રમાં છે. હું અને વાઇફ પડદા આગળ કામ કરીએ છીએ, જ્યારે સંતાનો બિહાઇન્ડ ધ કૅમેરા કાર્યરત છે. સંતાનો સાથે ખૂબબધી વાતો કરવાનો મોકો મળ્યો. એક પરિવાર તરીકે સાથે નવરાશનો સમય માણો ત્યારે રિલૅક્સેશન, વિચારોનું આદાનપ્રદાન બહુ સરસ થતું હોય છે. ચારેય એક જ ક્ષેત્રે કામ કરતાં હોવાથી એકસાથે રહેવાનો મોકો બહુ ઓછો મળતો. અત્યારે એ મોકો મળ્યો છે જેને અમે જરાય ગુમાવવા નથી માગતાં.
- સુમીત રાઘવન, (ઍક્ટર)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK