કચ્છના સાંપ્રત રાજકારણી અને જવાબદાર રાજતંત્રનો ઉદય

Published: Jan 14, 2020, 13:33 IST | Kishor Vyas | Kutch

લાખેણો કચ્છ : કહેવાની જરૂર નથી કે એ બન્ને કૉન્ગ્રેસના જ ઉમેદવાર હતા. કચ્છમાં એ વખતે વિપક્ષી નેતાઓની ભૂમિકા પ્રોફેસર કે. ટી. શાહ અને પ્રેમજી રાઘવજી ઠક્કરે ભજવી હતી.

બાબુલાલ મેઘજી શાહ અને સુરેશ મહેતા
બાબુલાલ મેઘજી શાહ અને સુરેશ મહેતા

સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કચ્છના સપૂત જનાબ યુસુફ મહેરઅલીનું નેતૃત્વ કચ્છમાં ખૂબ જ યશસ્વી રહ્યું હતું. સમયે કરવટ બદલી અને સુફળરૂપે દેશ સ્વતંત્ર થયો. કચ્છના રાજવી મહારાઓ શ્રી મદનસિંહજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે કરાર થયા અને કચ્છ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યું. બદલામાં મહારાઓશ્રીને નૉર્વે ખાતે ભારતના એલચી તરીકે મોકલવામાં આવ્યા. તેમના ભાઈ મહારાજ કુંવર શ્રી હિંમતસિંહજીને ચૂંટણીમાં ઊભા રાખી ૧૯૬૨માં લોકસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
સ્વતંત્રતા પછીનો ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે રહ્યો હતો. કચ્છને ‘ક’ વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો એ સાથે કચ્છમાં ચીફ કમિશનરનું શાસન આવ્યું. પ્રજાકીય પ્રતિનિધિ તરીકે ભવાનજી અરજણ ખોમજી, ગુલાબશંકર ધોળકિયા, પ્રેમજી ભવાનજી ઠક્કર, કૃષ્ણદાસ પૈજુવાની, કાન્તિપ્રસાદ અંતાણી, ખીમજી ભુજપુરિયા અને રણછોડભાઈ નાથાભાઈ જેવા અગ્રણી નેતાઓ કમિશનરના સલાહકાર તરીકે નિમાયા હતા. એમાં પ્રેમજી ભવાનજી ઠક્કર અને જમિયતરાય વૈદ્ય ૧૯૫૨માં સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા, જેઓ ૧૯૫૬ સુધી એ સ્થાને રહ્યા હતા. ૧૯૫૨માં કચ્છની પ્રજાએ ભવાનજી અરજણ ખીમજીને પશ્ચિમ કચ્છમાંથી અને ગુલાબશંકર ધોળકિયાને પૂર્વ કચ્છમાંથી ચૂંટીને મોકલ્યા હતા. કહેવાની જરૂર નથી કે એ બન્ને કૉન્ગ્રેસના જ ઉમેદવાર હતા. કચ્છમાં એ વખતે વિપક્ષી નેતાઓની ભૂમિકા પ્રોફેસર કે. ટી. શાહ અને પ્રેમજી રાઘવજી ઠક્કરે ભજવી હતી.
૧૯૭૧માં જેમને કચ્છની અસ્મિતાના ધ્વજધારી તરીકે ઓળખવામાં આવે છે એ ડૉ. મહિપતરાય મહેતા લોકસભામાં ચૂંટાઈને ગયા. તેમના પછી લોકસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરનારા રાજકારણીઓમાં અનંતભાઈ દવે, બાબુલાલ મેઘજી શાહ, ઉષાબહેન ઠક્કર અને હરિલાલ નાનજી પટેલનો સમાવેશ થાય છે. કચ્છમાં સૌપ્રથમ પક્ષપલટો કરનારા કૉન્ગ્રેસી નેતા ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા હતા. તેમણે કૉન્ગ્રેસ છોડીને રાજગોપાલાચારીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
એક સમયના ‘ક’ વર્ગના અર્ધસ્વતંત્ર રાજ્યમાં પ્રેમજી ભવાનજી ઠક્કર અને જમિયતરાય વૈદ્ય મુખ્ય પ્રધાન જેવી સત્તા ભોગવતા હતા. એવી વ્યક્તિઓનું જ્યારે ૧૯૫૬માં કચ્છને મુંબઈ રાજ્યમાં મુકાયું ત્યારે નાયબ પ્રધાન જેવો હોદ્દો આપીને અવમૂલ્યન કરાયું હતું! ૧૯૬૦માં જ્યારે ગુજરાત રાજ્ય રચાયું ત્યારે પણ પ્રધાનમંડળમાં પ્રેમજી ભવાનજી ઠક્કર જેવા બાહોશ નેતાને માત્ર નાયબ પ્રધાન જેવો દરજ્જો આપવામાં આવ્યો હતો. એ સમય કચ્છના પ્રભાવશાળી નેતાઓના અવમૂલ્યનનો બની રહ્યો હતો. છેક ૧૯૬૭માં પ્રેમજીભાઈને ગુજરાતના મહેસૂલપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમના પછી બીજા કૅબિનેટ પ્રધાન બનનારા હતા નવીનભાઈ શાસ્ત્રી. જોકે રામજી રાઘવજી ઠક્કર, ખીમજી જેસંગ, બાબુભાઈ મેઘજી શાહ એ બધા નાયબ પ્રધાન જરૂર બન્યા હતા. બાબુભાઈ મેઘજી શાહ ત્યાર પછી નાણાપ્રધાન પણ રહી ચૂક્યા છે.
૧૯૭૫માં એક ચમત્કાર થયો. ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે કુંદનલાલ ધોળકિયાની વરણી થઈ હતી. અધ્યક્ષ બનનારા તેઓ પહેલા કચ્છી નેતા હતા. ત્યાર પછી ધીરજ શાહ પણ અધ્યક્ષપદ શોભાવી ચૂક્યા હતા. સૌથી મોટો ચમત્કાર તો એ બન્યો હતો કે રાજકીય આટાપાટા વચ્ચે, કચ્છના માંડવી મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સુરેશ મહેતા ૧૯૯૫માં ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા! જોકે સુરેશભાઈ ૧૯૯૦માં ઉદ્યોગ પ્રધાનપદ પર રહી ચૂક્યા હતા. તેમના એ કાર્યકાળ દરમ્યાન જ અદાણી ગ્રુપનો કચ્છમાં પ્રવેશ થયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન બનનારા તેઓ પહેલા કચ્છી હતા જેઓ એક વિરલ અને ઐતિહાસિક ઘટના ગણી શકાય.
કચ્છમાં પંચાયતી રાજની સ્થાપના પહેલાં જિલ્લા લોકલ બોર્ડના વહીવટકર્તા તરીકે પ્રથમ પ્રમુખ હીરજીભાઈ કોટક હતા. ત્યાર બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ બન્યા હતા કાન્તિપ્રસાદ અંતાણી. આવી રહી કચ્છની સ્વતંત્રતા પછીની રાજકીય યાત્રા! ત્યાર પછીનો ઘટનાક્રમ નજીકનો વર્તમાનકાળ બની રહે છે જેનાથી સૌ વિદિત છે.
એ જાણીને આશ્ચર્ય થશે કે સંપૂર્ણ રાજતંત્ર માટે કચ્છી પ્રજાની લડત છેક ૧૯૩૯થી ચાલતી હતી, જે ૧૯૪૮માં જૂન મહિનાની પહેલી તારીખે પૂરી થઈ! એ દિવસ કચ્છના ઇતિહાસમાં બદલાયેલા યુગના એક સીમાચિહ્‍ન તરીકે યાદગાર બની રહેશે. દિવસો યાદ નથી રહેતા, પણ કેટલાક દિવસ ઇતિહાસમાં ચિરસ્મરણીય બની જતા હોય છે. સંવત ૧૬૦૫માં રાઓશ્રી ખેંગારજી પહેલાએ કચ્છનું રાજ્ય સ્થાપ્યું અને ભુજને કચ્છનું પાટનગર બનાવી તોરણ બાંધ્યું. બરાબર ચાર સદી પૂરી થઈ અને તેમના જ સત્તરમા વંશજ મદનસિંહજીએ સંવત ૨૦૦૪માં એટલે કે ઈસવી સન ૧૯૪૮માં પોતાની ગાદીનો ત્યાગ કર્યો. કચ્છના રાજ્યનો ભગવા રંગનો ધ્વજ નીચે ઊતર્યો અને આઝાદ ભારતનો ત્રિરંગી ધ્વજ કચ્છના આકાશમાં ફરફરવા લાગ્યો! પ્રજાનાં વર્ષોના સ્વપ્નની સિદ્ધિ એ ધન્ય ઘડીએ પ્રાપ્ત થઈ.
૧૯૪૮ની ૧ જૂને સવારે ૧૦ વાગ્યે ભુજમાં ઉમેદ ભુવનના પ્રાંગણમાં ભારત સરકાર તરફથી નિમાયેલા કચ્છના ચીફ કમિશનર છોટુભાઈ દેસાઈએ ભારે દબદબાપૂર્વક ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. કચ્છ ત્યારે રજવાડું મટીને ભારતનું ‘ક’ વર્ગનું રાજ્ય બન્યું હોવાની તેમણે ઘોષણા કરી હતી. એ જ દિવસે સાંજે ભુજમાં ગંગાબા મિડલ સ્કૂલના ચોગાનમાં જાહેર સભા મળી હતી, જેમાં તેમણે અને કચ્છી પ્રજાકીય પરિષદના પ્રમુખ ગુલાબરાય ધોળકિયા સહિત અન્ય અગ્રણીઓએ આઝાદીને આવકારતાં પ્રવચનો કર્યાં હતાં અને સરદાર પટેલે આ અપૂર્વ અવસરે પાઠવેલા પ્રેરક સંદેશાને વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
૧૯૪૬ની બીજી સપ્ટેમ્બરે પંડિત જવાહરલાલ નેહરુના ઉપપ્રમુખપદે વચગાળાની સરકાર રચાઈ એ વખતે વાઇસરૉય લૉર્ડ વેવેલ હતા. દેશી રજવાડાં સહિતને આવરી લેતાં બંધારણ ઘડવા માટે રાજેન્દ્રબાબુના પ્રમુખપદે એક ‘બંધારણીય સભા’ની રચના કરવામાં આવી હતી. આ બંધારણ સભા માટે કચ્છ વતી એક સભ્ય ચૂંટવાના હતા. એ વખતે કચ્છની રાજાશાહીમાં પણ કેટલાંક શહેરોમાં નગરસભાઓ હતી. કચ્છના પ્રતિનિધિ ચૂંટવા માટે આ નગરસભાના સભ્યો મતદાર બન્યા અને મુંબઈમાં રહેતા કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામના મૂળ વતની ભવાનજી અરજણ ખીમજીને ચૂંટીને એ ગૌરવવંતા સ્થાન પર કચ્છ વતી મોકલ્યા હતા. ૧૯૪૯ની ૨૬ નવેમ્બરે પાસ થયેલા બંધારણના ખરીતામાં કચ્છ વતી ભવાનજીભાઈએ સહી કરી હતી.
૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે દેશ સ્વતંત્ર થયો એ અરસામાં કચ્છ સહિતના ઘણા રાજવીઓએ એક ‘સ્ટૅન્ડ સ્ટીલ ઍગ્રીમેન્ટ’ ભારત સરકાર સાથે કરીને ત્રણ ખાતાં વિશે કાયદા ઘડવાની સત્તા ભારતની સંસદને આપી હતી એમાં સંરક્ષણ, વિદેશો સાથેના સંબંધો અને રેલવે ઉપરાંત સંદેશવહેવારનો સમાવેશ હતો. એ ઉપરાંત એક ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન’ ઘડવામાં આવ્યું હતું. કચ્છના એ વખતના રાજવી વિજયરાજજી ઉર્ફે માધુભાએ એમાં સહી કરી હતી. પ્રજાને સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર આપતાં તેઓ અચકાયા હતા, પરંતુ પ્રજાની જાગૃતિ અને અદમ્ય ઉત્સાહ સામે તેમનું ટકવું મુશ્કેલ હતું.
૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારતનો ત્રિરંગો ધ્વજ કચ્છમાં પણ ફરક્યો, પરંતુ એ વખતે મહારાઓ શ્રી વિજયસિંહજી કચ્છ બહાર હતા. તેમના કુંવર શ્રી હિંમતસિંહજીએ ભારત અને કચ્છના બન્ને ધ્વજ લહેરાવ્યા હતા. ૧૯૪૮ની ૧૫ ફેબ્રુઆરીએ પ્રજાકીય પરિષદના પ્રમુખ ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયાની નેતાગીરી હેઠળ સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર માટે રાજાને ‘અલ્ટિમેટમ’ આપવામાં આવ્યું અને મહારાઓ સામે સત્યાગ્રહના શ્રીગણેશ મંડાયા હતા. પ્રજાએ કાનૂનભંગની લડત પણ શરૂ કરી, પરંતુ એ જ અરસામાં વિજયરાજજીનું અવસાન થતાં લોકઆંદોલન સ્થગિત કરવામાં આવ્યું.
૧૯૪૮ની ૨૫ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું અને મદનસિંહજી ગાદી પર આવ્યા. પરિષદે ફરી સત્યાગ્રહ શરૂ કર્યો અને મહારાઓએ સંપૂર્ણ જવાબદાર તંત્ર કચ્છને આપવાની જાહેરાત કરી હતી. કચ્છની પ્રજાકીય પરિષદનું એક પ્રતિનિધિમંડળ સરદાર પટેલ સાથે ચર્ચા કરવા દિલ્હી ગયું જ્યાં મહારાઓ શ્રી મદનસિંહજીને પણ હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સરદાર પટેલ સાથે તેમની અને પરિષદના નેતાઓની મંત્રણાઓ થઈ અને ૧૯૪૮ની ૪ મેએ મહારાઓ શ્રી મદનસિંહજીએ હિન્દી સંઘમાં જોડાણખત (મર્જર ઍગ્રીમેન્ટ) કર્યું અને એમાં પોતાની સહી કરીને સંપૂર્ણ જવાબદાર તંત્રથી વિશેષ સંપૂર્ણ પ્રજાકીય તંત્રની સિદ્ધિ હાસિલ કરી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK