લગ્ન થાય એટલે સંતાનોને ઘરથી અળગાં કરવાની પરંપરા ધરાવતો પરિવાર હૃદયથી છે સદાય સંયુક્ત

Published: Nov 06, 2019, 12:39 IST | Bhakti D Desai | Mumbai

આજના જમાનામાં જો કોઈ ત્રણ પેઢી પહેલાંના પોતાના પરિવારના વંશજનાં નામ કહે તોયે નવાઈ લાગે, પરંતુ નવીનભાઈ અને તેમનાં પત્ની આજે પણ પોતાની સાત પેઢી પહેલાંના પૂર્વજનાં નામ જાણે છે.

પરિવાર
પરિવાર

આખા જીવન દરમ્યાન સંઘર્ષ કર્યા પછી આજે પોતાની પાસે જે પણ છે એનો સંતોષ અને આનંદની ચમક જેમના ચહેરા પર છતી થઈ રહી છે એવા બોરીવલી નિવાસી નવનીતભાઈ વાડીલાલ શાહે પોતાના જન્મસ્થાન એટલે કે ખેડા જિલ્લાના ગોડાસર ગામની યાદોને વાગોળતાં એ સમયની પરંપરા અને જીવનશૈલીથી અવગત કરાવતાં ઘણી અવનવી વાતો કહી. તેમની ઉંમર ૭૦ વર્ષની છે અને તેમના પરિવારમાં તેમનાં પત્ની ગીતા, દીકરી ચિરાગ, વહુ હેતલ અને ૧૫ વર્ષનો પૌત્ર પાર્થ છે. હસમુખ અને મળતાવડા સ્વભાવના નવનીતભાઈ આજે પણ યોગ, ચાલવું અને અકાઉન્ટ્સના કામમાં કાર્યરત હોય છે.

જમાના પ્રમાણે બદલાતાં લગ્નને લઈ રૂઢિચુસ્ત વિચારો

આજના જમાનામાં જો કોઈ ત્રણ પેઢી પહેલાંના પોતાના પરિવારના વંશજનાં નામ કહે તોયે નવાઈ લાગે, પરંતુ નવીનભાઈ અને તેમનાં પત્ની આજે પણ પોતાની સાત પેઢી પહેલાંના પૂર્વજનાં નામ જાણે છે. નવીનભાઈ આ વિષે વાત કરતાં કહે છે, ‘અમે રાયચંદભાઈના વંશજ છીએ. અમે દોઢસો વીસા ખડાયતા જ્ઞાતિના છીએ અને અમારામાં અલગ-અલગ વંશના લોકો, ગામનાં નામ અને પાછળ એકડાના ક્રમાંકથી ઓળખાય છે. જેમ કે ૮૦ના આંકડાથી ૧૫૦ આંકડા સુધી ગામના આધાર પર આનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ કહેવાનું મૂળ કારણ એ છે કે આજથી પચાસ વર્ષ પહેલાં લગ્નની બાબતમાં આમારા રીતરિવાજો ખૂબ જ કડક હતા. અમારામાં એકડાની બહાર લગ્ન થતાં નહીં. હવે છેલ્લાં ચાલીસ વર્ષથી લોકોની વિચારધારા બદલાઈ છે અને હવે લોકો એકડાની બહાર પણ પોતાનાં બાળકોનાં લગ્ન કરાવે છે.’

બીજી પેઢી : અહીં નવનીતભાઈનાં પુત્ર ચિરાગભાઈ કહે છે, ‘મારી પત્ની હેતલ અને હું એક જ ક્ષેત્રમાં છીએ. તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને અમારા એકડાની બહારની એટલે કે મોડાસા એકડાની છે. આ બધાનું હવે કંઈ ખાસ મહત્ત્વ નથી. જ્યાં સુધી સમાજ અને એની પરંપરાને સાચવવાની વાત છે, મારી પત્ની મારા કરતાં પણ વધારે આ બધા રૂઢિગત રિવાજોનું ધ્યાન રાખે છે. હવે નાત અને એકડાની બહાર જ નહીં, લોકો બહારની જાતના પાત્ર સાથે પણ લગ્ન કરે છે અને તોયે પોતાની પરંપરાને સાચવે છે. આગળની પેઢી તો લગ્નના બંધનમાં બંધાશે કે કેમ એ પણ એક પ્રશ્ન જ છે તો એકડા જેવી રૂઢિચુસ્ત વાતોની તો શું વિસાત?’

એ જમાનાનું રેફ્રિજરેટર

પોતાના બાળપણ વિષે કહેતી વખતે નવનીતભાઈની આંખોમાં જૂની યાદો જાણે તરવરી રહી હોય એવું લાગ્યું. તેઓ પોતાના ગામને યાદ કરતાં કહે છે, ‘આજે પણ મને મિત્રો સાથે મળી અમે  ગામમાં જે મજા કરતા એ યાદ આવે છે. જેમ કે અમારા ઘરથી દૂર વાત્રક નદી હતી અને અમે ત્યાં ધરામાં ભૂસકા મારતાં. આજનાં બાળકોને ધરો એટલે શું એ પણ નહીં ખબર હોય. હવે હું તમને એ જમાનાના ફ્રિજની વાત કરું જ્યારે રેફ્રિજેરેટરની શોધ પણ થઈ નહોતી. અમે બધા મિત્રો મળીને રાત્રે નદીકિનારે જઈએ, વાડમાંથી તરબૂચ લઈ આવીએ, પછી ઉપરની ગરમ રેતીને બાજુએ કરી નીચેની ઠંડી રેતીમાં ખાડા જેવું કરી એ તરબૂચ મૂકી ઠંડી રેતી એની પર ઢાંકી થોડી વાર રમીએ ત્યાં તો તરબૂચ ઠંડું થઈ જાય. આજની ટેક્નૉલૉજી આ ફ્રિજની મજા સામે સાવ ફીકી છે.’

ભણતર સાથે એટલું જ મહત્વ રમતનું

એ જમાનામાં પણ બાળકો ભણતાં હતાં, પણ એની સાથે રમતનું અને મનોરંજનનું પણ એટલું જ મહત્ત્વ હતું. મનોરંજનનાં સાધનોમાં એક રેડિયો હતો. નવનીતભાઈ રેડિયોને યાદ કરતાં બોલી ઊઠ્યા, ‘અમારા ગામમાં બધાં ઘરોમાં રેડિયો નહોતો. માત્ર ગ્રામપંચાયતમાં જ હતો. એથી બિનાકા ગીતમાલા એ સમયનો રેડિયોનો એકમાત્ર કાર્યક્રમ હતો જે ખૂબ લોકપ્રિય હતો. અમે બધા મિત્રો એ સાંભળવા ગ્રામપંચાયતની ઑફિસમાં જતા. સ્કૂલમાંથી આવી દફતર એક બાજુ મૂકી મિત્રો સાથે રમવા જતા રહેતા. એ જમાનામાં હોમવર્ક એટલે કે ઘરકામનું બહુ દબાણ રહેતું નહીં. જીવનમાં દરેક વસ્તુનું મહત્ત્વ એકસમાન હતું.’

બીજી પેઢી : અહીં ચિરાગભાઈ પોતાના સાતમા ધોરણ સુધીની વેકેશન લાઇફને યાદ કરતાં કહે છે, ‘ખેડામાં મારાં મમ્મી અને પપ્પાનાં ગામ આજુબાજુમાં જ હતાં એથી દર વખતે સ્કૂલમાં રજા પડતાંની સાથે જ અમે ત્યાં રહેવા જતાં રહેતાં. મને અમીન સાયાનીની બિનાકા ગીતમાલા યાદ છે, અમે પણ એને સાંભળતાં. અમે નદી પર જતાં અને રમતાં. એ સમયે રજામાં તો ખરી મજા હતી. આજે રજામાં પણ બાળકો આગળનું ભણવામાં વ્યસ્ત જ હોય છે.’ 

ત્રીજી પેઢી ઃ પાર્થ રમવા માટે પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘મને રમવાનું ખૂબ ગમે છે. હું પોતાને નસીબદાર માનું છું કે મારાં માતાપિતાને રમત-ગમત બહુ ગમે છે. પહેલાં હું મારા દાદાના બિલ્ડિંગમાં અથવા અમારે ત્યાં નીચે રમવા જતો, પણ હવે બહાર રમવા જવા માટે કોઈ મિત્રો જ નથી. હવે બધા મિત્રો ઑનલાઇન ગેમ રમે છે એથી નીચે રમવા આવવા માટે કોઈને સમય જ નથી.’

સંપર્કના સાધનો

નવનીતભાઈ ગામથી મુંબઈની પોતાની યાત્રા વિષે કહે છે, ‘મારા પિતા કાપડના વેપારી હતા. અમે પાંચ ભાઈઓ અને બે બહેનો. કુલ નવ જણનો પરિવાર. ભાઈ-બહેનોમાં હું ત્રીજો. મારા પિતાને મન શિક્ષણનું ખૂબ મહત્ત્વ હતું, એથી શાળા પછી ગામની બહાર જેમ-જેમ મારા ભાઈઓ ભણતર માટે જવા લાગ્યા પિતા પર આર્થિક જવાબદારીનો બોજ વધવા લાગ્યો અને એથી જ તેમને હાર્ટ-અટૅક આવ્યો અને તે મૃત્યુ પામ્યા. એ સમયે હું ૧૬ વર્ષનો હતો. મારા મોટા ભાઈ મુંબઈમાં ભણવા માટે ગયા હતા. એ સિવાય મુંબઈમાં કોઈ જ નહોતું અને અમે સાત જણે મુંબઈ આવી જવું એવું નક્કી કર્યું. બોરીવલીમાં એક રૂમ કિચનનું નાનું ઘર લીધું અને અમે ૮ જણ એમાં રહેવા લાગ્યાં.

નવનીતભાઈ પરિવારની જવાબદારીને કારણે શિક્ષણ પૂરું ન કરી શક્યા. તેઓ તેમના સીએ થવાના સ્વપ્ન વિષે કહે છે, ‘મારે સીએ થવું હતું. હું ઇન્ટર સીએમાં હતો અને ભાઈ-બહેનોનાં લગ્નની ઉંમર થવા માંડી એટલે મારે ભણવાનું બાજુએ મૂકવું પડ્યું અને પછી મારાં લગ્ન થયાં. એકસાથે બે જૉબ સંભાળતો. લગ્ન પછી એક જ વર્ષમાં ચિરાગનો જન્મ થયો. આમ સંસારની જવાબદારીઓમાં ભણવાનું ક્યાંય પાછળ રહી ગયું. સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળી રાત્રે ૧૧ વાગ્યે પાછો ઘરે આવતો. એ સમયે કોઈ ફોન નહીં અને સંપર્ક નહીં.’

બીજી પેઢી ઃ ચિરાગભાઈ આજના યુગના સંપર્કની વાત કરતાં કહે છે, ‘આ જમાનામાં મોબાઇલ છે, એના ફાયદા પણ છે; પણ આજે એના ગેરફાયદા પણ અનેક છે. હું માનું છું કે બાળકોને મોબાઇલ આપવો ન જોઈએ અને જો આપે તો એનો શું ઉપયોગ કરવો એ વિષે તેમને અવગત કરાવવાં જોઈએ. અહીં મને એક અનુભવ વર્ણવવાનું મન થાય છે કે અમે એક વાર હોટેલમાં ગયાં ત્યારે પાર્થથી પણ નાના દસ-બાર છોકરાઓના ગ્રુપને જોયું જેઓ બેઠા તો એક જ ટેબલ પર હતા, પણ એકબીજા સાથે સંવાદ નહોતો અને બધા ઑનલાઇન ગેમ માટે એકબીજા સાથે જોડાયેલા હતા અને માથું નીચું નાખી મોબાઇલ પર રમતા હતા. નાના-કુમળા મગજની આવી અવદશા જોઈને થાય છે કે મારા દાદાનો જમાનો સારો હતો જ્યારે સંપર્ક કરવાનાં સાધનો જ નહોતાં. આજે આ સુવિધા છે તો લોકોએ એકબીજા સાથે વાતચીત બંધ કરી દીધી છે. બધા મોબાઇલની દુનિયામાં ખોવાયેલા જ હોય છે. આને સુખ કઈ રીતે કહેવાય?’

લગ્નજીવનમાં પત્નીની ભૂમિકા

નવનીતભાઈએ બોરીવલીની આઇ. સી. કૉલોનીમાં બૅન્ક અને એલઆઇસીથી લોન લઈને ઘર લીધું અને પોતે એ લોનની રકમ ચૂકવવામાં એટલા વ્યસ્ત રહ્યા કે ઘરથી નીકળે ત્યારે અને ઘરે આવે ત્યારે દીકરા ચિરાગને સૂતેલો જ જુએ. એ સમયે લગ્નજીવનમાં ઘરની દરેક જવાબદારી કોઈ પણ ફરિયાદ વગર સ્ત્રી જ સંભાળતી એના જવાબમાં નવનીતભાઈ કહે છે, ‘હા, ગીતાએ સંસ્કૃતમાં બીએ કર્યું હતું. આટલી ભણેલી, પણ રૅશનિંગની દુકાને જવું, પહેલાં ગૅસ નહોતા ત્યારે પ્રાઇમસ પર રસોઈ બનાવવી, બધો સામાન લાવવો, ગૅસ આવ્યા પછી એના કનેક્શન માટે ભાગદોડ કરવી, ચિરાગને સ્કૂલમાં મૂકવો, લેવા જવું, તેને ભણાવવો, ઘરમાં સેવા કરવી આ બધી ઘરથી બહાર સુધીની જવાબદારી એકલા હાથે હસતા મોઢે નિભાવવી અને એ પણ કોઈની પણ મદદ વગર. આ સાચે જ પ્રશંસનીય છે. અમારા સમયે ભાઈ-બહેન વધારે રહેતાં. નાનપણથી જ છોકરીઓ પોતાના ઘરે કામ કરતી, મદદ કરતી અને તેના ભાઈઓને મહેનત કરતાં જોતી એથી પતિની પરિસ્થિતિ પણ સમજતી. આ બધાથી એ લોકોની સહનશક્તિ ખૂબ વધારે રહેતી. આજની છોકરીઓ ભણેલી છે, પણ તેમના ઉછેરમાં ખૂબ ફરક છે. માતા-પિતા બધી સુવિધા આપે એથી સાસરામાં પણ એની અપેક્ષા એવી હોય એ સ્વાભાવિક છે. જમાના પ્રમાણે વિચારોમાં બદલાવ આવ્યો છે. એથી છોકરીઓની સહનશક્તિ પણ ખૂટી ગઈ છે.’

કૉલેજના ઍડ્‌મિશનમાં પ્રિન્સિપાલ કરતા મદદ

એ સમયના કૉલેજના ઍડ્‌મિશનની વાત કરતાં નવનીતભાઈ કહે છે, ‘એક વાત મને અહીં યાદ આવે છે કે હું જ્યારે ગામથી મુંબઈ આવ્યો ત્યારે અંધેરીની ચિનાઈ કૉલેજ નવી ખૂલી હતી. આજના ઍડ્‌મિશનની પ્રક્રિયામાં અને એ સમયમાં જે ફરક હું કહીશ એ સાંભળીને કોઈને વિશ્વાસ નહીં આવે. હું ઍડ્‌મિશન લેવા ગયો. કૉલેજના પ્રિન્સિપાલ બાંકડો નાખી ફૉર્મ લઈને બહાર બેઠા હતા. તેમણે મને આવકાર્યો. ફૉર્મ પણ તેમણે ભર્યાં. એ સમયે ગાઇડ નહોતી. અને અમારી કૉલેજમાં અભ્યાસક્રમમાં જે ઑથરે જે વિષયનું પુસ્તક લખ્યું હોય એ પ્રોફેસર તરીકે ભણાવવા આવતા. આજે પણ મને યાદ છે કે ચિરાગના કૉલેજના ઍડ્‌મિશન માટે જ્યારે અમે ગયા ત્યારે પણ મને ચિનાઈ કૉલેજનો મારો અનુભવ યાદ આવ્યો હતો. ચિરાગ માટે ગીતા અને હું કલાકો સુધી લાઇનમાં ઊભા હતા.’

પોતાનો સંઘર્ષ વર્ણવતાં નવનીતભાઈ કહે છે, ‘મેં જ્યારે ગ્રૅજ્યુએશન કર્યું ત્યારે સવારે ૭થી ૯.૩૦ કૉલેજનો સમય રહેતો. હું નવ વાગ્યા સુધી બેસી બૉમ્બે સેન્ટ્રલ એ. સી. માર્કેટ પાસે એક ઑફિસમાં અકાઉન્ટ લખવા જતો. આ નોકરીમાંથી મને મહિને રૂપિયા ૮૦ની આવક મળતી. હું ફક્ત પરીક્ષાના મહિના પહેલાં વાંચીને પાસ થાઉં. મેં ભોગવેલી હાડમારી ચિરાગને ન સહન કરવી પડે અને તેને ઉત્તમ શિક્ષણ મળે એ માટે ગીતાએ અને મેં મહેનત કરી. ચિરાગ નાની ઉંમરે બીકૉમ એલએલબી, સીએ અને સીએસ થઈ ગયો અને ત્યારે સૌથી વધારે મને ખુશી થઈ કે મારું સ્વપ્ન પૂરું થયું.’

લગ્ન પછી અલગ રહેવાના સંસ્કાર આપતી માતા

એ સમયની સ્ત્રીઓ ભણી નહોતી, પણ કોઠાસૂઝથી આજની અનેક ભણેલી સ્ત્રીઓને પાછળ મૂકી આવે એટલી હોશિયાર હતી. નવનીતભાઈનાં બા પણ આવાં જ એક પ્રબળ ઇચ્છાશક્તિવાળાં અને ઊંડી સમજ ધરાવનાર સ્ત્રી હતાં. તેમણે તેમના દરેક પુત્રને લગ્ન પછી પ્રેમથી ઘરની બહાર નીકળવાની સમજ આપી દીધી હતી. આ જ વિચારનો વારસો નવનીતભાઈએ તેમના પુત્ર માટે અપનાવ્યો. ચિરાગભાઈ તેમની નજીકના બિલ્ડિંગમાં જ રહે છે. નવનીતભાઈ કહે છે, ‘પોતાનાં બાળકો ભલે કેટલાં પણ વહાલાં હોય, પણ તેમને સમયે હૈયેથી અળગાં કરવાં જ જોઈએ જેથી તેઓ પોતાની જિંદગી જીવી શકે. આમ કરવાથી તેઓ દિલથી વધુ નજીક રહી શકે છે. જેમ કે ચિરાગને કૅનેડા જવાની ઑફર હતી. તેણે એ ન સ્વીકારી. તેણે કહ્યું કે પપ્પા, હું તમને અને મમ્મીને છોડીને કેવી રીતે જઈ શકું? આ તેના સંસ્કાર છે.’

બીજી પેઢી : અહીં ચિરાગભાઈ અને તેમની પત્ની હેતલ પણ આવું જ વિચારે છે. ચિરાગભાઈ કહે છે, ‘મારાં દાદીના વિચાર ખૂબ પ્રગતિશીલ હતા અને અમને એ વારસામાં મળ્યા છે. એથી જ  અમે પાર્થને પણ લગ્ન પછી અલગ રહેવાની વાત કરીશું. આજે પાર્થને એવા સંસ્કાર મળે છે કે તે ધર્મમાં પણ ક્યાંય પાછળ નથી. સંસ્કૃતના શ્લોક મારાથી પણ વધારે એ જાણે છે. નિયમથી ઉચ્ચારે છે. પણ અમારે તેને તેનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય આપવું જ જોઈએ જેથી આખા પરિવાર વચ્ચે પ્રેમ ટકી રહે છે અને મતભેદનો પ્રશ્ન ન આવે.’

આ પણ વાંચો : લગ્ન માટે ટાલવાળો છોકરો તો ન જ ચાલે, આ કેવી માનસિકતા?

દરેક પરિવારમાં શીખવા જેવું ઘણું હોય છે. જો વડીલો રૂઢિચુસ્ત વિચારોને તેમનાથી નાના સભ્યો પર જબરદસ્તીથી ન થોપે અને પ્રેમ અને સમજદારીથી એનું મહત્ત્વ સમજાવે તો સંસ્કાર અને પરંપરાનો વારસો એક પેઢીથી બીજી અને પછી એથી આગળની પેઢી સુધી પહોંચે જ છે. જમાનો ભલે કેટલો પણ બદલાય, પણ સારા સંસ્કારના સિંચનથી ઊછરેલું બાળક જમાનાના પ્રભાવમાં નથી આવતું. તેને મોટા થયા પછી અંકુશની જરૂર નથી. બાળપણમાં ઘરથી મળેલા સારા સંસ્કાર જ વ્યક્તિના માર્ગદર્શક તરીકેનું કામ કરે છે.    

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK