Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બહુ એક્સરસાઇઝ કર્યા છતાં વજન ઊતરતું જ નથી?

બહુ એક્સરસાઇઝ કર્યા છતાં વજન ઊતરતું જ નથી?

29 May, 2019 11:56 AM IST |
સેજલ પટેલ

બહુ એક્સરસાઇઝ કર્યા છતાં વજન ઊતરતું જ નથી?

વર્કઆઉટ

વર્કઆઉટ


તમારી પણ આ જ સમસ્યા હોય તો સમજી લો કે ક્યાંક ભૂલ થાય છે. લાંબું જીવવું હોય, સ્વસ્થ રહેવું હોય કે ઈવન વજન ઘટાડવું હોય તો કસરત કરવી આવશ્યક છે, પરંતુ એ યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં થવી જરૂરી છે, નહીંતર વધુપડતી એક્સરસાઇઝની આડઅસરોને કારણે વજન વધે છે અને શરીરના વાઇટલ અવયવોને નુકસાન થઈ શકે છે.

વધેલું વજન આજકાલ સૌનો માથાનો દુખાવો બની ગયું છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ પણ ઓબેસિટીના ભરડામાં છે. વેઇટ-લૉસ માટે જાતજાતનાં ગતકડાં ચલણમાં છે. ઇન્ટરમિટન્ટ ડાયટ, ક્રૅશ ડાયટ, કીટો ડાયટ, ઍટ્ક‌િન્સ ડાયટ, ઝોન ડાયટ, રૉ ફૂડ ડાયટ એમ વિવિધ પ્રકારના ડાયટ-પ્લાનની યાદી એન્ડલેસ છે. હવે ડાયટની સાથે એક્સરસાઇઝનું મહત્ત્વ પણ સમજાવા લાગ્યું છે ત્યારથી વેઇટ-લૉસ માટે ડેસ્પરેટ લોકો એક્સરસાઇઝમાં પણ કોઈ કચાશ નથી રાખતા છતાં ઘણી વાર લોકોની ફરિયાદ રહે છે કે ખૂબ કસરત કરું છું પરંતુ વજન ઘટતું જ નથી. હાથ-પગ પરથી ચરબી ઊતરે છે, પણ પેટ પરનું ટાયર ઘટતું જ નથી. ચરબી ઘટવાનું તો ઠીક, ચહેરાનું નૂર અને વાળની ચમક સાવ ઘટી ગઈ છે. બહુ એક્સરસાઇઝ કરવા છતાં એનાં હેલ્થ-બેનિફિટ્સ નથી મળતાં એનું કારણ શું? આ વિશે સમજાવતાં જુહુના ફિટનેસ એક્સપર્ટ-કમ-ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આવું બધું થાય ત્યારે સમજી લેવાનું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. ખૂબ કસરત કર્યા પછીયે ફાયદો ન થતો હોય ત્યારે મોટા ભાગે પેશન્ટ્સને ખબર નથી પડતી કે કેટલી, કેવી અને ક્યારે એક્સરસાઇઝ કરવી જોઈએ. અઠવાડિયામાં કેટલો સમય એક્સરસાઇઝમાં આપવો જરૂરી છે, કઈ એક્સરસાઇઝથી શરૂ કરવું અને મેઇન તો ક્યારે સ્ટૉપ કરવું એ વિશે સભાનતા નથી હોતી.’



અતિરેકની તકલીફો


વેઇટ-લૉસની લાયમાં ઘણા લોકો અતિવિચિત્ર ભૂલ કરી બેસે છે એ છે ઓવર એક્સરસાઇઝિંગ. આપણને લાગે છે કે કસરત તો બહુ સારી. એનાથી બૉડી મજબૂત થાય, પણ જ્યારે એક્સરસાઇઝમાં અતિ થઈ જાય છે ત્યારે એ જબરદસ્ત નુકસાન પણ કરી શકે છે. આવું ત્યારે થાય જ્યારે લોકો એક્સરસાઇઝ કરતી વખતે ઓવર મોટિવેટેડ થઈ જાય એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘કેટલાક લોકો એક વાર કસરત શરૂ કરે એ પછીથી મચી જ પડે છે. ઓવર એક્સરસાઇઝિંગથી બૉડી થાકી જાય છે. તમારું શરીર હજી ભારે કસરતો માટે તૈયાર ન હોય અને તમે વિલપાવર વાપરીને કસરત કરવાની શરૂ કરી દો તો એનાથી એનર્જી ડ્રૉપ થાય. તમે બૉડીને સંભાળ્યા વિના જ એના પર એક્સરસાઇઝનો લોડ આપ્યા કરો તો કલાકો વર્કઆઉટ કર્યા પછી પણ તમારો પર્ફોર્મન્સ ઘટી જાય છે. તમે બૉડીને કસરતમાં ઢસડ્યે રાખો છો પણ એનાથી ચરબી બર્ન નથી થતી. એનાથી મસલ્સ વધુ તૂટે છે. એનાથી જૉઇન્ટ્સને નુકસાન થાય છે. જો કોઈ ૧૦૦ કિલોની વ્યક્તિ એક-બે કલાક બ્રિસ્ક-વૉક કરવા મંડી પડે તો તેના પગના મસલ્સ જવાબ દઈ જ દે અને ઘૂંટણના જૉઇન્ટ્સમાં ઘસારો વધી જાય. લિમિટ કરતાં વધુ કસરત કરી લેવાથી મસલ્સમાં પેઇન અને ક્રૅમ્પ્સ વધી જાય છે એની અસર ઊંઘ પર પડે છે. તમે પડખાં ઘસ્યા કરો પણ ઊંઘ ન આવે. બીજું, તમને ખબર નથી કે બોન ડેન્સિટી કેટલી છે અને એમ જ વેઇટ ટ્રેઇનિંગમાં સહનશક્તિની હદ વટાવ્યા કરો તો હાડકાંને નુકસાન જ થશે. વેઇટ ટ્રેઇનિંગ કરતા હો કે અન્ય કોઈ પણ એક્સરસાઇઝ; તમારું બૉડી કેવું છે, એની ક્ષમતા શું છે, તમારો ફિટનેસ-ગોલ શું છે, એની સાથે મૅચ થાય એવી ડાયટ છે કે નહીં એ બધું જ ધ્યાનમાં લેવું પડે. જે મસલ્સને તમે કસરત આપો છો એને પૂરતો આરામ આપવો પણ એટલો જ જરૂરી છે.’

ઓવર એક્સરસાઇઝિંગની આડઅસર


દિલ પર જોરઃ જ્યારે ઓવર એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે અવારનવાર હાર્ટ રિધમ અનિયમિત થઈ જાય. શરીરમાં બધે જ લોહી પહોંચાડવા માટે હાર્ટ પર વધુ લોડ આવે છે. હાર્ટને બહુ ફાસ્ટ કામ કરવું પડતું હોવાથી હાર્ટ-રેટ અને પલ્સ-રેટ વધે છે અને આર્ટરીઝ પહોળી થઈ જાય. હાર્ટના મસલ્સ પણ ઓવર એક્સરસાઇઝને કારણે થાકી જાય અને હાર્ટની આજુબાજુની વૉલ પાતળી થાય છે. આમ તો આપણે હાર્ટને ફાયદો થાય એ માટે કસરત કરીએ છીએ, પણ જ્યારે લિમિટ પાર થઈ જાય ત્યારે હૃદયની કાર્યક્ષમતામાં ઓટ આવવા લાગે.

કિડની પર લોડઃ જ્યારે વધુ કસરત કરીએ છીએ ત્યારે ફૅટ સેલ્સ બર્ન નથી થતા પણ મસલ્સ તૂટવા લાગે છે. મસલ્સ પ્રોટીનમાંથી બનેલા હોય છે એટલે એ તૂટવાથી પ્રોટીન્સ લોહીમાં ભળે છે. એ લોહી કિડનીમાં જઈને ફિલ્ટર થાય છે. કિડનીને જેટલું વધારે પ્રોટીન ફિલ્ટર કરવું પડે છે એટલું એને ડૅમેજ થવાની સંભાવના વધી જાય છે. કિડની પર બ્લડ ફિલ્ટરેશનનો લોડ વધી જવાને કારણે કિડની ફેલ્યર, કિડની સ્ટોન,‌ ફિલ્ટરેશન એરર થવાની સંભાવના વધી જાય છે.

આંતરડાંની કામગીરીમાં ઓટઃ જ્યારે તમે થાકી જાઓ એ હદે કસરત કર્યે રાખો તો શું થાય? તમારા હાર્ટ અને બ્રેઇનને ઑક્સિજનયુક્ત લોહીની વધુ જરૂર પડે. હાથ-પગ ચલાવતા રહેવા માટે મસલ્સને પણ વધુ લોહીની જરૂર પડે છે. એવા સમયે આપમેળે પેટના અવયવોને પહોંચતા લોહીમાં ઓટ આવવા લાગે છે. ખાવાનું પચાવવા માટે આંતરડાંને પૂરતી બ્લડ-સપ્લાય ન મળે એને કારણે ગૅસ, ઍસિડિટી, રિફ્લૅક્સ, કબજિયાત, અરુચિ જેવી તકલીફો થવા લાગે છે. ખૂબ કસરત કરવા છતાં પાચન બગડે છે. ડાયજેશન બગડવાથી ખોરાકમાંનાં પોષક તત્ત્વો શોષાવાની પ્રક્રિયા પણ બગડે છે. આંતરડાંની લાઇનિંગ પાતળી થતી જાય છે એને કારણે વાઇરસ અને બૅક્ટેરિયા તથા જર્મ્સ આંતરડાંમાં એન્ટ્રી મારવા લાગે છે.

હૉર્મોનલ હલચલઃ તમે સ્ટ્રેસ ફીલ કરો ત્યારે બૉડીમાં કૉર્ટિસોલ હૉર્મોન્સ ઝરે છે જે શરીરના બીજા તમામ અંતઃસ્ત્રાવોને માઠી અસર કરે છે. ઓવર એક્સરસાઇઝ કરવાથી પણ બૉડીમાં કુદરતી રીતે જ સ્ટ્રેસફુલ સ્થિતિ નિર્માણ થાય છે. આ જ કૉર્ટિસોલને કારણે લિવરમાંથી રિલીઝ કરેલી શુગર શરીર વાપરી નથી શકતું. એને કારણે બ્લડમાં શુગર પડી રહે છે અને તમને શુગરનું ક્રેવિંગ થાય છે. પેટ પર ચરબી વધતી હોવાથી ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટે છે અને એ લોહીમાં જ પડ્યું રહે છે અને લાંબા ગાળે ડાયાબિટીઝ થાય છે. પેટમાં ચરબી ભરાય છે એને કારણે પિરિયડ્સ અનિયમિત થાય છે. ટૂંકમાં હૉર્મોનલ અસંતુલનનું એવું વિષચક્ર શરૂ થાય છે જે ઇન્સ્યુલિન, થાઇરૉઇડ, ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એમ મુખ્ય કામગીરી સંભાળતા તમામ અંતઃસ્રાવોમાં ગરબડ પેદા કરે છે અને સ્ત્રીઓમાં પૉલિસિસ્ટમ ઓવેરિયન સિન્ડ્રૉમનાં લક્ષણો દેખાય છે.

ઇમ્યુન સિસ્ટમઃ કસરત પછી મસલ્સ રિપેર કરવામાં વધુ એનર્જી વપરાય છે જેને કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે. શરદી-કફ અને વાઇરલ ઇન્ફેક્શનની સંભાવના વધી જાય છે. ઓવર એક્સરસાઇઝ કરવાથી મસલ્સ તૂટે છે પણ એની પૂર્તિ યોગ્ય રીતે નથી થતી. જો આવા સમયે પૂરતું પ્રોટીન ન લેવામાં આવે તો મસલ્સ વધુ વીક થાય છે અને જો વધુ લેવામાં આવે તો એ પણ નુકસાન કરે છે. તમે કેટલી એક્સરસાઇઝ કરી છે એ ઉપરથી શરીરની જરૂરિયાત મુજબનાં પોષક તત્ત્વો પૂરાં પડે એવો ડાયટ લેવો બહુ જરૂરી છે. વીકમાં અઢીથી પાંચ કલાકથી વધુ વર્કઆઉટ ન થવું જોઈએ, કેમ કે જે ડાયટ લો છો એનાથી મસલ્સને હીલ થવાનો પણ પૂરતો સમય મળે એ જરૂરી છે. વેઇટ ટ્રેઇન વીકમાં બેથી ત્રણ જ વાર કરવો.

- યો‌ગિતા ગોરડિયા, ફિટનેસ એક્સપર્ટ અને ડાયટિશ્યન

આ પણ વાંચો : શું ખરેખર માથાનો દુઃખાવો મટાડવામાં કૉફી બને છે મદદરૂપ?

એક્સરસાઇઝ-પ્લાન મસ્ટ

કસરત યોગ્ય રીતે થાય એ માટે શું ધ્યાન રાખવું જોઈએ એની ટિપ્સ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘એક વાત યાદ રાખવી જોઈએ કે સ્વસ્થ રહેવા માટે એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. એના વિના તમે વેઇટ-લૉસનો ગોલ અચીવ નથી કરી શકવાના, પરંતુ કસરત કરવામાં શાણપણ દાખવવું જરૂરી છે. જેમ ડાયટ-પ્લાન બનાવાય છે એમ એક્સરસાઇઝ-પ્લાન હોવો જોઈએ. તમારું બૉડી કૉમ્પોઝિશન, વેઇટ, ફિટનેસ ગોલ, હાલની ઓવરઑલ હેલ્થ, ક્યારથી કસરત શરૂ કરી છે, કેટલો લોડ લઈ શકો છો, વચ્ચે કેટલો આરામ આપી શકો એમ છો એ બધું જ ધ્યાનમાં લઈને તમારે એ પ્લાન બનાવવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2019 11:56 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK