Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેમ એટલે પરમાણુ નહીં, પણ અઢળક અણુઓથી બનેલો પરમાણુ

પ્રેમ એટલે પરમાણુ નહીં, પણ અઢળક અણુઓથી બનેલો પરમાણુ

04 December, 2020 01:41 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પ્રેમ એટલે પરમાણુ નહીં, પણ અઢળક અણુઓથી બનેલો પરમાણુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રેમની વાત આવે ત્યારે દેખાડાઓની દિશા પકડવાને બદલે જો એને સરળ, સિમ્પલ અને વેજિટેબલ સૂપ જેવો એકદમ ક્રિસ્ટલ ક્લિયર રાખવામાં આવશે તો એ પ્રેમની અસરકારકતા પૅરાસિટામોલ કરતાં પણ અકસીર બની રહેશે

ત્રણ મહિને એક નાનકડું વીક-એન્ડ વેકેશન અને વર્ષમાં એક ફૉરેનની ટૂર વાઇફ સાથે કરો એટલે શું વાઇફ પ્રત્યેની પ્રેમની જવાબદારી પૂરી થઈ જાય? જન્મદિવસ ભૂલ્યા વિના ગોલ્ડ ઑર્નામેન્ટ્સ આપવાનો નિયમ અને ઍવિનર્સરીમાં પણ આ જ પ્રથા નિભાવવી એ પ્રેમ છે? પ્રેમ એટલે શું, શૉપિંગ વખતે કોઈ જાતનો હિસાબ પૂછ્યા વિના ક્રેડિટ-ડેબિટ કાર્ડ હાથમાં આપીને ખરીદવું હોય એ ખરીદવાની છૂટ આપવી એટલે પ્રેમ કે પછી જ્યારે માગે ત્યારે, જે માગે એ હાથમાં પકડાવી દેવાની સ્વતંત્રતા એટલે પ્રેમ? વાઇફ કે ગર્લફ્રેન્ડ કે પછી હસબન્ડ કે બૉયફ્રેન્ડ સાથેના સંબંધોમાં આ આઝાદી જ પ્રેમની પરિભાષા માનવી જોઈએ કે પછી કવિ મુકુલ ચોકસીએ લખેલા ગીત ‘પ્રેમ એટલે કે...’માં વ્યક્ત થયેલી લાગણીઓને પ્રેમનું કારક ગણવું જોઈએ?
પહેલાં તમને જેકંઈ કહ્યું એ પ્રેમ નથી જ નથી. પ્રેમની નાનીસરખી અભિવ્યક્તિ હોઈ શકે પણ પ્રેમની વ્યાખ્યા તો નથી જ, કારણ કે પ્રેમની વ્યાખ્યા ક્યારેય કોઈ ઘટના કે વ્યવહાર સાથે જોડીને ઘડી શકાતી નથી. પ્રેમની વ્યાખ્યાનું પેલા અણુ અને પરમાણુ જેવું છે. અઢળક પરમાણુ જોડાય ને એક અણુ બને એમ અસંખ્ય અને અઢળક ઘટનાઓને સાંકળીને તૈયાર થતા વહેણનું નામ પ્રેમ.
જરૂરી નથી કે પ્રેમ એટલે ત્રણ મહિને આવતું એક વીક-એન્ડ વેકેશન. રાતે ઘરે મોડા આવતાં પહેલાં ફોન કરીને વાઇફને જો મોડા આવવાનું કારણ સમયસર આપવામાં આવે એ પ્રેમ છે અને મોડા આવ્યા પછી જો વાઇફ સૂઈ ગઈ હોય તો અવાજ કર્યા વિના ઘરમાં દાખલ થવું એ પણ પ્રેમ છે. સવારે મરવાનો પણ સમય ન હોય એવા સમયે વાઇફને બેડ સરખો કરી આપવો એ પણ પ્રેમ છે અને શરમ વિના, સંકોચ વિના કે કોઈ જાતના ખચકાટ વિના સાવરણી હાથમાં લઈને પૌરુષત્વની ટિપિકલ વ્યાખ્યાઓને ગજવામાં મૂકીને ઘરમાં સફાઈ શરૂ કરી દેવામાં આવે તો એ પણ પ્રેમ છે અને આ પ્રેમ દર્શાવવાની અઢળક તક લૉકડાઉને આપી પણ હતી. અનલૉક પછી ઑફિસ લઈ જવાતું ટિફિન રાતે ઘરે આવી જાતે ધોઈ નાખવું એ પણ પ્રેમનો પુરાવો છે અને વીકમાં એક વાર વાઇફની ફેવરિટ આઇટમ ઘરે લઈ આવી તેના ચહેરા પર સ્મિત આંકવું એ પણ પ્રેમ છે.
પ્રેમ માટે ક્યાંય ડાયમન્ડ-રિંગની આવશ્યકતા નથી. એ તો બરફના ગોળાથી પણ જીતી શકાય અને શરદીને કારણે બંધ થયેલા નાકમાં નેઝલ ડ્રૉપ્સ નાખી આપીને અભિવ્યક્ત કરી શકાય. દાઢી કરતાં જો લોહી નીકળે અને એ જ સમયે વાઇફનો પાલવ યાદ આવે તો એ પ્રેમ છે અને ઘરમાં રસોઈ કરતી વાઇફને ગરમ તેલનો એક છાંટો ઊડે અને એ છાંટો જોઈને મોઢામાંથી અરેરાટી નીકળી જાય તો એ અરેરાટી પ્રેમનો ઉદ્ગાર છે. આગળ કહ્યું એમ, પ્રેમ અણુ ન હોઈ શકે પણ એ અઢળક પરમાણુમાંથી જન્મતો એક અંશ હોઈ શકે.
આખો દિવસ તમારાં મમ્મી-પપ્પા માટે મરતી વાઇફને એક દિવસ સુખદ સરપ્રાઇઝ આપી તેના ઘરે જઈને બેસી, તેનાં
મમ્મી-પપ્પાને હસાવો એ પણ પ્રેમ છે અને એ પણ પ્રેમ છે કે આ વાત પણ તેને બહારથી ખબર પડે અને તે તમારા પર ઓવારી જાય. તે જરૂર પડે ત્યારે ઊભા રહેવાની માનસિકતા કેળવીને આવી છે અને એટલે જ આજે તમારી મમ્મી દાંતના ચોકઠાની કોઈ ફરિયાદ નથી કરતી, પણ એવી જ માનસિકતા તમે કેળવો અને જ્યારે તેની ફૅમિલીને જરૂર હોય ત્યારે તમારા કીમતી સમયને ભૂલીને કામનું અગત્ય સમજી, ત્યાં જઈને ઊભા રહી જાઓ એ પણ પ્રેમ છે. આ પ્રેમ પેલી ફૉરેનની ટ્રિપનું વેકેશન ઝાંખું પાડી દેનારો છે અને આ પ્રેમમાં એ ફૉરેનની ટ્રિપના વેકેશનમાં મળનારા આનંદ કરતાં વધારે સ્થૂળતા છે. પ્રેમ આપશો તો મળશે એ હકીકત છે, ખાસ કરીને એવા દરેક સંબંધોમાં જે સંબંધોને હવે કોઈ નામ મળી ગયું છે. નામ સાથે બંધાયેલા સંબંધોમાંથી મોટા ભાગના સંબંધોમાં પ્રેમની ઉષ્મા ઓસરી જાય છે અને આ એક સામાન્ય ફરિયાદ છે. આ ફરિયાદને દૂર કરવા માટે કોઈ જાતના રૉકેટ સાયન્સનો ઉપયોગ કરવાનો નથી અને એની જરૂર પણ નથી. માત્ર મામૂલી કહેવાય એવી સજાગતા અને એ સજાગતા વચ્ચે નાની, ક્ષુલ્લક એવી વાતોમાં કાળજી માત્ર રાખવાની છે. આ કાળજી સંબંધોમાં નવેસરથી ઉષ્મા ભરવાનું કામ કરી શકે છે અને સંબંધોને નવેસરથી ખુશ્બૂ આપવાનું કામ પણ કરી શકે છે. સુકાઈ ગયેલા અને આછીસરખી ગંધ મારવા માંડેલા સંબંધો સાથે આખી જિંદગી જીવવા કરતાં તો બહેતર છે કે કાળજી સાથે સંબંધોને નવેસરથી પ્રેમની દુનિયા દેખાડવામાં આવે અને આ દુનિયા ઍટલાન્ટિકામાં કે સૅન ફ્રાન્સિસકોમાં નથી, આ દુનિયા તમારા ઘરની ચાર દીવાલ વચ્ચે જ છે. ફેંકી દીધેલા નૅપ્કિનને જાતે ઊંચકવાનું છે અને શાવર પછી ભીના થઈ ગયેલા ટૉવેલને દોરી પર નાખવાનું કામ તમારે કરવાનું છે. દાઢી કરતાં લોહી નીકળે તો બબડાટ કરવાને બદલે વાઇફના પાલવથી એ લોહીનો ટશિયો ભૂંસવાનો છે અને રોટલી બનાવતી વખતે વાઇફના ગાલ પર લાગેલો લોટ હથેળીથી સાફ કરવાનો છે. વાઇફના હવે કોરા રહેતા નખ પર નેઇલ-પેઇન્ટની ગેરહાજરીની હવે નોંધ લેવાની છે, કારણ કે એ નોંધમાં ક્યાંક ગેરહાજર રહેતા પ્રેમની હાજરી પુરાવાની શરૂ થવાની છે.
પ્રેમ માટે ક્યાંય ડાયમન્ડ-રિંગની આવશ્યકતા નથી. એ તો બરફના ગોળાથી પણ જીતી શકાય અને શરદીને કારણે બંધ થયેલા નાકમાં નેઝલ ડ્રૉપ્સ નાખી આપીને અભિવ્યક્ત કરી શકાય. સુકાઈ ગયેલા અને આછીસરખી ગંધ મારવા માંડેલા સંબંધો સાથે આખી જિંદગી જીવવા કરતાં તો બહેતર છે કે કાળજી સાથે સંબંધોને નવેસરથી પ્રેમની દુનિયા દેખાડવામાં આવે અને આ દુનિયા ઍન્ટાર્કટિકામાં કે સૅન ફ્રાન્સિસકોમાં નથી, આ દુનિયા તમારા ઘરની ચાર દીવાલ વચ્ચે જ છે.



caketalk@gmail.com
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 01:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK