Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેવી રીતે બેસો છો તમે સ્માર્ટફોનમાં ગેમ રમતી વખતે?

કેવી રીતે બેસો છો તમે સ્માર્ટફોનમાં ગેમ રમતી વખતે?

25 March, 2019 11:31 AM IST |
સેજલ પટેલ

કેવી રીતે બેસો છો તમે સ્માર્ટફોનમાં ગેમ રમતી વખતે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે દિવસમાં કેટલા કલાક બેઠેલી સ્થિતિમાં હો છો?

આ સવાલ બાબતે આપણે બહુ સભાન નથી. મોટા ભાગના લોકોની કાર્યશૈલી બેઠાડુ જ છે એટલે દિવસના ઓછામાં ઓછા છથી સાત કલાક ખુરસી કે જમીન પર બેસવાનું થાય છે. એકાદ કલાક જમવા માટે બેસવાનું અને એક-બે કલાક ટીવીની સામે ચીપકી જવાનું. અંદાજે આઠથી બાર કલાક જેટલો ગાળો આપણે બેઠેલી અવસ્થામાં કાઢીએ છીએ. બેસવાથી હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ, ઓબેસિટી અને કૉલેસ્ટરોલ જેવા લાઇફસ્ટાઇલ રોગો આવે છે એ વિશે તો આપણે અનેક વાર સાંભળ્યું છે; પણ બેસી રહેવાની આપણી આદત આપણાં હાડકાં અને ખાસ તો કરોડને કટાવી નાખે છે. અમેરિકન અભ્યાસકર્તાઓએ ભારત સહિતના પાંચ વિકાસશીલ દેશોના ૭,૨૦,૪૨૫ લોકોનો છેલ્લાં ૧૧ વર્ષના ગાળામાં બેસવાનો રેકૉર્ડ તપાસીને નોંધ્યું હતું કે ૨૫.૫ ટકા ભારતીયો દિવસના દસ કલાક બેઠેલા રહે છે. પ્રોફેશનલ્સની જીવનશૈલી તો એથીયે વધુ બેઠાડુ છે. જ્યારે આ પ્રોફેશનલ્સમાં ગરદન, પીઠ અને કમરનો દુખાવો થાય છે એ સમજવાનો પ્રયત્ન થયો ત્યારે ખબર પડી કે મોટા ભાગના લોકોની બેસવાની સ્થિતિ પણ સાચી નથી.



પહેલાંની સરખામણીએ હવે બેસવાનાં કારણોમાં પણ બદલાવ આવ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં બેસવાના સમયમાં વધારો થયો છે એનું કારણ છે સ્માર્ટફોન અને સોશ્યલ મીડિયા. ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતમાં સ્માર્ટફોન પર ઇન્ટરનેટ યુઝ કરનારા લોકોની સંખ્યા ૬૨.૭૦ કરોડની થઈ ગઈ છે જે લોકો ઍવરેજ અઢી કલાક જેટલો સમય સ્માર્ટફોનમાં ગાળે છે. ટેબલ પર બેસીને આઠ કલાકની જૉબ કરતા લોકો ઉપરાંત હવે ઇન્ટરનેટ યુઝર્સ, સોશ્યલ મીડિયાપ્રેમીઓ અને ગેમરસિયાઓ પણ કલાકો સુધી સ્માર્ટફોનમાં મોં ઘાલીને બેસતા થઈ ગયા છે જેને કારણે ગરદન અને લોઅર બૅકમાં સ્પૉન્ડિલોસિસની સમસ્યા પેદા કરે છે એ અભ્યાસોમાં પણ પુરવાર થઈ રહ્યું છે.


ખરાબ પૉસ્ચર જોખમી

આપણા શરીરને માળખું બક્ષતા કંકાલતંત્રને લચીલું બનાવવા માટે કંકાલના માળખાની ફરતે સ્નાયુઓ આવેલા છે. આ સ્નાયુઓના હલનચલન દ્વારા આપણે ઊઠવા-બેસવા-ચાલવા-દોડવા-સૂવા જેવી ઍક્ટિવિટી કરી શકીએ છીએ. હાથ-પગ અને પેટ-પીઠના સ્નાયુઓ જેટલા મજબૂત અને ફ્લેક્સિબલ એટલી આપણી મૂવમેન્ટ સરળ બને છે. આખા શરીરને સ્થિર અને સંતુલિત બે પગે ઊભું રાખવામાં કરોડના ૩૩ મણકાની ગોઠવણ બહુ જ મહત્વની છે. વિવિધ પ્રકારની બેસવાની ઢબથી સ્પાઇનમાં કેવાં પરિવર્તનો અને પ્રેશર આવે છે એનો ઝીણવટભર્યો અભ્યાસ કરનારા અમેરિકાના સેડર્સ-સિનાઇ મેડિકલ સેન્ટરના સ્પાઇનલ ન્યુરોસર્જ્યન ડૉ. ટોડ લૅનમૅન અને ઑર્થોપેડિક સ્પાઇન સર્જ્યન ડૉ. જેસન ક્યુલરની બેલડીએ સ્પાઇનલ હેલ્થ જર્નલમાં લખ્યું છે કે ‘સ્પાઇનના ૮૦ ટકા રોગોનું મૂળ આપણી બેસવાની સ્ટાઇલમાં છુપાયેલું છે. યંગસ્ટર્સમાં ડિસ્ક-હર્નિયા અને મણકા ખસી જવાની સમસ્યા જોવા મળે છે એનું કારણ છે લાંબો સમય ખોટી રીતે બેસવાની આદત. એમાંય ખાસ કરીને ગરદન અને અપર બૅકના પેઇન માટે સ્માર્ટફોનનો લાંબા કલાકોનો ઉપયોગ સંકળાયેલો છે. તમારી વય કોઈ પણ હોય, રોજના બે કલાકથી વધુ સમય મોબાઇલ વાપરવાની આદત હોય તો એ સ્પાઇનને આડઅસર કરે જ છે. આજે આઠ વર્ષનાં બાળકો જો બે કલાક આડાંઅવળાં અને વાંકાંચૂકાં બેસીને સ્માર્ટફોન વાપરતાં હોય તો ૨૮ વર્ષની વયે તેમને સ્પાઇનની સર્જરી કરાવવાની નોબત આવી શકે છે.’


આગળ ઢળીને બેસવું

ખરાબ પૉસ્ચરમાં સૌથી જોખમી છે આગળની તરફ ઢળીને બેસવું. તમે જોયું હોય તો જ્યારે આપણા હાથમાં સ્માર્ટફોન હોય છે ત્યારે સ્વાભાવિકપણે આપણી ગરદન નીચે ઝૂકેલી હોય છે. આટલી નાનીઅમથી બાબતથી કરોડના મણકા પર ખૂબ જ ભાર આવે છે. ડૉ. જેસન ક્યુલર અને ડૉ. ટોડ લૅનમૅને કરેલા અભ્યાસમાં નોંધાયું છે કે જ્યારે તમે ગરદન આગળ તરફ ઝુકાવો છો ત્યારે સ્પાઇનને તમારા માથાનો ભાર પાંચગણો વધુ ફીલ થાય છે. જરાક સમજીએ એવું કઈ રીતે થાય. માણસનું શરીર બે પગે વર્ટિકલ પોઝિશનમાં ચાલવા માટે બન્યું છે. જ્યારે આપણે કરોડ સીધી અને માથું પણ સીધું રાખીને સામે જોઈએ છીએ ત્યારે સ્પાઇન અને ગરદનના સ્નાયુઓને માથાનું વજન લગભગ સાડાચારથી પાંચ કિલો જેટલું વર્તાય છે. તમે જેવું માથું ૧૫ ડિગ્રી આગળની તરફ ઝુકાવો કે એનું વજન દસથી બાર કિલો જેટલું ફીલ થવા લાગે છે અને જ્યારે માથું ૬૦ ડિગ્રી જેટલું આગળની તરફ ઝુકાવીએ છીએ ત્યારે અમુક સમય પછી સ્પાઇનને એનું વજન બાવીસથી પચીસ કિલો જેટલું વર્તાય છે. હકીકતમાં માથાનું વજન જેટલું છે એટલું જ હોય છે, પણ એને સ્થિર અને ઊંચું રાખવા માટે સ્પાઇન અને એની સાથે સંકળાયેલા સ્નાયુઓને જે કામ કરવું પડે છે એ વધી જાય છે. આ વાતને વધુ વિગતે સમજાવતાં સ્પાઇન સર્જ્યન ડૉ. ગૌતમ ઝવેરી કહે છે, ‘બાળકો હોય કે ઍડલ્ટ્સ, જ્યારે તમે કોઈ કામમાં બહુ ખૂંપી ગયા હો ત્યારે તમને પોતાને ખબર નથી રહેતી કે તમારું શરીર એક જ પોઝિશનમાં કડક થઈ ગયું છે. ગેમ રમવામાં કે ચૅટિંગ કરવામાં જ્યારે કિશોરો અને યંગસ્ટર્સ તલ્લીન થઈ ગયેલા હોય છે ત્યારે તેમની સ્પાઇન કદી સીધી નથી હોતી. માથું બહુ ઝૂકી ગયેલું હોય છે અને કાઉચ પર કે સોફા પર લાંબા થઈને બેસવાને કારણે સ્પાઇન અંગ્રેજીના સી આકારમાં વળી ગયેલી હોય છે. એટલે જ આજકાલના કિશોરોમાં પણ બૅકપેઇનની સમસ્યા જોવા મળે છે.’

આપણે બાળકોની ભારેખમ સ્કૂલબૅગને જ તેમના ખરાબ પૉસ્ચર માટે બલિનો બકરો માનીએ છીએ, પરંતુ સ્કૂલબૅગ સિવાય પણ બાળકો કમરની કાળજી નથી રાખતાં. કોઈ પણ એજની વ્યક્તિએ સ્પાઇનને સાચવવી જ જોઈએ, પરંતુ બાળકો માટે એ વધુ અગત્યનું છે એમ જણાતાં ડૉ. ગૌતમ ઝવેરી કહે છે, ‘જ્યાં સુધી બાળકોની હાઇટ વધી રહી હોય છે ત્યાં સુધી તેમની સ્પાઇન બહુ નાજુક અવસ્થામાં હોય છે. એના પર સારી આદતોની પણ ઝટ અસર થાય છે અને ખરાબ આદતોની પણ. એટલે બાળપણથી જ ખૂંધ કાઢીને બેસવાનું, માથું આગળ ઝુકાવી દેવાનું, એક જ અવસ્થામાં લાંબા કલાકો હલ્યા વિના સ્થિર બેસી રહેવાનું જેવી આદતો તેમને નાની ઉંમરે સ્પાઇનના દરદી બનાવી દઈ શકે છે.’

આ પણ વાંચો : દૂષિત પાણીને કારણે વર્ષે ૩૪ લાખ લોકો મરે છે

સ્પાઇન માટે ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ

સ્માર્ટફોનમાં ગેમિંગ અને ચૅટિંગમાં બને એટલો ઓછો સમય ગાળવો. સતત અડધો-પોણો કલાક સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું ઠીક નથી.

ગેમ રમતા હો ત્યારે કમ્પ્યુટર, ટૅબ્લેટ કે સ્માર્ટફોનની સ્ક્રીન એવા સ્તરે રાખવી જેથી માથું સીધું રાખી શકાય, ખભા તંગ ન હોય અને હાથની કોણીઓ ચૅર કે ટેબલ પર આરામથી મૂકી શકાય એવી હોય.

પીઠ પાછળ હંમેશાં ટેકો મળે અને છતાં સ્પાઇન સીધી રહે એ રીતે ટટ્ટાર બેસવું. ટેકો દેવા માટે પાછળ ઢળી પડવું યોગ્ય નથી.

પથારીમાં સૂતાં-સૂતાં, સૉફ્ટ કાઉચ પર આમતેમ ટૂંટિયું વાળીને ગેમ રમવાનું, વાંચવાનું, સંગીત સાંભળવાનું કે એવી કોઈ જ ઍક્ટિવિટી ન કરવી.

સ્માર્ટફોનમાં મેસેજ ટાઇપ કરતી વખતે પણ માથું નીચું કરવાને બદલે હાથને ઊંચા કરીને સ્ક્રીનને આંખની સામે લાવીને જોવાથી સ્પાઇનને ઓછી તકલીફ થશે.

દર એક-દોઢ કલાકે હાથ અને ગરદનની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી અને પાંચેક મિનિટનો બ્રેક લઈને નાની વૉક લેવી.

લાંબા કલાકો બેસવાનું થાય ત્યારે ગરદનને ટટ્ટાર રાખીને આગળ કે પાછળ બૅન્ડ કરવાની કસરત નિયમિતપણે કરવી.

બેસતાં-ઊઠતાં આગળની તરફ ઝૂકેલું પૉસ્ચર ન રહે એ માટે રોજ દિવસમાં પાંચથી દસ મિનિટ ભીંતને અડીને બેસવું. એમાં માથું અને બમ્સ બન્ને ભીંતને અડે એ રીતે ટટ્ટાર બેસવું.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 11:31 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK