પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 4

Published: Dec 15, 2019, 18:00 IST | Umesh Deshpande | Mumbai

પાંડેએ તો બુર્જ ખલિફાની મુલાકાત લઇ લીધી. પણ હવે આગળ તે ક્યાની સફર કરશે અને શું તકલીફ પડી તેના વિષે તમને જણાવશે...

દુબઇ
દુબઇ

દિવસ તો દિવસ દુબઈની રાત પણ ચકાચોંધ કરનારી હોય છે. ક્રુઝ કે પછી યોટમાં બેસીને આ શહેરના અલગ રૂપને તમે માણી શકો છે. તો તમારા માનીતા ફિલ્મસ્ટારને મળો બોલિવુડ પાર્કમાં

(પાંડે ચાલ્યો દુબઈ આ પ્રવાસ વર્ણનના પહેલા ત્રણ એપિસોડમાં તમે પાંડેની મુંબઈથી શારજાહની વાત અને ત્યાર બાદ બુર્જ ખલિફા અને એક્વેરિયમની મુલાકાત વિશે જાણ્યું ત્યારબાદ આગળ...)

બુર્જ ખલિફા અને એક્વેરિયમની અમારી મુલાકાત પુરી થઈ ગઈ હતી. પરંતુ સવારે જ્યારે મોલ પાસે આવ્યા હતા ત્યારે જ અબુ ધાબીથી અમને દુબઈ લઈને આવ્યો હતો એ ડ્રાઇવર મારા સાઢુભાઈ સાથે પાર્કિંગને લઈને કઈ વાત કરતો હતો. મને એમ કે અહીં પણ આપણી જેમ જ પાર્કિંગની સમસ્યા હશે પરંતુ દુબઈ મોલની બહાર નીકળ્યા ત્યારે પેલી મેટાડોર જેવી વેનને બદલે લિમોઝીન એક લાંબી કારમાં અમને બેસવા માટે કહ્યું તો નવાઈ લાગી.
Dubai

પરંતુ અમને બધાને આ ખાસ સરપ્રાઇઝ આપવામાં આવી હતી. જૂની ફિલ્મોમાં આવી કાર જોઈ હતી. અમે 11 જણાં આરામથી આ કારમાં આવી ગયા. જેમાં ટીવી પણ હતું. અમને એક દરિયા કિનારે લઈ જવામાં આવ્યાં. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. મુંબઈના મરીન ડ્રાઇવ જેવો જ વિસ્તાર હતો. થોડી વાર ત્યાં બેઠા તો અહીં ફરી પાછો અમને લેવા માટે મેટાડોર જેવી વેન આવી ગઈ.

યોટની સવારી
સાંજના સાડા સાત થઈ ગયા હતા. જો દુબઈ શહેરની ચકાચોંધ તો જાણે રાત થતા વધી ગઈ હતી. અમને દુબઈ મરીના વિસ્તારમાં ડ્રોપ કરીને વેન આગળ વધી ગઈ. પગથિયા ઉતરીને નીચે ગયા તો એક નાનકડું તળાવ હોય એવું લાગતું હતું. જયાં ઘણી નાની મોટી પ્રવાસીઓને લઈ જતી બોટ લાંગરેલી હતી. અમારા અન્ય એક રિલેટીવની રાહ અમે જોઈ રહ્યાં હતા. થોડી જ વારમાં તેઓ આવી ગયા ત્યાર બાદ એમના અન્ય એક મિત્ર કેક લઈને આવ્યા. સાઢુભાઈએ તુરંત ફોન જોડ્યો તો એમાંની એક યોટ અમને લેવા માટે આવી. આલીશાન યોટમાં બે બેડરૂમ હતા તો ઉપર બેસવા માટે જગ્યા હતી. બોટ શરૂ થતાં જ ધીમે-ધીમે ખાંણી પીણીની શરૂઆત થઈ. મને જે પહેલા તળાવ જેવું લાગ્યું હતું. તે મરીના એક ખાડી હતી.
Dubai

જ્યાંથી બોટ ધીમે-ધીમે દરિયા તરફ આગળ વધી રહી હતી. રસ્તામાં ઘણી બધી આધુનીક બિલ્ડિંગો આવતી હતી. લંડનમાં છે તેના કરતા પણ વિશાળ એક દુબઈ આઇ નામનું ચકડોળ અહીં બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તો આગળ જતાં એટલાન્ટિસ નામની દુબઈની લેન્ડમાર્ક સમાન હોટેલ પણ આવી. ત્યાંથી અમારી બોટ પાછી ફરી. કેફી પીણાની અસર મગજ પર થઈ હતી. તેથી કેક કાપ્યા બાદ બહુ જ જોરજોરથી નાંચવાની મજા લીધી. બસ કંઈક આ જ રીતે દુબઈનાં મારા યાદગાર પ્રવાસનો પહેલો દિવસ પુરો થયો હતો.

આ પણ વાંચો : ‘પાંડે ચાલ્યો દુબઈ’ : પાર્ટ-1


Cruise
પરિવાર સાથે કરો ક્રુઝની સફર

યોટ અમને બે કલાક સુધી ફરાવ્યા હતી. જેનું ભાડું 1600 દિરહામ હતું. જેમાં ખાણી-પીણી અમારે લઈ જવાની હતી. યોટ તરફથી માત્ર ઠંડું પાણી પુરૂ પાડવામાં આવ્યું હતું. જો તમે માત્ર તમારા નાનકડા પરિવાર સાથે જ ક્રુઝની સુવિધા માણવા માંગતા હોવ તો એની પણ વ્યવસ્થા છે. જેમાં વ્યક્તિ દિઠ અંદાજે 2000 રૂપિયા લેવામાં આવે છે. જેમાં ક્રુઝ તરફથી નાસ્તો પણ આપવામાં આવે છે.

બોલિવુડ પાર્ક
બીજા દિવસે સવારે વહેલા નાહી-ધોઇને અમે વેનમાં બેસી ગયા હતા. ફરી પાછી અબુ ધાબીથી દુબઈ અમારી વેન જઈ રહી હતી. જેનો ડ્રાઇવર પાકિસ્તાનનો હતો. વાતો કરતા કરતા અમે મુંબઈથી મહામહેનતે લાવેલા જુવારના લોટમાંથી બનાવેલા રોટલાઓ અને મગનું શાકનું ભોજન કરી રહ્યાં હતા. ભારતીયો ફિલ્મ સ્ટાર પાછળ પાગળ હોય છે. જે વાત અહીંના આરબો સારી રીતે જાણે છે. તેથી જ  એમને આકર્ષવા માટે દુબઈ પાર્ક એન્ડ રિસોર્ટમાં બનાવેલા ત્રણ થિમ પાર્કમાં બોલિવુડ પાર્કનો પણ સમાવેશ કરાયો છે. બુર્જ ખલિફા અને દુબઈ મોલમાં તો ઘણાં વિદેશીઓ હતા પરંતુ અહીં ઓછી ભીડ હતી.
Bollywood Park

પાછું જે પણ હતા તેમાં પણ મોટા ભાગના ભારતીયો જ હતા. બોલિવુડ પાર્કમાં પ્રવેશીએ તો મુંબઈના કોઈ એક સ્ટુડીયોમાં આવ્યા હોય એવું લાગતું હતું. ‘શોલે’ થિમપાર્કમાં તમે એક માલગાડીમાં બેસી ડાકુઓને બંદુક વડે મારી શકો તો ‘લગાન’માં તમને આડી અવળી જતી ચકડોળમાં બેસવાનો, ‘ક્રિસ’ની સાથે આકાશમાં ઉડવાનો તો ‘રા-વન’ અને ‘ડોન’ ફિલ્મમાં આધારે વર્ચુઅલ રિયાલીટીનો અનુભવ કરાવવામાં આવતો હતો. ‘દબંગ’માં લાઇવ સ્ટંટ શો હતો. જેમાં સલમાન ખાન જેવો દેખાતો વ્યક્તિ ગુંડાઓને ભગાડે છે. તો ‘જિંદગી ના મિલે દોબારા’ માં તમને એક મિનિટની ફિલ્મમાં હિરો બનવાની તક આપવામાં આવે છે. મને સૌથી વધુ મજા ક્રિસની સાથે આકાશમાં ઉડવાની થિમમાં આવી.

આ પણ વાંચો : 'પાંડે ચાલ્યો દુબઈ' પાર્ટ-2Bollywood Park
રાજમહલ થિયેટર

અહીંનું સૌથી મોટું આર્કષણ રાજમહલ થિયેટર હતુ. આ બ્રોડવડે સ્ટાઇલના થિયેટરમાં ફિલ્મ, નાટક કે લાઇવ શો તમામ થાય છે. અંદાજે 800 લોકોની બેઠક વ્યવસ્થા અહીં છે. થિયેટર તાજમહેલની યાદ અપાવે એવું સુંદર છે. વળી તમને જે ટિકિટ આપવામાં આવે એના પર કોઈ નંબર નથી હોતો. તમે ઇચ્છો ત્યાં બેસી શકો છો. અમે એ વખતે અહીં ‘હાઉસફુલ-4’ ફિલ્મ જોઈ.

આ પણ વાંચો : પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ-3

રામોજી ફિલ્મસીટીની યાદ
બોલિવુડ પાર્કમાં ફરતા હોય ત્યારે હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મસીટીની જરૂર યાદ આવ્યા વગર રહે નહીં. બોલિવુડ પાર્ક કરતા તે ચાર ગણું મોટું છે. તેથી જો તમે રામોજી ફિલ્મસીટીમાં ફરવા ગયા હોવ તો બોલિવુડ પાર્કને બદલે હોલિવુડની સફર કરાવતા ‘મોશનગેટ’ કે બાળકોના રમકડાની દુનિયા ‘લેગોલેન્ડ’ અથવા ‘લેગોલેન્ડ વોટરપાર્ક’માં જવાનું સાહસ પણ કરી શકો. રાજમહલમાં લોકો ફિલ્મ જોવા માટે આવે એ માટે બોલિવુડ પાર્કની ટિકિટમાં થોડું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. જો બોલિવુડ પાર્કની ટિકિટ 120 દિરહામ તો અન્ય પાર્કની ટિકિટ એના કરતા 50 દિરહામ વધુ હોય છે. તમારે ત્યાં આવેલા બે ત્રણ પાર્કની મુલાકાત લેવી હોય તો ત્યાં હોટેલની વ્યવસ્થા પણ છે.

પાકિસ્તાનના ડ્રાયવર સાથે મિત્રતા
ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પાકિસ્તાનના એક પત્રકાર સાથે ફોન પર વાતચિત થતી. પરંતુ દુબઈમાં પહેલી વખત એક પાકિસ્તાનના નાગરિક સાથે વાત કરવાની તક મળી હતી. વર્ષોથી યુ ટયુબ પર પાકિસ્તાનના વિડિયો જોતો હતો. તેથી એક અલગ પ્રકારની ઉત્સુકતા પણ હતી. શરૂઆતમાં એની સાથે વાતચિત કરતી વખતે એના અલગ ઉચ્ચારોને કારણે કંઇ સરખુ સમજાતુ નહોતું. પણ ધીમે-ધીમે ફાવટ આવી ગઈ હતી. તે એક સારી નોકરીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી અહીં હતો. એણે કહ્યું કે ‘અબેટાબાદ એક બહુ જ સારુ શહેર છે. આખુ શહેર એક મિલિટરી કેમ્પ જેવું જ છે. મિલિટરની ઇચ્છા વગર ત્યાં કંઈ જ ન થાય.’ મારાથી એને પૂછાઈ જ ગયું કે ‘તો પછી કઈ રીતે ખુખાર આતંકવાદી ઓસામા બિન લાદેન ત્યાં છૂપાઈને રહ્યો હતો.’ એણે જવાબ આપ્યો, ‘વો સબ સાબ હમકો ક્યા માલુમ?’ હિંદુસ્તાન-પાકિસ્તાન કરવાની મારી બહુ ઇચ્છા નહોતી. પરંતુ હસતા હસતાં બધી વાતનો જવાબ આપતા આ ડ્રાઇવર સાથે એક ફોટો પાડવાની તક મેં ઝડપી લીધી હતી.

આ પણ જુઓ : ફૉરેનમાં ફરવા માટે આ છે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન

આવતા સપ્તાહની વાત
દુબઈના પ્રવાસ ફેરારી વલ્ડ વગર અધુરો છે. કારણ કે અહીં આવી છે. વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ રાઇડ. પરંતુ અબુ ધાબીના યશ આઇલેન્ડમાં આવેલા આ પાર્કમાં એને પણ ટક્કર મારે એવી એક જગ્યા છે તમારી સાથે જો નાના બાળકો હોય તો તમે જરૂર અસંમજસ સ્થીતીમાં મુકાઈ શકો છે એ શું છે એના વિશે પણ જાણીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK