Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યાદ છે તમને અવધેશ દુબે?

યાદ છે તમને અવધેશ દુબે?

23 June, 2019 01:30 PM IST | મુંબઈ
ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

યાદ છે તમને અવધેશ દુબે?

અવધેશ દુબે

અવધેશ દુબે


આરંભ હૈ પ્રચંડ

અવધેશ દુબે, નામ યાદ આવ્યું? કદાચ નહીં આવે. એક કામ કરો, તમારા ફેસબુક કે યુટ્યુબ-અકાઉન્ટમાં જઈને ટૅલન્ટેડ ટ્રેઇન વેન્ડર સર્ચ કરો અને પછી જે વિડિયો આવે એ જોઈ લો. ટ્રેનના ડબ્બામાં ફરીને માલસામાન વેચતો અને એ વેચતી વખતે લગાતાર વાતો કરતા જતા એ માણસનો ચહેરો તમને ઓળખાઈ જશે અને યાદ પણ આવી જશે કે હું કોની વાત કરું છું.



બને કે તમારામાંથી અમુક લોકો કદાચ આ અવધેશ દુબેને મળ્યા પણ હોય, કારણ કે સુરત-મુંબઈ વચ્ચે ટ્રાવેલ કરનારાઓ આપણે ત્યાં અઢળક છે અને આ અવધેશ દુબે સુરત-મુંબઈ ટ્રેનમાં રમકડાં વેચતો હતો. જ્યારથી અવધેશનો વિડિયો વાઇરલ થયો ત્યારથી અવધેશ ફેમસ થઈ ગયો છે. નૅચરલી, તેની દુકાન પણ ખૂબ સારી ચાલવા માંડી હતી. એ જે રમકડાં વેચતો એ રમકડાં નહીં, પણ તેની વેચવાની કળા માટે તેને બધા મળતા અને સાંભળતા. આ વિડિયો વાઇરલ થયા પછી તો એવું બન્યું કે ટ્રેનમાં ટ્રાવેલ કરનારાઓ અવધેશ પાસે વધારે મિમિક્રી કરાવતા અને આ મિમિક્રી જોઈને, ખુશ થઈને તેને બક્ષિસ પણ આપતા તો કેટલાક રાજી થઈને તેની પાસેથી રમકડાં લેતા પણ એ ખરીદીમાં પછી બાર્ગેઇન નહોતું થતું, અવધેશ જે પ્રાઇસ કહે એ પ્રાઇસ તેને ચૂકવી દે.


સોશ્યલ મીડિયાની તાકાત જુઓ તમે, અવધેશથી પહેલાં લોકો ભાગતા, પણ આ વિડિયો વાઇરલ થયા પછી પૅસેન્જર તેની સાથે સેલ્ફી પડાવતા અને અવધેશ જ્યાં પણ જતો ત્યાં તેને સેલિબ્રિટી જેવું માન આપવામાં આવતું. સ્ટેશન પર, ટ્રેનમાં, રસ્તા પર, ઘર પર કે પછી બહાર બીજી કોઈ પણ જગ્યાએ લોકો તેને ઓળખી જવા માંડ્યા અને તેને બોલાવવા માંડ્યા. આ જ અવધેશ હતો જેને પહેલાં કોઈ બોલાવતું પણ નહીં, પણ વાઇરલ વિડિયો પછી એવું બન્યું કે અવધેશ સ્ટાર બની ગયો. નૅચરલી, અવધેશ ખુશ હતો. દસ મિલ્યનથી વધારે લોકોએ તેનો વિડિયો યુટ્યુબ પર જોયો હતો તો ફેસબુક, વૉટ્સઍપ અને બીજી સોશ્યલ મીડિયા સાઇટ પર પણ એ જોવાતો અને ફૉર્વર્ડ થતો હતો. રાતોરાત ફેમસ અને એ પણ માત્ર એક વિડિયોથી. સૌથી મહત્ત્વની વાત એ કે એવી વ્યક્તિ ફેમસ થઈ હતી જે ટ્રેનમાં રમકડાં વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આવી વ્યક્તિ સેલિબ્રિટી બને તો સ્વાભાવિક છે કે તેને ગમે જ ગમે. અરે, સુરતના મારા કેટલાક ફૅન્સ તો ખાસ તેને જોવા માટે સુરત-મુંબઈ ટ્રાવેલ કરવા નીકળ્યા હતા અને અવધેશને મળીને ખુશ થતા હતા. મને પણ તેની સાથે એક વખત વિડિયો-કૉલ પર વાત કરાવી હતી.

કટ ટુ, નેક્સ્ટ સીન.


આજે અવધેશ શું કરે છે એની ખબર છે તમને?

કદાચ તમારો જવાબ હશે કે તે એ જ કામ કરતો હશે, ટ્રેનમાં રમકડાં વેચતો હશે. વધીને તમે એવું અનુમાન બાંધી શકો કે તેને કોઈક મોટી ઑફર આપી હશે અને તે મિમિક્રી આર્ટિસ્ટ બનીને કામ કરવાનું શરૂ કરવા માંડ્યો હશે. ના, તમારાં આ બધાં અનુમાન ખોટાં છે. અવધેશ અત્યારે કામ શોધે છે. હા, ખરેખર તે કામ શોધી રહ્યો છે. આજે અવધેશ ટ્રેનમાં મિમિક્રી કરીને રમકડાં વેચતો નથી, કારણ કે રેલવે-ઑથોરિટીએ અવધેશ અને અવધેશ સહિત બધા ફેરિયાઓ જે ટ્રેનમાં રમકડાં, ચા, કોલ્ડ્રિન્ક્સ કે નાસ્તો વેચતા હતા એ બધાને બૅન કરી દીધા છે. આ બૅન મુકાવાનું કારણ શું તો એનો જવાબ છે, એક વિડિયો. હા એ જ વિડિયો જેણે અવધેશ દુબેને રાતોરાત વાઇરલ કરી દીધો હતો અને સ્ટાર બનાવી દીધો હતો. માત્ર આ એક વિડિયોને કારણે જેટલા ફેરિયા હતા એ બધાને બૅન કરવામાં આવ્યા. આજે કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ રેલવેમાં મુસાફરી કરતા લોકોને પોતાનો સામાન વેચી શકતો નથી અને એને માટે નિમિત્ત બન્યો છે પેલો અવધેશવાળો વિડિયો. આવું શું કામ થયું અને કયા કારણે બન્યું એની વાત પણ જાણવા જેવી છે.

પેલા વિડિયો પછી અવધેશ બહુ પૉપ્યુલર થઈ ગયો અને અવધેશની લોકચાહના પણ ખૂબ વધી ગઈ. વાઇરલ થતો એ વિડિયો ફરતો-ફરતો રેલવે-પોલીસને મળ્યો અને પછી કોઈ પૉલિટિકલ ચમચાએ, આઇ રિપીટ, પૉલિટિકલ ચમચાએ ફરિયાદ કરી એટલે અવધેશ દુબેને સુરત રેલવે સ્ટેશન પરથી પકડવામાં આવ્યો અને તેના પર કાનૂની કાર્યવાહી થઈ. આ કાનૂની કાર્યવાહી મુજબ અવધેશ પાસેથી સામાન વેચવાનું લાઇસન્સ મળ્યું નહીં એટલે ગુનો દાખલ કરીને તેને ૧૦ દિવસની જેલની સજા અને ૩પ૦૦ રૂપિયાનો દંડ થયો. દંડ તો અવધેશે ભરી દીધો, પણ જેલની સજામાંથી કેવી રીતે બચવું એના વિશે અવધેશને ખબર નહોતી એટલે તે જેલમાં જવા પણ તૈયાર થઈ ગયો. હા, તેણે રેલવે-કોર્ટની માફી માગી અને કરગર્યો પણ ખરો, પણ કોઈએ તેની વાત માની નહીં, સાંભળી નહીં અને જેલમાં જવાનો વારો આવ્યો. અવધેશ જેલમાં ગયો પણ ખરો. જોકે અહીં એક નવી વાત અને નવો ટ્વિેસ્ટ આવે છે.

અવધેશને જેલમાં જવું ન પડે એ માટે કાયદાની જોગવાઈ જોઈને જામીન કરાવવામાં આવ્યા અને આ જામીન કોણે આપ્યા ખબર છે તમને?

સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ જામીન કરાવ્યા. આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નહોતો અને એટલે જ ક્યાંય આ વાત બહાર ન આવી, પણ હમણાં આ વાત અવધેશે જેલમાંથી નીકળીને એક ચૅનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહી ત્યારે બધાને ખબર પડી. બાકી સતીશ શર્માએ આ વિશે કોઈને વાત નથી કરી કે ન તો સુરત પોલીસે આ વાતને ક્યાંય જાહેર કરી. અવધેશે જાહેરમાં આવીને સતીશ શર્માનો આભાર માન્યો એટલે બધાને ખબર પડી, પણ એમ છતાં સુરતના પોલીસ કમિશનરે આ બાબતમાં કોઈ જવાબ આપવાની ના પાડી દીધી. હા, તેમણે ઑફ ધ રેકૉર્ડ એટલું કહ્યું કે જે કલાનાં વખાણ થવાં જોઈએ એ કલાને બિરદાવવાને બદલે આવી ફાલતુ વાતમાં એક સારો આર્ટિસ્ટ જેલમાં જાય એ બરાબર ન કહેવાય.

જેલમાં પણ અવધેશને કૉમેડીના બહુબધા કિસ્સાઓ મળ્યા છે અને બને કે આવનારા દિવસોમાં તેને એ મિમિક્રી કરવાનો મોકો મળે પણ, પરંતુ અવધેશ હવે કામ શું કરશે, શું વેચશે અને સૌથી મોટો પ્રશ્ન ક્યાં વેચશે? અવધેશ હવે પોતાનું અને પરિવારનું ગુજરાન કેમ ચલાવશે એ એક યક્ષપ્રશ્ન ઊભો થયો છે.

આ બધું થયું શાને લીધે તો જવાબ છે, એક વિડિયો અને સોશ્યલ મીડિયાને લીધે.

સોશ્યલ મીડિયાની તાકાત છે દોસ્તો. ધારો કે કાલ સવારે કોઈ રશિયાના પ્રાઇમ મિનિસ્ટરનો આવો જ કોઈ વિડિયો લઈ આવે અને વાઇરલ કરે તો તેમને પણ સત્તા છોડવી પડે એવું બને. દરેક વાતના, વસ્તુના અને વ્યવહારના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. આપણે સોશ્યલ મીડિયાના ફાયદા બહુ જોયા છે, પણ હવે સમય આવી ગયો છે, આ સોશ્યલ મીડિયાના ગેરફાયદા જોવાનો. અવધેશ જેવા બીજા અનેક ફેરિયા પણ રેલવે-સ્ટેશન પર બૅન થઈ ગયા અને એ પણ પેલા એક વિડિયોને લીધે. અવધેશ તો રાતોરાત સ્ટાર બની ગયો અને તેણે હજારો લોકો સાથે સેલ્ફી પડાવી લીધો, પણ હવે તેની પાસે કામ નથી. આ ફાયદો છે કે નુકસાન? રેલવે ક્યારે ફરી આ ફેરિયાઓ પરથી બૅન હટાવશે કે લાઇસન્સ આપીને કામ કરવાની અનુમતિ આપશે એ નક્કી નથી. એવા સમયે અવધેશનો વિડિયો લાભદાયી કે નુકસાનકર્તા?

આ પણ વાંચો : સેવિંગ્સ માત્ર પૈસાનું જ શું કામ ?

કહેવાનો અર્થ એટલો જ છે કે અતિરેક કોઈ સારો નથી. આ હું નથી કહેતો, આ આપણા વડીલો કહેતા અને તેમની વાતોને આપણે આજે સતત અવગણ્યા કરીએ છીએ. સોશ્યલ મીડિયા અને મોબાઇલનો આપણે અતિરેક કરતા થઈ ગયા છીએ ત્યારે આપણે એના પર સ્વંય એક બૅન મૂકીએ અને એવું નક્કી કરીએ કે આ ગૅજેટ્સ અને આ માધ્યમનો આપણે ખપ પૂરતો ઉપયોગ કરીશું તો એનો લાભ થશે. ક્યાં અટકવું એની પણ સભાનતા હોવી જોઈએ. જો એ સભાનતા તમે નહીં દર્શાવી શકો તો તમે ચોક્કસ રીતે કોઈનું મનોરંજન બની જશો અને મનોરંજન બનવું એ સૌથી વધારે નુકસાનકારક છે. જરૂરી છે સ્વયંશિસ્તની અને જે દિવસે એ આવી જશે એ સમયે ચોક્કસ આપણે શિસ્તબદ્ધ સોસાયટીનો હિસ્સો ગણાતા હોઈશું.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 01:30 PM IST | મુંબઈ | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK