ષણ્મુખાનંદ હૉલના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવનાર કચ્છમિત્ર લીલાધર પાસુ

Published: Sep 08, 2020, 14:06 IST | Vasant Maru | Mumbai

બબ્બે ટર્મ વિધાનસભ્ય રહેનાર લીલાધરભાએ માટુંગામાં સ્કૂલ-કૉલેજ શરૂ કરાવવા સહિતનાં અનેક કામ કર્યાં છે

લીલાધર પાસુ
લીલાધર પાસુ

વર્ષો પહેલાં છપ્પનિયો દુકાળ પડ્યો અને આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો. પાણી વગર માણસ ટળવળતા હતા, ભૂખમરાથી મૃત્યુ પામેલાં ઢોરોનાં શબ રસ્તા પર પડ્યાં રહેતાં, ભૂખથી આંસુ સારતા ગરીબો રડતી આંખે નસીબને દોષ દેતા હતા. એવા વિકરાળ સમયે કચ્છના ચાંગડાઈ ગામના જીવરાજબાપા અને જેતુમાનો ૧૦-૧૨ વર્ષનો દીકરો પાસુ કુટુંબને ગરીબીમાંથી બહાર કાઢવા પૈસા કમાવવા મોંભઈ (મુંબઈ) આવ્યો.
અજાણ્યા પાસુને મુંબઈમાં આશરો આપે કોણ? પણ પાણીદાર પાસુ હાડમારી અને સંઘર્ષ કરતાં-કરતાં મુંબઈની ડૉક (બંદર) પર રહીને બંદરના મજૂરોને પાણી પીવડાવવા લાગ્યો. એમ કરતાં-કરતાં એક મુકાદમ (કસ્ટમ એજન્ટ)ને ત્યાં નોકરી મળી ગઈ. તેને ત્યાં નોકરી કરતાં-કરતાં કસ્ટમ એજન્ટ તરીકેના કામ શીખવા લાગ્યો. કસ્ટમ એજન્ટ મસ્જિદ બંદરમાં રહેતો. એના ઘરમાં જ પાસુને આશરો મળી ગયો. પેટની ભૂખ પણ ભાંગી.
અચાનક મુંબઈમાં પ્લેગનો રોગ ફાટી નીકળતાં કસ્ટમ એજન્ટે પાસુને ઘરની બહાર કાઢી મૂક્યો, પણ હિંમત હાર્યા વગર પાસુભા પોતે કસ્ટમ એજન્ટ તરીકે કામ કરવા લાગ્યા. ગરીબીને ભાંગવાનો જાણે યજ્ઞ આરંભ્યો અને નસીબનું ચક્ર ફર્યું. ૧૯૦૬માં કચ્છી ભાટિયાની સિંધિયા સ્ટીમર કંપનીનું કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ તરીકેનું મોટું કામ મળ્યું. તેમનાં લગ્ન માલબાઈ સાથે થયાં. કામ પણ વધવા લાગ્યું. ત્યાં પહેલા પુત્ર લીલાધરનો જન્મ થયો અને જાણે પાસુબાપાના નસીબનું ચક્ર ફરી ગયું. દીકરાના નામે ક્લિયરિંગ ફૉર્વર્ડિંગની લીલાધર પાસુ ઍન્ડ કંપની શરૂ કરી. આ મહેનતું કચ્છીએ નવા જ ક્ષેત્રમાં ડગ માંડ્યા. આજે ક્લિયરિંગ ફૉર્વડિંગની ૯૦,૦૦૦થી વધારે કંપનીઓ ભારતમાં છે. ૧૦૦ વર્ષ જૂની લીલાધર પાસુ ઍન્ડ કંપની ટૉપની ૧૦ કંપનીઓમાંની એક છે.
પાસુભા પત્ની માલબાઈ અને બાળકો તથા નાના ભાઈ રવજી સહિત મસ્જિદ બંદરમાં રહેતા હતા. લીલાધર પ્રતિષ્ઠિત પાલા ગલી હાઈ સ્કૂલમાં ભણીને કૉલેજનું એક વર્ષ પૂરું કર્યું ત્યાં તેને ધંધામાં જોડાઈ જવાનું થયું. માત્ર ૧૬ વર્ષની ઉંમરે લીલાધરભાનાં લગ્ન શેરડી ગામના લીલાબેન સાથે થયાં. લીલાબેન પાસે દેશી ઔષધિઓનું ઘણું જ્ઞાન હતું. તે ખેડૂતપુત્રીએ વ્યાપારી અને સમાજસેવક લીલાધરભાનું આયખુ ઊજળું કરવા ચાર દીકરા અને એક દીકરીની જવાબદારી સુપેરે ઉપાડી.
મુંબઈની ગોદીમાં નાંગરેલા દારૂગોળાથી ભરેલા વહાણ પર ધડાકો થયો અને આખો વિસ્તાર હચમચી ગયો. મસ્જિદ બંદરમાં પાસુબાપાના ઘરને પણ નુકસાન થયું એટલે માટુંગા વિસ્તારમાં રહેવા જવાનું નક્કી થયું.
એ વખતે ખેતરોમાં માટુંગા વિસ્તરેલું, પાંખી વસ્તી ધરાવતું પ્લાન્ડ સિટી હતું. યુવાન લીલાધરભાને માટે માટુંગા જાણે સામાજિક કાર્યોનું પ્રવેશદ્વાર બની ગયું. તેમની મહેનતથી માટુંગાના પ્રખ્યાત પ્રકલ્પો આકાર પામ્યા. તેમના પર અને તેમના ભાઈઓ પર આઝાદીની ચળવળનો રંગ લાગ્યો હતો. તેમના ભાઈ મૂલજીભાએ ભારત છોડો આંદોલનમાં ગાંધીજી સાથે કાર્ય કરી છ મહિનાનો કારાવાસ પણ ભોગવ્યો હતો.

pasu
લીલાધરભાએ અંદાજે પિસ્તાલીસેક વર્ષની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં ગણ્યા ગણાય નહીં એવાં કાર્યો કર્યાં. શિસ્ત અને સુઘડતામાં માનતા આ મહામાનવી સ્વભાવે મિલનસાર હતા. મહારાષ્ટ્રના શિલ્પી યશવંતરાવ ચવાણ અને એસ. કે. પાટીલ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતા. લીલાધરભા ૧૯૬૨થી ૧૯૭૨ એમ ૧૦ વર્ષ સુધી માટુંગા વિસ્તારના એમએલએ હતા. એ વખતે મુંબઈ માત્ર આર્થિક રાજધાની નહોતું, પણ રાજકીય પ્રવાહનું કેન્દ્ર પણ હતું. આ કચ્છીમાડુએ જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી એમ ભારતના ત્રણ-ત્રણ વડા પ્રધાન સાથે સંબંધ જાળવ્યા. એ ઉપરાંત મુંબઈના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ જે પાછળથી ભારતના વડા પ્રધાન બન્યા તેમની સાથે પણ સંબંધ હતા. લીલાધરભા ૧૯૬૨થી ૧૯૭૨ સુધી ૧૦ વર્ષ (બે ટર્મ) માટુંગાના વિધાનસભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાયા હતા. એ સમયે લાગવગ, કાવાદાવા કે મનીપાવરથી નહીં, પણ લોક કલ્યાણનાં કાર્યોથી ઓળખ ઊભી થતી અને ચૂંટણી જીતાતી.
૧૯૬૨ના યુદ્ધ વખતે સૈનિકો માટે ભંડોળ એકઠું કરવા જવાહરલાલ નેહરુએ હાકલ કરી ત્યારે આખા ભારતમાં સૌથી વધુ ભંડોળ માટુંગામાંથી લીલાધરભાએ એકઠું કરી આપી એમએલએ તરીકે પ્રથમ જ વર્ષે કાબેલિયત સાબિત કરી. મહારાષ્ટ્ર સરકારે આ કાર્ય માટે સુવર્ણચંદ્રકથી તેમને નવાજ્યા હતા. ૧૯૭૧ના યુદ્ધ પછી ઇન્દિરા મોજામાં લોકસભાના ઇલેક્શન માટે કચ્છમાંથી ઊભા રહેવા તેમને દિલ્હીથી કહેણ આવ્યું, એ તેમણે સવિનય અસ્વીકાર કર્યું. લીલાધરભા મુંબઈ કૉન્ગ્રેસના સેક્રેટરી અને ટ્રેઝરર પણ રહી ચૂક્યા હતા.
આજે કચ્છમાંથી પ્રસિદ્ધ થતું ‘કચ્છમિત્ર’ અખબારની શરૂઆત લીલાધરભાએ ૧૯૪૭માં કરી હતી. વાંચકોને જાણીને નવાઈ લાગશે કે ત્યારે ‘કચ્છમિત્ર’ મુંબઈથી પ્રસિદ્ધ થતું. લીલાધરભાના સાઉથ ઇન્ડિયન આગેવાન વી. સુબ્રમણ્યમ સાથે ઘનિષ્ટ સંબંધ હતા. ભારતનો અને કદાચ એશિયાનો સૌથી મોટો ષણ્મુખાનંદન હૉલ બનાવવાનું નક્કી થયું ત્યારે વી. સુબ્રમણ્યમ સાથે ષણ્મુખાનંદ હૉલના જન્મદાતા તરીકે લીલાધરભાનો ફાળો અન્યોન્ય હતો. શરૂઆતમાં આ ષણ્મુખાનંદ હૉલમાં લગ્ન યોજાતાં. લીલાધરભાની દીકરી ઇન્દુનાં લગ્ન પણ ષણ્મુખાનંદ હૉલમાં યોજાયાં હતાં. લગ્ન સમયે જ માટુંગામાં ટ્રેનનો એક્સિડન્ટ થયો અને લીલાધરભાએ દીકરીનાં ચાલુ લગ્ન મૂકી ઘટનાસ્થળે પહોંચી પોતાની ફરજ બજાવી. કચ્છમાં દુકાળ, વૃક્ષારોપણ, પશુઓનાં ક્રૉસ બિડિંગ માટે સામાજિક અને સરકારી સ્તરે જબરું કામ કર્યું.

shanmukhanand
જ્યારે લીલાધરભા માટુંગા બૉર્ડિંગના સેક્રેટરી હતા ત્યારે એક છોકરો ડુમરા ગામથી માટુંગા બૉર્ડિંગમાં દાખલ થયો. એ છોકરો લીલાધરભાનો દૂરનો સગો તો હતો જ, પણ તેની પ્રતિભાથી પ્રભાવિત થઈ લીલાધરભા પોતાના ઘરે રહેવા લઈ ગયા. તે છોકરાનું નામ પણ લીલાધર હતું. ઘરની સ્ત્રીઓને મૂંઝવણ ન થાય માટે તે છોકરા લીલાધરનું નામ લક્ષ્મીચંદ કરી નાખ્યું. લીલાધરભાના પર્યાવરણના વિચારોથી પ્રભાવિત થઈ લક્ષ્મીચંદે વર્ષો પછી કચ્છમાં કોટી વૃક્ષ અભિયાન શરૂ કર્યું. આજે એલ. ડી. શાહકાકા તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયા છે.
માટુંગાની પ્રખ્યાત શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય શરૂ કરવા પાયાનું કામ લીલાધરભાએ કર્યું. એ સંસ્થામાં સેક્રેટરી, પ્રમુખ, ટ્રસ્ટી ઇત્યાદિના પદ પર રહી ગુજરાતી કેળવણી મંડળની આ સ્કૂલને દરજ્જેદાર બનાવવા ફાળો આપ્યો છે. માટુંગાની મણિબેન વુમન્સ કૉલેજ (એસ.એન.ડી.ટી) પણ લીલાધરભાએ શરૂ કરી. આજે છોકરીઓ માટે આ કૉલેજ આ વિસ્તારની મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. માટુંગા બૉર્ડિંગમાં પણ વિવિધ હોદ્દા પર રહી કચ્છથી આવેલા વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની ગયા હતા. તેમના દીકરા દેવેન્દ્રભાઈ પણ છેલ્લાં ૨૫ વર્ષથી માટુંગા બૉર્ડિંગના સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કચ્છથી મુંબઈ ભણવા આવતી કન્યાઓની છાત્રાલય શરૂ કરવા ખીમજી માડણ ભુજપુરીયા સાથે લીલાધરભાએ ફાઉન્ડર તરીકે જુહુ પર ભાણબાઈ નેણશી કન્યા છાત્રાલય શરૂ કરી.
સાયનમાં આવેલા માનવ સેવા સંઘથી ગુજરાતી પ્રજા સારી રીતે પરિચિત છે. અનાથ અને તરછોડાયેલાં બાળકો માટેની આ સંસ્થા જનસમુદાય માટે મેડિકલ સેન્ટરથી લઈ લગ્ન ઇત્યાદિ માટેના માનવ સેવા સંઘ હૉલનું સંચાલન કરે છે. ૧૯૭૫ સુધી આ સંસ્થામાં લીલાધરભાએ ટ્રસ્ટી ઇત્યાદિ તરીકેની સેવા આપી આ સંસ્થાને વટવૃક્ષ બનાવી છે તો માટુંગા ગુજરાતી સેવા મંડળ અને શેઠ ભાઈદાસ સખીદાસ ચૅરિટી ટ્રસ્ટ તેમ જ અખિલ કચ્છ સાહિત્ય કલા ઍકૅડેમીને સંતાનની જેમ ઉછેર્યાં છે.
જેની બહુ ઓછી નોંધ લેવાઈ છે એવું એક અદ્ભુત કાર્ય લીલાધરભાએ કર્યું છે. એ અદ્ભુત કાર્ય એટલે સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશનના ૧૯૭૦ સુધી ડિરેક્ટર પદે રહી ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી ભારત આવેલા વિસ્થાપિતોને થાળે પાડવા ગાંધીધામ વસાવવા ચાવીરૂપે ભૂમિકા ભજવી છે. પોતાની દિલ્હીની વગથી ગાંધીધામ, કંડલા પોર્ટ અને કંડલા ફ્રી ટ્રેડ ઝોનના વિકાસમાં આ મહામાનવીએ અદ્ભુત કાર્ય કર્યું છે. કચ્છમાં દુકાળો વખતે તેમની વ્યવસ્થા શક્તિ કામે લગાડી પશુઓને બચાવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે.
લીલાધરભા જે ગામમાં જન્મ્યા હતા એ ચાંગડાઈ ગામની એક હૃદયદ્રાવક વાત અહીં નોંધી રહ્યો છું. કચ્છનાં આટલાં બધાં ગામોમાં આ ચાંગડાઈ એક એવું ગામ છે જે માનવવસ્તી વગરનું છે. અત્યારે ત્યાં જઈએ તો ઘરોની માત્ર દીવાલો ઊભેલી દેખાય છે. ભેંકાર ભાસતા આ પાણીદાર ગામની કરુણતા એ છે કે જેમ ફિલ્મોમાં અસામાજિક તત્ત્વો પ્રજાને રંજાડે એ રીતે ગામનાં કેટલાંક અસામાજિક તત્ત્વો ગામના અને મુંબઈથી ગયેલ ગામવાસીઓને એટલા હદે રંજાડતા કે ન છૂટકે આખું ગામ ઘરો મૂકીને ખાલી થઈ ગયું. એટલે સુધી કે ગામના દેરાસરમાંથી પ્રભુની પ્રતિમાને પણ વિસ્થાપિત કરી મુંબઈ લાવવી પડી. લીલાધરભા આ સમસ્યાનો ઉકેલ લાવી શકત, પણ અચાનક ટૂંકી માંદગીમાં તેમનું અવસાન થયું.
આ ગાંધીવાદી માનવીને પોતાના મૃત્યુનો અંદેશો આવી ગયો હતો. એટલે પોતાના અવસાન પછી લૌકિક વ્યવહાર કે સાદડી પ્રથા બંધ રાખવાની આજ્ઞા સંતાનોને કરી. ૩૦-૩૫ વર્ષ પહેલાં કચ્છી સમાજમાં ક્રાન્તિકારી પગલું ભરી મૃત્યુને જાણે મહોત્સવ બનાવી માનવ અવતારનો ઉજળો હિસાબ આપી આ જગતમાંથી વિદાય લીધી. લીલાધરભાને ‘મિડ-ડે’ વતી વંદન કરી વિરમું છું. અસ્તુ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK