Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વીંછિયા માર્કેટ યાર્ડમાં ખેડૂત શરીર પર કેરોસીન છાંટીને સળગી મર્યો

વીંછિયા માર્કેટ યાર્ડમાં ખેડૂત શરીર પર કેરોસીન છાંટીને સળગી મર્યો

18 December, 2014 06:31 AM IST |

વીંછિયા માર્કેટ યાર્ડમાં ખેડૂત શરીર પર કેરોસીન છાંટીને સળગી મર્યો

વીંછિયા માર્કેટ યાર્ડમાં ખેડૂત શરીર પર કેરોસીન છાંટીને સળગી મર્યો



ગુજરાતમાં કપાસના કકળાટે એક યુવાન ખેડૂતનો ભોગ લીધો છે. ગઈ કાલે વીંછિયા માર્કેટ યાર્ડમાં કપાસના ટેકાના ભાવના મુદ્દે અરવિંદ ભૂપતભાઈ નાગાણી નામના અંદાજે બાવીસ વર્ષની ઉંમરના નવયુવાન ખેડૂતે પોતાના શરીર પર કેરોસીન છાંટીને સળગી જઈ આત્મવિલોપન કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ ખેડૂતને તાત્કાલિક સારવાર માટે જસદણ અને ત્યાંથી રાજકોટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.



ગુજરાતમાં લગભગ ૪૫ દિવસથી કપાસના ટેકાના ભાવના મુદ્દે ચાલતા ખેડૂત-આંદોલને એક ખેડૂતનો ભોગ લીધો છે. ખેડૂતે જાહેરમાં પોતાની જાતને સળગાવી દેતાં તેને બચાવવા માટે આસપાસ ઊભેલા નાગરિકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં રાજકોટ હૉસ્પિટલમાં તેણે આખરી દમ લીધો હતો. ખેડૂતના આત્મવિલોપનના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં વીંછિયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને ગુજરાત સરકાર સામે રોષ ફેલાયો છે. આ ઘટનાના પગલે આવતી કાલે વીંછિયા બંધનું એલાન કરવામાં આવ્યું છે.



બીજી તરફ એવી વિગતો જાણવા મળી છે કે ખેડૂતના આત્મવિલોપનને પગલે ગુજરાત સરકારે અંદરખાને આખીયે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.


જસદણના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ભોળાભાઈ ગોહેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ધારઈ ગામના યુવાન ખેડૂત અરવિંદ નાગાણીને કપાસના પૂરતા ભાવ નહીં મળતાં તેણે આત્મવિલોપન કર્યું હતું. આ યુવાને ખેડૂતો માટે પોતાનું બલિદાન આપ્યું છે. આ ઘટના બાદ આજે જસદણમાં ગુજરાત સરકારનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ હતો એ મુલતવી રાખવામાં આવ્યો છે. જોકે કૉન્ગ્રેસ દ્વારા આજે ખેડૂતોને કપાસના ટેકાના ભાવ મળે એ માટે જસદણના પ્રાંત-અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે અને કાળા વાવટા ફરકાવી દેખાવો કરવામાં આવશે.

આજે આનંદીબહેન પટેલને કડવો અનુભવ થઈ શકે


ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્ય પ્રધાન  આનંદીબહેન પટેલ આજે રવિ કૃષિ મહોત્સવમાં જશે જ્યાં ખેડૂતો વિરોધ નોંધાવી દેખાવો કરશે, જેના કારણે આનંદીબહેન પટેલને ખેડૂતોનો કડવો અનુભવ થઈ શકે છે. જોકે આવી ઘટના ન બને એ માટે પૂરતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મોડાસાના કૉન્ગ્રેસના વિધાનસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કપાસના ટેકાના ભાવો ખેડૂતોને મળે, ગયા વર્ષના પાક-નિષ્ફળનાં નાણાં ખેડૂતોને ચૂકવવાની માગણી સાથે મોડાસા, બાયડ અને ભિલોડાના કૉન્ગ્રેસના વિધાનસભ્યો અને કાર્યકરો તેમ જ ખેડૂતો આજના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને દેખાવો કરશે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2014 06:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK