Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જીવનના ‍નવા આરંભના દિવસે જ જીવનનો અંત

જીવનના ‍નવા આરંભના દિવસે જ જીવનનો અંત

23 February, 2021 08:04 AM IST | Mumbai
Preeti Khuman Thakur

જીવનના ‍નવા આરંભના દિવસે જ જીવનનો અંત

૨૩ વર્ષની ઉંમરે જીવ ગુમાવનાર ડોમ્બિવલીનો કચ્છી યુવક હર્ષ છેડા

૨૩ વર્ષની ઉંમરે જીવ ગુમાવનાર ડોમ્બિવલીનો કચ્છી યુવક હર્ષ છેડા


એક સમય એવો હતો કે મોટી ઉંમરના લોકોને હાર્ટ-અટૅક આવતો હતો, પરંતુ આજકાલ નાની વયે પણ હાર્ટ-અટૅકનો સામનો યુવાનો કરી રહ્યા છે. ડોમ્બિવલી-ઈસ્ટના નવનીત નગરમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ સમાજના કાંડાગરા મોટા ગામના બિપિન છેડાના ૨૩ વર્ષના નાના દીકરા હર્ષ છેડાને ગઈ કાલે અચાનક દુખાવો ઊપડ્યો હતો. ઘરે સારવાર કર્યા બાદ દુખાવો અસહ્ય બનતાં તેને વહેલી સવારે મોટો ભાઈ બાઇક પર હૉસ્પિટલ લઈ જઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટ-અટૅક આવતાં તે રસ્તા પર પડ્યો હતો અને ઘટનાસ્થળે જ જીવ ગુમાવી બેઠો હતો. આટલી નાની ઉંમરે હાર્ટ-અટૅકથી જીવ ગુમાવ્યો હોવાથી ડોમ્બિવલીમાં એ ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિશે માહિતી આપતાં હર્ષના પિતા બિપિન છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અચાનક રાતે બે વાગ્યે હર્ષ મારી પાસે આવ્યો અને કમરમાં ખૂબ દુખાવો થતો હોવાનું કહેવા લાગ્યો. મેં તેને તરત બામ ઘસ્યો અને માલિશ કરી આપતાં તે જઈને ફરી સૂઈ ગયો હતો. થોડા સમય બાદ ફરી હાથ-પગ અને છાતીના ભાગમાં દુખાવો હોવાની ફરિયાદ કરતાં ડૉક્ટરને ફોન કરીને દવા પણ લીધી હતી, પરંતુ વહેલી સવારે સાડાચાર-પાંચ વાગ્યે હર્ષે કહ્યું કે પપ્પા હવે સહન થઈ શકે એમ નથી. અસહ્ય દુખાવાને કારણે તેને તરત જ વાહનની સગવડ ન હોવાને કારણે મોટો દીકરો ભાવેશ બાઇક પર લઈ જઈ રહ્યો હતો, પરંતુ હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ ચાલતી બાઇક પર તેને હાર્ટ-અટૅક આવ્યો અને તે બાઇક પરથી નીચે પડ્યો હતો. હૉસ્પિટલમાં લઈ ગયા બાદ ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.’



નવી જૉબનો પહેલો દિવસ ભરતાં પહેલાં જ હર્ષ સાથે આ ઘટના બની છે અને અમને વિશ્વાસ જ નથી કે હર્ષ આ રીતે અચાનક જતો રહેશે એમ કહેતાં બિપિનભાઈ કહે છે, ‘હર્ષ ભિવંડીની એક કપડાંની ઑફિસમાં બિલિંગનું કામ કરતો હતો, પરંતુ એ બંધ પડી જતાં પંદરેક દિવસથી તે ઘરે જ હતો. એક દિવસ પહેલાં જ તેને સીએસએમટીની એક ઑફિસમાં જૉબ નક્કી થઈ હતી એથી ગઈ કાલથી તે નવી જૉબ શરૂ કરવાનો હતો. હર્ષની મમ્મીનું પથરીનું ઑપરેશન હોવાથી તેને કોવિડ-ટેસ્ટનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો. એ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાથી તેની મમ્મીને મુલુંડમાં કોવિડ સેન્ટરમાં ૬ દિવસથી ઍડ્મિટ કરવામાં આવી હતી. અત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેને ગઈ કાલે આ બનાવને કારણે ઘરે લાવવામાં આવી હતી. ફક્ત પરિવારજનોની હાજરીમાં ગઈ કાલે હર્ષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’


ડૉક્ટર શું કહે છે?

ડૉમ્બિવલીમાં ટિળક રોડ પર હૉસ્પિટલ ધરાવતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. બ્રિજમોહન કારવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૫ વર્ષની ઉંમર પછી લોકાને હાર્ટ-અટૅક આવવાના કિસ્સા બને છે, પણ ૨૩ વર્ષની ઉંમરે રેર કેસમાં આવું થાય છે. નાની ઉંમરે હાર્ટ-અટૅક આવવાનાં અનેક કારણ છે લાઇફ સ્ટાઇલ, કૉલેસ્ટરોલ, જન્મથી હાર્ટની સમસ્યા, ફૅમિલી હિસ્ટરી, સ્ટ્રેસ વગેરે. આજકાલ કૉમ્પિટિશનનો જમાનો છે અને બધાને આગળ ભાગવું છે એને કારણે સ્ટ્રેસ-લેવલ વધી જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2021 08:04 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK