Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નેપાલના ગુજિયામાંથી જન્મ્યા જામનગરના તીખા ઘૂઘરા

નેપાલના ગુજિયામાંથી જન્મ્યા જામનગરના તીખા ઘૂઘરા

15 August, 2019 02:19 PM IST | મુંબઈ ડેસ્ક
રશ્મિન શાહ

નેપાલના ગુજિયામાંથી જન્મ્યા જામનગરના તીખા ઘૂઘરા

ઘૂઘરા

ઘૂઘરા


ખૂશ્બુ ગુજરાત કી

બાંધણી, કાજલ અને ઘૂઘરા એ ત્રણ જામનગરની ઓળખ છે. બાંધણી જો લેવી હોય તો જામનગર જવાનું, આંખમાં આંજવા જો આંજળ જોઈતું હોય તો જામનગરથી મગાવવું અને જો તીખા ઘૂઘરા ખાવા હોય તો જામનગર જવું. વાત ખોટી પણ નથી. જામનગરના ઘૂઘરા આજે વર્લ્ડ-ફેમસ બની ગયા છે. જામનગરની ડ્રાયફ્રૂટ કચોરી દેશદુનિયામાં પહોંચતી હોય તો જામનગરના ઘૂઘરા દરરોજ જામનગરવાસીઓના પેટને શાતા આપવાનું કામ કરે છે. ઘૂઘરા ગુજરાતીઓ માટે નવા નથી, દિવાળીએ ગળ્યા ઘૂઘરા બનાવવાની પ્રથા વર્ષોથી ગુજરાતીઓ પાળે છે, પણ આ તીખા ઘૂઘરા દિવાળીએ નહીં, સાતેય દિવસ અને બારેમાસ મળે છે અને બીજી એની ખાસિયત એ છે કે એ તીખા છે. હા, એ પણ એટલું જ સાચું છે કે જામનગરના આ તીખા ઘૂઘરાનો જન્મ મીઠા ઘૂઘરામાંથી જ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર કિશોર પરમાર ઘૂઘરાનો ઇતિહાસ સમજાવતાં કહે છે કે આનો જન્મ કેવી રીતે થયો એના કોઈ ખાસ પુરાવા નથી, પણ દંતકથા એવી છે કે જામનગરના રાજવી જામ રણજિતસિંહજી ફરવા માટે નેપાલ ગયા ત્યારે તેમણે ત્યાં ગુજિયા ખાધા અને તેમને ગુજિયા ખૂબ ભાવ્યા.



આ ગુજિયા આમ આપણા મીઠા ઘૂઘરા જેવા જ હોય છે. ઘૂઘરામાં માવો, ડ્રાયફ્રૂટ્સ અને સાકર હોય અને એને ઘીમાં કડક થાય ત્યાં સુધી તળવામાં આવ્યા હોય, જ્યારે નેપાલના ગુજિયા ઘૂઘરા જેટલા કડક નથી હોતા, એ પ્રમાણમાં સૉફ્ટ હોય છે. મહારાજાએ પાછા આવીને મહેલમાં ગુજિયા બનાવવાનું શરૂ કરાવ્યું અને ગુજિયા આપણે ત્યાં બનતા થયા, પણ સમય જતાં મહારાજાને ગુજિયા ભાવતા બંધ થયા એટલે રાજવી રસોઈયાએ ગુજિયાના આકારને પકડી રાખીને એક દિવસ મગની દાળના પૂરણ સાથે ઘૂઘરા બનાવ્યા, જે મહારાજાને ભાવ્યા એટલે મહારાજાએ આ મગની દાળવાળા ઘૂઘરાની રેસિપી સત્તાવાર રીતે રાજ્યમાં જાહેર કરાવી. આ વાતને લગભગ એક સદી થઈ ગઈ. સમય જતાં દેશ આઝાદ થયો એટલે મગની દાળના આ ઘૂઘરા રસ્તા પર આવ્યા. બહાર ઘૂઘરા વેચવાની શરૂઆત જામનગરમાં જો કોઈએ કરી હોય તો એ છે જામનગરના ચાંદીબજારમાં આવેલા ‘દિલીપ ઘૂઘરાવાળા’ના માલિક દિલીપભાઈ ઠક્કરે. દિલીપભાઈ હવે નિવૃત્ત છે અને તેમનાં સંતાનો હવે આ પેઢી ચલાવે છે. દિલીપભાઈએ પચાસેક વર્ષ પહેલાં થાળામાં મગની દાળના ઘૂઘરા વેચવાનું શરૂ કર્યું. સ્કૂલ અને કૉલેજમાં રિસેસ પડે ત્યારે તે ત્યાં ઘૂઘરા વેચવા પહોંચી જાય. દિલીપભાઈ કહે છે, ‘એ સમયે એક રૂપિયામાં ૧૦ ઘૂઘરા વેચતો. ૧૦ પૈસાનો એક ઘૂઘરો. એ સમયે ઘરઘરાવ ઘૂઘરા બનતા પણ બહાર ઘૂઘરા વેચવાનું કામ કોઈ કરતું નહીં. છોકરાંવ રાહ જુએ ઘૂઘરાની અને દિવસના લગભગ ૫૦૦ જેટલા ઘૂઘરા વેચાઈ જાય.’


એ સમયે દિલીપભાઈના ઘૂઘરા મગની દાળમાં બનતા અને દિલીપભાઈ મગની દાળના આ ઘૂઘરા સાથે ચટણી લિમિટેડ આપતા અને લોકોની ડિમાન્ડ ચટણી માટે વધારે રહેતી. એનું કારણ પણ હતું. મગની દાળના ઘૂઘરા ગળા નીચે લુખ્ખા ઉતારવામાં થોડી તકલીફ કરતા. દિલીપભાઈએ જ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને તેમણે પ્રયોગ તરીકે મગની દાળને બદલે ઘૂઘરામાં બટેટા-વટાણા અને કોથમીરનું પૂરણ ભરવાનું શરૂ કરી એ ઘૂઘરા લોકોને ખવડાવ્યા.

એ ઘડી ને આજનો દિવસ.
બટાટાના પૂરણવાળા એ ઘૂઘરા એવા તો ફેમસ થઈ ગયા કે આજે જામનગરમાં ૨૦૦૦થી વધુ જગ્યાએ ઘૂઘરા વેચાય છે. નવા ઘૂઘરાને જન્મ આપનારા ‘દિલીપ ઘૂઘરાવાળા’ના ઘૂઘરાએ આજે પણ રજવાડી ટેસ્ટ જાળવી રાખ્યો છે. આજે ઘૂઘરા જામનગરની સીમા છોડીને આખા સૌરાષ્ટ્રમાં મળતા થયા છે, જેમાં બધાએ પોતપોતાની રીતે ઘૂઘરા પર મસાલા શિંગ કે ઝીણી સેવ જેવા ટૉપિંગ નાખવાનું શરૂ કર્યું, પણ દિલીપભાઈના ઘૂઘરામાં આજની તારીખે પણ ત્રણ ચટણી સિવાય ચોથી કોઈ આઇટમ ઉમેરવામાં આવતી નથી. ગરમાગરમ ઘૂઘરા પર સૌથી પહેલાં પડે કોથમીર અને લીલા મરચાંની લીલી ચટણી, એ પછી લસણ અને સૂકાં લાલ મરચાંની તાળવે ચટાકો બોલાવી દે એવી તીખી ચટણી અને ત્રીજી, આંબલી-ખજૂરની ચટણી. ‘દિલીપ ઘૂઘરાવાળા’ના કૃષ્ણકાંતભાઈ કહે છે, ‘દરેક વસ્તુ એના મૂળ સ્વરૂપે જ ખાવી જોઈએ. અમે કાંદા પણ નથી નાખી આપતા, લોકો માગે તો રિક્વેસ્ટ કરીને કહીએ કે આ આમ જ ટેસ્ટ કરો, તમને મજા આવશે. ટેસ્ટ કર્યા પછી લોકો પણ કહે છે કે અમારી વાત સાચી છે.’


‘દિલીપ ઘૂઘરાવાળા’ના ઘૂઘરાની એક ખાસિયત એ પણ છે કે એને ધીમા તાપે કડક કરવામાં આવે છે, જેને લીધે ઘૂઘરાનું પડ બિસ્કિટ જેવું ક્રિસ્પી બને છે અને અંદરનું પૂરણ પણ તળાઈ જાય છે. ‘દિલીપ ઘૂઘરાવાળા’ના ઘૂઘરાના પૂરણમાં પણ તમને તેલની સુગંધ આવે. ધીમા તાપે તળાયેલા ઘૂઘરાને કારણે તેલ છેક અંદર સુધી પહોંચે છે અને પૂરણને પણ જાણે તેલની છાંટ મારવામાં આવી હોય એવો સ્વાદ બને છે. ઘૂઘરાની સાથોસાથ એની ચટણીની પણ એક ખાસિયત છે. ચટણી રોજબરોજની સામગ્રીમાંથી જ બનાવવામાં આવે છે એટલે કે દરરોજ સવારે પાંચ વાગ્યે માર્કેટમાં જઈને લીલાં મરચાં, લાલ મરચાં, કોથમીરથી માંડીને બધું ખરીદવાનું અને એ પછી એની ચટણી બનાવવાની. કૃષ્ણકાંતભાઈ કહે છે, ‘ફ્રેશ મટીરિયલ્સના સ્વાદમાં ફરક હોય છે. અમારે ત્યાં સ્ટારેજ કરવાની મનાઈ છે. દરરોજ રાતે આમ તો માલ વધે જ નહીં, પણ માનો કે કોઈક કારણસર વધે તો એ રાતે જ આજુબાજુમાં ખવડાવી દેવામાં આવે.’

જામનગરમાં દિલીપભાઈની જેમ જ બાબુના ઘૂઘરા પણ વખણાય છે. પંચેશ્વર ચોકમાં ઊભા રહેતા બાબુભાઈને ત્યાં ઘૂઘરા આઠ વાગ્યા પછી મળતા નથી, એટલે જો તમારે ખાવા હોય તો વહેલા જવું પડે અને જો સવારના સમયે ઘૂઘરા ખાવાનું મન થાય તો રણજિતસાગર તળાવની પાળે મા’રાજના ઘૂઘરા ખાવા જવાનું. મા’રાજના ઘૂઘરાની ખાસિયત એ છે કે એ ઘૂઘરા પાંચ વર્ષના બાળકથી પંચોતેર વર્ષના વડીલ ખાઈ શકે એવા સૉફ્ટ હોય છે. આ ઘૂઘરામાં ગાર્નિશ કરવા માટે શિંગ અને સેવનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘૂઘરાની એક ખાસિયત એ પણ છે કે એ આખી પ્લેટ તૈયાર થઈ ગયા પછી એના પર જરા નિમક છાંટવામાં આવે છે. આ સિસ્ટમ પણ જામનગરના દિલીપભાઈએ શરૂ કરી હતી. દિલીપભાઈ કહે છે, ‘અકસ્માતે આ રીત શરૂ થઈ. એક વખત કોઈકને ઘૂઘરામાં નિમક ઓછું લાગ્યું એટલે તેણે ઉપર નિમક છાંટ્યું, જેનાથી ટેસ્ટમાં ચટાકો ઉમેરાયો એટલે પછી ઘૂઘરાની પ્લેટ પર જ આછુંસરખું નિમક છાંટવાનું શરૂ કર્યું.’
જામનગરમાં ૧૫થી ૨૫ રૂપિયાની ઘૂઘરાની પ્લેટ મળે છે.

રાજકોટ પણ ઘૂઘરાનું બન્યું ગઢ
જામનગરમાં શરૂ થયેલા ઘૂઘરાનું ગઢ હવે રાજકોટ પણ બની ગયું છે. રાજકોટમાં ઓછામાં ઓછી ૫૦૦ જગ્યાએ ઘૂઘરા મળતા થઈ ગયા છે, જેમાં સર્કિટ હાઉસ ચોક, સદર બજાર, લીમડા ચોક, સર્વેશ્વર ચોક તો ઘૂઘરાનું ઘર કહેવાય. આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૮થી ૧૦ ઘૂઘરા વેચનારાઓ હોય છે. જોકે આ બધામાં રાજકોટમાં ઈશ્વરના ઘૂઘરા અને અનામના ઘૂઘરા ખૂબ પૉપ્યુલર છે. કોઠારિયાના નાકે મળતા ઈશ્વરભાઈના ઘૂઘરા ખાવા માટે બપોર પછી રીતસર લાંબી લાઇન લાગે છે, તો પેડક રોડ પર મળતા અનામના ઘૂઘરા દિવસઆખો મળતા રહે છે. ઈશ્વરભાઈ અને અનામના ઘૂઘરાની સાઇઝ ઑલમોસ્ટ ભૂંગળું કરેલી એક રોટલી જેવડી હોય છે, જેમાં પૂરણ પણ પ્રેમથી ભરવામાં આવ્યું હોય છે. ઈશ્વરભાઈના ઘૂઘરાના પૂરણમાં બટાટા, વટાણા, કોથમીર ઉપરાંત લીલાં મરચાં અને આદું પણ નાખવામાં આવે છે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

જામનગર અને રાજકોટના ઘૂઘરા વચ્ચે જે ફરક છે એ જાણી લેવો જોઈએ. જામનગરના કોઈ પણ ઘૂઘરાવાળાને ત્યાં તમને છાશ ન મળે, પણ રાજકોટમાં મોટા ભાગના લોકો છાશ રાખે છે. બીજી ખાસિયત રાજકોટના તમામ ઘૂઘરાવાળાને લાગુ પડે છે. રાજકોટમાં જે મીઠી ચટણી હોય છે એ મીઠી ચટણી આંબલી-ગોળની નહીં, પણ એ ગોળ અને તપકીરની બનાવવામાં આવે છે, જેને લીધે એ જાડી લાય જેવી હોય છે. આ ચટણીની શરૂઆત સ્કૂલની બહાર ઘૂઘરા વેચનારાઓએ કરી હતી, જેથી બાળકોને એ સસ્તામાં ઘૂઘરા આપી શકે. ચટણીને કારણે જ ઘૂઘરા ખવાતા હોવાથી ધીમે-ધીમે આ તપકીર-ગોળની ચટણી ફેમસ થઈ અને બધા એ જ ચટણી રાખવા માંડ્યા. આ ચટણી તમને રાજકોટ સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે.
રાજકોટમાં ૧૦થી ૨૫ રૂપિયા સુધીની ઘૂઘરાની પ્લેટ મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 02:19 PM IST | મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK