Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: તમારે મુંબઈને જીવવાલાયક બનાવવા શું કરવાનું છે?

કૉલમ: તમારે મુંબઈને જીવવાલાયક બનાવવા શું કરવાનું છે?

19 May, 2019 10:57 AM IST | મુંબઈ
આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

કૉલમ: તમારે મુંબઈને જીવવાલાયક બનાવવા શું કરવાનું છે?

મુંબઈ દર્શન

મુંબઈ દર્શન


લાસ્ટ વીકમાં આપણે મુંબઈને મારી નજરે જોયું. આ વીકમાં પણ આપણે વાત તો આપણા મુંબઈની જ કરવાની છે, પણ આ વખતે મને લાગે છે કે આપણે મુંબઈના પ્રશ્ન અને એના પ્રૉબ્લેમ વિશે વાત કરવી જોઈએ. એક સિટીને બધી રીતે પરફેક્ટ બનાવવા માટેની જે કોઈ જવાબદારીઓ છે એ જવાબદારી માત્ર સરકાર કે પછી ગવર્નમેન્ટ ઑફિસરની નથી, આની જવાબદારી આપણી એટલે કે સિટીના લોકોની પણ છે. હું કહીશ કે એક પણ મુંબઈકર ફરિયાદ કરવામાં માનતો નથી, એ ક્યારેય કોઈ જાતની ફરિયાદ લઈને ઊભો પણ નથી રહેતો અને એટલે જ હું કહીશ કે ફરિયાદ સહન કરવાને બદલે આપણે એના વિશે ચર્ચા કરવી જોઈએ. તમે જુઓ ટ્રેનમાં લોકો હેરાન થતાં ટ્રાવેલ કરશે, પણ એ પોતાની આ તકલીફની ચર્ચા ક્યાંય નહીં કરે અને એટલે જ એવું પણ લાગે કે આપણને પ્રશ્નો વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે. હું કહીશ કે પ્રશ્નો અને પ્રૉબ્લેમ રહેવાના જ, લાઇફટાઇમ પણ રહેશે, પણ એ મોટા ન થવા જોઈએ. લોકલમાં જગ્યા નથી મળતી એ હકીકત છે, મેટ્રો આવશે પછી એમાં થોડી ઘણી રાહત થશે એવું પણ ધારી શકાય, પણ લોકલનો પ્રશ્ન મોટો તો ન જ થવો જોઈએ. પ્રશ્નો ત્યારે જ મોટા થતા હોય છે જ્યારે એની તરફ ધ્યાન આપવાનું કામ આપણે નથી કરતા.

અમુક પ્રશ્નો મુંબઈમાં એવા છે ખરા કે જે મોટા થઈ રહ્યા છે, વધી રહ્યા છે. મોટા થઈ રહેલા એ પ્રશ્નો માટે સરકાર કે પછી ગવર્નર્સ એટલા જવાબદાર નથી જેટલા જવાબદાર આપણે છીએ. આપણે જે પ્રશ્નોની વાત કરીશું એ પ્રશ્નો ખરા અર્થમાં આપણે જ સરળતાથી સૉલ્વ કરી શકીએ છીએ. કેવી રીતે, ચાલો જોઈએ.



મુંબઈ માટે આજે સૌથી મોટો કોઈ પ્રશ્ન જો કોઈ હોય તો એ છે ટ્રાફિક જૅમનો. મુંબઈ અને ટ્રાફિક જૅમ હવે એકબીજાના પર્યાય બની ગયા છે. દસ મિનિટથી માંડીને દસ કલાકનો ટ્રાફિક જૅમ જોવા મળ્યો છે અને એ ટ્રાફિક જૅમમાં હું પણ ફસાયો છું. ટ્રાફિકનો આ પ્રશ્ન મુંબઈ માટે નવો નથી, પણ અફસોસની વાત એ છે કે આપણે એનું હજુ સુધી કોઈ સૉલ્યુશન પણ શોધ્યું નથી. મુંબઈનો ટ્રાફિક પ્રશ્ન હલ કરવાની જવાબદારી માત્ર ટ્રાફિક પોલીસની નથી, એની જવાબદારી આપણી પણ છે. આપણે ટ્રાફિકની બાબતમાં થોડા અવેર થવાની જરૂર છે. ટ્રાફિક રૂલ્સની બાબતમાં જાગૃત થવાની જરૂર છે. તમે પ્રયાસ કરો તો સરળતા સાથે અને સહજતા સાથે આ કામ કરી જ શકો છો. ન્યુ યૉર્કનો જે ટ્રાફિક છે એ અનબિલીવેબલ છે, પણ એ અનબિલીવેબલ ટ્રાફિક વચ્ચે પણ ક્યાંય તમને ટ્રાફિક જૅમ જોવા નથી મળતો. આનું કારણ ટ્રાફિક સેન્સ જ છે. આપણે ટ્રાફિક સેન્સ ડેવલપ કરવાની જરૂર છે. લેન-ચેન્જ અને લેન-ક્રૉસિંગ જેવી વાતો પર આપણે ખૂબ ધ્યાન આપવું જોઈએ. નાહકની ઉતાવળ અને નાહકના ટર્ન આપણને અને આપણી સાથે બીજાને પણ નડતા જ હોય છે. સોમાંથી એંસી ટ્રાફિક જૅમ આવાં જ કારણોસર થતા હોય છે. જો આપણે શાંતિથી લેન ચેન્જ કર્યા વગર કે ખોટી લેનમાં ઘૂસ્યા વગર ડ્રાઇવ કરીએ તો મને લાગે છે કે ટ્રાફિક જૅમ જ નહીં, ટ્રાફિક પણ એટલો નહીં થાય અને ઍક્સિડન્ટનું પ્રમાણ પણ ઘટશે. આપણે ત્યાં પીક-અવર્સમાં ટ્રાફિક સૌથી વધારે હોય છે, એવા સમયે બને ત્યાં સુધી મોટાં વાહનોને રસ્તો આપવો જોઈએ, જેથી એ બીજા નાનાં વાહનોને રોકી ન રાખે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની દિશામાં કામ કરીએ તો ચોક્કસ આપણા સિટીનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે જ થશે.


મુંબઈનો બીજો પ્રશ્ન જો કોઈ હોય તો એ ગંદકીનો છે, જેના માટે આપણે જ જવાબદાર છીએ. આપણે એટલો બધો કચરો પેદા કરીએ છીએ કે એ કચરાને જ નહીં, કચરાના એ વેસ્ટને પણ ખતમ કરતાં મહિનાઓ લાગે છે. આ માટે આપણે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીએ કે કચરો જ્યાં ત્યાં નાખવાનું બંધ કરીએ. ગવર્નમેન્ટ એના માટે સજાગ છે અને બીએમસીએ ડસ્ટબિન પણ મૂકી છે. હવે એનો વપરાશ વધારવાનો છે. યાદ રાખજો, આપણો નાખેલો કચરો કોઈએ તો ઉપાડવાનો જ છે તો આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીશું જ નહીં તો એ રીતે સરકારી મેનપાવર પણ બચશે, સફાઈકામદારનો ઉપયોગ બીજી જગ્યાએ કરી શકાશે. રસ્તા પર સુસુ કરવાની પણ આપણે ત્યાં બહુ ખોટી અને ખરાબ આદત છે. આમાં પણ સુધારો કરવાની જરૂર છે. માન્યું કે આ એક કુદરતી પ્રેશર છે, પણ આ પ્રેશરને કેવી રીતે દબાવવું એ પણ આપણે શીખવું પડશે. રસ્તા પર થૂંકવા જેવી ખરાબ અને ફાલતુ આદતો પણ આપણામાં એટલી છે કે આપણે ખરેખર એ જોઈને વૉમિટ કરી બેસીએ. આ બધી આદતોને તમારે તમારી જ રીતે ચેન્જ કરવાની છે. કુટેવ જો તમારી હોય તો એનાથી તમારા શહેરે હેરાન ન થવાનું હોય. જો તમને એવું લાગતું હોય કે આ તમારો ફિઝિકલ પ્રૉબ્લેમ છે તો તમે એના માટે ડૉક્ટર પાસે જાવ, એમની મદદ લો, પણ રસ્તા પર જ્યાં ત્યાં થૂંકવું કે પછી સુસુ કરવા માટે ઊભા રહી જવું એ બહુ ખરાબ બાબત છે.

સ્લમ, ઝૂંપડપટ્ટી. આ મુંબઈનો ત્રીજો પ્રશ્ન છે. ધારાવી એ દુનિયાનું સૌથી મોટું સ્લમ છે જે આપણે જાણીએ છીએ. જે સ્લમ છે એને આપણે નહીં અટકાવી શકીએ, પણ મારું કહેવું એ છે કે નવી સ્લમ ઊભી થતી રોકવી જોઈશે. આ નવી સ્લમને ઊભી થતી રોકવાનું કામ કરવું હોય તો એના માટે તમારે સાચું એજ્યુકેશન અને માર્ગદર્શન આપવું પડશે. તમારે તમારી આજુબાજુમાં રહેતા અને પ્રમાણમાં ઓછી આવક ધરાવતા સૌ કોઈને સમજાવવા પડશે કે આ રીતે સ્લમમાં રહેવું યોગ્ય નથી. સ્લમમાં રહેવાના ગેરફાયદાઓ પણ દેખાડવા પડશે અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓથી તેમને વાકેફ પણ કરવા પડશે. ગુજરાતમાં એક વડીલ રહે છે, જેનું કામ જ એ છે કે એ નાના લોકોને મળીને તેમને સરકારી યોજનાઓ સમજાવે. સરકારી અધિકારી એવા એ વડીલે રિટાયર થયા પછી આ પ્રવૃત્તિ બનાવી લીધી છે. સરકાર આજે બધાને હેલ્પ મળે એવી અનેક યોજનાઓ ચલાવે છે, પણ અફસોસની વાત એ છે કે સરકારની એ યોજના વિશે નાનો વર્ગ કશું જાણતો જ નથી. આ યોજનામાં અનેક યોજનાઓ એવી છે કે જેમાં આ નાના વર્ગને રહેવા ઘર મળે. સ્લમમાં રહેવું કોઈને ગમતું નથી, પણ એમની પણ મજબૂરી હશે એટલે તેમણે ત્યાં રહેવું પડે છે, પણ જો તેમને સાચું ગાઇડન્સ આપવામાં આવે તો એ ચોક્કસ સારી રીતે અને સારી જગ્યાએ રહેવાનું શરૂ કરે. એને આ સગવડ મળે કે નહીં એ જોવાનું આપણું કામ નથી, પણ આપણે તેમને સાચી વાત કહેવી જોઈએ એ આપણી ફરજ છે. આપણે આ જવાબદારી નિભાવવી જોઈએ એવું મને લાગે છે.


પૉલ્યુશન. આ મુંબઈનો જે પ્રશ્ન છે એને દૂર કરવાનું કામ પણ આપણે જ કરવાનું છે. આપણે બને એટલાં વધુ વૃક્ષો વાવીને મુંબઈને ગ્રીન મુંબઈ બનાવી શકીએ છીએ. આના માટે તમારી પાસે જગ્યા હોવી જરૂરી નથી. તમે તમારી સોસાયટીમાં પ્લાન્ટેશન કરી શકો છો. ઘરની ગૅલેરીમાં કે પછી ઘરમાં પણ ઇનડોર પ્લાન્ટ રાખીને પણ ગ્રીન મુંબઈની દિશામાં ઍટ લીસ્ટ એક સ્ટેપ લઈ શકો છો. તમારી પાસે બિલ્ડિંગની ટેરેસ છે. એ ટેરેસ પર પણ સરસ મજાનાં કૂંડાંમાં પ્લાન્ટ વાવીને પૉલ્યુશન ઓછું કરવાની દિશામાં કામ કરી જ શકો છો. પ્રશ્નને રડવાનું નહીં, એની સામે લડવાનું કામ કરો. મારા-તમારા ઘરમાં રહેલાં ઍરકન્ડિશન પણ મુંબઈની ગરમીમાં વધારો કરે છે. આપણે એનો ઉપયોગ ઓછો કરવો હોય તો પહેલાં મુંબઈને ઠંડું કરવું પડશે અને મુંબઈને ઠંડું કરવા માટે પ્લાન્ટેશનનો જ રસ્તો વાપરવો પડશે. પૉલ્યુશન ઓછું કરવા માટે તમારા વેહિકલ પણ સમયસર સર્વિસ થતાં રહે એ પણ જરૂરી છે.

આ જે પ્રશ્નો છે, આવા જે કોઈ પ્રશ્નો છે એ બધાનું નિરાકરણ આપણે જ લાવવાનું છે. દરેક વખતે બીએમસી કે પછી સરકાર પર ઢોળી દેવાનો કોઈ અર્થ નથી. બહેતર છે કે તમે થોડા જાગૃત થાવ અને જાગૃતિ સાથે વર્તવાનું શરૂ કરો. જો એવું કરશો તો જ મુંબઈ સાચા અર્થમાં રહેવાલાયક બનશે.

આ પણ વાંચો : ગાંધી અને ગોડસે : ૧૯૪૮ની એ ઘટના આજે પણ રાજકારણનો ચલણી સિક્કો છે

પૉલ્યુશન. આ મુંબઈનો જે પ્રશ્ન છે એને દૂર કરવાનું કામ પણ આપણે જ કરવાનું છે. આપણે બને એટલાં વધુ વૃક્ષો વાવીને મુંબઈને ગ્રીન મુંબઈ બનાવી શકીએ છીએ. આના માટે તમારી પાસે જગ્યા હોવી જરૂરી નથી. તમે તમારી સોસાયટીમાં પ્લાન્ટેશન કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 10:57 AM IST | મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK