આ ઉત્તરાયણમાં લુત્ફ ઉઠાવો ગજક અને કચરિયાનો

Published: 11th January, 2021 15:00 IST | Pooja Sangani | Mumbai

ચીકી માટે પહેલા નંબરે રાજકોટ અને પછી ભરૂચનો નંબર આવે છે, પરંતુ ગુજરાતમાં બીજી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તલસાંકળી, સીંગ-દાળિયાની ચીકી, કોપરું અને સૂકા મેવાની ચીકી, ‌સીંગપાક જેવી પરંપરાગત વાનગીઓ ખૂબ પ્રચલિત છે.

ચાલો, ચીકી-પાકની દુનિયામાં ગુજરાતનું શું વખણાય છે એ જાણીએ...

કેમ છો મિત્રો, સૌ મજામાં છોને? બસ, હવે તો ગુજરાતીઓના સૌથી લોકપ્રિય તહેવારોમાં અદકેરું સ્થાન પામેલી ઉત્તરાયણની રાહ જોવાઈ રહી છે. ઘરે-ઘરે જાત-જાતની ચીકીઓ અને અલગ-અલગ સ્વાદના સીંગપાક બનવા લાગ્યા હશે. બજારમાં દુકાનોમાં એના ડબ્બાઓના ઢગલા જોવા મળે છે અને જેમને ઘરે ન બનાવાતા હોય તેઓ બહારથી ખરીદીને એન્જૉય કરી શકે છે. જો તલસાંકળી, સીંગની ચીકી, દાળિયાની, કોપરાની અને સૂકા મેવાની, ચૉકલેટ ચીકી એવી જાત-જાતના સ્વાદની ચીકીઓ બજારમાં મળે છે. જ્યારે સીંગપાક ખાવાની પણ બહુ મજા છે કે જેમાં સીંગનો ભૂકો હોય છે અને ચીકી કરતાં સૉફ્ટ હોય છે.

ગુજરાતમાં રાજકોટ અને ભરૂચની ચીકી બહુ વખણાય છે. રાજકોટમાં જલારામ અને રાજેશની ચીકીની વિદેશમાં પણ બોલબાલા છે. ભાવનગરમાં સીંગપાક ખૂબ ખાવામાં આવે છે, જ્યારે આખા ગુજરાતમાં નથી બનતી એવી સીંગપૂરી નામની સ્વાદિષ્ટ મીઠાઈ પણ ભાવનગરમાં બારેમાસ મળે છે. કોક દિવસ ખાજો, બહુ ટેસ્ટી હોય છે. ભાવનગરમાં તો સીંગપાક એટલો લોકપ્રિય છે કે એની લારી ઠેર-ઠેર જોવા મળે છે અને દરરોજ તાજો સીંગપાક ભાવનગરીઓ હોંશે-હોંશે ખાય છે. અમદાવાદમાં શાહઆલમ ખાતે આવેલી ગુડલક સીંગપાક નામની ૫૦ વર્ષ જૂની અને જાણીતી દુકાન છે જ્યાં જાત-જાતના સીંગપાક મળે છે જેમાં એકની ઉપર એક એમ બે પડ ગોઠવેલાં હોય છે જે સીંગના ભૂકા અને ગોળથી બનતો જાડો સીંગપાક હોય છે. વરાઇટીની વાત કરીએ તો અહીં શુદ્ધ ઘીનો સીંગપાક, સૂંઠ મસાલા સીંગપાક, વિવિધ ફ્લેવરની સૅન્ડવિચ ચીકી, સીંગ-ડ્રાયફ્રૂટ ચીકી, તલની ચીકી વગેરે મળે છે. ચોમાસાની ઋતુ પૂરી થઈ નથી કે આ દુકાનોમાં ચીકી અને સીંગપાકનું વેચાણ શરૂ થઈ જાય છે, જે ફેબ્રુઆરી મહિના સુધી રહે છે. એમાં પણ મકર સંક્રાન્તિના પર્વ આસપાસ ચીકીનું અને સીંગપાકનું વેચાણ બમણાથી વધી જાય છે. શુદ્ધ ઘીનો સાદો સીંગપાક, સૂંઠ-ગંઠોડાનો સીંગપાક ભારે લોકપ્રિય છે. શિયાળા દરમ્યાન તલ, સીંગ, કોપરું, ચણા, બદામ વગેરેનો ભૂકો ઘી-ગોળના પાયામાં એલચી, સૂંઠ ઉમેરી ચોસલાં બનતાં હોય છે. ખાવાથી સ્વાદ અને પૌષ્ટિકતા બન્ને મળે છે. સીંગનો ભૂકો અને ગોળ મળીને એક સ્વસ્થ અને શક્તિશાળી નાસ્તો બને છે.

આવી જ રીતે ભરૂચમાં રહેતા ગફારભાઈ નામક યુવક વર્ષોથી ઘરે જ શિયાળા દરમિયાન સીંગની મલાઈ ચીકી બનાવે છે અને શિયાળામાં વપરાતા તેજાના ઉમેરી રૂ જેવી પોચી ઘીથી લથબથ સીંગચીકી બનાવી ઑર્ડર પર વેચે છે. એ નૉર્મલ સીંગચીકી જેવી નથી હોતી. આ સીંગના ભૂકામાં સૂંઠ, ગંઠોડા, વસાણા સાથે ગોળ નાખી બનાવવામાં આવે છે અને આ ચીકી એકદમ મુલાયમ બરફી જેવી હોય છે. તેઓ વર્ષોથી શિયાળાના ચાર મહિના એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરિમયાન ઑર્ડર લઈ બનાવતા હોય છે અને એક જ સ્વાદ અને ઉત્તમ સામગ્રી વાપરી બનતી આ ચીકી લોકોમાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. આ ઉપરાંત ઉત્તરાયણમાં ખવાતી ડ્રાય ફ્રૂટ ચીકી જે ખજૂર સાથે અન્ય ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકા મેવા ઉમેરી બનાવાય છે. શિયાળામાં શરીરને ખૂબ તાકાત આપે છે અને સ્વાદમાં પણ ભાવે એવી હોય છે.

સુરેન્દ્રનગરનું કચરિયું

હવે તલના કચરિયાની વાત કરું તો સફેદ અને કાળા તલ એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારા રસાયણ સમાન છે. કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગર કેમ ભુલાય. શિયાળા દરમ્યાન સુરેન્દ્રનગરમાં ઘરે-ઘરે લોકો રોજ સવારે એક-એક ચમચી કચરિયું ખાતા જોવા મળે. આખા ગુજરાતથી લઈ મહારાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનું કચરિયું પાર્સલ મારફતે મોકલાય છે અને એનું વેચાણ થાય છે. આ પરંપરાગત શિયાળુ પાક તરીકે ઓળખાય છે, જે ખજૂર, કાળા તલ, નાળિયેર અને થોડા તેજાના મસાલા અને વિવિધ સૂકા મેવા જેવી સામગ્રી વાપરી બનાવવામાં આવે છે. શરીરની પ્રણાલીને ઉષ્મા આપતી હોય એવી તમામ સામગ્રી આમાં વપરાય છે. સુરેન્દ્રનગર ગામમાં પ્રવેશતા તમને ઠેર-ઠેર સફેદ અને કાળા તલનું કચરિયું જોવા મળશે. એનું મુખ્ય કારણ એ છે કે પહેલાંના જમાનામાં, સુરેન્દ્રનગરમાં તલની કાચી ઘાણીઓ હતી એટલે કે તલના દાણાને પીસવા માટે બળદનો ઉપયોગ કરી એને પીસવામાં આવતા અને એમાંથી તેલ કાઢતા જેને આજે કોલ્ડ પ્રેસ ઑઇલ કહેવાય છે, પણ હવે તો બધું મશીનથી ચાલે છે. એ કાર્ય સુરેન્દ્રનગરથી શરૂ થયું હતું માટે ત્યાંના લોકોની કચરિયું બનાવવામાં માસ્ટરી હોય છે. ભાવનગરમાં પણ કચરિયું વખણાય છે જેને ત્યાંના સ્થાનિક લોકો સાની તરીકે ઓળખે છે.

ઠંડીમાં સ્વસ્થતાનો રાઝ છે આ પરંપરા

શિયાળો બેસતાં જ વાતાવરણમાં ઠંડકની સાથે ત્વચામાં રૂક્ષતા, સાંધાના દુખાવા, શરદી-ખાંસી જેવા વાયુ-કફથી થતા રોગો વધુ થતા હોય છે. એને ધ્યાનમાં રાખી અનેક પરંપરાગત બનતી વાનગીઓમાં તલ, ગોળ, શેરડી, નવું ઊગેલું અનાજ વગેરેનો વપરાશ વધુ થતો હોય છે. ડિસેમ્બર પૂરો થતાં જ નવા ઘઉં, ચોખા જેવા અનાજ સાથે શિયાળુ શાક વગેરેથી ખીચડો, માટલા ઊંધિયું, ઊંબાડિયું, તલસાંકળી, સીંગપાક, કાળા તલનું કચરિયું, તલ ગજક, શેરડી ચૂસીને ખાવી, લીલા ચણાને અગ્નિમાં શેકીને ખાવા જેવી વાનગીઓ ખાવાની પ્રથા જ પડી ગઈ છે જે શરીરમાં અનુભવાતી રૂક્ષતા, વાયુના અસંતુલન જેવાં આરોગ્ય સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને જ ચાલતી આવી હોય એવું લાગે છે, કેમ કે તાજી શેરડીમાંથી નવો બનેલો ગોળ એમાં રહેલાં ગળપણ, ખારાશ અને ચીકાશથી વાયુદોષ ઘટાડવામાં મદદ કરે છે. એવી જ રીતે તલ, સીંગ જેવા તૈલી પદાર્થો રૂક્ષતા ઘટાડે છે. ઉત્તરાયણના શરૂઆતના સમયગાળા દરમ્યાન વાતાવરણની અસરથી શરીરમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીએ તો આ સમય દરમ્યાન તલસાંકળી, તલની ચીકી, તલના લાડુ, સીંગપાક, સીંગની ચીકી, કચરિયું વગેરે ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે, મળશુદ્ધિ થાય છે, બળ મળે છે એ સાથે સ્વાદ-રુચિ વધારે છે. ઋતુઓ દરમ્યાન પાકતાં અનાજ,  ફળ, અન્ય ખાદ્યપદાર્થોને અનુરૂપ બનતી પરંપરાગત વાનગીઓ ભૂખ, પાચનશક્તિને ધ્યાનમાં રાખી ખાઈ શકાય છે.

ચાલો જાણીએ તલનું કચરિયું કેવી રીતે બનાવાય

સામગ્રી:

બે ચમચી ઘી 

૧/૨ વાટકી ગોળ 

એક કપ અધકચરા પીસેલા તલ (કાળા અથવા સફેદ) 

૪ નંગ ખજૂરના બારીક સમારેલા ટુકડા 

૧ ચમચી સૂંઠ-ગંઠોડા પાઉડર

૧ ચમચી મગજતરીનાં બી 

એક ચમચી ખસખસ 

બે ચમચી સૂકા કોપરાનું છીણ 

૩ ચમચી સૂકા મેવાનો પાઉડર

બનાવવાની રીત: એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી એમાં અડધી વાટકી ગોળ ઉમેરી શેકી લો. ગોળ ઓગળે એટલો જ ગરમ કરી ગૅસ બંધ કરી દો. હવે એમાં એક વાટકી અધકચરા પીસેલા સફેદ તલ ઉમેરો. ત્યાર બાદ એમાં ખજૂરના ઝીણા સમારેલા ટુકડા ઉમેરો અને સૂંઠ-ગંઠોડા પાઉડર, મગજતરીનાં બી, ખસખસ, સૂકા કોપરાનું છીણ, સૂકા મેવાનો પાઉડર ઉમેરી મિક્સ કરો. ગૅસ ચાલુ કરો અને થોડી વાર શેકી લો. હવે થાળીમાં ઠારી દો. ઉપરથી મગજતરીનાં બી, ખસખસથી સજાવી લો. આ રીતે બનાવેલું કચરિયું લાંબા સમય સુધી બગડતું નથી.

રાજસ્થાની ગજક બનાવવાની રીત પણ જાણી લો

આમ તો ગજક રાજસ્થાનની વિશેષતા છે, પણ હવે ઉત્તરાયણ દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને જગ્યાએ ખવાય છે.

ગજક સામગ્રી –

એક કપ તલ 

પોણો કપ ગોળ 

બે ટીસ્પૂન ઘી 

અડધી ટીસ્પૂન ઇલાયચી પાઉડર 

અડધો કપ પાણી 

રીત : તલને ધીમા તાપે શેકી લો. તલ સહેજ ઠંડા થાય એટલે એનો ખાંડીને ભૂકો કરી લો. હવે ગોળમાં અડધો કપ પાણી નાખી એનો ઘટ્ટ પાયો બનાવો. પાયો તૈયાર થઈ જાય એટલે એમાં શેકેલા અને ખાંડેલા તલ નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ એક પ્લેટમાં સહેજ ઘી લગાવી એના પર આ મિશ્રણ પાથરી દો. સહેજ ઠંડું થાય એટલે એના ચોરસ કટકા કરી સર્વ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK