ઑલિવ ખાવાં કે એનું ઑઇલ?

Published: 26th November, 2020 16:42 IST | Varsha Chitalia | Mumbai

પર્યાવરણની સુરક્ષામાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ઑલિવ વૃક્ષની જાળવણી માટે આજે વિશ્વભરમાં વર્લ્ડ ઑલિવ ટ્રી ડેની ઊજવણી થઈ રહી છે

ઓલિવ અને ઓલિવ ઓઇલ
ઓલિવ અને ઓલિવ ઓઇલ

પર્યાવરણની સુરક્ષામાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ઑલિવ વૃક્ષની જાળવણી માટે આજે વિશ્વભરમાં વર્લ્ડ ઑલિવ ટ્રી ડેની ઊજવણી થઈ રહી છે. છેલ્લા એક દાયકામાં મૉડર્ન ખાણીપીણીના ભાગરૂપે આપણા ખોરાકમાં પણ એનાં ફળ અને એનું ઑઇલ વણાઈ ગયું છે ત્યારે જાણીએ કે કેવી રીતે ખાવાથી મૅક્સિમમ હેલ્થ-બેનિફિટ્સ મળે...

ડાયટની વાત નીકળે ત્યારે રસોઈમાં વપરાતા પરંપરાગત તેલને સાઇડ પર મૂકી આપણે ઑલિવ ઑઇલ વાપરવાનું શરૂ કરી દઈએ છીએ. મોટા ભાગે કૉન્ટિનેન્ટલ ફૂડમાં વપરાતું ઑલિવ ઑઇલ આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. અન્ય તેલની તુલનામાં ઑલિવ ઑઇલ બધી રીતે ચડિયાતું હોવાથી હેલ્થ કૉન્શિયસ મહિલાઓ રસોઈમાં એનો છૂટથી ઉપયોગ કરવા લાગી છે. પીત્ઝા જેવી અનેક વાનગીઓમાં ઑલિવના વૃક્ષના ફળનો ટૉપિંગ્સ તરીકે ઉપયોગ થાય છે. બજારમાં આથેલા ઑલિવ પણ સરળતાથી મળે છે. ફૂડ આઇટમ ઉપરાંત વિનેગર બનાવવામાં, નૅચરલ બ્યુટી પ્રોડક્ટ્સ અને અમુક મેડિસિનમાં પણ ઑલિવ વપરાય છે.
જોકે યુનેસ્કોએ આ વૃક્ષને બચાવવાના પ્રયાસરૂપે ૨૬ નવેમ્બરના દિવસે વર્લ્ડ ઑલિવ ટ્રી ડે સેલિબ્રેટ કરવાની ભલામણ કરી છે. એક તરફ આ વૃક્ષને બચાવવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ ખાણી-પીણીમાં એનો ઉપયોગ વધી રહ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સ ઑલિવને કેમ આરોગ્યપ્રદ માને છે એ જાણી લો.
ઑલિવનું ફળ
ઑલિવનું કાચું ફળ ગ્રીન કલરનું હોય છે. પાકી ગયા બાદ એનો રંગ ડાર્ક પર્પલ અથવા બ્લૅક થઈ જાય છે. આખા ઑલિવની બૉટલ દરેક સુપર માર્કેટમાં સહેલાઈથી મળે છે. અંધેરીનાં ડાયાબેટિક એજ્યુકેટર
અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘ઑલિવને લાંબો સમય સુધી સાચવી રાખવા ખાસ પ્રકારના સોલ્યુશનમાં ડુબાડીને રાખવામાં આવે છે. ગ્રીન અને બ્લૅક બન્ને પ્રકારનાં ઑલિવની ન્યુટ્રિશન વૅલ્યુ સરખી જ છે, પરંતુ ડાઇજેશનની દૃષ્ટિએ બ્લૅક ઑલિવ સારાં કહેવાય. બ્લૅક ઑલિવમાં વિટામિન ‘ઈ’ અને આયર્નનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ઑલિવમાં ગુડ કૉલેસ્ટરોલ વધુ અને ફૅટ્સનું પ્રમાણ
સાવ ઓછું હોવાથી વેઇટ લૉસમાં ફાયદાકારક છે.’
પીત્ઝા, સૅન્ડવિચ, પાસ્તા, નૂડલ્સ જેવી વરાઇટીમાં ટૉપિંગ્સ માટે ઑલિવનો છૂટથી ઉપયોગ થાય છે. જુદી-જુદી વાનગીઓમાં ઑલિવનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એના આઇડિયાઝ શૅર કરતાં તેઓ કહે છે, ‘કલર અને ફ્લેવરના કારણે ઑલિવ ઍડ કરેલી વાનગીઓનો પૉપ્યુલર ટ્રેન્ડ છે. કાબુલી ચણા અને ઑલિવ ઑઇલમાંથી બનાવેલું ડિપ હમસ ટેસ્ટી લાગે છે. સબવે સૅન્ડવિચ બનાવતી વખતે બ્રેડ પર પેસ્ટો લગાવી ઑલિવ મૂકી શકાય. જો બ્રેડ ઘરમાં જ બનાવવાની હોય તો બેક કરતાં પહેલાં બ્લૅક ઑલિવ પાથરી દેવાથી કલર અટ્રૅક્ટિવ લાગે છે. પીત્ઝામાં બ્લૅક ઍન્ડ ગ્રીન ઑલિવના કૉમ્બિનેશનનું ટૉપિંગ કરી શકાય. ગ્રીન ઑલિવમાંથી મસ્ત મજાની ચટણી બનાવી શકાય. ઑલિવને કોઈ પણ વાનગીમાં ઍડ કરવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જાય છે તેમ જ વજન નિયંત્રણમાં રહે છે. જોકે પિકલના રૂપમાં મળતાં ગ્રીન ઑલિવમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી એને અવૉઇડ કરવાં જોઈએ. ડે ટુ ડે લાઇફમાં ઑલિવનાં ફળ કરતાં ઑઇલનો વપરાશ વધુ થતો હોય છે.’
કેવું ઑઇલ વાપરવું?
ઑલિવ ઑઇલમાં એક્સ્ટ્રા વર્જિન, વર્જિન, પ્યૉર, લાઇટ એમ જુદી-જુદી વરાઇટી મળે છે. ઑલિવના પાકા ફળને એક જ વખત ક્રશ કરી એમાંથી જે ઑઇલ નીકળે એને પ્રોસેસ કર્યા વગર વેચાણ માટે મૂકવામાં આવે એને એક્સ્ટ્રા વર્જિન ઑઇલ કહે છે. એક વાર ક્રશ કરેલા ફળના માવાને ફરીથી પીલવામાં આવ્યા બાદ જે ઑઇલ નીકળે એને વર્જિન ઑઇલ કહે છે. જેમ શેરડીના સાંઠાને અનેક વાર સંચામાં નાખી રસ કાઢવામાં આવે છે એ‍વી રીતે ઑલિવને પીલવાની પ્રોસેસ લાઇટ અથવા રિફાઇન્ડ ઑઇલ સુધી ચાલે છે.
રિસર્ચ કહે છે કે એક્સ્ટ્રા વર્જિન ઑઇલને ગરમ ન કરવું જોઈએ. ગરમ કરવાથી પોષકતત્ત્વો નાશ પામે છે અને એની ગુણવત્તા ઘટી જાય છે. કેજલ કહે છે, ‘તેલની શુદ્ધતાની ચકાસણી એની થિકનેસ પરથી નક્કી થાય. અગાઉ ઑલિવને હીટ કરીને તેલ કાઢવામાં આવતું હતું. કોઈ પણ વસ્તુને ગરમ કરો એટલે પોષકતત્ત્વો નાશ પામે. હવે નવી કોલ્ડ પ્રેસિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ ટેક્નિકમાં ન્યુટ્રિશન વૅલ્યુ બરકરાર રહે છે. ઑઇલના કન્ટેનર પર લેબલિંગ વાંચશો તો આઇડિયા આવી જશે. ઑઇલ જેટલું થિક એટલું શુદ્ધ એમ કહી શકાય. કુકિંગ, પ્લેટિંગ અને ડ્રેસિંગ માટેનું ઑલિવ ઑઇલ જુદું હોય છે. સ્મોકિંગ કન્ટેન્ટ આધારે ઑઇલને અલગ તારવવામાં આવે છે. કુકિંગ માટે રિફાઇન્ડ કરેલું ઑઇલ વાપરવું જોઈએ. કોઈ વાનગીને ઑઇલમાં ડિપ કરીને ખાવી હોય તો વર્જિન ઑઇલ લેવાનું. કુકિંગ અને ડિપ માટે ઑઇલ વાપરવામાં નુકસાન નથી, પરંતુ કાચું ઑઇલ ખાવાના વધુ ફાયદા છે. વિદેશમાં આ તેલનો વપરાશ રાંધેલી વાનગીઓમાં ઉપરથી રેડવા માટે થાય છે. એક પ્લેટિંગ સૅલડ સર્વિંગમાં બે ટેબલસ્પૂન ઑઇલ ઇનફ છે.’
ફાઇટિંગ સ્પિરિટ
ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર ઑલિવ ઑઇલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઑલિવમાં કૅલ્શિયમની માત્રા વધુ હોવાથી ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીમાં રાહત મળે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડાયાબિટીઝના દરદીઓએ જમતાં પહેલાં ઑલિવ ખાય તો શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘ઑલિવ ઑઇલ ખાવાના ઘણાબધા પાવરફુલ હેલ્થ બેનિફિટ્સ છે. એમાં મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ્સનું પ્રમાણ ઊંચું હોવાથી હૃદય સંબંધિત રોગો ધરાવતા દરદીઓ માટે ફાયદાકારક છે. ઑલિવ ઑઇલથી રક્ત પરિભ્રમણમાં સુધારો થતાં હૃદયની બીમારીનું જોખમ ઘટે છે. એ તમારા કૉલેસ્ટરોલને વધવા દેતું નથી. એમાં રહેલા એલોઇક ઍસિડના પણ અઢળક ફાયદા છે. એનાથી મગજના તંતુ સતેજ થાય છે અને યાદશક્તિ વધારે છે. ઑલ્ઝાઇમર્સના દરદીઓ માટે ઑલિવ ઑઇલ પ્રોટેક્શનનું કામ કરે છે. ઍન્ટિ-ઇન્ફ્લમૅટરીનો ગુણધર્મ ધરાવતા ઑલિવ આર્થ્રાઇટિસના રોગમાં ઉપયોગી છે. કોકોનટ ઑઇલની ઍલર્જી હોય એવા દરદી માટે ઑલિવ ઑઇલ બેસ્ટ રિપ્લેસમેન્ટ છે.’
ઑલિવ ઑઇલ મોંઘું આવે છે પણ હેલ્થના સંદર્ભમાં કહીએ તો પૈસા વસૂલ છે. અંદાજે ૧૫૦૦ રૂપિયે લિટર મળતું આ તેલ રાંધેલી વાનગીઓને વધુ આરોગ્યપ્રદ બનાવે છે. અન્ય તેલની સરખામણીએ એમાં હાનિકારક ફૅટ્સનું પ્રમાણ ૭૦ ટકા જેટલું ઓછું હોય છે. લાંબા સમય સુધી આહારમાં ઑલિવ ઑઇલનો ઉપયોગ કરવાથી બૉડી ફૅટ્સ ઑટોમૅટિક ઘટવા લાગે છે તેમ જ અનેક રોગોમાં રાહત થાય છે.

વર્લ્ડ ઑલિવ ટ્રી ડે

ઑલિવ વૃક્ષને બચાવવા લાંબા સમયથી ચાલી રહેલી ઝુંબેશ પર મહોર મારતાં ગયા વર્ષે યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડે ૨૬ નવેમ્બરને વર્લ્ડ ઑલિવ ટ્રી ડે તરીકે ઊજવવાની ભલામણ કરી હતી. યુનેસ્કોએ ઑલિવના વૃક્ષને શાંતિ અને સંવાદિતા (પીસ ઍન્ડ હાર્મની)નું પ્રતીક ગણાવ્યું છે. પ્રાચીન ગ્રીકના લોકો આ વૃક્ષને પવિત્ર માનતા હતા. પર્યાવરણની સુરક્ષા માટે તેમ જ ગ્લોબલ વૉર્મિંગ સામેની ફાઇટમાં ઑલિવનું વૃક્ષ એજન્ટ તરીકે કામ કરી શકે છે એવાં કેટલાંક સાયન્ટિફિક રિસર્ચ સામે આવ્યા બાદ એને બચાવવાના પ્રયાસરૂપે વિશ્વભરના લોકો આજે વર્લ્ડ ઑલિવ ટ્રી ડે સેલિબ્રેટ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં મોટા પાયે થાય છે ઓલિવની ખેતી

૮૦૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તના રાજાની ટૉમ્બ પાસે ઓલિવની ડાળખીઓ જોવા મળેલી અને એ પછીથી એનું કલ્ટિવેશન યુરોપના દેશોમાં શરૂ થયેલું. ભારતમાં રાજસ્થાનના રણ જેવા વિસ્તારોમાં લગભગ સાત મોટા ફાર્મ્સમાં ૨૦૦૭માં પહેલી વાર ઓલિવનાં વૃક્ષોની વાવણી કરવામાં આવેલી, ૨૦૧૪માં એમાં ફળો પણ બેસવા લાગ્યા અને અત્યારે ભારતમાં સૌથી વધુ ઓલિવ અને એના ઑઇલનું ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે.

સબવે સૅન્ડવિચ બનાવતી વખતે બ્રેડ પર પેસ્ટો લગાવી ઑલિવ મૂકી શકાય. જો બ્રેડ ઘરમાં જ બનાવવાની હોય તો બેક કરતાં પહેલાં બ્લૅક ઑલિવ પાથરી દેવાથી કલર અટ્રૅક્ટિવ લાગે છે. પીત્ઝામાં બ્લૅક ઍન્ડ ગ્રીન ઑલિવના કૉમ્બિનેશનનું ટૉપિંગ કરી શકાય. ઑલિવને કોઈ પણ વાનગીમાં ઍડ કરવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જાય છે. ડે ટુ ડે લાઇફમાં ઑલિવ ઑઇલનો વપરાશ કરવાથી બ્લડ-પ્રેશર, હાર્ટ, ઑલ્ઝાઇમર્સ જેવા રોગોના દરદીને રાહત થાય છે. ઇન્ટરનલ હેલ્થ ઉપરાંત સ્કિન માટે પણ ઑલિવ બેસ્ટ નૅચરલ પ્રોડક્ટ છે.
- કેજલ શેઠ, ડાયાબેટિક એજ્યુકેટર ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK