વીક-એન્ડમાં ક્યાં ફરવા જવું એની મૂંઝવણ છે? લો આ 5 જગ્યાની મુલાકાત
વીકેન્ડ સ્પોટ
મુંબઈની આસપાસ ટૂંકી રજાઓ કે પિકનિક જેવું માણવું હોય તો લોનાવલા, માથેરાન અને મહાબળેશ્વર સિવાય પણ બીજી ઘણી જગ્યાઓ છે જે એક્સપ્લોર કરવા જેવી છે
૧. કામશેત
ADVERTISEMENT
મુંબઈથી જસ્ટ ૧૦૫ કિલોમીટર દૂર વીક-એન્ડ ટાઉન તરીકે ફેમસ લોનાવલા-ખંડાલાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું કામશેત પેરાગ્લાઇડ્ગિંનું મક્કા કહેવાય છે. અહીં પેરાગ્લાઇડિંગના ઘણા પોઇન્ટ્સ આવેલા છે. ઍડ્વેન્ચર-લવર્સને અહીં ઍડ્રિનાલિન રશ અનુભવવા મળે એવી થિþલિંગ ઍક્ટિવિટીઝ કરવાનો મોકો મળે એમ છે. પેરાગ્લાઇડિંગ ઉપરાંત ટ્રેકિંગ, બોટિંગ, રૉક-ક્લાઇમ્બિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ અહીં થઈ શકે છે. સૂર્યમુખીનાં ફૂલોથી ભરપૂર દૃશ્યો, માટીની કાચી ઝૂંપડીઓ અને ગામની નાનકડી માર્કેટ પણ અહીં મજાની છે. આ ઘાટની સાથે તમે ભૈરી કેવ્સ, ખોન્ડેશ્વર મંદિર, પાવના લેક અને શિંદેવાડી હિલ્સ જેવી જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો છો.
૨. કર્નાલા ફોર્ટ
જ્યાંથી તમે મુંબઈની કોસ્ટલાઇન અને સહ્યાદ્રિ# પર્વતમાળા બન્ને જોઈ શકાય એવી રેન્જ તમને કર્નાલા ફોર્ટ પર મળશે. આમ તો વરસાદી સીઝનમાં આ જગ્યાઓને એક્સપ્લોર કરવા જેવી છે. રેઇનફોરેન્ટ એરિયાથી ૪૫૦ મીટર ઊંચે કિલ્લા જેવું બાંધકામ હજીયે અકબંધ છે. વરસાદી વાતાવરણમાં આ ટ્રેક પર ચડવાનું બહુ મજાનું છે. કર્નાલા બર્ડ સેન્ક્ચુઅરીમાં લગભગ ૧૫૦થી વધુ પ્રકારનાં પંખીઓનો વાસ છે. મુંબઈના ટ્રાફિકની ટેંટેંપેંપેં સાંભળીને થાકેલા કાનને પંખીઓનો મીઠો કલરવ બહુ ગમશે. ભીનાં વૃક્ષોની વચ્ચે વરસાદને માણી રહેલાં પંખીઓને પ્રાકૃતિક વાતાવરણમાં મોજ કરતાં જોવાનો લહાવો તમને નવી ઊર્જાથી ભરી દેશે. પિકનિકની જેમ સવારે જઈને સાંજે પાછા ફરવું હોય તો આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. મુંબઈથી સવા-દોઢ કલાકના ડ્રાઇવમાં પહોંચી શકાય છે.
૩. કળસુબાઈ
વરસાદની સીઝનમાં ટ્રેકિંગની મજા માણનારાઓ માટે કળસુબાઈ ફેવરિટ પ્લેસ છે. વહેલી સવારના કુમળા તડકામાં વણખેડ્યા ટ્રેક પર ચડીને વાતાવરણમાં મીઠી ભીનાશ સાથે કુદરતનું નીરવ સંગીત માણતાં-માણતાં ૧૬૪૬ મીટરની ઊંચાઈ પર પહોંચવાનો અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મુંબઈ-નાશિક રોડ પર ભંડારદરાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા બારી ગામથીટ્રેકિંગની શરૂઆત કરી શકાય. આ ટ્રેક દરમ્યાન કળસુબાઈ હરિશ્ચંદ્રગડ વાઇલ્ડલાઇફ સેન્ક્ચુઅરી અને કળસુબાઈ મંદિરની મુલાકાત લેવાનું ન ભૂલવું. બાય રોડ કારમાં ન જવાનું હોય તો સૌથી નજીકનું રેલવે-સ્ટેશન કસારા છે. ત્યાંથી બારી ગામ પહોંચવા લોકલ વેહિકલ મળી જશે.
૪. પ્રબલગડ ફોર્ટ
પનવેલ અને માથેરાન વચ્ચે ૨૩૦૦ ફુટની ઊંચાઈએ વેસ્ટર્ન ઘાટી પર આવેલો પ્રબલગડ ટ્રેક્ગિંના શોખીનોમાં ફેવરિટ છે. ઊબડખાબડ અને ખડકાળ રસ્તેથી આ ફોર્ટ પર પહોંચી શકાય છે. જોકે એનું ચડાણ ખૂબ સીધું હોવાથી ડેન્જરસ પણ છે. અમુક લેવલ પર પહોંચી ગયા પછી કિલ્લા સુધી પહોંચવા માટે સ્ટેપ્સ પણ છે, પરંતુ એ પણ ખૂબ સીધું ચડાણ ધરાવતા હોવાથી જો તમે અનુભવી ટ્રેકર હો તો જ આ રસ્તે જવું હિતાવહ છે. શેડુંગ ગામથી ઉપર ચડતાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે. અહીં ચડાણ જેટલું કપરું છે એટલું જ ચડી ગયા પછીની મજા પણ બેવડી છે. વરસાદી વાતાવરણમાં તો અહીં તમે વાદળાંને સ્પર્શી શકો છો અને ફોર્ટના પિક પરથી આજુબાજુની હિલ્સ પણ નાની દેખાય છે. ફોર્ટની નજીકમાં જ આવેલી નદીઓમાં પગ પખાળવાનો મોકો પણ આ ટ્રિપમાં લઈ શકો છો.
૫. દાપોલી
મહારાષ્ટ્રનું મિની મહાબળેશ્વર એટલે દાપોલી. સમુદ્રની સપાટીથી ૮૦૦ ફુટ ઊંચે આવેલું આ ટાઉન મુંબઈથી ૨૧૫ કિલોમીટર દૂર છે અને અહીં બારેમાસ ઠંડકવાળું વાતાવરણ રહે છે. રત્નાગિરિ જિલ્લામાં આવેલું આ ફેમસ કોકણ હિલ-સ્ટેશન અઢળક આકર્ષણોથી ભરપૂર છે. ઐતિહાસિક કિલ્લાઓ, નયનરમ્ય અને શાંત બીચ, મંદિરો અને આસપાસમાં વિવિધ શાકભાજી અને કાજુનાં અઢળક ખેતરોની મજા અહીં માણી શકાય એમ છે. બ્રિટિશરાજના સમયનું ચર્ચ પણ અહીં છે. કોકણી કલ્ચરની ઑથેન્ટિક મજા માણવી હોય તો અહીં જલસા જ જલસા છે. મહાબળેશ્વરની જેમ અહીં સહેલાણીઓનાં ધાડાં નથી ઊમટતાં એટલે શાંતિપ્રિય લોકોને અહીં મજા પડશે.
વનડે પિકનિક: મનોરી બીચ
જો માત્ર એકાદ દિવસની ટૂંકી ટ્રિપ પર જવું હોય તો મુંબઈના ગોવા તરીકે જાણીતા મનોરી બીચ પર જઈ શકાય. ટ્રાવેલિંગ કરવાનો ખાસ સમય ન જાય અને જસ્ટ ગણતરીના કલાકોમાં તો તમે મુંબઈની પ્રદૂષિત દુનિયાથી દૂર શાંત, સુંદર, ચોખ્ખાચટ દરિયાકિનારાને માણવા પહોંચી જઈ શકો. બે કિલોમીટર લાંબો આ બીચ શહેરથી દૂર રાખે છે અને છતાં બહુ ટ્રાવેલિંગ નથી કરવું પડતું. અહીં માછીમારોની વસ્તી વધુ છે સાથે જ બીચ પર કોકોનટ અને કાજુનાં ઝાડની હારમાળાઓ, હેમક પર ટહેલવાની મજા જે કંઈક અંશે તમને ગોવાના બીચ જેવી ફીલ આપશે. અહીં નજીકમાં જ આશ્રમો છે. સમુદ્રેશ્વર મંદિર અને ગ્લોબલ વિપાસના પગોડાની મુલાકાત પણ લઈ શકાય.


