માગેલી માહિતી આપવામાં 19 મહિનાનો વિલંબ માહિતી અધિકારીને મોંઘો પડ્યો

Published: Dec 07, 2019, 15:45 IST | Dheeraj Rambhiya | Mumbai

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામના વતની અને મુંબઈમાં ઘાટકોપરમાં રહેતા કેયૂર ચંદ્રકાંત દેઢિયાની જાહેર માહિતી અધિકારીએ ૧૯ મહિના સુધી કરેલી સતામણી અને આરટીઆઇના ધારદાર શસ્ત્રથી આવેલા સુખદ અંતની આ કથા છે.

RTI
RTI

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામના વતની અને મુંબઈમાં ઘાટકોપરમાં રહેતા કેયૂર ચંદ્રકાંત દેઢિયાની જાહેર માહિતી અધિકારીએ ૧૯ મહિના સુધી કરેલી સતામણી અને આરટીઆઇના ધારદાર શસ્ત્રથી આવેલા સુખદ અંતની આ કથા છે.

ખાતા નં. ૫૩ હેઠળ આવેલા સર્વે નં. ૧૨૮ની ખેતીવાડીની જમીનમાં પાંચ અલગ-અલગ નોંધો પાડવામાં આવેલી, જેમાં કેયૂરભાઈના પિતા ચંદ્રકાંતભાઈ વારસાઈ હક ધરાવતા હતા. કાળક્રમે જમીનના માલિકી હકમાં ફેરફાર થયા, જેના માટે ચંદ્રકાંતભાઈની ન તો મંજૂરી લેવામાં આવી કે ન તો તેમને જાણ કરવામાં આવી.

મિડ-ડેના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ કેયૂરભાઈ પણ વાંચતા. આથી તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાન દ્વારા સંચાલિત આરટીઆઇ કેન્દ્રોની ગતિવિધિથી માહિતગાર હતા. ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૮ની ૧૦ જાન્યુઆરીએ કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક મનહરભાઈ તથા જ્યેષ્ઠ સેવાભાવી મહેન્દ્રભાઈ સાથે થઈ. તેમની દુવિધાની વાત બન્નેએ શાંતિથી સાંભળી તથા આરટીઆઇ કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જે ૨૦૧૮ની ૧૦ જાન્યુઆરીના મામલતદાર-ભચાઉને મોકલવામાં આવી, જેમણે ૨૦૧૮ની ૨૩ જાન્યુઆરીએ તલાટીશ્રી-મનફરાને અરજી તબદીલ કરી. ૩૦ દિવસનો સમય સમાપ્ત થઈ ગયો, પણ તલાટીએ આરટીઆઇ અરજી પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો અરજીનો જવાબ આપવાની તસ્દી લીધી.

૨૦૧૮ની ૭ માર્ચે ફરીથી અપૉઇન્ટમેન્ટ મેળવી કેયૂરભાઈ કેન્દ્ર પર પહોંચ્યા. સેવાભાવીઓએ આરટીઆઇ કાયદા હેઠળની પ્રથમ અપીલ મામલતદાર-ભચાઉના નામે બનાવી આપી, જે તાલુકા વિકાસ અધિકારી-ભચાઉને તબદીલ કરવામાં આવી. ૨૦૧૯ની ૨૫ એપ્રિલે અપીલની સુનાવણીની નોટિસ મળતાં કેન્દ્ર પર અપૉઇન્ટમેન્ટ મેળવી કેયૂરભાઈ પહોંચ્યા. અપેલેટ અધિકારી સમક્ષ કઈ-કઈ બાબતોની કેવી રીતે રજૂઆત કરવીનું વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આરટીઆઇ કાયદા હેઠળની પ્રથમ અપીલનો અભ્યાસ કરવા જણાવવામાં આવ્યું.

૨૦૧૮ની ૩૦ એપ્રિલની સુનાવણીમાં તલાટી મનફરાએ પુરાવા રહિતની, અસત્યથી સભર રજૂઆતો કરી. આરટીઆઇ કાયદા અન્વયેની અરજીમાં ફરિયાદીએ માગેલી કોઈ પણ માહિતી તલાટીએ આપી નથી એ હકીકત પ્રથમ અપીલ અધિકારી (FAA)એ પણ સ્વીકારી અને  મનફરાના તલાટીને સર્વે માગેલી માહિતી વિનામૂલ્યે ૨૦૧૮ની ૧૦ મે સુધી આપવાનો હુકમ કર્યો તથા હુકમની નકલ ફરિયાદીને પણ આપવામાં આવી.

પ્રથમ અપીલની સુનાવણીમાં તલાટી મનફરાએ રજૂઆત કરેલી કે વારસાઈ નોંધ-૧૦૬૦ના કાગળ ગ્રામ પંચાયત કચેરીમાં ઉપલબ્ધ નથી એ પ્રતિપાદન કરતો પત્ર આપવામાં આવશે, પરંતુ એવો કોઈ પત્ર ફરિયાદીને આપવામાં ન આવ્યો અને અપેલેટ અધિકારીના હુકમનું પાલન કરવામાં કસૂરવાર થયા. ઉપરાંત ઉપરોક્ત નોંધમાં કેયૂરભાઈના દાદાજીના બધા વારસદારોએ સર્વે-નં ૧૨૮ની ખેતીવાડી જમીનના હકો સાવકાં દાદીશ્રીની તરફેણમાં કરેલા છે એ માટેના દસ્તાવેજો પણ તલાટીશ્રી મનફરા પાસે ઉપલબ્ધ નહોતા.

આજકાલ કરતાં ૭૫ દિવસનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહેતાં કેયૂરભાઈએ ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૮ની ૧ જુલાઈએ કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમને ગુજરાત માહિતી આયોગ-ગાંધીનગરને ઉદ્દેશીને બીજી અપીલની વિસ્તૃત અરજી બનાવી આપવામાં આવી.

રાજ્ય માહિતી કમિશનર, ગુજરાત રાજ્ય સમક્ષ થયેલી સુનાવણીની-કાર્યવાહીની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

૧) સુનાવણીમાં વિવાદી જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામ પંચાયત. તા. ભચાઉના આર. પી. ઝાલા તેમ જ અપીલ સત્તાધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભચાઉના પ્રતિનિધિ તાલુકા વિકાસ અધિકારી આર. એ. કોઢિયા ઉપસ્થિત રહ્યા હતા.

૨) વિવાદીની રજૂઆત છે કે તેમણે જાહેર માહિતી અધિકારી અને મામલતદાર, ભચાઉ પાસેથી ભચાઉ તાલુકાના મનફરામાં આવેલી ખેતીવાડીની જમીનની બાબતમાં થયેલી  આજ સુધીની પ્રમાણિત નકલ અને નોંધના સાધનિક કાગળોની વિગતોની માગણી કરી હતી. વિવાદીની રજૂઆત છે કે સદર જમીન વર્ષ ૨૦૦૦ પહેલાં તેમના દાદા ખીમજી અખા દેઢિયાના નામે હતી. તેથી તેઓ આ જમીનમાં ત્રાહિત પક્ષકાર નથી. માગ્યા મુજબની માહિતી તેમને મળવી જોઈએ.

૩) વિવાદીની માહિતી માગતી અરજી જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામ પંચાયતને મોકલવામાં આવી હતી. જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદામાં માહિતી પૂરી ન પાડતાં વિવાદીએ પ્રથમ અપીલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ પ્રથમ અપીલમાં તા. ૧૦-૦૫-૨૦૧૮ સુધીમાં અરજદારને માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો. જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી દ્વારા પ્રથમ અપીલ અધિકારીના હુકમ પ્રમાણે કોઈ માહિતી આપવામાં આવી નથી એવી વિવાદીની રજૂઆત છે. પ્રથમ અપીલ અધિકારીના હુકમમાં આપવામાં આવી નથી એવી વિવાદીની રજૂઆત છે. પ્રથમ અપીલ અધિકારીના હુકમમાં મામલતદાર ભચાઉને પ્રમોલગેશન નોંધ ૫૪ અને ૧૪૩૫ની માહિતી વિવાદીને આપવા જણાવ્યું હતું. વિવાદીની રજૂઆત છે કે જાહેર માહિતી અધિકારી અને મામલતદાર ભચાઉએ તેમને નોંધ નં. ૫૪ અને ૧૪૩૫ની નકલ મોકલવામાં આવી નથી.

૪) જાહેર માહિતી  અધિકારી અને તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામ પંચાયત, આર. પી. ઝાલાએ રજૂઆતમાં જણાવ્યું કે વિવાદી જે માહિતી માગે છે એ માહિતી અગાઉ રજિસ્ટર પો. એડી. પત્રથી પૂરી પાડી છે. વિવાદી દ્વારા એક માહિતી માગવામાં આવતી હોય તેમને રૂબરૂ ફોન ઉપર વાત કરી હોવા છતાં રૂબરૂ આવ્યા નથી. જાહેર માહિતી અધિકારીની રજૂઆત છે કે કેટલાક રેકૉર્ડ ૨૦૦૧ના ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે, પરંતુ એ અંગેનો કોઈ આધાર તેમની પાસે ઉપલબ્ધ નથી. પ્રસ્તુત માહિતી માગતી અરજીના સંદર્ભમાં વિવાદીને કોઈ પ્રત્યુત્તર તેમના દ્વારા હજી સુધી લેખિતમાં આવ્યો નથી.

૫) વિવાદીની રજૂઆત છે કે તેમણે જે નોંધની નકલ માગી છે એ ભૂકંપ આવ્યા બાદની પાડવામાં આવેલી નોંધોની છે. તેથી ભૂકંપને આ માહિતી સાથે કોઈ લેવાદેવા નથી.

૬) આયોગે જાહેર માહિતી અધિકારીને પૂછપરછ કરી કે વિવાદીની માહિતી માગતી અરજી તેમના સમય દરમિયાન આવી હતી કે કેમ? જાહેર માહિતી અધિકારીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે વિવાદીની માહિતી માગતી અરજી તેમના સમય દરમિયાન જ આવી છે. આયોગે જાહેર માહિતી અધિકારીના વિવાદી દ્વારા એક જ પ્રકારની માહિતી માગતા બાબતે આયોગના અગાઉના ચુકાદાની રજૂઆત અંગે આયોગના અપીલ નં. ૪૬૭૫/૨૦૧૬ તા. ૦૬-૦૯-૨૦૧૭ ચુકાદાની માહિતી માગતી અરજીની તેમ જ માહિતી કમિશનર દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું આયોગે અવલોકન કરેલું છે. આયોગનું નિરીક્ષણ છે કે વિવાદીએ એ કેસમાં માગેલી માહિતી અને પ્રસ્તુત કેસમાં માગેલી માહિતી અલગ છે.

૭) પક્ષકારોની રજુઆત અને ઉપલબ્ધ કાગળોના આધારે આયોગના નિરીક્ષણમાં જણાયું છે કે વિવાદીએ માગેલી માહિતી જાહેર માહિતી અધિકારી દ્વારા હજી સુધી આપવામાં આવી નથી. પ્રથમ અપીલ સત્તાધિકારીના હુકમનું પણ જાહેર માહિતી અધિકારીએ પાલન કર્યું નથી. માહિતી અધિકાર અધિનિયમની કલમ-૭(૧)માં નિર્દિષ્ટ સમયમર્યાદામાં દિન-૩૦માં માહિતી પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. ૩૦ દિવસમાં માહિતી પૂરી ન પાડવામાં આવે તો માહિતી અધિકાર અધિનિયમની કલમ-૭(૨) મુજબ આવી માહિતી આપવાનો અસ્વીકાર કર્યો છે તેમ ગણાય. અને આવા અસ્વીકાર બદલ માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨૦ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આયોગે જાહેર માહિતી અધિકારીના તમામ પ્રત્યુત્તરોની ચકાસણી કરી છે. આયોગનું સ્પષ્ટ માનવું છે કે જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી મનફરા ગ્રામ પંચાયત આર. પી. ઝાલાએ નિર્દિષ્ટ સમયમર્યાદામાં વિવાદીને કોઈ માહિતી આપી નથી. તેથી આયોગ જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી  મનફરા ગ્રામ પંચાયત આર. પી. ઝાલાને માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨૦ હેઠળ દોષિત માની આયોગ નીચે પ્રમાણે હુકમ કરે છે:

(ક) આયોગ, જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામ પંચાયત આર. પી. ઝાલાને હુકમ કરે છે કે હુકમ મળ્યેથી દિન-રપમાં વિવાદીને માગ્યા મુજબની માહિતી વિનામૂલ્યે રજિસ્ટર પો. એડીથી પૂરી પાડવી.

(ખ) આયોગ, જાહેર માહિતી અધિકારી અને મામલતદાર, ભચાઉને આ કેસમાં પક્ષકાર તરીકે જોડવાનો હુકમ કરે છે.

(ગ) આયોગ જાહેર માહિતી અધિકારી અને મામલદાર, ભચાઉને હુકમ કરે છે કે આ હુકમ મળ્યેથી દિન-રપમાં વિવાદીની અરજી મુજબની પ્રમોલગેશન નોંધ નં. ૫૪ અને ૧૪૩૫ની નકલ વિવાદીને વિનામૂલ્યે રજિસ્ટર પો. એડીથી પૂરી પાડવી.

તેમ જ આયોગે આ હુકમની નકલ સાથે વિવાદીની માહિતી માગતી અરજી અને પ્રથમ અપીલ સત્તાધિકારીના હુકમની નકલ જાહેર માહિતી અધિકારી અને મામલતદાર ભચાઉને મોકલી આપવી.

(ઘ) આયોગ જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામ પંચાયત આર. પી. ઝાલાને માહિતી અધિકાર અધિકાનિયમની કલમ-૨૦ (૧) હેઠળ દોષિત ગણી રૂપિયા ૫૦૦૦નો દંડ કરવાનો હુકમ કરે છે.

(ચ) દંડની રકમ તેમણે પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઈ કરવાની રહેશે. તેમણે સદરહુ દંડની રકમ નીચેના સદેર, આદેશ મળ્યાથી એક માસમાં જમા કરાવવાની રહેશે અને દંડ ભરપાઈ કર્યાની પહોંચ/ચલણની નકલ દિન-૩૦માં આયોગને મોકલવાની રહેશે.

દોઢ વર્ષ ઉપરાંતની લાંબી લડતનો સુખદ અને પ્રેરણાદાયક અંત આવ્યો. માહિતી અધિકાર કાયદાની અવહેલના કરનાર તલાટી-કમ-મંત્રી, મનફરા ગ્રામપંચાયતને દોષિત ગણી ૫૦૦૦ રૂપિયાનો દંડ કરી ગુજરાત માહિતી આયોગે ઉદાહરણીય પગલું ભરી દાખલો બેસાડ્યો.  સેવાકેન્દ્રના સમર્પિત સેવાભાવી મનહરભાઈ અને મહેન્દ્રભાઈની સખત જહેમતે રંગ રાખ્યો અને કેયૂરભાઈનો નાગરિક અધિકારની સાથોસાથ ફાઇટ ફૉર યૉર રાઇટની ભાવના ફરી એક વખત પ્રસ્થાપિત થઈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK