Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદ પછી શું?

કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદ પછી શું?

08 October, 2019 05:02 PM IST | મુંબઈ ડેસ્ક
માવજી મહેશ્વરી

કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદ પછી શું?

છલોછલ ભરાયેલું ભુજનું હમીરસર તળાવ.

છલોછલ ભરાયેલું ભુજનું હમીરસર તળાવ.


રણ અને મહેરામણ

એક ભયાવહ આપત્તિ તરીકે કચ્છનો વિનાશક ભૂકંપ કોઈ રીતે સુખદાયક નહોતો, પરંતુ ભૂકંપે કચ્છને જે આપ્યું એ કલ્પનાતીત છે. ભૂકંપ સાથે એક યોગાનુયોગ જોડાયેલો છે એ છે વરસાદ. સામાન્ય રીતે દુકાળિયા મુલક તરીકે ઓળખાતા કચ્છને એકધારો અને પુષ્કળ માત્રામાં વરસાદ પણ ભૂકંપ પછી જ મળ્યો છે. કચ્છની આગલી પેઢીઓના નસીબમાં નાણાં અને સુખ-સગવડ તો નહોતાં, વરસાદેય નહોતો; પરંતુ છેલ્લા બે દાયકામાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે એ જોતાં કચ્છની પૅટર્ન-બદલી વરસાદની રહી છે અથવા આખું ઋતુચક્ર બદલાયું છે. આ વર્ષે થોડો મોડો શરૂ થયેલો વરસાદ એટલો વરસ્યો કે વરસાદ માગનારી કચ્છી પ્રજા હવે ખમૈયા કર બાપ કહી રહી છે છતાં આટલા વરસાદ પછી શું એવો પ્રશ્ન ઘૂમરાઈ રહ્યો છે




કચ્છનું ચોમાસું સામાન્ય રીતે મુંબઈ સાથે જોડાયેલું રહ્યું છે. આગલી પેઢીના લોકો કચ્છના ચોમાસાને મુંબઈમાં પડેલા પહેલા વરસાદથી ગણતરી કરતા હતા. સામાન્ય રીતે ૧૦ જૂને શરૂ થતા મુંબઈના ચોમાસા પછી વીસ કે પચીસ દિવસમાં કચ્છમાં મેઘરાજાની પધરામણી થાય એવું ગણિત મંડાતું. એટલે આગલી પેઢીના કચ્છીજનોને મુંબઈમાં પડેલા પહેલા વરસાદની ઉત્સુકતા રહેતી. જોકે વરસાદની ચાલ સામાન્ય રીતે એવી રહેતી પણ ખરી.
વીસમી સદીના અંત સુધીમાં વરસાદે મુંબઈ અને કચ્છ સાથે વીસ-પચીસ દિવસવાળું ધોરણ જાળવી રાખ્યું હતું, પરંતુ એકવીસમી સદીના પહેલા ચોમાસાથી જ વરસાદે કચ્છ માટેનાં પોતાનાં ધારાધોરણો બદલ્યાં હોય એવું જણાય છે. કચ્છમાં ફક્ત વરસાદની માત્રા જ વધી નથી, ગાજવીજ અને તોફાન સાથે વરસાદ પડવો શરૂ થયો છે. વરસાદના કુલ દિવસો પણ વધ્યા છે. જ્યાં સામાન્ય રીતે સરેરાશ ચારથી સાત છ ઇંચ વરસાદ માંડ પડતો એવા કચ્છમાં છેલ્લાં ૨૦ વર્ષથી સરેરાશ બારથી પંદર ઇંચ વરસાદ પડી રહ્યો છે. સદીઓથી વરસાદ માટે તરસતી કચ્છની ધરા માટે આવા ચોમાસા પ્રાકૃતિક અને ભૌગોલિક સંરચનાની દષ્ટિએ અતિઅગત્યનાં બની રહ્યાં છે. કચ્છીપ્રજા માટે લાંબા ગાળાના ચોમાસા એક સમયે સપનું હતું, એ આજની પેઢીની વાસ્તવિકતા છે. ભૂકંપ પછી કચ્છમાં મોટા પાયે ઔદ્યોગિકીકરણ થયું ત્યારે સૌથી મોટી ચિંતા આ પ્રદેશમાં ઉલેચાતા ભૂગર્ભ જળની હતી. પ્રસાર માધ્યમોમાં આ બાબત ચમકતી પણ રહી છે છતાં જ્યારથી ઔદ્યોગિકીકરણ થયું ત્યારથી જાણે કુદરત પાણીની માત્રાને સરભર કરતી હોય એમ વધુ વરસાદ પડી રહ્યો છે.
જોકે કચ્છની ખેતીનું વર્તમાન ચિત્ર પણ કંઈક જુદું છે. પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા, બન્ની અને પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં જે હિસાબે ભૂતકાળમાં ખેતી વરસાદ આધારિત હતી એ પ્રમાણે હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કૉર્પોરેટ ફાર્મિંગ અને સરકારની વીજજોડાણોની બદલાયેલી નીતિઓ થકી સિંચાઈ આધારિત ખેતીનું પ્રમાણ વધ્યું છે. મુંદ્રા, અંજાર, ભચાઉ તાલુકામાં વરસાદ આધારિત ખેતીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. એટલે ચોમાસામાં ખેતી માટે વરસાદની જેટલી જરૂર રહેતી એના પ્રમાણમાં ઘટાડો થયો છે છતાં છેલ્લાં ૧૯ વર્ષમાં બે-ચાર અપવાદને બાદ કરતાં કચ્છમાં વિપુલ માત્રામાં વરસાદ થયો છે. આ વરસાદે અનેક સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. વધારે વરસાદની પ્રત્યક્ષ અસર જમીન પર દેખાતાં જળાશયો જોઈને કહી શકાય, પણ એની પરોક્ષ અસર અભ્યાસ થકી જ જાણી શકાય છે.
ગયા વર્ષે ચોમાસાએ નાદારી નોંધાવી હતી. વિશાળ ભૂભાગ ધરાવતા આ જિલ્લાના અમુક વિસ્તારોમાં એકાદ-બે ઇંચ જેવો વરસાદ પડ્યો પછી મેઘરાજાએ કચ્છને વિસારે પાડી દીધો. વરસાદના મહત્ત્વના બે મહિના જુલાઈ અને ઑગસ્ટ કોરા ગયા હતા. છેલ્લા એક દાયકાના ઔદ્યોગિક ધમધમાટ અને ચમકદમકને કારણે દુકાળની અસર આજથી ત્રણ દાયકા પહેલાં દેખાતી હતી એવી દેખાઈ ન હતી, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ હતી. બદલાયેલા આર્થિક ચિત્રની વચ્ચે વાસ્તવિકતા એ હતી કે પશ્ચિમ કચ્છ, બન્ની જેવા પશુપાલક વિસ્તારોમાં હજારો પશુઓનાં મોત થયાં હતાં અને લોકોના રોજબરોજના જીવન પર ભયંકર અસર પડી હતી. જોકે આ વર્ષના ચોમાસાએ શરૂઆતના સમયમાં આ પ્રદેશની પ્રજાને ચિંતામાં નાખી દીધા હતા, પરંતુ ચોમાસાએ એવા સમયમાં પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું જે સમયને ભાદરવાના ભુસાકા કહેવાય છે. આ લખાય છે ત્યારે આસો મહિનાના પ્રથમ સપ્તાહના અંતે ગગન ગાજે છે, વીજળી લબકારા લે છે. રહી-રહીને હેત ઊભરાતું હોય કે પછી જતાં- જતાં વાર કરવાનો હોય એમ ચોમાસું વરસી રહ્યું છે. ખેતરોમાં મોલને ફળવાનો આ સમય છે. અમુક પાક તૈયાર થવાનો સમય છે છતાં સ્થિતિ એવી છે કે આ વર્ષના ચોમાસાએ અમુક વિસ્તારોમાં ખેડૂતોને ધરાર વાવણી કરવા જ નથી દીધી.
ચાલુ વર્ષના ચોમાસાનો અષાઢ કોરો ગયો. આસમાની સુલતાનની મરજીથી અજાણ એવા કચ્છીમાડૂને મોટી ચિંતા હતી કે આ વર્ષ પણ કોરું જશે કે શું? મોડી પડેલી ટ્રેનની જેમ આખરે કચ્છમાં છેક શ્રાવણ માસમાં મેઘરાજાની દમદાર પધરામણી થઈ. સ્વભાવ મુજબ કચ્છીજનોએ વરસાદની ઉજવણી કરી. ખેડૂતો ગેલમાં આવી ગયા. હરખથી વાવણીય કરી, પરંતુ વાવણી થયાને માંડ એકાદ-બે દિવસ થયા અને ફરી ફરસાદે યુટર્ન લીધો. ઑગસ્ટના અંત સુધી એકાંતરે વરસાદ પડતો રહ્યો. શ્રીકાર વરસાદ તો પડ્યો, પરંતુ એવા સંજોગોમાં પડ્યો કે જે વાવેતર થયું હતું એ નિષ્ફળ ગયું. વળી જે ખેતરોમાં ઊભું હતું એને પૂરતો ઉઘાડ અને તડકો ન મળવાથી પાંગર્યું નહીં. એમ માનો કે વરસાદે ખેડૂતોને ખેતરમાં જવા જ ન દીધા. એક તો પાછોતરો પાક, એના ઉપર વરસાદની માર. પરિણામે સરેરાશ જે પાક ઊતરવાનો હતો એનાથી ત્રીજા ભાગનો થાય તો ભયો ભયો એવી સ્થિતિ છે. અધૂરામાં પૂરું ભાદરવામાં ત્રણ-ચાર દિવસ કચ્છમાં રોકાઈ ગયેલા વરસાદે ફરી ખેતરો પર હુમલો કર્યો. સમગ્ર કચ્છની અત્યારે સ્થિતિ એવી છે કે ચોમેર લીલોતરી દેખાય છે, જળાશયો પાણીથી છલોછલ છે છતાં ખેડૂતોની આંખોમાં નિરાશા છે. પાછોતરા વરસાદે સિંચાઈથી વાવેલી મગફળી અને કપાસને સૌથી વધારે નુકસાન કર્યું છે. જેઠ માસમાં વાવેલી મગફળી અને કપાસ તૈયાર થવાની આ મોસમ છે. આવા સમયે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી મગફળી સડી ગઈ અથવા જમીનમાં જ ઊગી ગઈ. કપાસનાં ફૂલ અને કાચાં જીડવાં ખરી પડ્યાં. અતિ પાણી અને સૂર્યપ્રકાશના અભાવે કપાસનાં મૂળિયાં સડવા લાગ્યાં. સિંચાઈથી વાવેલા બાજરાનાં ડૂંડાંમાં ભરાયેલા દાણા ઊગી જવાથી અને કાળા પડી જવાથી એ ખળામાં લાવવા યોગ્ય રહ્યા નથી. આ વર્ષે પુષ્કળ વરસાદ હોવા છતાં ખેડૂતો માટે બેવડો માર ખમવાના દિવસો આવ્યા છે.
જોકે તેમ છતાં, કચ્છમાં પડેલો પુષ્કળ વરસાદ અનેક રીતે ઉપકારક નીવડશે. કચ્છમાં છેલ્લાં થોડાંક વર્ષોથી પ્રદૂષણની માત્રા વધી હોવાની બૂમ ઊઠી રહી છે. વરસાદે એકસાથે આવી અનેક સમસ્યાઓ હલ કરી દીધી છે. નદીઓમાં આ વર્ષે ઘોડાપૂર આવ્યાં, પરિણામે પ્લાસ્ટિકનો કચરો અને ગાંડા બાવળનાં બી તણાઈ ગયાં છે. રેતી બનવાની કુદરતી પ્રક્રિયામાં વેગ આવ્યો છે. જાણે વરસાદે આખાય કચ્છની ઇકોલૉજી સિસ્ટમને ફૉર્મેટ મારી ચોખ્ખી કરી દીધી છે. આ વરસાદથી ભૂગર્ભ જળ તો ઊંચાં આવશે જ એ ઉપરાંત જમીનમાં સંઘરાઈ રહેતા ભેજની માત્રા વધવાથી સીમમાં કુદરતી રીતે ઊગતી વનસ્પતિને છેક આવતા ચોમાસા સુધી પૂરતું પોષણ મળવાનું છે. કચ્છની જૈવિક સંપ‌ત્ત‌િ સમૃદ્ધ થશે. સસલાં, હરણ અને એવાં બીજાં ઘાસાહારી પ્રાણીઓ માટે પુષ્કળ ખોરાકીય જથ્થો ઉપલબ્ધ થવાથી એની સંખ્યા વધવાની શક્યતાઓ ઊભી થઈ છે. દૂધાળાં પશુઓ માટે કુદરતી પોષણ એવું ઘાસ છેક માગસર માસ સુધી મળી રહેવાનું છે. પરિણામે પશુપાલકો ઉપર આર્થિક બોજ ઘટવાનો છે. કચ્છના રક્ષિત વનવિસ્તારોમાં ઝાડી ફાલવાથી અને જળાશયો ભરાયેલાં હોવાથી આ વર્ષે કચ્છમાં મધનું ઉત્પાદન પણ ખાસ્સું વધવાનું છે. એક અર્થમાં જરૂર કરતાં વધુ પડેલા વરસાદે ખેતીને નુકસાન જરૂર કર્યું છે છતાં કુદરતી પ્રક્રિયાને એકદમ સક્રિય અને વેગવાન બનાવી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 05:02 PM IST | મુંબઈ ડેસ્ક | માવજી મહેશ્વરી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK